સર્જિકલ સ્ટ્રાઇક - કર્નલ આનંદ

 

 સાવ સુકલકડી જેવા ગાંધીજીમાં એવા તે કયા ગુણ હતા કે આપણને સ્વતંત્રતા આપવા અંગ્રેજોને મજબૂર કર્યા ?

- ડૉ. વી.પી.કાચા (અમદાવાદ)

- સત્ય, અહિંસા અને સિધ્ધિ પ્રાપ્ત કરવાની નિષ્ઠા અને પ્રજાનો સાથ.

 કાશ્મીરમાં ૯૦ ટકા અશાંતિ છે. ભારતમાં મંદી અને મોંઘવારી બેફામ છે છતાં નેતાઓ કહે છે, સબ બરાબર છે !

- છોટુભાઈ પરમાર 

 (સમાદરા, જિ. ખેડા)

- એમની વાત માનીને તમે વોટ આપ્યા છે તો હવે એ જે કહે તે તમારે માનવું જોઇએ.

 જો ન ટાળો તો ક્યારેક કંટાળો અને કંટાળો ગોટાળો પણ સર્જી દે, ખરૂં ને ?

- ભર્ગા માંકડ (અમદાવાદ)

- ના એ ખરૂં નથી ! નેતાઓ આટઆટલા ગોટાળા કરે છે તોય પ્રજા કંટાળી ખરી ?

 લગ્ન બાદ વરરાજાની સ્થિતિ દાબેલી તથા સેન્ડવ વીચ જેવી શા માટે થઇ જાય છે ?

- રોહિતકુમાર ભાનુપ્રસાદ જોશી (ખંભાત)

- આવી અંગત વાત જાહેરમાં કહેતા ન ફરો ! નહિ તો મિત્રો 'જોરૃ કા ગુલામ' કહીને ચીડવશે તમને ! સેન્ડવીચ થવું ફાવતું ન હોય તો આઈસ્ક્રીમ થઇને ઓગળી જવાનું રાખો !

 પ્રદૂષણ વધવા માટે કોણ જવાબદાર ?

-  દિલીપ આર. વોરા(અમદાવાદ)

- આપણે બધા જ !

 ક્રોધ એ શેતાનનું સંતાન છે છતાં મૂર્ખ માણસ અંધ બની વારંવાર ક્રોધ કરી અસુરતા કેમ આચરે છે ?

- મણિબેન પટેલ 

 (ઉંટડી, જિ. વલસાડ)

- તમે જ એને મૂર્ખ માણસ કહ્યો છે. મૂર્ખ પાસે ક્રોધમુક્તની અપેક્ષા શું રાખવી ?

  દર વર્ષે દશેરાએ રાવણ દહન થાય છે. પણ રાવણનો જન્મ દિવસ કયો? કોઈ રાવણનો જન્મ દિવસ ઉજવે છે ખરૂં ?

-રામભાઈ ડી. મહેતા (ભાવનગર)

-દક્ષિણ ભારત અને ઉત્તર ભારતનાં કોઈ વિસ્તારમાં રાવણની પૂજા થાય છે.

 વિકાસના નામે પર્યાવરણનો વિનાશ. પ્રગતિના નામે યુવાધનની અધોગતિ ! શું આ બાપુ ચીંધ્યા માર્ગે કદી ચાલે ?

- હર્ષદ ત્રિવેદી (ભાવનગર)

- દેશને ચલાવનારાઓ બાપુ માર્ગે ચાલો તો દેશ પણ ચાલે ?

 સાત સુરતી, નવ નડિયાદી બરાબર એક અમદાવાદ, એમ શા માટે કહેવાય છે ?

-  ઓમકાર કે. જોશી (ગોધરા)

- પાંચ પેટલાદીને કેમ ભૂલી ગયા ? ખેર, અમને તો આમાંના કોઈનો કડવો અનુભવ થયો નથી. પણ કૂતરા પર હુમલો કરીને ભગાડી મૂકનાર સસલાએ મદાવાદની સ્થાપના કરી હોવાનું જાણવા મળ્યું હતું ! સસલો આવો હોય તો અમદાવાદનો માણસ કેવો હશે, એ કલ્પી શકો છો ?

 માનવ મનનો તાગ મેળવવો હોય તો મળી શકે ખરો ?

- કૃષ્ણકાંત સોનેજી (ધોરાજી)

- પાંચ દસ હજાર રૃપિયા ઉછીના માગી જોવાના ! 

 સર્જિકલ સ્ટ્રાઇકનું ગુજરાતી અનુવાદ શું ? કોલમનું શીર્ષક અંગ્રેજીના બદલે ગુજરાતી ના રાખી શકાય ?

- સંગીતા વસંત મોરથાનિયા (મુંબઇ)

-સર્જિકલ સ્ટ્રાઇકનો ગુજરાતી અનુવાદ ઓચિંતો છાપો મારવો! તમે બાથરૃમને નાવણિયું કેમ કહેતા નથી ? તમે રેલવે સ્ટેશન કહેવાનું બંધ કરશો તો અમે પણ કોલમનું ગુજરાતીકરણ કરી નાખીશું !

ડિજિટલ યુગમાં વાંચકો માત્ર સાદા પોસ્ટકાર્ડ પર સવાલ મોકલી શકશે, એનું કારણ શું ?

