રજાઓ હતી. રજની તેની મામાને ત્યાં આવી હતી. એક બપોરે ઘરનાં સૌ બહાર ગયા હતા. રજનીને થયું લાવ સ્નાન લઈ ફ્રેશ થઈ જાઉં. બાથરૂમ બાલ્કનીના એક ખૂણામાં લાકડાની પટ્ટીથી બનાવેલો હતો. રજની એના તન પરથી વસ્ત્રો ઉતારી રહી હતી ત્યાં તેની નજર એક તિરાડ પર ગઈ. કોઈ એને તાકી રહ્યું હતું. રજની એકદમ ગભરાઈ ગઈ. જલદી વસ્ત્રો પહેરી બહાર આવી. એ પછી તેણે બાથરૂમમાં જવાની હિંમત ન કરી.
પતિ ઑફિસે જાય અને પુત્ર શાળાએ નીકળે એ પછી નેહા આરામથી સ્નાન કરવા બાથરૂમમાં ઘૂસી. એ નહાવા માટે સાબુ તો લેવાનું ભૂલી જ ગઈ હતી. તેણે બાથરૂમનો દરવાજો ઉઘાડયો તો ઘરનાં નોકરને, બાથરૂમના દરવાજા પાસે બેઠેલો જોયો. નેહા તરત સમજી ગઈ કે નક્કી ચોરીછૂપીથી બાથરૂમમાં નજર કરીને એનાં દેહનું રસપાન કરવાનો પ્રયાસ કરતો હતો. નેહાએ જોયું તો બાથરૂમના દરવાજાના નીચેના ભાગમાં તિરાડ હતી. નોકર પર તે ગુસ્સે થઈ. નોકરીમાંથી કાઢી મૂક્યો. નેહાને થયું કે કંઈ કેટલાય દિવસથી એ આમ તેને જોતો હશે?
અંજલિના પપ્પાની બદલી એક નાના નગરમાં થઈ. ત્યાં કાચું મકાન ભાડા પર લીધું. ઉપર ખપેડો હતો. પડોશીના ઘરમાં ઉપર જવાની સીડી નીચે બાથરૂમ હતો. અંજલિ સ્નાન કરી કપડાં પહેરી રહી હતી ત્યાં અચાનક તેની નજર ઉપર ગઈ, તેને થયું કે કોઈ બે આંખ તેને તાકીને જોઈ રહી છે. એ સમસમી ગઈ. એણે બૂમ મારી, ''કોણ છે?'' કોઈ ધમધમાટ દાદર ઊતરી ભાગી ગયું. અંજલિ બહાર આવી. આમ તેમ નજર કરી તો કોઈ નહોતું. એ પડોશીનો કિશોર વયનો પુત્ર હતો. અંજલિના કુટુંબ સાથે સારો સંબંધ હતો. આ ઘરમાં પછી અંજલિ ઘણો સમય માનસિક રીતે પરેશાન રહેલી.
આ બધી ઘટના કે પ્રસંગો તમને કોઈ ફિલ્મ કે ટી.વી. સીરિયલમાં હોય એવું લાગે છે ને? પણ ના, આપણી આસપાસ રોજેરોજ આ પ્રકારનાં પ્રસંગો બનતા રહે છે. ઘણી સ્ત્રીઓ સ્નાન સમયે આ પ્રકારની હીન પ્રવૃત્તિનો શિકાર બનતી હોય છે. એક તારણ મુજબ જીવનમાં લગભગ ૮૦ ટકા સ્ત્રીઓને આવો કડવો અનુભવ થયો હોય છે.
ખાસ કરીને મધ્યમ વર્ગ અને નીચલા વર્ગની સ્ત્રીઓ અને યુવતીઓ આવી ઘટનાઓનો વધુ શિકાર બનતી હોય છે. તેમને આ રીતે છુપાઈને જોનારાઓ કાં તો તેમના પિતરાઈ ભાઈ હોય છે, મામાના પુત્રો હોય છે અથવા તો જે કુટુંબો સાથે તેમને ગાઢ સંબંધ હોય તે કુટુંબના છોકરાઓ કે નોકરચાકર હોય છે.
