
ટોચની કંપનીના સી.ઈ.ઓ ટ્રોલી લઈને શોપિંગ ન કરી શકે ?
બીલ ગેટ્સને તમે 'બાર્ન્સ એન્ડ નોબલ'માં પુસ્તકો ખરીદતા જોઈ શકો
સ્વીડનના રાજા અને રાણી તેમના પ્રાઇવેટ વિમાનમાં ભારત આવવા નીકળતા હતા ત્યાં જ તેમના વિમાનમાં ટેકનીકલ ખામી સર્જાતા તેઓએ તરત જ તે પછીના અમુક કલાકો પછી સ્વીડનની રાજધાની સ્ટોકહોમથી દિલ્હીની એર ઇન્ડીયાની જે ફ્લાઈટ આવતી હતી તેમાં ટીકીટ બુક કરાવી.
બંનેએ સામાન્ય પ્રવાસીઓની જોડે અને જેમ જ આ પ્રવાસ કર્યો એટલું જ નહીં ફ્લાઈટમાં કોઈ વિશેષ સવલત કે સવગનો આગ્રહ નહોતો રાખ્યો. દિલ્હીમાં આગમન થતા જ એરલાઈનના સ્ટાફે તેઓના હેન્ડ લગેજને ઊંચકી લેવા તત્પરતા બતાવી જેનો તેઓએ સસ્મિત આભાર માની ઇન્કાર કર્યો હતો. ભારતના મીડીયાએ રાજા અને રાણીની નમ્રતાને કવરેજ આપીને બિરદાવ્યા હતા.
આ ઘટનાના થોડા દિવસો પછી અબુ ધાબીના શેખના આડંબર વગરના અને માનવતાસભર મિજાજની પ્રતીતિ કરાવતા પ્રસંગે પણ વિશ્વનું ધ્યાન ખેંચ્યું. સાઉદી આરબના શેખ અબુ ધાબીની રાજકીય મુલાકાતે ગયા ત્યારે એરપોર્ટની બહાર તેમના સ્વાગત માટે હરોળમાં બાળકો ઉભા રાખવામાં આવ્યા હતા. અબુ ધાબી અને સાઉદીના શેખની સામે બાળકો હાથ હલાવી અભિવાદન કરે અને બંને મહાનુભાવો પ્રોટોકોલ સાથે ચાલતા તેમના કારના કાફલા તરફ જાય તેવો આ સ્વાગતનો ઉપક્રમ હતો.
તે દરમ્યાન એક બાળક તેની હરોળ છોડી તેની બાજુમાંથી પસાર થઇ રહેલ તેના દેશ અબુ ધાબીના શેખ જોડે હાથ મિલાવવા આગળ વધ્યો.અબુ ધાબીના શેખે પ્રોટોકોલ તોડી તેનો હાથ લંબાવ્યો પણ તે દરમ્યાન સ્વાગત કમિટીના વડાએ બાળકને હરોળમાં રહેવા અંદર તરફ ખેંચી લીધું હતું.સાઉદીના શેખ આ દરમ્યાન થોડા આગળ ડગ માંડી ચુક્યા હોઈ અબુ ધાબીના શેખને ઝડપથી તેની સાથે થઇ જવું યોગ્ય લાગ્યું.
શેખે જોયું કે બાળક તેની સાથે હાથ નહીં મિલાવી શકવાથી નિરાશ તો થયો જ હતો પણ તેને જે રીતે બધા વચ્ચે તેના શિક્ષકે હરોળમાં ખેંચતા અપમાનિત ભાવાંકનો સાથે ઠપકાની મુદ્રા બતાવી હતી તેનાથી તેણે ભોંઠપ અનુભવી હતી. સાઉદીના શેખે સ્વદેશ પ્રયાણ કર્યું તે પછીના દિવસે અબુ ધાબીના શેખે તેના સ્ટાફને બોલાવીને કહ્યું કે સ્વાગત સમારંભની વિડીયો જુઓ અને જે બાળકને મારી સાથે હાથ મિલાવવાની ઈચ્છા હતી તેના ઘરનું એડ્રેસ મેળવો.
