
ડેઝરીએ એણે પહેરેલું પાતળું સફેદ વસ્ત્ર કે સ્લીપર બદલ્યા પણ નહોતા. એનું માથું ઉઘાડું હતું અને સૂર્યનાં કિરણો એ કથ્થાઈ વાળની જાળી પર પડતા સોનેરી ઉજાસ આવી રહ્યો હતો
ડેઝરી ઉપર એકાએક મુકવામાં આવેલા આ આળની અસર એ થઇ કે આ આરોપનો ઇનકાર કરવાની અસામાન્ય હિંમત એનામાં આવી ગઈ. '
(ઉત્તરાર્ધ )
(વહી ગયેલી વાર્તા : આ ૧૯મી સદીનાં એવાં અમેરિકાની વાત છે જ્યાં અશ્વેત હબસી લોકો શ્વેત લોકોનાં ગુલામ હતા. મોન્સ્યુઅર વૅલ્મોન્ડ પોતાની એસ્ટેટમાં એક દિવસ ઘોડેસવારી કરતા નીકળ્યા ત્યારે એમને એક નાનકડી શ્વેત બાળકી મળી આવી. મેડમ વૅલ્મોન્ડને કોઈ બાળક નહોતા.
બંનેએ નાનકડી દીકરીનું નામ રાખ્યું ડેઝરી અને એને ખૂબ લાડપ્યારથી ઉછેરી. અન્ય એક ખાનદાની શ્વેત કુંટુંબનો યુવાન આર્મન્ડ યુવાનીમાં પ્રવેશ કરી ચૂકેલી ડેઝરીનાં પ્રેમમાં પડયો. મોન્સ્યુઅર વૅલ્મોન્ડે બાળકીનાં અજાણ્યા વંશ વિષે વાત તો કરી પણ આર્મન્ડ પ્રેમમાં હતો. એણે એ વાત ઉપર કોઈ ધ્યાન આપ્યું નહોતું.
લગ્ન બાદ ડેઝરીને ત્યાં બાળકનો જન્મ થયો. બાળક ત્રણેક મહિનાનું થયું હશે જ્યારે વાતો થવા માંડી કે આ બાળક આંશિક રીતે અશ્વેત વંશનું હોય એમ લાગે છે. વાર્તામાં એક શબ્દ આવે છે : ક્વૉડ્રન(ૂેચગર્ર્હિ). ગુજરાતી લેક્સિકોન અનુસાર એનો અર્થ થાય છે : પા ભાગના હબસી લોહીવાળું માણસ. આમ પોણો ભાગ યુરોપિયન વંશજ પણ ક્યાંક કોઈ પૂર્વજ હબસી પ્રેમસંબંધનું ફરજંદ. આર્મન્ડની એસ્ટેટમાં ક્વૉડ્રન લોકો નોકર હતા. ડેઝરીનાં ખાનદાન વિષે કોઈ જાણતું નહોતું.
એ પોતે તો શ્વેત હતી પણ એનાં બાળકની ચામડી અશ્વેત જેવી હતી. આર્મન્ડ હવે ડેઝરીને પ્રેમ કરતો નહોતો. એની સાથે વાત કરતો ત્યારે એની નજર કોઈ બીજી જ દિશામાં રહેતી. એની એ પ્રેમભરી નજર હવે નહોતી. એ હવે ઘરમાં ખાસ રહેતો નહોતો. જ્યારે પણ રહેતો ત્યારે એની પત્ની અને દીકરાને મળવાનું ટાળતો, જેનું કોઈ ચોક્કસ કારણ નહોતું. અને ગુલામો પાસેથી કામ લેવાની બાબતમાં તો હવે શૈતાન એની ઉપર હાવી થઇ ગયો હતો. ડેઝરી માટે આ પીડા મૃત્યુ પામવા જેટલી ખરાબ હતી. હવે આગળ..)
એવી એક બપોરે જ્યારે વાતાવરણમાં ગરમી હતી ત્યારે ડેઝરી ગાઉન પહેરીને બેઠી હતી. એનાં લાંબા કથ્થાઈ રેશમી વાળ એનાં ખભા સુધી લહેરાઈ રહ્યા હતા. સાવ અકારણ કોઈ વિચારમાં ખોવાઈ હોય એ રીતે એની આંગળીઓ એનાં વાળમાં ફરી રહી હતી. એનાં મહૉગનિ લાકડાનાં છત્ર પલંગ ઉપર એનું બાળક અર્ધ નગ્નાવસ્થામાં ઘસઘસાટ ઊંઘતું હતું.
