
ડાયાબિટિસ અને હાઈપર ટેન્શન કિડનીની બીમારી થવાના પ્રમુખ કારણો છે. ડાયાબિટિસને કારણે સમગ્ર શરીરની રક્તવાહિનીઓને નુકસાન પહોંચે છે
સામાન્ય રીતે તમે કોઈપણ કારણસર તબીબની મુલાકાત લો ત્યારે તમને તેઓ એક પ્રશ્ન અચૂક પૂછે 'તમને ડાયાબિટિસ, હાઈ બ્લડ પ્રેશર, હાઈપર ટેન્શન જેવી કોઈ બીમારી છે?' જો તમે ના પાડો તો તમને એમ પણ પૂછવામાં આવે કે શું તમે તેની તપાસ કરાવી છે ખરી? તેમાંય કોઈ શસ્ત્રક્રિયા કરવાની હોય ત્યારે કે પછી એકાદ દાંત પડાવવાનો હોય તોય આ સવાલ સૌથી પહેલા પૂછવામાં આવે. તેનું કારણ એ છે કે ડાયાબિટિસ, હાઈબ્લડ પ્રેશર અને હાઈપર ટેન્શન અનેક બીમારીઓના જનક ગણાય છે.
આવી વ્યાધિઓમાંની એક છે. કિડનીની બીમારી. વર્ષ ૨૦૧૫ના 'ગ્લોબલ બર્ડન ઓફ ડિસિસ' (જીબીડી) ના અહેવાલ મુજબ ભારતમાં વિવિધ બીમારીઓને કારણે થતા મોતમાં ક્રોનિક કિડની (મૂત્રપિંડ) ડિસિસ આઠમા ક્રમે આવે છે. આવી સ્થિતિમાં તમારી કિડની સુચારું રીતે કામ કરી શકે તેના માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તેની માહિતી આપતાં નિષ્ણાત તબીબો કહે છે......
ડાયાબિટિસ અને હાઈપર ટેન્શન કિડનીની બીમારી થવાના પ્રમુખ કારણો છે. ડાયાબિટિસને કારણે સમગ્ર શરીરની રક્તવાહિનીઓને નુકસાન પહોંચે છે અને તેની અસર કિડની , આંખો, હૃદય, પગની પાનીના ચેતા તંતુઓ અને મગજ પર થાય છે. જ્યારે બ્લડ પ્રેશરને કારણે રક્તવાહિનીઓ જાડી થઈ જવાથી કિડની સહિતના શરીરના ઘણાં ભાગોમાં પૂરતાં પ્રમાણમાં લોહી પહોંચતું નથી અને દેહના જે હિસ્સાને પૂરતું લોહી ન મળે તેને સ્વાભાવિક રીતે જ હાનિ પહોંચે છે. બહેતર છે કે ૪૦ વર્ષની વય પછી વર્ષમાં એક વખત ડાયાબિટિસ અને બ્લડ પ્રેશરની તપાસ કરાવી લો.
આપણા દેશમાં મધુપ્રમેહ અને ઉચ્ચ રક્ત ચાપના દરદીઓની સંખ્યા ઝપાટાભેર વધી રહી છે તેથી ચાળીસી પછી રોજિંદા આહારમાં ખાંડ અને નમક ઓછા કરી નાખવા સલાહભર્યાં છે. જો તમે સાવ ઓછા નમક અને ખાંડથી ન ચલાવી શકતા હો તો તેનું પ્રમાણ વત્તા ઓછા અંશે પણ ઘટાડવું જોઈેએ. સાથે સાથે તેલ પણ સપ્રમાણ જ લેવું. તળેલા ખાદ્ય પદાર્થો લેવાનું ટાળવું.
મોટાભાગના લોકોને બ્લડ પ્રેશર કેટલું હોેવું જોઈએ તેની ચોક્કસ માહિતી નથી હોતી. તેના વિશે માહિતી આપતાં નિષ્ણાત તબીબો કહે છે કે ડાયાબિટિસ તેમ જ બ્લડ પ્રેશરની સમસ્યા ધરાવતા દરદીઓને એ વાત ખાસ ધ્યાનમાં લેવી જોઈએ કે ઉપરનું બ્લડ પ્રેશર ૧૩૦ થી ૧૪૦ વચ્ચે અને નીચેનું ૮૦ સુધી હોવું જોઈએ. જ્યારે ફાસ્ટિંગ બ્લડ શુગર ૧૧૦થી નીચે હોવું જોઈએ. ફાસ્ટિંગ શુગરની તપાસણી ઉપરાંત જમ્યા પછી બે કલાકે કરવામાં આવતી તપાસમાં બ્લડ શુગરનું સ્તર ૧૪૦ થી ૧૫૦ સુધી પહોંચે છે. પણ બાકીના સમયમાં બ્લડ શુગર ૧૪૦ થી ૧૫૦ ની નીચે જ હોવું જોઈએ. આનો સીધો અર્થ એ થયો કે રેન્ડમ બ્લડ શુગર ૧૪૦ થી નીચે જ આવવું જોઈએ.