મારે તેના ઘેર જવું છે. અબુ ધાબીના શેખ અગાઉથી કોઈને જાણ કર્યા વગર ખાનગી રુએ સાવ સામાન્ય વિસ્તારમાં અને તેવી જ આથક સ્થિતિ ધરાવતા બાળકને ઘેર પહોંચ્યા. તેની જોડે હાથ મેળવ્યા. તેના માથા પર વ્હાલથી હાથ ફેરવ્યો. બાળકના માતા-પિતા જોડે પણ વાતચીત કરી. પાડોશીઓને ખબર પડતા દેશભરમાં વાત ફેલાઈ ગઈ.
આપણા રાજકારણીઓ કે કહેવાતા વિશેષ મહાનુભાવો પાસેથી સ્વીડનના રાજા રાણી કે અબુ ધાબીના શેખ જેવી સાલસતાની આશા રાખી શકાય ખરી? તમારે બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન જેમ્સ કેમરુનને જોવા હોય તો લંડનની ટયુબ (લોકલ ટ્રેન)માં રોજ જોઈ શકો. તેઓ તેમની સીટ પર મોટેભાગે 'ડેઈલી મેઈલ' અખબાર વાંચતા હોય છે. કોચમાં ભીડ હોય તો ઉભા રહી મુસાફરી કરે. કોઈ પ્રવાસી તેને બેઠક ઓફર કરે તો તેનો આભાર માની લે. રશિયાના પ્રમુખ પુટીનને મળવું આસાન છે.
રશિયાના સોચીમાં તે અન્ય ખેલાડીઓ જોડે કોઈપણ પ્રોટોકોલ કે સિક્યોરીટી વગર જુડો અને શિયાળામાં આઈસ હોકી રમતા જોઈ શકાય છે. તેને કોઈ પણ ખેલાડી કે ત્યાં ઉપસ્થિત ચાહકો મળી શકે છે. પુટીન રમતા હોય એટલે આખો વિસ્તાર તો શું તે રીંગ કે ટ્રેક પણ કોર્ડન નથી કરવામાં આવતો. તેની સ્પષ્ટ સુચના છે કે મને અન્ય ખેલાડીની જેમ જ રમતને માણવા દો. એવું નથી હોતું કે તેઓની સલામતી રેઢી મૂકી દેવાઈ હોય પણ અંગ રક્ષકો દુરનાં અંતરે રહીને પણ ચાંપતી નજર ટેકનોલોજીની મદદથી રાખી જ શકે.
મહત્વની વાત એ છે કે ખુશામત કરવા પુટીન સામે હરીફ ખેલાડી હારી જ જાય તો તેને ખબર પડી જાય છે અને તેને ઠપકો આપે છે. એક મહિલા જુડો ખેલાડીએ અગાઉથી જાહેર થયેલ મુકાબલામાં મોટી મેદનીની હાજરીમાં પુટીનને ભોંયભેગા કરી અધમુંઆ કરી દીધા હતા. પુટીને તેને શાબાશી આપી હતી એટલું જ નહીં આ મહિલાએ તેના વિજયની વિડીયો યુ ટયુબ પર મૂકી અને તે વાઈરલ બની તો પણ પુટીને ના તો તેને અટકાવી કે ન મહિલા જુડો ખેલાડી પરત્વે કડવાશ બતાવી.
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ઓબામા અને તેમના પત્ની મીશેલી કાઉન્ટર પર ઉભા રહીને આમંત્રિતોને ભોજન પીરસતા હોય છે તેવી આજકાલ વાઈરલ બનેલી વિડીયોમાં એવું જણાવાયું છે કે ઓબામા હવે હોટલમાં જોબ કરે છે. વિડીયોની સત્યતા તપાસ કરતા જણાયું કે આ ફેક માહિતી છે. ઓબામા કે તેના પત્ની હોટલમાં અત્યારે જોબ નથી કરતા.

