ગ્રે કાપડમાં ઊંચા ભાવ માટે બજારમાં મથામણ


કાપડ બજારમાં કપાસના ભાવમાં ઘટાડો થવા પામેલ છે. પરંતુ કપાસના ભાવ ઘટવા છતાં કોટન યાર્નના ભાવમાં વધારો થવા પામેલ છે. તેના પગલે કાપડ બનાવવાના કોસ્ટિંગ ઊંચા ગયેલ છે. અને આના પરિણામે કમ્પોઝીટ મિલો અને પાવરલુમ વીવર્સ વર્ગ ગ્રે કાપડના ભાવ વધારવા માટે મથામણ કરી રહેલ છે. પરંતુ બજારમાં ઓવર પ્રોડકશન અને સખત નાણાંભીડના લીધે કાપડના ગ્રે કે ફીનીશ કાપડના ભાવ વધી શકતા નથી અને આમ બજારમાં રીવર્સ સાયકલ ચાલી રહેલ છે.

કાપડમાં ઉત્પાદન ક્ષેત્રે નખાતી આધુનિક લુમ્સના લીધે કાપડનું ઉત્પાદન વધવા પામેલ છે અને તેની સામે ડીમાન્ડ નહિ હોવાના લીધે કાપડના ધંધા બાયર્સ મારકીટ થઇ જવા પામેલ છે. આવા સમયમાં પેમેન્ટના ધારાધોરણ બગડી જવાના લીધે પેમેન્ટની સાયકલ બરાબર ચાલતી નથી અને આના પરિણામે બજારમાં નાણાંભીડ કાયમની થઇ જવા પામેલ છે. કેશ પેમેન્ટના ધારા-ધોરણ બગડેલ છે અને ઉધારીમાં ધિરેલ માલના પેમેન્ટમાં ધાંધિયાના લીધે કાપડના ઉત્પાદન અને ધંધા માટે મોટા મૂડીરોકાણની જરૂરિયાત ઊભી થવા પામેલ છે.

કાપડના ધંધામાં મોટા પ્રમાણમાં મૂડી રોકાણ કરવા છતાં તેની સામે રીટર્ન નહિ છૂટતા કાપડના ધંધામાંથી રસ-કસ ઓછા થઇ ગયેલ છે. કાપડમાં તહેવારોની સીઝન એક પછી એક ફેઇલ જવા પામેલ છે. આમ તો કાપડનાં ધંધામાં નોટબંધી પછી કોઇ લાંબી લેવાલી જોવા મળેલ નથી. વધુમાં જીએસટીને સમજવા અને તેના અમલ માટે કાપડ બજારમાં સારા પ્રમાણમાં ટાઇમ ગયેલ. જીએસટીના લીધે વેપારી વર્ગ સ્ટોક ઓછા કરતા થયેલ છે.

આમ બજારમાં ઘરાકી નથી અને નાણાંભીડ કારમી થવાના લીધે શરાફી વ્યાજના દરો ઊંચા ગયેલ છે. વધુમાં બજારમાં પાર્ટીઓ પોતાની નાણાકીય જવાબદારી અદા નહિ કરતા બજારનું મોરલ બગડવા પામેલ છે. આવા સમયમાં યાર્નના ઊંચા ગયેલા ભાવના લીધે મિલો અને પાવરલુમ વીવર્સ વર્ગ ગ્રે કાપડના ભાવ ઊંચા ક્વોટ કરી રહેલ છે. સાઉથમાં વધારે પડેલ વરસાદ અને નિકાસમાં ઘટી ગયેલ કામકાજના લીધે કોટન સ્પીનીંગ મિલો બંધ થવાના લીધે અને પૂરી ક્ષમતા ચાલુ નહિ હોવાના લીધે કોટન યાર્નના ભાવ કીલોદીઠ ૧૦થી ૧૫નો વધારો થવા પામેલ છે.

આમાં કોટન યાર્નમાં  ફાઇન અને સુપર ફાઇન કાઉન્ટના કોટન યાર્નમાં મોટા પ્રમાણમાં ભાવ વધારો થવા પામેલ છે. આના લીધે કોટન કાપડમાં ફાઇન અને સુપર ફાઇન કાપડમાં ભાવ વધારવા માટે વેપારી વર્ગ પ્રયત્ન કરી રહેલ છે પરંતુ બજારમાં આના લીધે કાપડમાં જુના ભાવના માલોમાં મૂવમેન્ટ જોવા મળી રહેલ છે. કાપડ બજારમાં દિવાળી પછી કાપડ અને યાર્નમાં લેવાલી વધતા કાપડના વેપારીઓ મૂડમાં આવતા જોવા મળી રહેલ છે.

