
કોણે કહ્યું કે દુનિયા સતત પરિવર્તનશીલ છે ? વસ્તુઓ બદલાય છે, મૂલ્યોમાં પરિવર્તન આવે છે, પણ માનવીના સ્વભાવમાં કોઇ બદલાવ આવતો નથી. આવે સમયે ત્રણેક દાયકા પૂર્વે હિંદી સાહિત્યના સમર્થ વ્યંગકાર શરદ જોશીના એક લેખનું સ્મરણ થાય છે. વર્ષો પહેલાં લખાયેલો લેખ આજની પરિસ્થિતિનો એવો જ ચિતાર આપે છે. તેઓ લખે છે-
પહેલી વાર જેણે ખુરશીનું નિર્માણ કર્યું તેને ખબર નહીં હોય કે આ દેશ પર એ કેવી મોટી આફત સર્જી રહ્યો છે ! ખુરશી એ માત્ર બેસવાની સુવિધા માટે રહી નહીં, પરંતુ એક પ્રકારની સર્વવ્યાપી માનસિકતા બની ગઇ. એ વ્યક્તિની નીચે રહેવાને બદલે એના માથે ચડી ગઇ. ખુરશી વિના વ્યક્તિ અસુરક્ષાથી ભયભીત બની જાય છે. ખુરશી એનો કિલ્લો છે, શસ્ત્ર છે. શક્તિ છે. ડાળી પર બેઠા વિના જેમ કોયલ ગાઇ શકતી નથી, એ જ રીતે ખુરશી વિના મનુષ્યની પ્રતિભા શૂન્ય બની જાય છે. જેની પાસે પોતાની ખુરશી નથી, એ બીજા ખુરશીધારીનો સહારો લે છે.
ખુરશી આત્મબળ છે, બાહુબળ છે અને આપણા દેશમાં અર્થબળ પણ ખરું. ખુરશી વિના જીવન સાવ નિરસ લાગે. આ ખુરશી એક બીજી ઉપખુરશી, એક સ્ટૂલ અને એના પર બેઠેલા એક ચપરાશીને જન્મ આપે છે. એ રીતે ખુરશીની આસપાસનું એકલવાયાપણું દૂર થાય છે. એના પર બેઠા વિના માનવજન્મ સાર્થક લાગતો નથી. એને બરાબર ચોંટીને, ફેવિકોલ લગાવીને, આજીવન એની સાથે જોડાઇ રહેવાનો સુદીર્ઘ પ્રયત્ન એ જ જીવનનો પરમ પુરુષાર્થ છે.
કોઇ યંત્ર મારફતે તમે એના પર બેસીને દેશનો પૂરો વિસ્તાર જોઇ શકશો. પહાડ નહીં દેખાય, નદીઓ નહીં દેખાય, માત્ર ખુરશીઓ જ દેખાશે. બધે ખુરશીઓ જ દેખાશે. બધે ખુરશીઓ જ ખુરશીઓ. આ દેશમાં લાકડાંની ખુરશી બનાવી શકાય, તે માટે જ વૃક્ષો ઊગે છે. આ દેશમાં મોટા ભાગના ભણેલા લોકો ખુરશીઓના વિરાટ જંગલમાં માનસિક રીતે જીવતા અર્ધનગ્ન આદિવાસીઓ છે. ખુરશી પરથી બીજી ખુરશી તરફ તીર ફેંકવામાં આવે છે. ખુરશીઓ ખુરશી સાથે ટકરાય છે. ખુરશીઓ ખુરશીને મારે છે.
ઘણીવાર તો બધું જ નષ્ટ થઇ જાય છે, પણ માત્ર એક ખુરશી રહી જાય છે. ખુરશીનો કોઇ પર્યાય નથી, કોઇ વિકલ્પ નથી. ખુરશીથી અધિક મજબૂત કશું નથી. ખુરશીથી વધુ કોઇ ઊંચાઇ હાંસલ કરવાની હોતી નથી. એક ખુરશીની સીમા જ્યાં પૂરી થાય છે, ત્યાં બીજી ખુરશીનો આરંભ થાય છે. ખુરશી ખુરશીને ગળી જાય છે. ખુરશીને પ્રગટ કરે છે.
મોટી ખુરશી જોઇને નાની ખુરશી એને ઝૂકે છે. ખુરશી આત્મા છે અને એના પર બેઠેલો પરમાત્મા હોય છે. ખુરશી દેવાસન, સિંહાસન અને ઇંદ્રાસન છે. એના પર જે બેસે, તે ગુણવાન અને બુદ્ધિવાન હોય છે, ખુરશી જ ન્યાયાધીશ છે અને ખુરશી જ શક્તિશાળી પહેલવાન છે. એ અલ્લાદ્દીનનો ચિરાગ અને અલી બાબાની ખુલજા સીમસીમ છે.
