
(માગસર સુદ ૧૧, ગીતા જંયતિ)
પાંચ હજાર પૂર્વે વેદવ્યાસજીએ રચેલા'મહાભારત'નાં એક ભવ્ય અંશ 'ભગવદ્ ગીતા'માં મનુષ્યનાં અંતરનાં અવાજનું અદ્ભૂત આલેખન છે. જે મહાભારતમાં નથી, તે જગતમાં ક્યાંય નથી.
ભગવદ્ ગીતામાં કેન્દ્રમાં કર્મનો સિધ્ધાંત છે, જે સૂચવે છે,'નિષ્કામ કર્મ વિના સિદ્ધિ શક્ય નથી. જેમાં કર્મના ફળનો વિચાર કરવામાં આવતો નથી. તેને તો જીવન વિજ્ઞાાન કહી શકાય. નિશંક, ભગવાન શ્રી કૃષ્ણને વિશ્વનાં પ્રથમ માનસ શાસ્ત્રી છે, કેમ કે ગીતા એ મનનું જ શાસ્ત્ર છે. ગીતાનાં ગ્રંથની સમ્રગતા કર્મફળ ત્યાગની આસપાસ સમાયેલી છે. આ 'ગીતા-વિજ્ઞાાન'નાં મધ્યવર્તી વિચારમાં કર્મ, ભક્તિ, જ્ઞાાન, માનવ ધર્મ છે. જ્યાં જીવ છે, દેહ છે, ત્યાં કર્મ તો હોવાનું જ.આમાંથી કોઈ મુક્ત થઈ શક્યું નથી.
અને કર્મ છે. ત્યાં ફળ હોવાનું જ. આવા કર્મના બંધનમાંથી મુક્ત થવાનો મનો વૈજ્ઞાાનિક જવાબ શ્રીકૃષ્ણે ભગવાને ભગવદ્ગીતામાં આપ્યો છે. તેઓ એ સ્પષ્ટ કહ્યું છે કે, અનાસક્ત ભાવથી, સાક્ષીભાવમાં સમતામાં સ્થિર થઈને તથા અહંકાર રહીતને નિષ્કામ કર્મ કરો. એટલે કે યથાર્થ કર્મ કરો. અહીં યથાર્થ કર્મ એટલે કર્મફળનો ત્યાગ. આ ત્યાગનો અર્થ થાય છે, કાર્ય- કારણનાં શુભ પરિણામની આશા, અપેક્ષા, તૃષ્ણા વગેરેમાંથી મુક્ત થઈને કર્મ કરતા રહેવું. એટલે કે જીવન અનુસાર કર્મ કરવું. આ પ્રમાણે જીવનમાં જવાબદારી નિભાવવાથી જે કંઈ પરિણામ આવે તેને સ્વીકારવાનું રહ્યું. આમ કરવાથી માનસિક શાંતિ જળવાઈ રહેશે. વ્યર્થ વિચારોથી બચી શકાશે, આ છે ગીતાનું જીવન વિજ્ઞાાન.
આવા અનાસક્તિ ભાવ, સાક્ષીભાવ, સમતાભાવમાં સ્થિરતા અને અહંકાર, રાગદ્વેષ રહિતનાં અને કર્મ-ફળ ત્યાગની વાત કહેવાથી ક્યારેય પ્રાપ્ત થતા નથી, આ કેવળ બુધ્ધિની કસરત નથી. ગીતાનાં પાયાનાં વિચારો પહેલાં સમજવા પડે, ત્યારે જ તે સાચા આચરણમાં પરિવર્તીત કરી શકાય. 'ભગવદ્ ગીતા'માં જ્ઞાાન સાથે ભક્તિનું સુંદર મિશ્રણ જોવા મળે છે. પરમાત્માની ભક્તિ કરનાર વ્યકિત પાસે કોઈ પ્રત્યે રોષ, દ્વેષ, ઇર્ષ્યા, નિંદા, ટિકા કરવાનો ખોટો સમય નહીં હોય. તેનામાં સમતાનો સ્વભાવ પૂરેપૂરો વિકસિત થયો હશે. એટલે કે તેના મન પર સુખ દુ:ખ, લાભ- નુકશાન, નિંદા- ખોટી પ્રશંસા કીર્તિ, અપકીર્તિ, પ્રશંસા- નિંદાની અસર થતી નથી.
આવા સંપૂર્ણ સમભાવી સ્વભાવનાં કેવા હોય ? જેનામાં કરુણાભર્યું હૃદય હોય, અહંતા- મમતાથી તદ્દન મુક્ત હોય, જે ક્ષમાશીલ હોય, સંતોષી જીવ હોય, જે પોતાનાં નિશ્ચય પર અટલ રહે, જેમણે પોતાના તન-મન-ધનથી જીવનને પરમેશ્વરને અર્પણ કર્યું હોય, જે હર્ષ-શોકથી મુક્ત હોય, જે પોતાનાં પવિત્ર, કાર્યદક્ષ અને તટસ્થ ભાવમાં સ્થિર રહે, જેમણે શુભા-શુભનો સંપૂર્ણ-ત્યાગ કર્યો હોય, જે શત્રુ અને મિત્ર સાથે સમાન વ્યવહાર-વર્તન કરતો હોય.
જે ધન-સંપત્તિ, પ્રતિષ્ઠા પદ, પ્રચારનાં પ્રપંચોથી મુક્ત હોય, જેમણે આંતરિક સાધના દ્વારા મન, બુદ્ધિને વાસના પર સંયમ કેળવ્યો હોય, એને જ પરમેશ્વરનાં સાચા ભક્ત કહી શકાય. જેનું વર્ણન ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં કર્યું છે. આવા સમભાવી ભક્ત જ આત્મજ્ઞાાન, આત્મદર્શન પ્રાપ્ત કરી શકે છે. જેમણે કર્મફળના ત્યાગની ભાવના પોતાના જીવનમાં કેળવવાની રહી, પરમેશ્વરની કૃપા પૂર્ણ સમતાભાવી, સ્થિતપ્રજ્ઞા ભક્ત પર ઉત્તરે છે. ભગવદ્ગીતાનો કેન્દ્રવર્તી વિચાર છે, નિષ્કામકર્મ, જેના વિના કોઈ સિદ્ધિ પ્રાપ્તિ શક્ય નથી. આમ 'ભગવદ ગીતા' એ ધર્મ અને સંપ્રદાયના વાડાથી પર રહીને માનવજીવનનાં મૂલ્યો સમજાવતો વૈશ્વિક ગ્રંથ છે. જેનો સંદેશો શાશ્વત છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/362ZBTR
ConversionConversion EmoticonEmoticon