સાટિનની કોરથી સજાવેલા આ અર્ધ છત્ર પલંગ જાણે કે કોઈ ભવ્ય સિંહાસન જેવું ભાસી રહ્યું હતું. લા બ્લાંચનાં ક્વૉડ્રન છોકરાઓ પૈકી એક- એ ય અર્ધનગ્ન હતો- ઊભો હતો અને મોરપંખનાં બનેલાં હાથપંખાથી હળવે હળવે ડેઝરીનાં બાળકને હવા નાંખી રહ્યો હતો.
ડેઝરીની આંખો બેધ્યાનપણે ઉદાસીનતાપૂર્વક એનાં બાળક ઉપર સ્થિર થઇ ગઈ હતી અને એ કોશિશ કરી રહી હતી પોતાની આંખોમાં ઘૂસણખોરી કરતા આંસુઓને રોકવાની અને એ આંસુઓને લીધે થનાર દ્રષ્ટિની ઝાંખપને ટાળવાની. પહેલાં એનાં બાળક તરફ અને પછી પેલો છોકરો જે એની બાજુમાં ઊભો હતો એની તરફ એ જોતી રહી, ફરી જોયું, ફરી ફરીને જોયા કર્યું. 'આહ!' આ અનાયાસ આવી ગયેલો આર્તનાદ હતો, જે વિષે એ સભાન નહોતી. એની નસોમાં લોહી થીજીને બરફ બની ગયું હતું અને ચોંટી જવાય એવો ભેજ એનાં ચહેરા ઉપર છવાઈ રહ્યો હતો.
એણે નાના ક્વૉડ્રન છોકરાં સાથે બોલવાની કોશિશ કરી પણ પહેલાં તો કોઈ અવાજ જ નીકળ્યો નહીં. જ્યારે એ છોકરાએ એનું નામ બોલાયું છે એવું સાંભળ્યું કે એણે ઉપર જોયું અને જોયું કે એની માલિકણ એની તરફ જોઇને દરવાજા તરફ આંગળી ચિંધી રહી છે. મોટા નરમ પંખાને એણે બાજુમાં મુક્યો અને આજ્ઞાા અનુસાર ચમકતા ફર્શ ઉપર એનાં ખુલ્લા પગથી ચાલવાનાં કારણે કોઈ અવાજ ન થાય એ રીતે એ ઝડપથી ત્યાંથી જતો રહ્યો.
ડેઝરી હાલ્યાચાલ્યા વિના ત્યાં જ બેસી રહી. એની આંખો એનાં બાળક ઉપર જડાઈ ગઈ હતી. અને એનાં પોતાના ચહેરા ઉપર એક દહેશત દેખાઈ રહી હતી. અને ત્યારે એનો પતિ રૂમમાં દાખલ થયો અને ડેઝરીની હાજરીની કોઈ પણ નોંધ લીધા વિના એ ટેબલ પાસે ગયો અને ટેબલ ઉપર પડેલા કાગળો પૈકી કોઈ જરૂરી કાગળ શોધવા લાગ્યો.
'આર્મન્ડ,' એણે એને બોલાવ્યો. શૂળની જેમ ઘોંચાય એવો અવાજ હતો એ. પણ એણે એની કોઈ નોંધ લીધી નહીં. 'આર્મન્ડ,' એણે ફરીથી કહ્યું. પછી એ ઊભી થઇ અને અસ્થિરપણે લથડિયાં ખાતાં ખાતાં ચાલીને એનાં તરફ ગઈ. 'આર્મન્ડ,' એણે એનો હાથ પકડીને હાંફતા હાંફતા ફરી એક વાર કહ્યું, 'જો બાળક સામે જો, એ શું સૂચવે છે? મને કહે.'
એણે ઠંડે કલેજે પણ હળવેથી એના હાથ ઉપરથી ડેઝરીની આંગળીઓની પકડ ઢીલી કરી અને એનો હાથ એનાથી દૂર ધકેલ્યો. 'મને કહે આ શું સૂચવે છે! શું છે આ?' એ હતોત્સાહ થતી રડી ઊઠી.
' એનો અર્થ એ કે,' એણે શાંતિથી જવાબ આપ્યો, 'કે આ બાળક શ્વેત નથીત એનો અર્થ એ કે તું શ્વેત નથી.'