'ચાર છ દિવસ પહેલાં મારા ઘરમાં ચોર ઘૂસી આવ્યા. એમણે ખરેખર તો રાજકારણમાં જવું જોઇતું હતું. એ દિવસથી હું એમની કારકીર્દિ વિશે વિચારું છું અને એ જ વર્ષો જૂનો અફસોસ મને રહી રહીને જાગે છે કે આ દેશમાં પ્રતિભાશાળીને યોગ્ય માર્ગદર્શન મળતું નથી. વિક્રમાદિત્યની કથાઓમાં મેં વાંચ્યું હતું કે કોઇ ચાલાક ચોરને પકડયા પછી જો રાજા વિક્રમ એમની ચતુરાઇ અને વીરતાથી પ્રસન્ન થઇ જતા, તો એને પોતાનો સેનાપતિ બનાવતા હતા.
અર્થાત્ નોકરી મેળવ્યા પછી તમે સારા ચોર થઇ શકો છો, પણ એ જમાનામાં કાબેલ ચોર થયા પછી પણ સરકારી નોકરી મેળવવાની ગુંજાયશ હતી. હવે નથી રહ્યા એ વિક્રમ વીર. હવે તો માધવસિંહ-મોહરસિંહને લશ્કરમાં લેવા સામે કેટલાય કાયદાઓ અવરોધરૂપ બને છે. જે ફૂલનદેવીએ આટલા બધાને પાણી પીવડાવ્યું, એને આપણે પાણી પીવડાવનારની નોકરી પણ આપી શકતા નથી.'
'હા, તો બન્યું એવું કે છેલ્લાં કેટલાક દિવસોથી મારો પરિવાર બહાર ગયો હતો અને મારે ત્યાં ચોરી થઇ. ઉનાળાના એ દિવસોમાં એ પર્યટનમાં વ્યસ્ત થવાના દિવસો હોય છે અને એને કારણે સ્થાનિક ચોરોની વ્યસ્તતા પણ વધી જાય છે. ઘરના માલિક અને એની ચોકી કરનાર હવાલદાર બંને જોવાલાયક સ્થળોને જોવા માટે તથા સગાંવહાલાને મળવા માટે નીકળી પડે છે.
ઘરમાં કોઇ હોતું નથી અને તેથી નાના-મોટા ચોરને ચોરી કરવાની સુવિધા મળી જાય છે. આ ચોર એક રાત્રે આવ્યા, એમના બાહુબળથી અથવા તો કોઇ વિકસિત ટૅકનોલૉજીથી બારીની લોખંડની જાળીઓ કાપી નાખી અને અંદર આવી ગયા. મને લાગે છે કે એવું કરવામાં એમને થોડી કઠિનાઇ આવી હશે. એ ચોર પાતળા હશે.'
રાજકારણ કે તુમારશાહી તંત્રમાં જે ચોર હોય છે એમના શરીર પર અધિક ચરબી હોય છે. જે એમના વ્યક્તિત્વ નિર્માણમાં સહાયક બને છે. પરંતુ અસલી ચોરીના ક્ષેત્રમાં સ્થૂળકાય હોવું તે વ્યવસાયની દ્રષ્ટિએ સારું મનાતું નથી. પોલીસ પાછળ પડે તો 'રન ફોર ફ્રિડમ'ને માટે વ્યર્થની ચરબી હોવી જોઇએ નહીં. એ વરંડામાં આવ્યા અને એનાથી આગળ જવા માટે તાળું તોડવાની આકરી મહેનત કરી અને ચોરી કરવાનો પાક્કો ઇરાદો હોવા છતાં અંદર પ્રવેશવાની બાબતમાં ઉલ્લેખનીય પ્રગતિ કરી શક્યા નહીં.
'જો અંદર આવ્યા હોત તો બે ઘડિયાળ એક ટીવી, એક મિક્ષર, ભોજન માટેના સ્ટેનલેસ સ્ટીલનાં વાસણો, ચાર પેન્ટિંગ્સ, કેટલોક સજાવટી સામાન, વાદ-વિવાદની પ્રતિયોગિતામાં પુત્રીને પ્રાપ્ત થયેલો ચાંદીનો કપ આદિ પ્રાપ્ત કરી શક્યા હોત, પરંતુ અંતે એમાં એમને નિરાશા જ સાંપડી. ચોરીની એ રાત તેઓને માટે નસીબદાર નહોતી. કશું ન મળ્યું. સમય વીતતો હતો તેથી તેઓ વરંડામાં પડેલી ચાર ફોલ્ડિંગ ખુરશીઓ ઊઠાવી ગયા.
