
આપણા દેશમાં ૧૯૯૭માં ભરાયેલા ઇન્ડિપેક્ષ, યાને ઇન્ડિયન ફિલાટેલિક એક્ઝીબિશનના પ્રસંગે દસ રૂપિયાની કિંમતવાળી એક ખાસ-સ્મરણાત્મક ટપાલટીકીટ બહાર પાડવામાં આવી હતી
લઘુમતીમાં યે લઘુમતી સ્થિતિમાં હોવા છતાં મેઇન સ્ટ્રીમમાં પોતાનું નામ અને કામ ગજાવતી રહેલી પારસી પ્રજાએ ભારતના દરેક ક્ષેત્રમાં સ્મરણીય યોગદાન આપ્યું છે. સાહિત્ય, સંગીત,ઉદ્યોગ, ફિલ્મ, રમતજગત, સાયન્સ, શોધખોળો કે પછી દાક્તરી .... કોઇપણ દીશામાં નજર નાંખતા તમને કોઇને કોઇ પારસી મહાનુભાવનો ચહેરો પોતાની હાજરી પૂરાવતો જણાયા વગર નહીં રહે. આવા એક પારસી સજ્જને સફળતાપૂર્વક ખેડેલું એવું એક ક્ષેત્ર છે ફિલાટેલી વર્લ્ડ.
ટપાલ ટીકીટોનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ, તેનો ઇતિહાસ, ટીકીટો ઉપરાંત દરેક પ્રકારની પોસ્ટલ સ્ટેશનરીની નિષ્ણાત વિદ્યા એટલે ફિલાટેલી. આ ફિલાટેલિક શોખ એટલે માત્ર ટપાલ ટીકીટ ભેગી કરવી એટલો જ નહીં, પણ ટપાલ ટીકીટોનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવો, તેમાં અવનવું સંશોધન કરવું, તેના ઇતિહાસને સમજવો અને એ રીતે જ્ઞાાન-વિજ્ઞાાનના અવનવા ક્ષેત્રોને ખંખોળવાનો શોખ, એટલે ફિલાટેલી. આવા ફિલાટેલિસ્ટો દુનિયાભરમાં પોતાના આગવા શોખ અને ઊંડા જ્ઞાાનને કારણે ''માસ્ટર ઑફ ઑલ'' તરીકેની ઓળખ ધરાવે છે. આવા ફિલાટેલિસ્ટો દુનિયાભરમાં લાખો-કરોડોનો વારસો ધરાવતા હોવાની પોઝીશન ધરાવે છે.
આમ તો ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ૧૭૭૪ આસપાસ કલકત્તામાં ટપાલ સેવાઓનો આરંભ કરી દીધો હતો. પરંતુ જ્યારે ૧૮૩૭માં ઇંગ્લેન્ડના એક સ્કૂલમાસ્તર, નામે સર રોનાલ્ડ હીલે પહેલી વખત ગુંદરવાળી નાનકડી ટપાલટીકીટની શોધ કરી, તેના ત્રણેક દાયકા પછી ભારતના સીંધ પ્રદેશે એક આનાની પ્રથમ ટપાલ ટીકીટ બહાર પાડી હતી. જે સીંધ રાજ્યની તો ખરી જ, પણ આખા દેશના રાજ્યોમાં પ્રથમ સ્થાને રહી છે. ૧૮૫૨માં તે વખતના અંગ્રેજ ગવર્નર જનરલ લોર્ડ ડેલહાઉસીએ પહેલી ટપાલ ટીકીટ વ્યવહારીક અમલમાં મૂકી હોવાનું પણ નોંધાયું છે.
સાવ સાદી રીતે 'ટપાલ ટીકીટોનો શોખ' ગણાતા આ ક્ષેત્રને 'ફિલાટેલી' નામકરણ ૧૮૬૪માં ઇંગ્લેન્ડના જ્યોર્જીસ હેરપીને આપેલું. આ શબ્દ મૂળે તો ફ્રેન્ચ-ગ્રીક ભાષાના બે શબ્દો 'ફિલ' અને 'એટલી'ને ભેગા કરીને યુરોપિયન અંગ્રેજીમાં ઉતારેલા, જેનો અર્થ થાય છે કે 'કર(ફી)માંથી મુક્તિ મેળવનાર ટપાલ સ્વીકારનાર'. ભારતમાં રહેતા બ્રિટીશ મૂળના નાગરિકો, સૈન્યના અધિકારીઓ અને મોટા ઉદ્યોગપતિઓએ વાયા ઇંગ્લેન્ડ, આ શોખ ભારતમાં કેળવ્યો હતો. યુરોપમાં ૧૮૫૦ આસપાસ અને ભારતમાં ૧૮૭૨થી આ ફિલાટેલી હોબી અમલમાં આવેલી છે.