ડેઝરી ઉપર એકાએક મુકવામાં આવેલા આ આળની અસર એ થઇ કે આ આરોપનો ઇનકાર કરવાની અસામાન્ય હિંમત એનામાં આવી ગઈ. 'આ જૂઠ્ઠી વાત છે. આ સત્ય નથી, હું શ્વેત જ છું! જો મારા વાળ સામે જો, એ કથ્થાઈ છેત અને મારી આંખો... મારી આંખો રાખોડી છે, આર્મન્ડ તું જાણે છે કે એ રાખોડી છે. અને જો આ મારી ચામડી, એ ગોરી છે,' એનાં પતિનો હાથ પકડીને એણે કહ્યું. 'જો, મારા હાથ સામે જો એ તારા હાથ કરતા પણ સફેદ છે, આર્મન્ડ,' અને પછી એ જોરથી હસી પડી.
'એટલી શ્વેત જેટલી શ્વેત આ નોકરાણી લા બ્લાંચ છે.' એણે ઘાતક રીતે જવાબ દીધો, અને એ ત્યાંથી ચાલ્યો ગયો એની પત્ની અને બાળકને ત્યાં જ મુકીને.
જ્યારે એ હાથમાં પેન લઇ શકી ત્યારે એણે એની મા મેડમ વૅલમોન્ડને દુ:ખભર્યો પત્ર લખ્યો.
'મારી મા, આ લોકો કહે છે કે હું શ્વેત નથી. આર્મન્ડે કહ્યું કે હું શ્વેત નથી. ભગવાન કરીને તું મને કહે કે આ સાચું નથી. તને તો ખબર છે જ કે આ સાચું નથી. મારે હવે મરી જવું જોઈએ. ચોક્કસ મરી જવું જોઈએ. હું આટલી દુ:ખી ન જ રહી શકું, ન જ જીવી શકું.'
પત્રનો ટૂંકો જવાબ આવ્યો :
'મારી પોતાની ડેઝરી : વૅલમોન્ડ પાસે આવી જાત તારી મા પાસે, જે તને ચાહે છે. તારા બાળકને લઈને આવજે.'
જ્યારે પત્ર ડેઝરી પાસે પહોંચ્યો ત્યારે એ પત્ર લઈને એ એનાં પતિનાં સ્ટડી રૂમમાં ગઈ અને એ જ્યાં બેઠો હતો એ ડેસ્ક ઉપર આ પત્ર ખોલીને મુક્યો. એ એક પથ્થરની મૂત જેવી હતી : શાંત, સફેદ, કોઈ પણ જાતની હલનચલન વિનાની.
એ જ શાંતતાથી એણે એની ઠંડીગાર આંખોથી એમાં લખાયેલા શબ્દો વાંચ્યા. એ કાંઈ બોલ્યો નહીં.
'હું ચાલી જાઉં, આર્મન્ડ?' એણે પૂછયું. એનો અવાજ અનિશ્ચિત ઉચાટથી ભરેલો હતો.
'હા, ચાલી જા.'
'તું ઈચ્છે છે કે હું ચાલી જાઉં?'
'હા, હું ઈચ્છું છું કે તું જતી રહે.'
એ વિચારી રહ્યો હતો કે સર્વશક્તિમાન ઈશ્વરે એની સાથે કુરતા કરી છે, અન્યાય કર્યો છે અને એ વિચારતો રહ્યો કે આ રીતે આમ કરીને એ ઈશ્વરને બદલો વાળી રહ્યો છે. એણે એની પત્નીનાં મન ઉપર વજ્રઘાત કર્યો. અને હવે એ પણ હતું કે એ એને હવે પ્રેમ પણ કરતો ન હતો. એનું કારણ એ કે એની પત્ની અજાણતામાં એનાં ઔબિગ્ની ખાનદાન અને એનાં નામ ઉપર હાનિ કરી ચૂકી હતી.
એ પાછી વળી એ રીતે, જાણે કે આઘાતથી દિગ્મૂઢ થઇ ગઈ હતી. અને પછી ધીમેથી દરવાજા તરફ ગઈ એ આશામાં કે એ એને પાછી બોલાવશે.
'ગૂડ બાય, આર્મન્ડ,' એણે નિસાસો નાખ્યો.
