'નમસ્તે ટ્રમ્પ': યાત્રા ભારતની પણ નીતિ તો 'અમેરિકા ફર્સ્ટ'ની જ


અમેરિકાને ફાયદો થવાની તમામ તકો ટ્રમ્પે ઝડપી લીધી છે જેના પગલે વિશ્વના અનેક દેશોને સહન કરવાનો વારો આવ્યો છે

ટ્રેડ ડીલ નહી થવાના એંધાણ અગાઉથી હતાટ્રમ્પે તેમની ભારત યાત્રાના ગણતરીના દિવસો પૂર્વે ભારત સાથે કોઈ મોટી ટ્રેડ ડીલ થશે નહી તેમ સ્પષ્ટપણે જણાવ્યું હતું. જો કે, આ બાબતના એંધાણ તો અગાઉથી મળી ચૂક્યા હતા. ટ્રમ્પની ભારત યાત્રા અગાઉ ફેબુ્રઆરી માસના પ્રારંભે યુ.એસ. વેપાર પ્રતિનિધિ રોબર્ટ લાઇટાઇઝર ભારત આવવાના હતા. ભારત આવીને તેઓ ટ્રેડ ડીલ અંગેની વિગતોને અંતિમ સ્વરૂપ આપવાના હતા. પરંતુ અમેરિકાએ તે સમયે જ આ મુલાકાત રદ કરી દેતા ટ્રેડ ડીલના મુદ્દાને લઈને અનિશ્ચિતતાનો માહોલ ઉભો થઈ ગયો હતો.

અ મેરિકાના બંધારણ પ્રમાણે જ્યારે કોઈ પ્રમુખ રાષ્ટ્રને નુકસાન થાય એ રીતે કાર્ય કરે એવું લાગે ત્યારે તેમને ઇમ્પિચ કરવાની જોગવાઈ છે. ઇમ્પિચમેન્ટનો અર્થ પદભ્રષ્ટ (પદ પરથી ઉતારી દેવા) થાય છે. અમેરિકાના હાલના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ગત વર્ષના ડિસેમ્બરના મધ્ય ભાગથી ઇમ્પિચમેન્ટની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ કાર્યવાહીના અંતિમ તબક્કામાં ચાલુ માસના પ્રારંભિક તબક્કામાં અમેરિકી સંસદના ઉપલાગૃહમાં થયેલા મતદાન અંતે ઇમ્પિચમેન્ટની પ્રક્રિયામાં ટ્રમ્પનો વિજય થયા બાદ અમેરિકા સહિતના વિશ્વમાં સૌથી વધુ તાકાતવર નેતા તરીકે ઉભરી આવ્યા બાદ તેઓ આજે અમદાવાદના મહેમાન તરીકે પધારી રહ્યા છે જે ખરેખર એક ગૌરવની બાબત છે. જો કે, તેમની ભારત યાત્રાના બે-ચાર દિવસ પહેલાં જ તેમણે હાલ તુરંત ભારત સાથે ટ્રેડ ડીલ નહીં થાય. તેવું નિવેદન આપતા માંદા અર્થતંત્રને એક આંચકો આપ્યો છે.

'અમેરિકા ફર્સ્ટ'ની નીતિને અનુસરીને કાર્યરત ટ્રમ્પે તમામ મોરચે અમેરિકાને ફાયદો થાય તેવી નીતિ અપનાવીને કામ કરવાની એકપણ તક ગુમાવ્યા વગર અમેરિકાના અર્થતંત્રને વેગીલું બનાવવા કમર કસી હતી. ટ્રમ્પની આ આકરી વેપાર નીતિના કારણે વિશ્વના અનેક દેશોને સહન કરવાનો વારો આવ્યો હતો. ટ્રમ્પની આ કવાયતમાંથી ભારત પણ બાકાત રહ્યું ન હતું. ગત વર્ષે અમેરિકાએ જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ (જીએસપી) હેઠળ ભારતીય નિકાસકારોને મળતા ફાયદા/ લાભ પર બ્રેક મારી દીધી હતી. આ ઉપરાંત ભારતમાં અમેરિકી ચીજ-વસ્તુઓ પર ઉંચી ડયુટી વસુલાતી હોવાનો અણગમો પણ ટ્રમ્પે વ્યક્ત કર્યો હતો.

તો બીજી તરફ તાજેતરમાં જ અમેરિકાએ ભારતને વિકાસશીલ દેશોની યાદીમાંથી બહાર મૂકી દેતા ભારત દ્વારા અમેરિકામાં થતી નિકાસ પ્રક્રિયાને ફટકો લાગ્યો છે.

અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે અમેરિકાની કુલ આયાતમાં ભારતનો હિસ્સો ૧૬ ટકા જેટલો છે. વિતેલા ૨૦૧૮- ૧૯ના નાણાંકીય વર્ષમાં ભારતે અમેરિકા ખાતે ૫૨.૪૨ અબજ ડોલરની નિકાસ કરી હતી. જે તેની અગાઉના વર્ષે ૪૭.૮૮ અબજ ડોલર હતી. આમ, અમેરિકા ખાતે થતી નિકાસમાં ૯ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. આ ઉપરાંત ભારતમાંથી થતી કુલ સોફ્ટવેર નિકાસમાંથી (અંદાજે ૧૫૦ અબજ ડોલર) પણ ૫૦થી ૬૦ ટકા જેટલી નિકાસ અમેરિકામાં થાય છે. તો બીજી તરફ અમેરિકન કંપનીઓ ભારતમાં બેંગાલુરૂ, હૈદરાબાદ, ચેન્નાઈ, પુણે અને ગુડગાંવ ખાતે કાર્યરત છે.

અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રથમ પ્રવાસમાં દેશના ટોચના ઉદ્યોગપતિઓને મળી ચૂંટણીના વર્ષે અમેરિકામાં રોકાણ વધારવાના પ્રયાસ કરશે.  જોકે આ કવાયતની બીજી બાજુ બે દિવસ પહેલા જ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ભારત સામે બળાપો ઠાલવ્યો હતો. ગયા ગુરુવારે ટ્રમ્પે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારતમાં અમેરિકી ચીજો પર ઊંચી ડયૂટી વસુલાય છે. હું આ અંગે મારા મિત્ર સાથે ચર્ચા કરીશ.

 ચાલુ વર્ષે અમેરિકન પ્રેસિડેન્ટની ચૂંટણી છે ત્યારે ટ્રમ્પ રોજગારીના સર્જન અને મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહનરૂપ ચાવીરૂપ બાબતો છે. આમ, પણ તેમણે અમેરિકા ફર્સ્ટની નીતિ અપનાવી છે. 

આ કવાયતની બીજી તરફ અમેરિકાએ તાજેતરમાં ભારતને વિકાસશીલ દેશોની યાદીમાંથી બહાર કરી દીધું છે. તેનો અર્થ એ છે કે ભારત હવે એવા વિશેષ દેશોમાં નહીં રહે, જેમની નિકાસને કાઉન્ટરવેલિંગ ડયુટી (સીવીડી) તપાસમાંથી રાહત મળે છે. સીવીડી હેઠળ નિકાસકાર દેશો અયોગ્ય સબસિડીવાળી નિકાસથી અમેરિકન ઉદ્યોગોને નુકસાન નથી પહોંચાડી રહ્યા ને તેની તપાસ કરવામાં આવે છે. આ યાદીમાંથી ભારત ઉપરાંત બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, હોંગકોંગ, દક્ષિણ આફ્રિકા અને આર્જેન્ટિનાને પણ બહાર કરી દેવાયા છે. જો કે, અમેરિકન તંત્રનું કહેવું છે કે આ યાદી ૧૯૯૮માં બનાવાઈ હતી અને હવે તે અપ્રાસંગિક થઈ ગઈ છે.

ભારતને વિકાસશીલ દેશોની યાદીમાંથી બહાર કાઢવાનું સૌથી મોટું નુકસાન એ છે કે અમેરિકા માટે અત્યંત જરૂરી નફાવાળી જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સીઝ (જીએસપી) યાદીમાં ફેરફારથી આ યાદીમાં સામેલ થવાની ભારતની આશાઓ પર પાણી ફરી ગયું છે. અનેક પ્રકારના ફાયદાવાળી આ યાદીમાં માત્ર વિકાસશીલ દેશોને રાખવામાં આવે છે એટલે અમેરિકાએ ખૂબ જ હોંશિયારીથી ભારતનો આ યાદીમાં સામેલ થવાના રસ્તા જ બંધ કરી દીધા છે. ગયા વર્ષે અમેરિકાએ ભારતને આ યાદીમાંથી બહાર કર્યું ત્યારે ભારતે એવી દલીલ કરી હતી કે જીએસપીના લાભ બધા વિકાસશીલ દેશોને કોઈપણ લેવડદેવડની શરત વિના મળવા જોઈએ અને તેનો ઉપયોગ અમેરિકા તેના વ્યાપારિક હિતોને આગળ વધારવા કરી શકે નહીં.

જો કે, અમેરિકાનું કહેવું છે કે, ભારત હવે જી-૨૦નું સભ્ય બની ગયું છે અને દુનિયાના વેપારમાં તેનો હિસ્સો ૦.૫ ટકાથી વધુ થઈ ગયો છે. જે દેશનો વિશ્વ વેપારમાં ૦.૫ ટકા અથવા તેનાથી વધુ હિસ્સો હોય છે તેને અમે સીવીડી કાયદાની દ્રષ્ટિએ વિકસીત દેશોની શ્રેણીમાં રાખીએ છીએ.