ખરેખર આ વિડીયોનું દ્રશ્ય સાચુ છે પણ પ્રસંગ એ છે કે ૨૦૧૬માં લશ્કરના નિવૃત્ત અધિકારીઓના થેન્ક્સ ગીવીંગ ડીનરમાં ઓબામા અને તેના પત્નીએ હોંશભેર ગૌરવવંતા સેનાનીઓને ભોજન પીરસવાની જવાબદારી સ્વીકારી હતી તે વખતનો વિડીયો છે. તે રીતે જોઈએ તો પણ આપણા ક્યા વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, મુખ્ય મંત્રી કે કોઈ ધારાસભ્યએ પણ આવી સહજતા બતાવી છે.
ભારતમાં નેતાઓ દ્વારા જે કેટલાક આવા પ્રસંગો મીડિયામાં ચમક્યા છે તે નરી પ્રસિદ્ધી માટે અને પૂર્વઆયોજિત નાટક ભજવાતું હોય તેમજ મતપેટીને નજરમાં રાખીને ખડા કરાયા હોય તેવું લાગે. સ્વચ્છતા અભિયાનની જાગૃતિ માટેના ફોટો સેસનમાં પણ પ્રતિબિંબ જોઈ શકાય તેવી ચોખ્ખી ફર્સ પર નેતાઓ ઝાડુ ફેરવતા હોય તેનાથી વિશેષ નર્યો દંભ કયો હોઈ શકે?
અમેરિકાના વોશિન્ગ્ટનમાં આવેલ બાર્ન્સ એન્ડ નોબલ બુક સ્ટોરમાં પુસ્તકો ખરીદતા બીલ ગેટ્સને જોવા તે ત્યાંના સ્થાનિકો માટે આશ્ચર્ય સર્જતી ઘટના નથી. સેન હોઝે કે જ્યાં વિશ્વની ટોચની ટેકનો કંપનીઓના હેડ ક્વાર્ટર છે ત્યાં રવિવારે બર્મ્યુડા પહેરીને કોઈ સજ્જન લાઈનમાં પેમેન્ટ માટે ટ્રોલી લઈને ઉભા હોય તો તે ઇન્ટેલ કે ફેસબુકનો બોર્ડ મેમ્બર કે વાઈસ પ્રેસિડેન્ટ પણ હોઈ શકે. આપણે ત્યાં જુદા જુદા ક્ષેત્રની જાણીતી વ્યક્તિઓને કેમ આપણે શોપિંગ કરતા કે સામાન્ય માનવીની જેમ જીવન માણતાં કે ઘરની જવાબદારી અદા કરતા જાહેરમાં નથી જોઈ શકતા? તેઓ કેમ ગ્રંથીથી પીડાય છે તે સમજાતું નથી.
ઓસ્ટ્રેલીયાની એક કંપનીના ભારતીય કર્મચારીએ કહ્યું કે અમારા પાવર પ્રેઝન્ટેશન બાદ ઉપસ્થિત જુદી કંપનીઓના ટેક્નોક્રેટને કોઈ પ્રશ્ન પુછવા હોય તો હોલમાં કોર્ડલેસ માઈક્રોફોન લઈને ડાયરેક્ટર પણ ફરતા હોય. આપણે ત્યાં તો ભૂલથી નાનો કર્મચારી તરત જ તેના હાથમાંથી માઈક્રો ફોન લેવાનું ચુકે તો સાંજે તેની નોકરી પણ જઈ શકે. અમેરિકા અને યુરોપના દેશોમાં તમે જે રેસ્ટોરામાં હો ત્યાં સેલીબ્રીટી કોઈ જ સિક્યોરીટી વગર આવે અને વેઈટિંગમાં પણ સ્વસ્થતાથી ઉભા રહે.