ભોપાલમાં આંગણામાં પડેલી લાકડી અને ખુલ્લામાં પડેલા પ્લાસ્ટિકના વાસણોની ચોરી કરનારા આવે છે. તેઓ મારા કુંડાની ચોરી કરીને ચાલ્યા જાય છે. ઘણીવાર ખુરશીઓની ચોરી પણ થઇ છે. મને લાગે છે કે ઈશ્વર મારી પાસે ખુરશી રહે એવી કલ્પનાનું જ વિરુદ્ધ છે. ક્યારેય મળી નહીં, મળી તો મેં છોડી દીધી અથવા તો એને માટે અયોગ્ય સાબિત થયો અને પછી કશું રહ્યું નહીં તો જે ખુરશી હતી તે પણ ચોરાઇ ગઇ.
હું તેઓને કહું છું કે ખુરશીથી સંતોષ પ્રાપ્ત કરી લો. બધા જ એ રીતે સંતોષ પ્રાપ્ત કરે છે. મેં એમને એમની ચોરી માટે માફ કરી દીધા. આ દેશના લોકો રોજ ખુરશી પર બેસીને ચોરી કરનારાઓને માફી આપે છે, તો શું હું ચાર ખુરશી ચોરનારને માફ ન કરી શકું ? એમને ખુરશી મળી ગઇ ને ! એના પર આરામથી બેસો અને વિચારો ક્યાં ચોરી કરવી છે અને કેવી રીતે કરવી છે ? એને કારણે તમારો રુઆબ એવા લોકોમાં વધવા લાગશે કે જે પોતાની ખુરશી પર બેસીને આ જ કામ કરે છે. આ જ વિચાર કરે છે.
મારી ખુરશીઓ જે ચોરીને તમે લઇ ગયા છો, તે જો પસંદ જ છે. ખુરશીનો આરામ આપતો લાંબો સિલસિલો છે. અહીં જાહેરમાં ખુરશીને ઝાપટવામાં આવે છે. છીનવી લેવામાં આવે છે. ખુરશી મળે છે, જતી રહે છે અને પાછી મળે છે. એ ઉત્પન્ન પણ કરવામાં આવે છે. એને ચોરવી પડતી નથી. અહીં તમે જશો તો તમને માશીઆઈ ભાઇઓની એક મોટી દુનિયા મળશે. અહીં પણ તમારે લોખંડની જાળીઓ કાપવી પડશે. અંદરના તાળાં તોડવાં પડશે. પણ ક્યારેય એ દેશ હશે, મારું ઘર નહીં હોય. તમે ઘૂસી જાવ તો તમને જરૂર ખુરશી મળશે.'
મનઝરૂખો
કેટલીક વ્યક્તિઓ પોતાના વર્તમાન જીવનને સતત ધિક્કારતી હોય છે. એ ખુદ પોતાની જિંદગી પ્રત્યે તિરસ્કાર ધરાવતી હોય છે અને આવી નકામી, પરેશાનીભરી, નરક સમી જિંદગી મળી, એનો રાત-દિવસ વસવસો કરતી હોય છે. જીવનમાં ડગલે ને પગલે સ્વ-જીવન અંગે નિસાસા નાખતી હોય છે. એને જેટલી ધિક્કારશો એટલી તિરસ્કારની ભાવના તમારા મનમાં સળગતી રહેશે અને તેથી એનું પોતાનું જીવન તો ધિક્કારપાત્ર બનશે, પણ એથી ય આગળ વધીને એની જીવનદ્રષ્ટિ ધિક્કારમય બનશે.
આસપાસના માણસો અળખામણા લાગશે. વારંવાર એના પર ક્રોધાયમાન બની જશે. ક્યારેક આવેશમાં ચિત્ત પરનો કાબૂ ગુમાવીને એને કટુ-વચનો કે અપશબ્દો કહેશે. કોઇકવાર હિંસક હુમલો પણ કરી બેસશે. કારણ કે પોતાની જિંદગીને ધિક્કારનારને બીજાના જીવન માટે લેશમાત્ર આદર હોતો નથી. આવી રીતે સ્વજીવનને જોનાર સમય જતાં એ જ દ્રષ્ટિએ સૃષ્ટિને જોવા માંડે છે.
પોતાની જિંદગી પ્રત્યેની ધિક્કારની લાગણીનું અન્ય ધિક્કારભર્યું ચિત્ત એને કહ્યા કરે છે કે આ સમગ્રજગત ધિક્કારને પાત્ર છે. સ્વજનો સ્વજનો નથી, પણ દુશ્મનો છે. સગાંઓ એ સગાં નથી, પણ સાત ભવના વેરી છે. મિત્રોની કશીય મમતા નથી, પણ એનું ગળું કાપવા માટે પીઠ પાછળ ખંજર લઇને ઊભા છે.
