હૃદયરોગ પર આયુર્વેદની અક્સીર અસર


આજે જે વિષય પર ચર્ચા કરવા જઇ રહ્યાં છીએ તે રોગ મોટા ભાગે ૫૦-૬૦ વર્ષ પછી ઘણાં બધા દર્દીઓમાં જોવા મળતો હોય છે, તે રોગનું નામ છે, ''હૃદયરોગ''. હૃદયરોગ ઉપર આયુર્વેદની અસર ખૂબ અસરકારક રહી છે. હૃદયના સ્વાસ્થય પ્રત્યે આપણે ઘણીવાર બેકાળજીપૂર્વક વર્તતા હોઇએ છીએ. પરિણામે હૃદયની અનેક બિમારીઓનો ભોગ બનીએ છીએ.

પુરુષ દર્દીઓમાં વધારે જોવા મળતો આ રોગ આજનાં સમયમાં મહિલા દર્દીઓમાં પણ વ્યાપક રૂપે જોવા મળતો થઇ ગયો છે. હૃદય એ શરીર માટે બહુ જ અગત્યનું અંગ છે. હૃદય બે સેકન્ડ માટે પણ વિશ્રામ લે તો, આપણે જીંદગીથી વિશ્રામ લઇ લેવો પડે. હૃદયરોગ ઉપર આયુર્વેદ ખૂબ કારગત નીવડયું છે. આજે કેટલાંક એવા ઔષધો વિશે પણ ચર્ચા કરીશું કે, જે સમયસર લેવાથી આ રોગથી જીંદગીભર મુક્ત રહી શકાય છે.

હૃદયરોગનાં કારણોની ચર્ચા કરીએ તો અતિ માનસિક તનાવ, ચિંતા, ભાગ-દોડભર્યું જીવન, અતિ ચરબીયુક્ત આહાર જેવા કે, ઘી, તેલ, માખણ, વગેરેનો વધુ પડતો ઉપયોગ, વધુ પડતો શ્રમ, હાઇ બ્લડપ્રેશર, ડાયાબિટીસ વગેરેનાં કારણે આ રોગ થવાની સંભાવનાઓ વધી જાય છે. આ ઉપરાંત ધુમ્રપાન, તમાકુસેવન, મદ્યપાન, માંસાહાર વગેરેનું સેવન કરનાર વ્યક્તિમાં સામાન્ય માણસ કરતાં હૃદયરોગ થવાની સંભાવના ૭૫% જેટલી વધારે હોય છે. ઘણીવાર સ્ત્રીઓમાં વારંવાર કરવામાં આવતો ગર્ભનિરોધક દવાઓનો ઉપયોગ બ્લડપ્રેશરને વધારે છે. જેથી આવી સ્ત્રીઓમાં હૃદયરોગનાં હુમલા આવવાની શક્યતાઓ વધારે જોવા મળે છે.

હૃદયરોગ થાય તે સમયે દર્દીમાં કેટલાંક લક્ષણો જોવા મળે છે, જેમ કે, હૃદયરોગનાં હુમલા વખતે હૃદયપ્રદેશ પર તીવ્ર પીડા થાય છે. પીડા એટલી બધી હોય છે કે રોગી તે સહન કરી શકતો નથી. ઘણીવાર હૃદયપ્રદેશમાં પીડા ન થતાં વામ હસ્તપ્રદેશની પીડાનો આરંભ થાય છે, અને ધીમે-ધીમે પીડા વધતી જાય છે. પીડાના કારણે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. પરિણામે દર્દી મરણાસન્ન અવસ્થામાં આવી જાય છે. આ રોગ અચાનક જ શરૂ થાય છે અને હુમલો તીવ્ર રૂપ ધારણ કરી લે છે.

હાર્ટ એટેકનાં પ્રથમ હુમલા સમયે દર્દી જો બચી જાય તો કેટલાંક દિવસ કે મહિનાઓ પછી હૃદશૂલનો બીજો હુમલો આવવાની સંભાવના પણ રહે છે. હૃદશૂલનો ત્રીજો હુમલો બીજા હુમલાની તુલનામાં વધારે તીવ્ર અને જલ્દી થાય છે. હાર્ટએટેક સમયે હૃદય પર ગુરુતા અને તીવ્ર પીડા અનુભવાય છે. પીડાનાં કારણે રોગી પરસેવાથી લથ-પથ થઇ જાય છે. ઘણીવાર શ્વાસાવરોધ પણ થાય છે. તીવ્ર શ્વાસાવરોધની પરિસ્થિતિમાં મૃત્યુ થવાની સંભાવના પણ રહી શકે છે. આ હુમલાની  સ્થિતિ ૧ મિનિટથી લઇને ૧ કલાક સુધીની પણ હોઇ શકે છે.

હૃદયરોગનાં દર્દીને કેટલીક કાળજી રાખવી અનિવાર્ય છે. જેમાં :-

(૧) બ્લડપ્રેશર અને વજનને નિયંત્રણમાં રાખવું.

(૨) ચા અને કોફીનું અલ્પમાત્રામાં સેવન કરવું.

(૩) નિયમિત હલકી કસરત કરવી.

