ક્રોધનો ત્યાગ કરનાર, સત્યવાદી, અહિંસક, અસૂયા રહિત અને નિષ્કપટી મનુષ્ય સો વર્ષ સુધી સ્વસ્થ રહીને જીવી શકે છે
ખોરાક ગમે તેટલો સારો સેવીએ અને વિહાર પણ શાસ્ત્રાનુકૂલ હોય છતાં જો શરીરની કુદરતી હાજરો ઉપર ધ્યાન આપવામાં ન આવે તો આહારવિહાર પણ વ્યર્થ થાય છે અને વેગવિધારણના કારણે મન, વાણી અને કાયાના અનેક રોગો થાય છે. મહર્ષિ ચરકે તેર પ્રકારના કુદરતી વેગોનું વર્ણન કરેલું છે. ઝાડો, પેશાબ, વાછૂટ, બગાસું, છીંક, ઊલટી, ઓડકાર, ભૂખ, તરસ, આંસુ, ઊંઘ, શ્રમજન્ય શ્વાસ અને ચલિત થયેલું વીર્ય-આ તેર કુદરતી વેગોને કદી રોકવા નહીં. કેમ કે, એ વેગાવરોધથી અનેક રોગો પેદા થાય છે.
શાસ્ત્રકારોએ શરીરના વેગોને રોકવાની મનાઈ કરી છે. તો मनोवेगान् विधारयत् એમ કહીને મનના વેગોને રોકવાની સલાહ આપી છે.
કામ, ક્રોધ, લોભ, મોહ, ભય, શોક, ઇર્ષ્યા, અહંકાર વગેરે મનના વેગોને રોકવા જોઇએ. આ સિવાય કઠોર વચન, ચાડીચુગલી અને જૂઠ જેવા વાચિક વેગોને ય રોકવા જોઇએ.
સ્વસ્થ રહેવા માટે વ્યક્તિ પાસે પોતાની પ્રકૃતિનું જ્ઞાન પણ હોવું જોઇએ. પોતાની કઇ પ્રકૃતિ છે અને કેવા આહાર વિહાર પોતાના માટે પ્રતિકૂળ કે અનુકૂળ હશે તેનું પણ પ્રત્યેક વ્યક્તિ પાસે જ્ઞાન હોવું જોઇએ. એ જ રીતે કઇ ઋતુમાં કેવો આહાર લેવો અને કેવી જીવનશૈલી ગોઠવવી તેનો પણ ખ્યાલ હોવો જોઇએ. વસંતઋતુમાં કફનો પ્રકોપ થાય છે, આથી પોતાની કફ પ્રકૃતિ હોય તેવી વ્યક્તિએ વસંતમાં ગળ્યા, ઠંડા, ભારે અને ચીકણા પદાર્થો ન ખાવા. ગોળ, ખાંડ, દહીં, શિખંડ, મીઠાઈઓ, દિવસની ઊંઘ વગેરે કફવર્ધક હોવાથી તેનો ત્યાગ કરવો.
શરદઋતુમાં પિત્તનો પ્રકોપ થાય છે. માટે પિત્તપ્રકૃતિની વ્યક્તિએ શરદમાં તીખા, ખાટાં, આથો આવીને તૈયાર થતા હોય તેવા કે તીક્ષ્ણ પદાર્થો ન ખાવા. દહીં, છાશ, કઢી, ટમેટા, આમલી, લીંબુ, ભીંડા, ખાટાં અથાણાં, હાંડવો, ઢોકળા, ખમણ, ઇડલી, ઉત્તપમ વગેરે આથાવાળા પદાર્થો બંધ કરવા.
વર્ષાઋતુમાં વાયુનો પ્રકોપ થાય છે માટે લૂખા, સૂકા, ઠંડા અને વાયુ કરનારા પદાર્થો બંધ કરવા. અતિપરિશ્રમ, ઉજાગરા, પ્રવાસ, અતિમૈથુન વગેરે વાયુનો પ્રકોપ કરે છે માટે તેનો ત્યાગ કરવો. આ રીતે પ્રત્યેક ઋતુનો ખ્યાલ રાખી પોતાની પ્રકૃતિને અનુરૂપ આહારવિહાર ગોઠવવામાંઆવે તો નિત્યનીરોગી રહેવા માટે સરળતા ઊભી થાય છે.