મુંબઇનું એક સાવ સામાન્ય પારસી કુટુંબનો વડો માણેકજી કૂપર નાનો-મોટો એજન્સીનો વેપાર કરીને ગુજરાન ચલાવતું હતું, એમના કુટુંબમાં જલ કૂપરનો જન્મ થયો. ૧૯૦૫ની ૨૯મી માર્ચે જન્મેલા જલ કૂપરે મુંબઇમાં જ પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કરીને તેમણે આંતરરાષ્ટ્રિય ફિલાટેલિક વર્લ્ડમાં ઝંપલાવ્યું. જેથી આજે જેલ કૂપર ભારતના ટપાલ રસિયાઓ માટે એક દંતકથા જેવું નામ-સ્થાન પામ્યાં છે. તેમણે પોતાના અવસાન સુધી, એટલે કે ૧૯૭૨ની બીજી ઓગષ્ટ સુધી ભારતીય ટપાલ ટીકીટોના ઇતિહાસને, તેને સંગ્રહ કરવાના શોખને, તેના વૈજ્ઞાાનિક અભ્યાસને માટે અત્યંત પાયાનું કામ કર્યું.
આ માટે તેમણે અગણિત પુસ્તકો પણ લખ્યાં, અને પહેલી વખત ૧૯૪૧માં ઇન્ડિયન ફિલાટેલિક સોસાયટીની સ્થાપના પણ કરી. ૧૯૩૭ થી ૧૯૭૨ સુધી તેમણે ઇન્ડિયન સ્ટેમ્પ્સ જર્નલનું કામ સંભાળ્યું. સચિત્ર મેગેઝીનમાં 'સ્ટેમ્પ-ન્યૂઝ' નામની રસપ્રદ કોલમ પણ લખી. ઇંગ્લેન્ડની ધ રોયલ જિયોગ્રાફિક્સ સોસાયટીની ફેલોશિપ મેળવી અને અનેક ફિલાટેલિક હેન્ડબુક્સ પ્રસિદ્ધ કરી. આથી તેઓ ભારતના સહુથી મોટી નામના મેળવનાર આંતરરાષ્ટ્રિય ફિલાટેલિસ્ટ તરીકે સર્વસ્વિકૃત બન્યા છે.
આ પારસીજણે ભારતમાં ટપાલટીકીટોના શોખ અને અભ્યાસને જે વૈજ્ઞાાનિક રસ્તાઓ દેખાડયાં છે, તે આપોઆપ અનોખા છે. ટપાલટીકીટોને મારફતે તેમણે ભારત દેશની પ્રાચીન સંસ્કૃતિ, તેનો ઇતિહાસ, તેની વૈજ્ઞાાનિક શોધખોળો, ભૂગોળ અને અજાયબીઓને વિશ્વ સમક્ષ રજૂ કરી છે. તેથી જ જેલકૂપરના સ્મરણમાં ખુદ ભારત સરકારે તેમના ફોટોગ્રાફ્સ સાથેની એક વિશિષ્ટ ટપાલ ટીકીટ બહાર પાડી છે.
આપણા દેશમાં ૧૯૯૭માં ભરાયેલા ઇન્ડિપેક્ષ, યાને ઇન્ડિયન ફિલાટેલિક એક્ઝીબિશનના પ્રસંગે દસ રૂપિયાની કિંમતવાળી એક ખાસ-સ્મરણાત્મક ટપાલટીકીટ બહાર પાડવામાં આવી હતી. લાઇટ યલો કલરના બેકગ્રાઉન્ડમાં બહાર પડેલી આ આડી ટીકીટ ઉપર ડાર્ક બ્રાઉન કલરમાં દસેક જેટલા નાનકડા પોસ્ટલ માર્ક (ટપાલસિક્કાઓ) દોરાયા છે, પણ સાથોસાથ જેલકૂપરનો જ્ઞાાનગૌરવ ધરાવતો ક્લોઝઅપ ચહેરો પણ દોરાયો છે. આ ટીકીટની ઉપર 'જેલ કૂપર'નું નામ લખીને ટપાલ વિભાગે ફિલાટેલિક એક્ઝીબિશનની સાથેસાથે જેલ કૂપરના આ ક્ષેત્રના પ્રદાનને નવાજ્યું છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38kLIma
ConversionConversion EmoticonEmoticon