(૪) વાતવર્ધક આહારથી  પરેજી રાખવી.

(૫) સાદું અને હલકું ભોજન લેવું.

(૬) તાજું અને ઓછું ભોજન લેવું.

(૭) ભોજનમાં ચરબી, ઘી, તેલ વગેરેનો ઉપયોગ ઓછો કરવો.

(૮) મોટાપાથી બચવું તથા કોઇ પણ પ્રકારનું વ્યસન ન કરવું.

(૯) તનાવરહિત અને શાંતિપૂર્ણ જીવન પસાર કરવું.

આયુર્વેદમાં એવાં ઘણાં બધાં ઔષધો છે, જેનાથી તંદુરસ્ત વ્યક્તિ જિંદગીભર હૃદયરોગનાં હુમલાથી  બચી શકે.

જેમાં, (૧) હૃદયનાં તમામ રોગો ઉપર ''અર્જુનત્ત્વક્'' શ્રેષ્ઠ બતાવી છે. અર્જુનની છાલનું ચૂર્ણ ૧૦ ગ્રામ દૂધ ૧૫૦ મિગ્રા, પાણી ૧૫૦ મિગ્રા, ફુદીનાનાં પાંદડા ૪ થી ૫ નંગ, તુલસીપત્ર ૪ થી ૫ નંગ લઇ ઉકાળવાં. બધું જ પાણી બળી જાય અને દૂધ બાકી રહે ત્યારે ગાળીને સવાર-સાંજ પીવું. ''અર્જુનક્ષીરપાક''નો આ પ્રયોગ હૃદયરોગીઓ માટે ખૂબ લાભકારી  સાબિત થશે.

(૨) અર્જુનની છાલનું ચૂર્ણ ૫ ગ્રામ અને પુષ્કર મૂળનું ચૂર્ણ ૪ ગ્રામ લઇ  સાથે દિવસમાં ૨ વખત સેવન કરવાથી  લાભ થાય છે.

(૩) પ્રભાકર વટી ૧ થી ૨ ગોળી સવાર-સાંજ અર્જુન સિધ્ધ દુધની સાથે લેવાથી  પિત્તહૃદયરોગથી છુટકારો મળે છે.

(૪) હરડે, રાસ્ના, વચ, પીપળો, પુષ્કર મૂળ અને સૂંઠ ૫-૫ ગ્રામ માત્રામાં લઇને કૂટી, લસોટી ઝીણું ચૂર્ણ બનાવીને રાખવું ૩-૩ ગ્રામ ચૂર્ણ પાણીની સાથે સેવન કરવાથી કફ જ હૃદયરોગ નષ્ટ થાય છે.

(૫) દરેક પ્રકારનાં હૃદયરોગ ઉપર લસણ ખૂબ જ અદ્ભૂત પરિણામ આપે છે. લસણ લોહીનાં ઉચ્ચ દબાણને પણ ઓછું કરે છે.

આ ઉપરાંત હૃદયાર્ણવ રસ, હૃદયચિંતામણિરસ, જહરમોહરા પિષ્ટી, સ્વર્ણભસ્મ, રજતભસ્મ, બૃહત કસ્તૂરી ભૈરવ રસ, રજત ભસ્મ, મુક્તાપિષ્ટી, અર્જુનારિષ્ટ વગેરે ઔષધોનો પ્રયોગ નિષ્ણાતની સલાહમાં રહીને કરી શકાય છે. છેલ્લે હૃદયરોગમાં એક સરળ અને ઘરગથ્થું પ્રયોગ બતાવું છું. પીપળનાં પાંદડામાં હૃદયને બળ આપવાની અદ્ભૂત ક્ષમતા રહેલી છે.

પીપળનાં કૂંપળો ન હોય તેવાં ૧૫ પાંદડા લેવા. પ્રત્યેક પાંદડાનો ઉપર અને નીચેનો ભાગ કાતરથી કાપી અલગ કરી પાણી વડે સાફ કરી તેને ૧ ગ્લાસ પાણીમાં ધીમા તાપે ઉકાળવું. જ્યારે ૧/૩ ભાગ પાણી બાકી રહે ત્યારે ઠંડુ થવા પર ગાળી લેવું. આ ઉકાળાનાં ત્રણ ભાગ કરી ત્રણ કલાકનાં અંતરે વહેલી  સવારે લેવું.

ઉકાળો લેતાં પહેલાં પેટ એકદમ ખાલી ન રાખવું. પરંતુ હલકો નાસ્તો કર્યા પછી જ ઉપરોક્ત પ્રયોગ કરવો. હાર્ટએટેક પછી લગાતાર પંદરથી વીસ દિવસ સુધી આને લેવાથી હૃદય ફરીથી સ્વસ્થ થઇ જાય છે. અને હૃગયરોગનો હુમલો થવાની શક્યતા ભવિષ્યમાં નહિવત જેવી થઇ જાય છે.

આમ, 'અર્જુન' અને 'પીપળો' હૃદય માટે ખૂબ અસરકારક સાબિત થયેલ છે. જેનો ઉપયોગ ગંભીર સમસ્યામાંથી છૂટકારો આપી શકે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ywp0CS
Previous
Next Post »