આર્મન્ડે એની પત્નીને કોઈ જવાબ આપ્યો નહીં. એનાં નસીબને એણે આ રીતે આખરી ફટકો માર્યો.
ડેઝરી ચાલી ગઈ. એના બાળકને તેડવા માટે એ ગેલરીમાં કે જ્યાં એની આયા ઝેન્ડરીન એને તેડીને આંટા મારી રહી હતી.
એણે આયાનાં હાથમાંથી એનાં દીકરાને તેડી લીધો અને એક પણ શબ્દનો ફોડ પાડયા વગર, કશું પણ કહ્યા વગર એ પગથિયાં ઉતરી ગઈ અને ચાલી નીકળી ઑક વૃક્ષની ડાળીઓ નીચેથી.
એ ઓક્ટોબરની બપોર હતી, સૂર્ય ધીરે ધીરે નીચે આવી રહ્યો હતો. બહાર ખેતરોમાં હબસીઓ હજી કપાસ વીણી રહ્યા હતા.
ડેઝરીએ એણે પહેરેલું પાતળું સફેદ વસ્ત્ર કે સ્લીપર બદલ્યા પણ નહોતા. એનું માથું ઉઘાડું હતું અને સૂર્યનાં કિરણો એ કથ્થાઈ વાળની જાળી પર પડતા હતા જેનો સોનેરી ઉજાસ આવી રહ્યો હતો. એણે એ પહોળો અને જાણીતો રસ્તો લીધો નહોતો. એ રસ્તો જે એનાં પિયર વૅલમોન્ડ પ્લાન્ટેશન તરફ લઇ જતો હતો. એ જુદે જ રસ્તે, એક ઉજ્જડ ખેતરમાં થઈને ચાલી નીકળી હતી, જેનાં અનાજનાં ખૂપરા કે ઠુંઠા એના નાજુક પગરખામાં થઈને કુમળા પગમાં ઘોંચાઈ રહ્યા હતા. અને એનાં પાતળા ગાઉનને તાર તાર કરતા જતા હતા.
આગળ એક સરોવરનાં ગારોકાદવથી ભરેલાં નિષ્ક્રિય ઊંડા કળણને કાંઠે ઊગેલા ઊંચા ઘાસની સળીઓ અને નેતરનાં ગીચ ઝાડવાઓ વચ્ચે એ અદ્રશ્ય થઇ ગઈત અને પછી એ પાછી આવી નહીં, ક્યારેય નહીં.
થોડાં અઠવાડિયા પછી
લાએબ્રીમાં એક વિચિત્ર દ્રશ્ય ભજવાયું. ત્યાં બારીકાઈથી સફાઈ કરેલા પાછળનાં વાડાની વચમાં લાકડાંની એક હોળી સળગી રહી હતી. આર્મન્ડ ઔબિગ્ની પહોળા હૉલવેમાં બેઠો હતો, જ્યાંથી આ તમાશો સારી રીતે દેખાતો હતોત અને એ એ જ તો હતો જે અર્ધો ડઝન હબસીઓને આ ચિતામાં હોમવા માટે હોમહવનની સામગ્રીઓ આપી રહ્યો હતો, જે હોમવાથી હોળીની જ્વાળાઓ વધારે સળગતી જતી હતી.
નજાકતભર્યા સાફ નેતરનાં લાકડાનું બનેલું એ આકર્ષક મોહક ઘોડિયું એ ચિતા પર મુકવામાં આવ્યું. એ ચિતા ઉપર નવજાત શિશુનાં વસ્ત્ર, બિછાનું, ઇત્યાદિ અમૂલ્ય સરંજામનાં વૈભવને આ અગાઉ જ સળગાવી દેવાયો હતો. અને પછી રેશમી ગાઉન્સ, અને વેલ્વેટ અને સાટિનનાં વસ્ત્રો એમાં ઉમેરાતા જતા હતા, અને એની ગૂંથેલી દોરી અને એ બારીક ભરતકામત ઘરની બહાર પહેરવાની બંધવાળી ટોપી અને હાથમોજાંત કારણ કે લગ્ન સમયે વરપક્ષ તરફથી કન્યા પક્ષને જે કૉરબલી અપાયું હતું, એ પણ તો અસાધારણ કોટિનું હતું.