મોટા ભાગે કિશોરોમાં ખાનગી રીતે ટીકીટીકીને, છુપાઈને જોવાની ટેવ વધુ જોવા મળે છે. ત્યારબાદ પ્રૌઢ વયના પુરુષો અને છેલ્લે યુવાનોનો નંબર આવે છે. આવી ઘટનામાં સ્ત્રીઓનો સંકોચ, લાજ-મર્યાદા, લોકલાજનો ડર કારણભૂત બનતો હોય છે. તેઓ આ ભયના કારણે ચૂપ રહેતી હોય છે. તેઓ આ ભયના કારણે ચૂપ રહેતી હોય છે, મનોવૈજ્ઞાાનિકોના મત મુજબ, આ પ્રકારની વિકૃત્તિ માનવીના અચેતન મનમાં દબાયેલી હોય છે, જે એકાંત અને અનુકૂળ પરિસ્થિતિમાં બહાર આવતી હોય છે.
સાથે સાથે ફિલ્મો અને ટી.વી. પર બતાવાતી જાહેરાતો આવતી વૃત્તિને વેગ આપતી હોય છે. આપણી જાહેરાતો સ્ત્રીનાં અંગપ્રદર્શનને મહત્ત્વ આપે છે. આ બધી હરકતો પાછળ આ બધાં કારણોને જવાબદાર ગણી શકાય. આના કારણે કિશોરોના માનસમાં સેક્સ પ્રત્યે જિજ્ઞાાસાવૃત્તિ સતેજ બનતી હોય છે.
સામાન્ય રીતે જોવા જઈએ તો મધ્યમ અને ગરીબ પરિવારોમાં બાથરૂમને ઝાઝું મહત્ત્વ અપાતું નથી. રસોઈઘર, ડ્રોઈંગરૂમ તથા બીજા ઓરડાઓ તરફ વધુ ધ્યાન અપાતું હોય છે. બાથરૂમનો દરવાજો તૂટી ગયો હોય અથવા તો સહેજ નાનો હોય છે. વળી ઉપરની ફ્રેમમાં કાચ તૂટેલો હોય છે કે પછી ઘણા ઘરમાં તો તે હોતો પણ નથી. ક્યારેક બાલ્કનીના કોઈ ભાગમાં અથવા તો બહાર ખુલ્લા આંગણામાં લાકડાનો કે પતરાંનો બાથરૂમ ઊભો કરાતો હોય છે. ક્યારેક તાડપત્રી લગાડી હોય છે.
આ પ્રકારના બાથરૂમમાં તિરાડ કે કાણાં રહી ગયાં હોય છે જેમાંથી અંદર નજર કરી શકવાની શક્યતા વધુ હોય છે. શ્રીમંત અને સાધનસંપન્ન પરિવારના બાથરૂમમાં કીહોલથી અંદર નજર કરી શકાતી હોય છે ક્યારેક બાથરૂમમાં હવાની બાથરૂમમાં હવાની અવરજવર માટે ઉપર નાનકડી જાળી કરાઈ હોય છે. ત્યાંથી પણ નજર કરાતી હોય છે. બાથરૂમમાં તિરાડ પડી હોય તો પણ આ શક્ય બને છે.
આ પ્રકારની પ્રવૃત્તિથી બચવા માટે સ્ત્રીઓએ સજાગ બનવાની જરૂર છે. બાથરૂમમાં જાવ ત્યારે કોઈ તિરાડ કે છિદ્ર નથી ને, તે જોઈ લેજો. ઘરમાં જ્યારે સ્ત્રી એકલી જ હોય ત્યારે આ પ્રકારની તકેદારી રાખવી જરૂરી બને છે. જો તમારા ઘરની આસપાસ અન્ય કોઈ ઘર ન હોય તો પણ સાવધાની રાખવી જરૂરી છે.
કદાચ દૂરબીનથી દૂરથી કોઈ તમને તાકી રહ્યું હોય એવું પણ બની શકે. એક બીજી ખાસ વાત યાદ રાખવાની કે કોઈ પ્રવાસ પર જાઓ, કોઈક જગાએ રોકાવાનું બને તો બાથરૂમમાં પેસતા પહેલાં પૂર્ણ રીતે તેની તપાસ કરી લેજો. એવું તારણ નીકળેલું છે કે હોટલમાં ઊતરવાનું બને ત્યારે ઘણા વેઈટરને આ પ્રકારની આદત હોય છે એટલે પૂરી સાવધાની રાખજો.
જો આવી હરકત કરનારો પકડાઈ જાય તો ગભરાયા વિના પૂરા આત્મવિશ્વાસ સાથે આક્રમક બની ફટકારજો. ઘરમાં પણ બધાંને જાણ કરી દેજો. સજાગતા રાખશો તો નિશ્ચિત મને તમે સ્નાનનો આનંદ માણી શકશો.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OPJwvh
ConversionConversion EmoticonEmoticon