બે ઋતુ ભેગી થતી હોય તેવા ઋતુ સંધિના સમયને યમદંષ્ટ્રા એટલે યમની દાઢ કહેવામાં આવે છે. આથી જતી અને આવતી બન્ને ઋતુના પંદર દિવસ જાળવીને જીવવું.
ઊંઘને પણ આરોગ્યનો આધાર સ્તંભ માનવામાં આવેલ છે. માપસર નિદ્રા લેવામાં આવે તો શરીરમાં શક્તિ જળવાઈ રહે છે. થાક લાગતો નથી. સ્ફૂર્તિ તથા ઉત્સાહનો અનુભવ થાય છે. સારી રીતે ઊંઘ આવતી હોય તો જ પાચનતંત્ર સારું રહી શકે. ઉજાગરા કરવાથી કે અનિદ્રાના કારણે આળસ, સુસ્તી, થાક અને કંટાળાનો અનુભવ થાય છે.
સ્વચ્છ પથારીમાં અને એકાંતસ્થાનમાં સારી ઊંઘ આવે છે. સૂતી વખતે ચિંતા, નિષ્ફળતા કે નિરાશાના વિચાર ન કરવા હાથપગ ધોઇને અથવા તો સ્નાન કરીને સૂવામાં આવે તો ઊંઘ સારી આવે છે. કફપ્રકૃતિવાળાની ઊંઘ ઊંડી અને વધુ હોય છે. પિત્તપ્રકૃતિવાળાની ઊંઘ મધ્યમ અને વાત પ્રકૃતિવાળી વ્યક્તિને ઊંઘ એકદમ ઓછી અને ઉપરછલ્લી હોય છે.
આયુર્વેદની દ્રષ્ટિે દિવસે ઊંઘવાની મનાઈ છે. પ્રમેહ, મેદોવૃધ્ધિ, આમવાત, અને ચર્મરોગ થયેલ હોય તેવા લોકોએ દિવસે ન ઊંઘવું પણ ખૂબ માંદા, થાકેલા અને ઉજાગરો થયો હોય તેવા લોકોએ દિવસે ઊંઘી જવું. કારણ વિના દિવસે સૂવું નહિ. કાયમ દિવસે ઊંઘનારનું વજન વધી જવાની શક્યતા છે. જે મનુષ્ય રાત્રે ઘસઘસાટ ઊંઘી શકે છે તે ભાગ્યશાળી અને સુખ છે. જીવનમાં જેમ શ્રમ અને પ્રવૃત્તિની જરૂર છે તેમ ઊંઘ અને આરોગ્યની પણ જરૂર છે.
જે માણસ પોતાના પાચનતંત્રને એટલે કે અગ્નિને અને શરીરમાં રહેલા પાંચે પ્રકારના વાયુન જાળવી શકે છે તે લાંબા સમય સુધી સુખી અને સ્વસ્થ રહી શકે છે.
મહાભારતના અનુશાસન પર્વમાં ભીષ્મપિતા કહે છે : ક્રોધનો ત્યાગ કરનાર, સત્યવાદી, અહિંસક, અસૂયા રહિત અને નિષ્કપટી મનુષ્ય સો વર્ષ સુધી સ્વસ્થ રહીને જીવી શકે છે.
કોઈ પણ વ્યક્તિએ સુખી અને સ્વસ્થ જીવન જીવવું હોય તો સંક્ષેપમાં આ સાત સૂત્રનું અનુસરણ કરવું
(૧) પહેલું અને મહત્ત્વનુંસૂત્ર છે સમ્યક્ આહાર. ન વધારે કે ન ઓછો. પોતાની પ્રકૃતિને અનુકૂળ હોય એવો પથ્ય ખોરાક લેનાર વ્યક્તિ સ્વસ્થ રહી શકે છે.