આખરી વસ્તુ જે એ ચિતામાં હોમવામાં આવી, એ હતી કેટલાંક પત્રોનું એક નાનકડું બંડલત એ નિર્દોષ અસ્પષ્ટ લખાણવાળા પત્રો જે ડેઝરીએ એને લખ્યા હતા, એ દિવસોમાં જ્યારે એમનાં તાજા તાજા વિવાહ થયા હતા. જે ખાનામાંથી એણે પત્રો લીધા હતા એમાંથી એક છેલ્લો કાગળનો ટૂકડો આ પત્રો સાથે જોડાયેલો પડયો હતો. પણ એ ડેઝરીનો પત્ર નહોતોત એ કોઈ એક જૂના પત્રનો હિસ્સો હતો, જે એની માતાએ એનાં પિતાને લખ્યો હતો. એણે એ પત્રનો ટૂકડો હાથમાં લીધો અને વાંચ્યો. એની માતા ભગવાનનો બહુ મોટો પાડ માની રહી હતી કે એને એનાં પતિનો પ્રેમ મળ્યો :-
'પણ સૌથી વિશેષ તો,' એમણે લખ્યું હતું કે, 'રાત દિવસ ભગવાનનો બહુ મોટો ઉપકાર છે મારી ઉપર. થેંક ગૂડ ગોડ, તમે અમારી જિંદગી એ રીતે ગોઠવી દીધી છે કે નાનકડો આર્મન્ડ એ ક્યારેય જાણી નહીં શકે કે એની માતા જે એને અતિશય ચાહે છે એ માતા, એ વંશની છે જે પ્રજાતિ ગુલામીથી શાપિત છે.
સર્જકનો પરિચય
કેટ ચોપિન
જન્મ: ૮ ફેબ્રુઆરી, ૧૮૫૦, મિસૂરી, યુ.એસ.એ.
મૃત્યુ: ૨૨ ઓગસ્ટ, ૧૯૦૪ મિસૂરી, યુ.એસ.એ.
સાહિત્ય સર્જન : ધ સ્ટોર્મ, ડેઝરીઝ બેબી, એ પેર ઓફ સિલ્ક સ્ટોકિન્ગ્સ, એ રીસ્પેક્ટેબલ વૂમન, ધ અવેકનિંગ
સાહિત્ય પર આધારિત ફિલ્મ્સ : ગ્રાન્ડ આઈલ, એ મેટર ઓફ પ્રેજ્યુડિસ અને જોય ધેટ કિલ્સ
વીસમી સદીમાં અમેરિકામાં થોડીક સ્વતંત્ર વિચારસરણીની હિંમતવાળસ્ત્રીઓએ નારીવાદી સાહિત્યનું સર્જન કર્યુ હતું. એ લેખિકાઓ પૈકી કેટ ચોપિન ઉચ્ચ સ્થાન ધરાવે છે. એ જમાનામાં સ્ત્રીઓનું વ્યક્તિગત અસ્તિત્વ અને સેકસુઅલ સ્વાતંત્ર્ય મર્યાદિત હતું. તે સમયે એમની વાત બહુ ઓછાને સમજાતી હતી પણ એમનાં મૃત્યુ પછી એમણે કરેલી સ્ત્રી સ્વાતંત્ર્યની વાતો વધારે પ્રસ્તુત બની. એમની વાર્તાઓમાં એક મધ્યવર્તી વિચાર વારંવાર આવતો રહેતો હતો. લગ્ન અને સમાજની સ્ત્રી પ્રત્યેની રીતભાત.
એમની વાર્તાઓમાં સ્ત્રી પાસે બે રસ્તાઓ હતા. સમાજે જે વ્યવહાર મર્યાદા નક્કી કરી છે એની ઉપર ચાલવું કે પછી દિલ કહે એમ કરવું. એમનાં પાત્રોએ મોટે ભાગે બીજો રસ્તો પસંદ કર્યો હતો. તેઓ બહુ સરળતાથી અને પૂરી સભાનતાથી સ્ત્રીનાં મનની ભાવના અને વિભાવના કહી શકતા હતા. અને છતાં એમનાં સાહિત્ય સર્જનોમાંથી કોઈ એક સરળ નિષ્કર્ષ નીકળી આવે એવું ય નહોતું. બલકે આ સર્જનો વાંચકોને એવી જટિલ અવસ્થામાં લઇ જતા હતા જે સમાજે નક્કી કરેલાં વ્યવહાર, પૂર્વગ્રહો અને અને માંગણીઓનાં કારણે સર્જાતી હતી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/342NkgO
ConversionConversion EmoticonEmoticon