ભગવાન અને સંતના આશીર્વાદ વિના, શાંતિ પ્રાપ્ત થતી નથી.


જ્યાં સુધી આ જીવ ભગવાન કે સાચા સંતના શરણે જતો નથી. ત્યાં સુધી સુખ શાંતિ દસ ગાઉ  દૂરને દૂર જ રહે છે. શાશ્વત શાંતિ ભગવાન અને સંતની પાસે જવાથી જ મળે છે.

આ દુનિયાના સૌ કોઈ માણસની એક ઇચ્છા હોય છે કે, તેને સુખ- શાંતિ પ્રાપ્ત થાય. પોતાનો એક પરિવાર હોય, રહેવા માટે સારું મકાન હોય, સારી રીતે પોતાની જીવન જરુરીયાતની વસ્તુઓ મળી રહે. આર્થિક રીતે થોડી સધ્ધરતા પ્રાપ્ત થાય, પોતાનું અને પરીવારના સભ્યોનું સ્વાસ્થ્ય સારું હોય, આવી અનેક વિધ આશાઓ સૌ કોઈને હોય છે. પરંતુ દરેક માણસની આવી આશાઓ ફળીભૂત થતી નથી. 

ઘણા માણસો પોતાના ક્ષેત્રમાં સફળતાના શિખરો સર કરતાં હોય છે.  આર્થિક રીતે બધી વસ્તુઓ પ્રાપ્ત થઈ ચૂકી હોય છે.   છતા પણ આવા કેટલાય માણસોની ફરીયાદ હોય છે કે, તેમને શાંતિ નથી. જીવનમાં ખાલીપો લાગે છે. આ જીંદગીથી તેમને સંતોષ નથી...

તો આપણને સ્વભાવિક પ્રશ્ન થાય કે, આમ કેમ ? બધી જ સંસારની વસ્તુઓ મળવા છતા સુખ કેમ નથી ? તો કારણ સ્પષ્ટ છે. તેમને ભગવાનની અને સંતની પ્રાપ્તિ થઈ નથી. સત્સંગનો આસ્વાદ તેમને માણ્યો નથી. તેથી તેમને અધૂરપ લાગે છે. જીવનમાં કાંઈક ખુટે છે તેવું સદાય લાગતું રહે છે. 

ટૂંકમાં, વાત એટલી જ છે કે, જ્યાં સુધી આ જીવ ભગવાન કે સાચા સંતના શરણે જતો નથી. ત્યાં સુધી સુખ શાંતિ દસ ગાઉ  દૂરને દૂર જ રહે છે. શાશ્વત શાંતિ ભગવાન અને સંતની પાસે જવાથી જ મળે છે.

તમોએ એલ્વીસ પ્રેસલીનું નામ સાંભળ્યું હશે ? તેઓને મ્યુઝીકના રાજા કહેવામાં આવતા હતા. તેઓ ૫૦ કરોડ ડોલર પોતાની આવડતથી કમાયા હતા. ૨૧ વર્ષની ઉંમરે તેમની પાસે પ્રાઈવેટ ૭૪૭ જેટ હતું.

૭ હીરા જડીત લીમોઝીન કાર હતી. તેઓ પ્રોગ્રામ આપે ત્યારે તેમને હજારો માણસ સાંભળવા માટે આવતા હતા. દરરોજ લગભગ ૨૦૦ માણસો ઘરની બહાર તેના દર્શન માટે ઉભા રહેતા હતા. કદાચ થઈ જાય એવી આશાએ. કોઈપણ દેશના પ્રેસીડેન્ટ અમેરીકા જાય, તો તેને ઝંખના રહેતી હતી, એલ્વીસ પ્રેસલીને મળવાનો ચાન્સ પ્રાપ્ત થઈ જાય તો સારું. એમના પ્રોગ્રામમાં તે પોતે પહેરેલું જેકેટ ઉડાડે ત્યારે એક એક ટુકડા માટે- પડાપડી થાય- અંદરો અંદર બધા ઝઘડે.. એવો એનો લોકોને મહિમા હતો.