કપાસના ભાવ જે ગયા વર્ષે વધીને રૂા. ૪૪૦૦૦ ખાંડીએ થયેલ તે આ વર્ષે રૂા. ૩૭૦૦૦ થયેલ છે. અમેરિકા અને ચીન વચ્ચેના વેપારયુધ્ધને લીધે ત્યાંની યાર્નની ડીમાન્ડ ઘટવા પામેલ છે. વધુમાં પાકિસ્તાન અને વિયેતનામના રૂની આયાતને ચીને જકાતમુક્ત કરેલ છે. ભારતની કમ્પોઝીટ મિલોએ વિયેતનામ, થાઇલેન્ડ અને અન્ય અગ્નિ એશિયાઇ દેશોમાંથી સસ્તા યાર્નની આયાત શરૂ કરતાં સ્થાનિક યાર્નની ડીમાન્ડ ઘટી જવા પામેલ છે અને સ્થાનિકમાં માલ ભરાવો થવા પામેલ છે.

ઓકટોબરથી શરૂ થયેલી રૂની મોસમમાં સ્પીનીંગ મિલો માટે રૂના ભાવ નીચા રહેવાની ધારણા છે. યાર્નની નિકાસ નબળી પડી ગઇ છે ત્યારે રૂના નીચા ભાવ મિલો અને પાવરલુમ વીવર્સ માટે રાહતરૂપ બની રહેશે. કપાસના વેપારીઓ અને બજાર પ્રમાણે રૂના ભાવ સમયાંતરે નીચા જવાની શક્યતા છે.

કાપડ બજારમાં સામાન્ય રીતે જે વર્ષમાં કારતક મહિનો નરમ હોય તો બાકીના મહિના કાપડની લેવાલી સારી રહોય છે. વધુમાં જે વખતે કોટન યાર્ન વધે તો તેના પગલે કાપડના કોસ્ટિંગમાં વધારો થતા કાપડના ભાવમાં વધારો થતો હોય છે. લગ્નગાળાની સીઝન ચાલુ થઇ ગયેલ છે. વધુમાં આ વર્ષે દેશમાં સારા વરસાદ-પાણીના લીધે ગ્રામીણ ઘરાકી સારી રહે છે.

વધુમાં ફુગાવો કન્ટ્રોલમાં રહેતા કાપડની ઘરાકી આગળ સારી રહેશે તેવું અનુમાન વેપારી વર્ગ કરી રહેલ છે. બાકી દિવાળી પછી કાપડમાં મૂવમેન્ટ ચાલુ થવા પામેલ છે અને ઘરાકી-લેવાલીમાં સુધારો થતા કાપડમાં ઓક્સીજન આવતા જોવા મળી રહેલ છે.

આગળ હવે ઠંડીના દિવસો હોવાના લીધે ડાર્ક કલરના માગમાં સુધારો જોવા મળી રહેલ છે. લગ્નગાળાના લીધે ફેન્સી કાપડની અને એથનીકવેરની ડીમાન્ડ જોવા મળી રહેલ છે. ડેનિમમાં અમદાવાદ ઉત્પાદક હબ ગણી શકાય. પરંતુ ડેનિમમાં ઘણા ઉત્પાદક યુનિટો થવાના લીધે ડેનિમમાં વેચવાની કાયમ ગરજ પડતી હોય છે.

કાપડના ભાવ: કોટન પોપલીન ૫૦ પનો રૂા. ૪૦/૪૦ ૯૨/૮૦ ક્વોલીટી રૂા. ૩૦માં સોદા થયેલ છે. કોટન પોપલીન ૯૨/૮૮ ગ્રે રૂા. ૩૩ અને ૧૦૦/૯૨ ગ્રે રૂા. ૩૭માં માલો વેચાય છે. કોટન પોપલીન ૫૦ પનો ૩૦/૪૦ ૧૨૪/૬૪ ક્વોલીટી રૂા. ૩૬માં માલો મળે છે. સાટીન ૫૮ પનો પ્રિન્ટ ૬૦/૬૦ રૂા. ૧૧૦ વેચાણભાવ છે. ધોતીમાં ઉત્પાદન ઓછું હોવાના લીધે ૬૪/૫૬ ૪૭ પનો ૯ મીટરનો ભાવ રૂા. ૧૮૦ અને પીસી ધોતીના ભાવ રૂા. ૧૩૫ થયેલ છે. એરજેટ ૬૩ પનો (કોમ્પેક્ટ ક્વોલીટી) ૪૦/૪૦ ૧૨૦/૬૮ ક્વોલીટી ગ્રે રૂા. ૫૫માં વેચાય છે. ૬૩ પનો ૪૦/૪૦ ૧૩૨/૭૨ ક્વોલીટી કમ્પોઝેટ ગ્રે રૂા. ૫૮માં સોદા થયેલ છે. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36cVEfx
Previous
Next Post »