તમારા જનનાંગો સ્વચ્છ રહે તે અત્યંત આવશ્યક છે. આનું કારણ સમજાવતાં તબીબો કહે છે કે યુરિનરી ટ્રેક ઈન્ફેક્શન (યુટીઆઈ) પણ કિડનીના રોગનું કારણ બની શકે છે. તેમાંય મહિલાઓમાં યુટીઆઈ થવાનું જોખમ વધારે રહે છે. વાસ્તવમાં સ્ત્રીઓનો મૂત્રમાર્ગ સાવ નાનો હોવાથી ગુદામાંથી અતિસૂક્ષ્મ જીવાણુઓ મૂત્રમાર્ગમાં સહેલાઈથી પ્રવેશી શકે છે. આ સિવાય આજે પણ આપણા દેશમાં શૌચાલયોના અભાવે મહિલાઓ લાંબા કલાકો સુધી પેશાબ રોકી રાખે છે.
ગંદકીથી ખદબદતાં શૌચાલયો પણ પુરૂષોની તુલનામાં સ્ત્રીઓને વધુ અસર કરે છે. આ બધા કારણોસર મહિલાઓમાં યુટીઆઈ થવાનું જોખમ મોટા પ્રમાણમાં રહે છે. જો કોઈ સ્ત્રીને પેશાબ કરતી વખતે મૂત્રમાર્ગમાં બળતરા થાય, તાવ આવે તો તે યુટીઆઈની શિકાર બની હોઈ શકે. આ સમસ્યામાંથી બચવા સ્વચ્છ શૌચાલયોનો જ ઉપયોગ કરવો, જનનાંગો, સ્વચ્છ રાખવા. આમ છતાં જો તમે યુટીઆઈના ભોગ બનો તો તરત જ તેની સારવાર લેવી.
પથરી પણ કિડની રોગનું એક કારણ બની શકે. જે લોકો પૂરતું પાણી ન પીતાં હોય તેમને પથરી થવાની શક્યતા વધારે રહે છે. પથરીને કારણે મૂત્રનલિકામાં અવરોધ પેદા થાય છે જે છેવટે કિડની પર દબાણ આણે છે. તેને કારણે કિડની રોગને નોતરું મળે છે. પથરીને કારણે કિડનીના ભાગમાં ઘર્ષણ થવાથી પણ કિડની નુકસાન પામે છે. તદુપરાંત પથરીને કારણે પેશાબમાં ચેપ લાગવાની ભીતિ પણ રહે છે. બહેતર છે કે પુષ્કળ પ્રમાણમાં પાણી પીઓ, નમક ઓછું લો, પ્રોટીન અને ફાઈબરયુક્ત આહાર લો અને પથરી થવાનું જોખમ ટાળો.
જો તમને પગના તળિયામાં સોજા ચડે તો તમારી કિડનીમાં સમસ્યા સર્જાઈ હોઈ શકે. નિષ્ણાત તબીબો કહે છે કે ગુમેરલોનેફ્રાઈટિસનો શિકાર બનેલી વ્યક્તિના પગના તળિયામાં સોજા આવી શકે. આ રોગમાં કિડનીમાં રહેલા ગળણી જેવા અવયવમાં સોજા આવે છે. આ અવયવ જ શરીરમાંથી વધારાના પ્રવાહી, ઈલેક્ટ્રોલાઈટિસ અને રક્તવાહિનીઓમાંના નકામા પદાર્થોને પેશાબ વાટે બહાર ફેંકવાની કામગીરી બજાવે છે. જો પ્રારંભિક તબક્કામાં જ તેનું નિદાન થઈ જાય તો તેમાંથી સાજા થઈ શકાય છે. પરંતુ જો દરદીને ત્રણેક મહિના સુધી તેની જાણ ન થાય તો કિડની કાયમ માટે નુકસાન પામે છે.
આ સ્થિતિ ટાળવા દર વર્ષે એક વખત પેશાબની તપાસ કરાવી લેવી હિતાવહ લેખાય. જો પેશાબની તપાસમાં પેશાબ વાટે અસામાન્ય પ્રમાણમાં પ્રોટીન ફેંકાતું જણાય તો તે આ વ્યાધિને ઈંગિત કરે છે. જો પેશાબની તપાસના રિપોર્ટમાં પ્રોટીન કાઉન્ટ, 'ટ્રેસ' આવે તો ચિંતાનું કોઈ કારણ નથી રહેતું. પરંતુ જો તેમાં પ્રોટીનનું સ્તર ૨+ કે ૩ + આવે તો ત્વરિત તમારા તબીબનો સંપર્ક કરો.
- વૈશાલી ઠક્કર
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2rwTBUH
ConversionConversion EmoticonEmoticon