અમેરિકાના આ પગલાથી ભારતીય ઉત્પાદનોની નિકાસે અનેક પ્રકારના અવરોધોમાંથી પસાર થવું પડશે. કોઈ અમેરિકન ઉદ્યોગ લોબી એવો આરોપ લગાવે કે કોઈ ઉત્પાદન ભારત સરકારની સબસીડીને કારણે અમેરિકન હિતોને નુકસાન કરી રહ્યા છે તો તેની તપાસ શરૂ થશે અને તે વસ્તુની અમેરિકામાં નિકાસ ઠપ્પ થઈ જશે. અમેરિકાએ ૨૦૧૮-૧૯માં ભારતને ૬.૩૫ અબજની નિકાસ વસ્તુઓને જીએસપી હેઠળ મૂકી હતી. જો કે, અમેરિકામાં કુલ ભારતીય નિકાસ ૫૧.૪ અબજ ડોલર થઈ હતી, પરંતુ જીએસપી ખતમ થવાથી ભારતના જ્વેલરી, લેધર, ફાર્મા, કેમિકલ અને કૃષિ ઉત્પાદનોની નિકાસમાં મુશ્કેલી ઉભી થશે.

આર્થિક નિષ્ણાતોના મત મુજબ અમેરિકાએ જીએસપી યોજના હેઠળ ભારતને મળતા લાભ બંધ કરવાની સાથે જ અમેરિકા- ભારત વચ્ચેના સૂચિત ૧૦ અબજ ડોલરના મેગા ડીલ સામે પ્રશ્નાર્થ ઉભો થવા પામ્યો છે. ઉપલબ્ધ માહિતી મુજબ અમેરિકા કૃષિ અને ફાર્મા ઉત્પાદનો માટે ભારતનું બજાર ખોલી શકે છે. જો કે, અમેરિકા ફાર્મા ઉત્પાદનો માટે હંમેશા ભારતની બૌદ્ધિક સંપત્તિ સુરક્ષા કાયદાનો વિરોધ કરતું આવ્યું છે. આમ પણ, અમેરિકા ખાતેના સોદાથી દ્વિપક્ષીય અને બહુપક્ષીય વેપાર વાટાઘાટોમાં ભારતની સ્વાયત્તતાને ભારે આડઅસર થઈ શકે છે. અમેરિકા ભારત સહિતના અન્ય વિકાસશીલ દેશો સાથેની વેપાર વાટાઘાટોમાં વિશેષ સવલત આપવાથી દૂર જ રહેશે તેમ નિષ્ણાતોનું માનવું છે.

ટ્રમ્પની ભારત યાત્રા પૂર્વે જ તેમણે ભારત પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ભારત અમેરિકા સાથે સારો વ્યવહાર નથી કરતું હાલની આ મુલાકાત દરમ્યાન બંને દેશો વચ્ચે વેપારને લગતી કોઈ સમજૂતી નહીં થાય. આગામી ચૂંટણી બાદ જ આ મુદ્દે નિર્ણય લેવાશે. અમેરિકા ફર્સ્ટની નીતિને ધ્યાનમાં રાખી ટ્રમ્પ દ્વારા લેવાયેલા નિર્ણયોથી ભારત અમેરિકા વચ્ચે તણાવ વધ્યો છે. તેમાં વળી ભારત યાત્રા દરમિયાન ટ્રમ્પના આ નિવેદનથી દેશના આર્થિક માળખાને વધુ એક આંચકો આપ્યો છે. આમ, ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમણે અપનાવેલ નીતિથી ભારતને સરવાળે તો નુકસાન જ થયું છે.

જુનમાં કાઝીકીસ્તાન ખાતે ડબલ્યુટીઓની (વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન) ૧૨મી પ્રધાન સ્તરની બેઠકમાં અમેરિકા તેની માગણીને વળગી રહેશે ત્યારે ભારતને પણ પોતાની વાતને વળગી રહેવા લીટમસ ટેસ્ટમાંથી પસાર થવું પડશે. ડબલ્યુટીઓમાં બહુપક્ષીય વેપાર નિયમોમાં પરિવર્તન લાવવા ભારતના પ્રેશર સામે અમેરિકા પણ પોતાનું પ્રેશર કામે લગાડશે. અહીં મહત્ત્વનો પ્રશ્ન એ છે કે શું અમેરિકાના પ્રેશરનો સામનો ભારત કરી શકશે ?



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Tm58QX
Previous
Next Post »