-વસંત મોરથાણિયા (મુંબઇ)

-કારણ એજ કે પોસ્ટકાર્ડની બેટરી ચાર્જ કરવી પડતી નથી !

ટ્રાફિકનું નિયમોનું લોકો દ્વારા પાલન થશે ?

-સુરેખા દિલીપ વોરા (અમદાવાદ)

-તમે પહેલ કરો ! લોકોને તો દેખાદેખી કરવાની ટેવ હોય છે.

 કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવી કાશ્મીરને ભારતમાં સમાવી લીધું તો હવે એનો કોઈ વિકાસ થશે કે આપણા બીજા રાજ્યોની જેમ વાયદા વચન થતા રહેશે ?

- જહાંગીર એસ. પઠાણ (અમદાવાદ)

- કાશ્મીર ભારતનો હિસ્સો છે એટલે જે સમગ્ર દેશની હાલત એ જ કાશ્મીરની હાલત રહેશે.

 જે લોકો પરમાત્મા નથી એવું માનતા હોય છે એમને કેવી રીતે સમજાવવું કે 'પરમાત્મા' છે !

- જાવેદભાઈ જાગીરદાસ (સૂરત)

- એ પરમાત્માનો પ્રોબલેમ છે ! પરમાત્મા ખુદ પોતાના અસ્તિત્વને સાબિત કરે. આપણે એમાં પડવા જેવું નથી. તમે તમારી માન્યતાને પ્રમાણિકપણે વળગી રહો !

 અમીર માણસો બેશરમ કેમ બનતા જાય છે ?

- ભાવસાર કનૈયાલાલ હરિભાઈ (વડનગર)

- એમ તો શી રીતે કહેવાય ? શરમની સરહદ અને વ્યાખ્યા બદલાતી રહે છે !

 આ કેવી શરમજનક વાત છે ? જેના ઘરમાં રામાયણના પાત્રોથી નામો છે એવી શત્રૂ પુત્રી સોનાક્ષીને સંજીવની હનુમાન કોના માટે લાવ્યા ? નો જવાબ આવડયો નહિ ?

- અમૃત કે. સોલંકી (બોટાદ)

- એમાં શરમજનક શું છે ? તમે દસ પંદરને પૂછી જુઓ કે કૃષ્ણને જન્મતાની સાથે જ છાબડી મૂકીને નદી પાર લઇ જનારનું નામ શું છે ? જુઓ, કેટલા જવાબ આપે છે ?

 દેશમાંથી જ્ઞાાતિપ્રથા નાબુદ કરવા કયા પ્રકારનું આયોજન કરવું પડે ?

- ચંદ્રકાંત ટી. રાણા (સુરત)

- જ્ઞાાતિમાં ય પાછી નીચલી જ્ઞાાતિ છે ને એના પ્રત્યે ભેદભાવ રખાયું છે. પ્રથમ ઘરને અંદરથી સાફ કરવું પડે, પછી આંગણું વાળવાનું વિચારાય !

 કાશ્મીરમાંથી ૩૭૦ કલમની નાબુદીને ચીન સિવાય સમગ્ર દુનિયાએ સ્વીકારી છે તો ગાંધીવાદી કોંગ્રેસ એ વિશે કેમ પાકિસ્તાનની ભાષા બોલે છે ? શું કોંગ્રેસમાંથી દેશભક્તિ મરી પરવારી છે ?

- મુકુન્દરાય ડી. જસાણી 

 (જલારામ - બાબરા)

- ૩૭૦ની નાબુદીને કોંગ્રેસની પણ સ્વીકૃતિ પ્રાપ્ત થઇ છે ! બીજું એ કે દેશભક્તિને તો અમે પણ શોધીએ છીએ. તમારી પાસે દેશભક્તિનું સરનામું હોય તો અમને આપશો ?

 ઘણા લોકો પીઠચોળીને પીડા ઉભી કરે છે. એનો કોઈ ઉપાય ખરો ?

-  ધવલ જે. સોની (ગોધરા)

- આપણે ઉપાય શોધી આપીશું તો વધારે પેટ ચોળશે ! પેટ ચોળીને પીડા ઉભી કરે છે તો માથું પછાડીને ઉપાય શોધે ! આપણે 

શું ?

 સાપને પણ ઝેર ખાવાનો વારો ક્યારે આવે ?

- જ્યોત્સના ગુલાબ હિન્ડોચા (રાણાવડવાળા)

- એ માટે ખલીલ ધનતેજવીનો શેર વાંચો

 'હવે તો નાગને પણ ઝેર ખાવાનો વખત આવ્યો,

 મદારીને હવે માણસ પકડતાં આવડી ગ્યું છે !'

સર્જિકલ સ્ટ્રાઇક

વાચકો (માત્ર) સાદા પોસ્ટકાર્ડ પર સવાલ મોકલાવી શકશે. એમાં પોતાનું નામ, સરનામું અને મોબાઇલ નંબર લખવાનો રહેશે.

 સવાલ પૂછવા માટેનું સરનામું:

'સર્જિકલ સ્ટ્રાઇક વિભાગ', ગુજરાત સમાચાર, ખાનપુર, અમદાવાદ- ૩૮૦૦૦૧.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2sTFGZf
Previous
Next Post »