આણંદ, તા. 6 ડિસેમ્બર 2019 શુક્રવાર
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આણંદ જિલ્લા કલેક્ટર તરફથી રાજ્ય સરકારને પ્રાપ્ત થયેલી દરખાસ્તની ગહન વિચારણા બાદ આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાના નિર્ણયને મંજૂરી આપી છે.
મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર આણંદ શહેરના નાની ખોડિયાર, ગાંગદેવ નગર, મોટી ખોડિયાર, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, રાધા સ્વામી સ્તસંગ, IRIS હોસ્પિટલ, લાંભવેલ રોડ, રેલવે સ્ટેશનની સામેનો વિસ્તાર, ગુજરાતી ચોક, પોસ્ટ ઓફિસ, આણંદ નગરપાલિકા, ગામડીવાડ, કિશોર પ્લાઝા, અમૂલ ડેરી રોડ, ચરોતર બેન્ક, લક્ષ્મી સિનેમા, મેફેર રોડ, જૂના રોજ પાસે નરીમાન કોમ્પલેક્સ તથા જૈન ઉપાશ્રય નજીકના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરાયો છે.
ઉપરાંત આણંદ શહેરના નવા બસ સ્ટેન્ડ, સી.પી. કોલેજ, 100 ફૂટના રોડ, રોયલ પ્લાઝા, ઇન્દિરા સ્ટેચ્યૂ, ગ્રિડ, પિપલ મેડિકેર સોસાયટી, બેઠક મંદિર, જૈન સોસાયટી, મહાવીર પાર્ક, મહાવીર સોસાયટી સામેના વિસ્તાર, આણંદ વિદ્યાનગર રોડ, ટાઉન હોલ, પંચાલ હોલ, ગોપી સિનેમા વિસ્તાર, અવકુડા રોડ, બિગ બઝાર, 80 ફૂટના રોડ, ડી. ઝેડ. હાઇસ્કૂલ, ઋતુ આઇસક્રીમ, એચ.એમ. પટેલ સ્ટેચ્યૂ, મોતીકાકા ચાલી પાસેનો વિસ્તાર તેમજ ઝાયડસ હોસ્પિટલ, પનઘટ હોટલ, નિશાંત આઇ હોસ્પિટલ, હિમાલયા હોસ્પિટલ તથા હિમાલયા ટાઉનશિપ પાછળના વિસ્તારમાં અશાંત ધારાની જોગવાઇઓ અમલી બનાવાઇ છે.
આ જોગવાઇઓને કારણે હવેથી આ વિસ્તારોમાં સ્થાવર મિલકતોની તબદીલી અંગે જિલ્લા કલેકટરની પૂર્વ પરવાનગી – મંજૂરી લેવાની રહેશે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારોમાં ભૂતકાળમાં કોમી તંગદિલીનું નિર્માણ કરનારા ગુનાઓ નોંધાયા છે.
આ વિસ્તારોમાં અનેક ધાર્મિક સંસ્થાઓ પણ આવેલી છે, જેના કારણે ધાર્મિક હેતુઓથી અવરજવર કરતા લોકોની સંખ્યા સવિશેષ રહે છે, તેથી ભવિષ્યમાં કોમી અશાંતિ સર્જાવાની સંભાવના રહેલી હતી.
આણંદ શહેરના વિવિધ સંગઠનો, સેવાભાવી સંસ્થાઓ તથા સામાજિક આગેવાનો દ્વારા કરાયેલી વિવિધ રજૂઆતો અને આવેદનોના પગલે વિવિધ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા અશાંત ધારો અમલમાં લાવવાની રાજ્ય સરકારને જરૂરિયાત જણાઈ હતી
કાયદો અને વ્યવસ્થાની સુચારૂ પરિસ્થિતિ જાળવી રાખવા તેમજ તમામ કોમ વચ્ચે એકતા અને શાંતિ જળવાઈ રહે તે માટે આણંદ જિલ્લા કલેક્ટરે આ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા કરેલી દરખાસ્તને સરકારે અનુમોદન આપી, બૃહદ જનહિતને ધ્યાને લઇને આણંદ શહેરના આ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36jhE8H
ConversionConversion EmoticonEmoticon