(૨) બીજું સૂત્ર છે : સમ્યક્ નિદ્રા. માપસર, ઊંડી અને મીઠી ઊંઘ આવતી હોય તેવી વ્યક્તિને આજના યુગમાં નસીબદાર માનવામાં આવે છે.
(૩) ત્રીજું સૂત્ર છે સમ્યક્ શ્રમ. આધુનિક યુગમાં કેટલાક લોકો અતિ પરિશ્રમ કરે છે. તો કેટલાક બિલકુલ શ્રમ નથી કરતાં અને બેઠાડુ કે એદી જીવન જીવે છે. આથી રોજિંદા જીવનમાં સમ્યક્ શ્રમ અને વ્યાયામનું સ્થાન હોવું જ જોઇએ. સમયસર ઊંડી ઊંઘ ન આવતી હોય તો રોજ થોડો વ્યાયામ કરવો જોઇએ. ચાલવું કે માપસર ઘરકામ કરવું એ પણ સમ્યક્ શ્રમમાં આવી શકે.
(૪) ચોથું સૂત્ર છે - વિધાયક વિચારસરણી - પોઝીટીવ થિકીંગવાળી વ્યક્તિ શરીર અને મનથી સ્વસ્થ રહી શકે છે જીવન અડધા ભરેલા અને અડધા ખાલી ગ્લાસ જેવું છે. જેની નજર ખાલી ભાગ પર કેન્દ્રિત છે તે દુ:ખી અને
અસ્વસ્થ જીવન જીવે છે. અને ભરેલા ભાગપર નજર કરીને જીવે છે તે સુખી અને સ્વસ્થ છે.
(૫) પાંચમું સૂત્ર છે પ્રાર્થના અને ધ્યાન. રોજ સવાર સાંજ એકાદ કલાક એકાંત ખૂણે શાંત થઇને બેસવું જોઇએ. અને તલ્લીન થઇ પ્રાર્થના તથા ધ્યાનમય જીવન વીતાવવું જોઇએ.
(૬) છઠ્ઠુ સૂત્ર છે : કુદરતમય નૈસર્ગિક જીવન. કોઈપણ પ્રકારનું દમન કર્યા વિના સંતુલિત રીતે સાદું અને કુદરતમય જીવન જીવનાર વ્યક્ત સ્વસ્થ રહી દીર્ઘજીવન જીવી શકે છે. નૈસર્ગિક જીવનમાં એકાંગી નથી થવાનું. જરૂરી માત્રામાં ધન પણ હોય અને ધ્યાન પણ હોય. શરીર અને ચેતના બન્ને વચ્ચે સંતુલન રાખને જીવનાર વ્યક્તિ વસ્તુત: નૈસર્ગિક છે.
(૭) સાતમું અને છેલ્લુ સૂત્ર છે, અહંશૂન્ય થવાની દિશામાં નિરંતર ગતિ. અહંકાર એ કેન્સર કરતાંય ભયંકર રોગ છે અને લગભગ બાદ જ દુ:ખોનું મૂળ એ જ છે. આથી નિયમિત રીતે અંતર્યાત્રા ચાલુ રાખી અહંશૂન્ય થવાની દિશામાં ચાલતા રહેવું એ સૌથી મહત્ત્વનું સૂત્ર છે અને અહંશૂન્ય થઇએ તો જ પૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય. (શશ્નઋશઊંઝ્ર ેં।ઘક્રેં। લૃેં। શશ્નશપ્રથ) પોતાનામાં જે પ્રતિષ્ઠિત અને સ્વયં પર્યાપ્ત છે તે જ સાચા અર્થમાં સ્વ-સ્થ છે.
ઘરગથ્થુ ઉપચાર
સૂંઠ તથા (સૂકા) કોંઠાનું સમભાગે ચૂર્ણ બનાવી એક શીશીમાં ભરી રાખવું. એમાંથી એક ચમચી ચૂર્ણ સવારસાંજ ફાકી ઉપર એક ગ્લાસ જેટલી તાજી મોળી છાશ પીવાથી 'સંગ્રહણી' નામનો રોગ મટી શકે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ljfy0o
ConversionConversion EmoticonEmoticon