આપણે ત્યાં અષ્ટાંગ યોગ તથા વિવિધ યૌગિક મુદ્રાઓમાં સૂર્ય નમસ્કારનું બહુ જ મહત્વ છે.
સંસ્કૃતમાં એક સુંદર ઉક્તિ છે. અલંકારો પ્રિય વિષ્ણુ, જલધારા પ્રિય શિવ :
નમસ્કારો પ્રિય ભાનુ, બ્રાહ્મણ ભોજન પ્રિય :।। અર્થાત્ ભગવાન વિષ્ણુને અલંકારો પ્રિય છે. શિવને જલની ધારા, સૂર્યને નમસ્કાર પ્રિય છે તો બ્રાહ્મણોને ભોજન પ્રિય છે. નમસ્કાર એટલે બે હાથ જોડવા. જોડવું એટલે ઐક્યની કે એકસૂત્રતાની નિશાની. હાથ જોડવાથી આંગળીઓ તથા હથેળીની નીચેનો ભાગ એક બીજાને સ્પર્શ થાય એટલે એકયુપ્રેશર થાય. બે હાથનાં દબાણથી લોહીનું પરિભ્રમણ વધે. આરોગ્ય માટે નમસ્કાર ફાયદારૂપ છે.
આપણે ત્યાં અષ્ટાંગ યોગ તથા વિવિધ યૌગિક મુદ્રાઓમાં સૂર્ય નમસ્કારનું બહુ જ મહત્વ છે. સૂર્યનમસ્કારથી શરીરને કસરત મળે છે. શરીરનાં બધાં જ અંગોને લાભ થાય છે. આપણે સવારે ઊઠીએ છીએ ત્યારે કરાગ્રે વસતે : લક્ષ્મી: બોલીને હથેળીમાં ઇશ્વર દર્શન કરીએ છીએ. આપણે મંદિરોમાં દેવદેવીઓનાં તથા નભમાં સૂર્ય-ચંદ્રનાં દર્શન કરીએ છીએ ત્યારે હાથ જોડીએ છીએ.
રસ્તામાં શિક્ષક, આચાર્ય કે ગુરૂ મળી જાય તો તેમને નમસ્તે કહીએ છીએ. વિદ્યાર્થી બે હાથ જોડીને ગુરૂજીને વંદન કે નમસ્કાર કરતા હોય છે. નમસ્કારમાં નમ્રતાની ભાવના છે. નમસ્કાર એ વંદનનો પ્રકાર છે. પૂ.ડોંગરેજી મહારાજના શબ્દોમાં વંદન, પ્રભુને બંધનમાં રાખે છે. અમુક વ્યકિતઓ આપણને નાપસંદ હોય તો આપણે તેને નવગજના નમસ્કાર કરીએ છીએ કે દુરથી હાથ જોડતા હોઈએ છીએ.
નમસ્કાર એ એક જાતનો માનવાચક ભાવ છે. આપણે વડીલોને બે હાથ જોડીને ચરણસ્પર્શ કરીએ છીએ. વિદેશોમાં બે વ્યકિતઓ મળે છે ત્યારે હાથ મેળવવાનો રિવાજ છે જ્યારે ભારતમાં નમસ્કાર કરીને સામેની વ્યકિતનું અભિવાદન કરીએ છીએ.
નમસ્કાર કરવાથી બે અંગુઠાઓ તથા આઠ આંગળીઓ ભેગી થાય છે, તેથી નમસ્કાર એ એકતાનો પર્યાય છે. બધાએ ભેગા મળીને એક સાથે કેમ રહેવું તે નમસ્કાર આપણને શીખવે છે. નમસ્કાર કરવાથી આપણને આશીર્વાદ કે શુભેચ્છા મળે છે. નમસ્કાર શિષ્ટાચારનો એક ભાગ છે. નમસ્કારમાં સકારાત્મક ભાવનાની ઝાંખી થાય છે. નમસ્કારમાં સામેની વ્યકિત પ્રત્યેના આદર કે માનની ભાવના પ્રતિબિંબિત થાય છે.
નોકરીના ઇન્ટરવ્યુ સમયે શિષ્ટાચારની દૃષ્ટિએ ઉમેદવાર, ઇન્ટરવ્યુ લેનાર અધિકારીને નમસ્કાર કરીને તેમની મંજુરી બાદ ખુરશી પર બેસે છે. કોઈ પણ જાહેર સમારંભમાં કલાકારનું નમસ્કાર કરીને સ્વાગત કરવામાં આવે છે. આમ નમસ્કાર એ મિલનની ખુશી કે સ્વાગતની નિશાની છે.
દિવાળી ઉપર આવતાં નૂતન વર્ષના દિવસે પણ આપણે ઘણા લોકોને નમસ્કાર કરીને સાલ મુબારક કહીએ છીએ. આમ નમસ્કારમાં ઘણા ભાવો તથા અર્થો સમાયેલા છે.
વિદેશોમાં એક પુરૂષ કે એક મહિલા પણ હાથ મિલાવે છે, હસ્તધુનન કરે છે. જ્યારે ભારતમાં નમસ્કાર કરીને આવકાર અપાય છે કે મિલનની ખુશી વ્યકત થાય છે.
નમસ્કારમાં વિવેકની ભાવના છે. નમસ્કાર પ્રેમનો આવિર્ભાવ પેદા કરે છે. નમસ્કારમાં સમર્પણની ભાવના દૃષ્ટિગોચર થાય છે. નમસ્કારમાં કોઈ ખોટી આશા કે માગણી હોતી નથી. આમ નમસ્તે કે નમસ્કારની પ્રક્રિયા અનન્ય ભાવોનું સર્જન કરે છે. નમસ્કારની નજાકત ભરી લાગણીને પ્રેમપૂર્વક નમસ્કાર- નમસ્તે વંદન..
- ભરત અંજારિયા
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2p3zSuu
ConversionConversion EmoticonEmoticon