ખંભાતમાં થયેલા છમકલા બાદ પોલીસ દ્વારા કુલ 102 શખ્સોની અટકાયત કરાઇ


આણંદ, તા.28 ફેબ્રુઆરી 2020, શુક્રવાર

ગત તા.૨૩મી ફેબુ્રઆરી, ૨૦૨૦ના રોજ ખંભાતમાં થયેલ બે જૂથ વચ્ચેની અથડામણ બાદ ત્રણ દિવસ સુધી ખંભાત શહેરમાં વિવિધ સ્થળોએ તોફાનો તેમજ છમકલાનો દોર ચાલુ રહેવા પામ્યો હતો. જો કે ખંભાત શહેરમાં થયેલ તોફાનો અને છમકલા પગલે પોલીસ તાત્કાલિક અસરથી હરકતમાં આવી જઈ છેલ્લા બે દિવસથી નોંધાયેલ ફરિયાદોમાં સંડોવાયેલ શખ્શોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

 જે અંતર્ગત પોલીસે તોફાનો સંદર્ભે દાખલ કરવામાં આવેલ અલગ-અલગ ગુનાઓમાં કુલ ૧૦૨ જેટલા આરોપીઓની ધરપકડ કરી હોવાનું ડીવાયએસપી ભારતીબેન પંડયાએ જણાવ્યું છે.આ અંગે ખંભાત ખાતે પત્રકારોને સંબોધતા ડીવાયએસપી ભારતીબેન પંડયાએ જણાવ્યું હતું કે ખંભાત ખાતે ગત તા.૨૩મીના રોજ થયેલ જૂથ અથડામણ બાદ છેલ્લા બે દિવસથી જનજીવન થાળે પડતું જાય છે. જો કે પોલીસે ખંભાત ખાતે થયેલ કોમી તોફાનો સંદર્ભે અલગ-અલગ ગુનાઓ નોંધી તે અંગે સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા માટેની ગતિવિધિ તેજ કરી દીધી હતી. 


જે અંતર્ગત ખંભાત પોલીસે જુદા-જુદા ગુનાઓમાં સંડોવાયેલા કુલ ૧૦૨ જેટલા આરોપીઓને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધા હોવાનું જાણવા મળેલ છે. વધુમાં ડીવાયએસપી ભારતીબેન પંડયાએ જણાવ્યું હતું કે હજુ આ ગુનામાં સંડોવાયેલ અને ફરાર થઈ ગયેલ શખ્શોને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ટેકનીકલ સર્વેલન્સ ટીમની મદદ લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. જે માટે પાંચ ટીમો દ્વારા અલગ અલગ દિશામાં તપાસ આગળ વધારી ફરાર થઈ ગયેલ આરોપીઓને ઝડપી પાડવા માટે ગતિવિધિ તેજ કરી છે.

જો કે બીજી તરફ ખંભાત ખાતે થયેલ કોમી તોફાનો દરમ્યાન હિન્દુ જાગરણ મંચના નેતાઓ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે સંદર્ભે હિન્દુ જાગરણ મંચના નેતાઓ દ્વારા તેઓ વિરૂધ્ધ ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો હતો. જે સંદર્ભે ડીવાયએસપીને પૃચ્છા કરતા તેઓએ જણાવ્યું હતું કે હિન્દુ જાગરણ મંચના નેતાઓ વિરૂધ્ધ જાહેરનામાના ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ૧૪૪ની કલમ લાગુ હોવા છતાં કોઈપણ જાતની પરવાનગી લીધા વગર તેઓએ આહ્વાહન કરી ટોળાને એકત્રિત કર્યા હતા.

જેથી વાતાવરણમાં અશાંતિ ફેલાઈ હતી અને આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પરત ફરી રહેલ ટોળાના કેટલાક શખ્શોએ મોચીવાડ ખાતે બે દુકાન તેમજ મકાનો અને વાહનોમાં આગચંપી કરતા મામલો વધુ વણસ્યો હતો. જો કે આ સમગ્ર મામલે પુરાવાઓ એકત્ર કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ તેઓએ ઉમેર્યું હતું.  વધુમાં તેઓએ જણાવ્યું હતું કે એક મહિના પહેલા થયેલ કોમી તોફાનોમાં સંડોવાયેલ અને શરતી જામીન ઉપર છુટેલ શખ્શોને પણ જો તેઓએ શરતોનો ભંગ કર્યો હશે તો તેમની વિરૂધ્ધ કાર્યવાહી કરાશે.

ખંભાત શહેરમાં ફાટી નીકળેલ તોફાનો દરમ્યાન ૨૩ જેટલા શખ્શો ઈજાગ્રસ્ત થયા છે અને ૯ જેટલા પોલીસકર્મીઓ પણ ઘવાયા છે. જો કે એક પોલીસ જવાનને ટોળા ઘેરી લઈ માર મારતા તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળેલ છે. પોલીસે સોશ્યલ મીડીયામાં પણ વિવિધ વીડીયો તેમજ ઓડીયો ક્લીપ વાયરલ કરી અફવાઓ ફેલાવતા તત્વો સામે પણ કડક પગલાં ભરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uFQ8oD
Previous
Next Post »