જે વ્યક્તિ પોતાના જીવનને ચાહતી નથી, એને જગત ચાહતું નથી. હકીકતમાં તો જીવનમાં એ જે સ્થિતિ કે સ્થાન પર હોય, તેનો એણે આનંદ માણવો જોઇએ. પોતાની શારીરિક શક્તિમર્યાદાને જીવનના આનંદથી અળગી કરી દેવી જોઇએ. પારિવારિક કે સામાજિક પરિસ્થિતને સમજીને એણે સ્વજીવનને ચાહવું જોઇએ. આનું સીધું સાદું ગણિત એટલું કે તમે જીવનને ગમે તેટલું ધિક્કારશો, તો પણ જીવન તો તમારા આયુષ્યકાળ દરમિયાન તમારી સાથોસાથ, લગોલગ જ રહેવાનું છે.
ક્ષણનો સાક્ષાત્કાર
અંગ્રેજી સાહિત્યના ઉત્તમ નિબંધસર્જક અને વિવેચક વિલિયમ હેઝલિટને જીવનમાં માત્ર કારમી ગરીબીનો જ નહીં પરંતુ ગાઢ હતાશાનો પણ અનુભવ કરવો પડયો.
એના પિતાની ઇચ્છા એને પાદરી બનાવવાની હતી, પરંતુ એ માટે એકાદ વર્ષ અભ્યાસ કરીને એ ઘેર પાછો ફર્યો.એનો ભાઇ ચિત્રકાર હોવાથી ચિત્રકાર બનવાનો વિચાર કર્યો, પરંતુ એવામાં લેખક થવાનું મન થયું. નિબંધકાર અને વિવેચક તરીકે હેઝલિટે અંગ્રેજી સાહિત્યમાં મહત્ત્વનું પ્રદાન કર્યું.
છવ્વીસ વર્ષની વયે એનું પ્રથમ પુસ્તક પ્રગટ થયું અને બાવન વર્ષની વયે એ અવસાન પામ્યા. પચીસ વર્ષના એના સર્જનકાળમાં એણે ઉત્તમ લેખનકાર્ય કર્યું. અંગ્રેજી સાહિત્યમાં સેમ્યુઅલ જ્હોન્સન પછીનો એ સૌથી મોટો વિવેચક ગણાયો.
શેક્સપિયરનાં નાટકો વિશે વિલિયમ હેઝલિટે મહત્ત્વનું વિવેચન કાર્ય કર્યું. આટલું બધું સાહિત્યસર્જન કરવા છતાં એના સમયકાળમાં એને સર્જક તરીકે વિશેષ ખ્યાતિ મળી નહીં. માથે દેવું વધી ગયું અને એને પરિણામે એને કારાવાસ પણ ભોગવવો પડયો. ૧૮૦૮માં સરાહ ટોડાર્ટ સાથે એણે લગ્ન કર્યાં. એણે ત્રણેક વર્ષ પછી સારા વૉકર નામની યુવતીના ગળાડૂબ પ્રેમને કારણે એણે પોતાની પત્નીને છૂટાછેડા આપ્યા.
હકીકતમાં સારા વૉકર વિલિયમ હેઝલિટ સાથે પ્રેમનું નાટક કરી રહી હતી. હેઝલિટ છેતરાયો અને સહુએ એને બેવકૂફ ગણ્યો.
આવી કારમી ગરીબી અને હતાશા અનુભવનાર હેઝલિટે એના મનને વિચારથી દરિદ્ર રાખવાને બદલે સદાય સમૃદ્ધ રાખવા પ્રયાસ કર્યો. કપરા સંજોગોને કારણે વ્યક્તિની જીવનદ્રષ્ટિમાં કટુતા વ્યાપે પરંતુ વિલિયમ હેઝલિટે કોઇનાય પ્રત્યે કટુતા દાખવ્યા વિના પોતાની વાત પ્રગટ કરી.
બાહ્ય જીવનમાં વેદના અને વંચનાના બળબળતા વાયુ વીંઝાતા હતા, છતાં એણે પોતાના ચિત્તની પ્રસન્નતાને ભારોભાર જાળવી રાખી. આથી જ એણે પોતાના નિબંધમાં લખ્યું કે પૂર્વગ્રહો ઉપર મેં મારા કોઇ અભિપ્રાયો બાંધ્યા નથી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YqxU4V
ConversionConversion EmoticonEmoticon