
આણંદ, તા.09 ડિસેમ્બર 2019, સોમવાર
ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા તેઓની પડતર માંગણીઓ સરકાર દ્વારા ન સંતોષવામાં આવતા માસ સીએલ તથા હડતાલના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણાં સમયથી તેઓની પડતર માંગણીઓ ન સ્વીકારાતા મહેસુલ કર્મચારીઓ દ્વારા રાજ્યભરમાં આંદોલનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે.
જે અંતર્ગત આણંદ જિલ્લા મહેસુલી કર્મચારી વર્ગ-૩ના કર્મચારીઓએ સોમવારના રોજ હડતાલને સમર્થન આપતા મોટી સંખ્યામાં રેલીનું આયોજન કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. બીજી તરફ મહેસુલી કર્મચારીઓની હડતાલને લઈ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિવિધ સેવાઓ ખોરવાઈ જવા પામી હતી અને કલેક્ટર કચેરી તથા સેવાસદનની વિવિધ કચેરીઓ ખાતે અરજદારોની ભારે ભીડ જોવા મળી હતી.
ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ ગાંધીનગર દ્વારા તેઓની પડતર કુલ ૧૭ માંગણીઓ સરકાર દ્વારા ન સંતોષવામાં આવતા ઓગષ્ટ માસમાં માસ સીએલ તથા હડતાલનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સરકાર દ્વારા ૪૫ દિવસમાં તમામ માંગણીઓ પરત્વે હકારાત્મક અભિગમ દાખવી માંગણીઓ સંતોષવાની બાંહેધરી આપવામાં આવતા મહેસુલી કર્મચારીઓએ આંદોલન મોકૂફ રાખ્યું હતું. જો કે એ વાતને આજે ૧૦૦ દિવસ જેટલો સમય પસાર થવા છતાં સરકાર દ્વારા તેઓની માંગણીઓનો સ્વીકાર કરવામાં ન આવતા ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા તા.૯-૧૨-૨૦૧૯થી અચોક્કસ મુદ્દતની હડતાલનું એલાન કરી આંદોલન સક્રિય કરવામાં આવ્યું છે. આણંદ જિલ્લા મહેસુલી કર્મચારી એસોસીએશન દ્વારા આ હડતાલને સમર્થન આપતા આજે આણંદ જિલ્લાના વિવિધ તાલુકા મથકો ખાતે ફરજ બજાવતા મહેસુલી કર્મચારીઓ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આણંદ જિલ્લાની કલેક્ટર કચેરી, સેવાસદન તેમજ જિલ્લાના વિવિધ તાલુકા મથકો ખાતે આવેલ મામલતદાર કચેરી સહિતના વિભાગોમાં મળી મોટાભાગના કર્મચારીઓએ આજે હડતાલ પાડી કામકાજથી અળગા રહેતા જિલ્લાની વિવિધ કચેરીઓ ખાતે મહેસુલી કામગીરીની સેવા ઠપ્પ થઈ જવા પામી હતી. આણંદ જિલ્લા કલેક્ટરે કચેરી ખાતે ફરજ બજાવતા લગભગ ૧૬૦થી વધુ મહેસુલી કર્મચારીઓ હડતાલમાં જોડાતા જિલ્લા કલેક્ટર કચેરી તેમજ સેવાસદનની કેટલીક કચેરીઓ ખાતે અરજદારોની ભારે ભીડ જોવા મળી હતી.
જો કે મહેસુલી કર્મચારીઓની હડતાલને લઈ અરજદારોને કચેરીના ધરમધક્કા ખાઈ વીલા મોંએ પરત ફરવું પડયું હતું. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સર્જાયેલ અવ્યવસ્થા મામલે જિલ્લા કલેક્ટર દ્વારા કોઈ જ આગોતરૂ આયોજન ન કરવામાં આવતા અરજદારોમાં છુપો રોષ જોવા મળ્યો હતો.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2t4s3Xv
ConversionConversion EmoticonEmoticon