મજાની વાત એ છે કે એરપોર્ટ કે કોઈપણ સ્થળના સ્ટાફને ખબર પડે તો પણ તે નેતા કે સેલીબ્રીટીને પ્રાધાન્ય ન આપે. મોટો માણસ હોય તો તેના ઘરનો મારે કેટલા ટકા તેવી તુમાખીથી નહીં પણ સ્ટાફનો તેના દેશમાં ઉછેર જ એ રીતે થયો હોય છે કે તેને વીઆઈપી કલ્ચરની ખબર જ નથી. તેવી જ રીતે વીઆઇપીને પોતે ભારત જેવા દેશમાં હોય તો કેવો મોભો અને ધાક જમાવી શકે તેની કલ્પના જ કરી શકે તેમ નથી. તેને પ્રાધાન્ય મળે તો તે શરમિન્દગી અનુભવે છે.
વિદેશમાં નેતાઓ તેમના મનગમતા વિષય પર કે તેના જવાબદારીના ખાતાને સ્પર્શતા કોઈ સેમીનાર કે નિષ્ણાતનું વક્તવ્ય હોય તો સામાન્ય શ્રોતા બની જે હરોળમાં જગા હોય તેમાં બેસી જાય. તેઓ હાજરી આપવાના છે તેવી અગાઉથી આયોજકોને જાણ પણ ના કરે. હોલમાં તેની આજુબાજુની બેઠકમાં સલામતી સ્ટાફ ઉભો પણ ન રહે.
આપણે ત્યાં પર્યાવરણ, ટ્રાફિક સમસ્યા અને ઉકેલ, કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, કૃષિ, આધ્યાત્મ અને આરોગ્ય જેવા વિષયો પર સેમિનારો યોજાય અને તેમાં મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ હોય તો જ જવાનું. શું એવું ન થઇ શકે કે મંચ પર આમંત્રણ ન હોય અને એમ જ શ્રોતા તરીકે જવાબદાર નાગરિક તરીકે તે સેસનમાં હાજરી આપી શકાય. નેતાઓએ માત્ર સેક્રેટરીઓ પાસેથી જ જે તે વિષયના ઈનપુટ મેળવવાના ?
અમુક નેતાઓને બાદ કરતા કોની પર જાનના હુમલાનો ડર હોય .એમ જ સાયરન વગરની ગાડી લઈને નીકળે તો કોઈને જોવાનો પણ સમય નથી હોતો. કદાચ ઓળખે પણ નહીં.
નેતા અને સેલીબ્રીટી અચાનક જ સપરિવાર કોઈ મનોરંજક કે સંગીત-સાહિત્યના કાર્યક્રમને માણવા હોલમાં હાજરી આપે અને તેને અગ્રહરોળમાં બેઠક ગ્રહણ કરવાની કે લાઈનમાંથી મુક્તિ આપવાની આયોજકો વિનંતી કરે અને ધરાર તમામ શ્રોતાઓની હાજરીમાં આપણા કહેવાતા વીઆઈપી તેનો ઇનકાર કરે તેવું ઉદાહરણ પૂરું પાડવાનો સમય આવી ગયો છે.
કોઈ સેલીબ્રીટી કે નેતામાં એવો આત્મવિશ્વાસ પણ નથી કે સતત તેની બંને બાજુ બાઉન્સરો કે ચમચાઓને દુર રાખી જાહેરમાં દેખા દે. સલામતી ચોક્કસ અંતરે દુરથી જરૂર અકબંધ હોય પણ દરેક સમયે નહીં. આપણે એવા કેવા કામો કર્યા છે કે આ હદે ભય . ખરેખર જેને ભય હોય તેવા પણ નિર્ભયતાથી ફરનારા છે.
આ સાથે નાગરિક તરીકે પણ આપણે ફરજ નિભાવવાની છે કે નેતા, કહેવાતા વીઆઈપી અને સેલીબ્રીટીઓની પ્રાઈવસી જાળવીએ. વિદેશમાં જેનો અભુતપૂર્વ ક્રેઝ હશે તેમને પણ બધા ઘેરી નહીં વળે કે ધક્કે નહીં ચઢાવે. અમેરિકા અને યુરોપના દેશોનું બધું સારું નથી પણ જે છે તેની તો પ્રેરણા લેવી જ રહી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LNp2RV
ConversionConversion EmoticonEmoticon