અમદાવાદ, તા. 18 ફેબ્રુઆરી 2020 મંગળવાર
સિવિલ એન્જિનિયર તરીકે સતત વ્યસ્ત કારકિર્દી પછી કિશોરભાઈને નિવૃત્ત થવું બહુ આકરું લાગ્યું હતું. અન્ય સિનિયર સિટિઝન મિત્રો સાથે ગાર્ડનમાં ચાલવા જવાનો કે સાંજે મંદિરે બેસવા જવાનો ક્રમ શરૂ તો કર્યો પરંતુ એમને બહુ ગોઠ્યું નહીં. એમાં પણ નજીકના બે-ત્રણ મિત્રો પોતપોતાનાં દીકરા-દિકરી પાસે યુએસ, કેનેડા કે ઓસ્ટ્રેલિયા શિફ્ટ થઈ ગયા પછી કિશોરભાઈને સતત પોતે એકલા પડી ગયા હોવાની લાગણી થતી હતી.
એમનો પોતાનો પરિવાર ભર્યોભાદર્યો, પણ પત્ની પૂજાપાઠમાં ને બાકીના પોતપોતાની જિંદગીમાં ને પોતપોતાના સ્માર્ટફોનમાં વ્યસ્ત!
કિશોરભાઈને પોતાને પણ સ્માર્ટફોનનો ચસકો ખરો. ખાસ કરીને યુટ્યૂબ પર એમને જૂનાં ગીતો જોવા બહુ ગમે. એમાં ક્યાંકથી એમને જાણવા મળ્યું કે યુટ્યૂબમાં શેર્ડ પ્લેલિસ્ટ બનાવી શકાય છે. કિશોરભાઈએ મુકેશ અને મહંમદ રફીનાં ગીતોનાં પ્લેલિસ્ટ બનાવ્યાં હતાં, પરંતુ મન્નાડેના એ ખાસ દિવાના. નજીકના મિત્રો પરદેશ સેટલ નહોતા થયા ત્યાં સુધી તો થોડા થોડા સમયે કોઈના કોઈ મિત્રના ઘરે મહેફિલ જામતી અને મન્નાડેનાં જાણ્યાં અજાણ્યાં ગીતો સાંભળવાનો દોર ચાલતો. કિશોરભાઈ એ દિવસો ફરી પાછા લાવવા માગતા હતા.
એમણે યુટ્યૂબમાં મન્નાડેનાં પોતાને ગમતાં ગીતોનું એક પ્લેલિસ્ટ બનાવ્યું અને પછી તેના સેટિંગ્સમાં જઈને નજીકના મિત્રોને તેમાં કોલાબોરેટર તરીકે ઉમેર્યા. હવે કિશોરભાઈની જેમ જ મન્નાડેનાં ગીતોના શોખીન મિત્રો યુએસ-કેનેડાના પોતાના ઘરમાં જ્યારે તક મળે ત્યારે યુટ્યૂબ પર મન્નાડેના ગીતો શોધે છે અને કોઈ જૂનું, પણ હજી અજાણ્યું રહી ગયેલું ગીત મળે તો આ લિસ્ટમાં તેને શેર કરે છે.
કિશોરભાઈએ પોતાની આ નવી આવડત હવે વિસ્તારી છે. હવે તેમણે એન્જિનીયરિંગ અને રોબોટિક્સના અમેઝિંગ વીડિયોનું પ્લેલિસ્ટ બનાવીને પોતાના પૌત્ર સાથે શેર કર્યું છે. દાદા અને પૌત્રને નવી નવી ટેકનોલોજીની વાતો કરવાના અનેક નવા વિષય મળી ગયા છે અને સ્માર્ટફોનને કારણે બંને વચ્ચે વધી રહેલું અંતર સ્માર્ટફોનને કારણે જ પુરાઈ ગયું છે!
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SWuGn9
ConversionConversion EmoticonEmoticon