છતાય... એક દિવસ તેમણે તેમના મિત્રે કહ્યું કે, મને બહુ જ એકલતાનો અનુભવ થાય છે અને હું આ જિંદગીથી કંટાળી ગયો છું.

અંતે ૩૩ વર્ષની ઉંમરે તા.૧૫-૮-૧૯૭૭ ના રોજ તેઓ ૪૦ ઉંઘની ગોળી ખાઈને સૂઈ ગયા- હજુ ઉઠયા નથી.

તેમને આપઘાત કેમ કરવાનો વારો આવ્યો ? આખી દુનિયાને તે હસાવે આનંદ કરાવે અને પોતાને આનંદ જ નહિ ? તો શો અર્થ ? કેમ તેમના જીવનમાં આમ,બન્યું.

સત્સંગ ન હોતો. ભગવાન અને સંતનું શરણું નહોતું તેમની પાસે, તેથી શાશ્વત શાંતિ તેમની મળી નહીં.

સુખ સંપત્તિ કે સુંદરીમાં નથી. જો હોત તો તેમણે આત્મહત્યા ન કરી હોત.

હવે, આપણે થોડું વિચારીએ, એલ્વીસપ્રેસલીની સામે જેમણે જેમણે ભગવાન અને સંતનું સ્વીકાર્યું  છે, તેમનું જીવન નિહાળો, તેમને કેવી દિવ્ય શાંતિ પ્રાપ્ત થઈ હતી ? કેવી મસ્તીમાં તેવો જીવતા હતા. હર્ષ શોક તેમનાથી લાખો ગાઉ દૂર રહેતા હતા.

તમે મીરાબાંઈનું જીવન જોવો. એ પણ ગીત ગાતા હતા.  કેવી મસ્તી હતી ?

સ્વામિનારાયણ સંપ્રદાયના સદ્ગુરુ શ્રી પ્રેમાનંદસ્વામીને જુઓ ? તેઓ પણ કવિ હતા ? તેઓ જ્યારે ગાતાં હતા ત્યારે, તેમનું કીર્તન જે સાંભળે તે સ્તબ્ધ થઈ જતા. વાતાવરણ આખું બદલાઈ જતું. અનેકને શાંતિની અનુભૂતિ થતી હતી.

શ્રી સ્વામિનારાયણ ભગવાન પણ તેમનું ગાન સાંભળીને પ્રસન્ન થતાં અને બાથમાં ઘાલીને તેમને ભેટતા હતા. તેમણે બનાવેલ વધું સહજાનંદ રસરુપ ના પદો સાંભળીને શ્રી સ્વામિનારાયણ ભગવાન ખૂબ જ પ્રસન્ન થયા હતા. આજેય એ પદો સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક મંદિરોમાં અને સ્તસંગીઓના ઘરોઘર નિત્ય ગવાય છે.

એલ્વીસ પ્રેસલી અને શ્રી પ્રેમાનંદસ્વામીમાં આટલો બધો કેમ ફેર પડયો ?

આજે ઘણા માણસો મીરાબાઈ અને શ્રી પ્રેમાનંદસ્વામી ઉપર પી.એચ.ડી કરે છે, તેમાંથી પૈસા કમાય છે. અને આખું કુટુંબ પ્રેમથી આજીવિકા રળે છે. પેલો પ્રેસલી ડુબી ગયો- આત્મહત્યા કરવી પડી, કેમ આમ થયું ?

ભગવાન અને સંતની જેની શરણાગતિ સ્વીકારી હોય. તેમના આશીર્વાદ સાંપડયા હોય. તેવી સંતો ભક્તોને અહોનિશ આનંદ આનંદને આનંદ હોય છે. તેમના જોગમાં જે આવે તેને પણ દિવ્ય આનંદની અનુભૂતિ થાય છે.

આપણે પણ દિવ્ય આનંદની અનુભૂતિ કરવી હોય, શાશ્વત શાંતિ પામવી હોય તો, ભગવાન અને સંતનું સ્વીકારવું. તેમના આશીર્વાદ આપણા ઉપર ઉતરે તેવું જીવન જીવવું જોઈએ.

- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/360XzDM
Previous
Next Post »