બોલીવૂડનું 'કોપીકેટ સિન્ડ્રોમ': ઉઠાંતરી કરવી બોલીવૂડમાં સહજ


વિદેશી ફિલ્મના પોસ્ટર રચનાત્મક લાગે તો તેને સીધેસીધા ઉઠાવી લઈ પોતે સર્જનાત્મક પોસ્ટર બનાવ્યાનો લ્હાવો ક્રિએટિવ ટીમ લઈ કોઈ પ્રકારની શરમ વિના વાહ-વાહ મેળવી લે છે. 

ફ્લોરા બોરસીએ 'જજમેન્ટલ હૈ ક્યા' નામની ફિલ્મની ક્રિએટીવ ટીમ પર એનો આક્ષેપ કર્યો કે તેમણે મારી ફિલ્મના પોસ્ટરની ઈમેજ કોપી કરી પોતાના નામે ચડાવી દીધી છે.  

બોલીવૂડની હિન્દી ફિલ્મોમાં કોઈ વિદેશી ફિલ્મની કોપી કરવી, સીન-બાય-સીન ઉઠાંતરી કરવી કે કોઈ પ્રસંગ ઉઠાવી તેને ભારતીય રંગ ચડાવી દેવો, મ્યુઝિક અને ટયૂનની ઉઠાંતરી કરવી સાવ સહજ અને સામાન્ય છે. આ વર્તણૂક આજકાલમાં અસ્તિત્વમાં નથી આવી, પણ દાયકાથી ચાલી આવે છે. જોકે હવે પ્લસ પોઈન્ટ એ છે કે કોઈ ભાષાકીય ફિલ્મોમાંથી હિન્દી ફિલ્મ બનાવવામાં આવે તો તેના રાઈટ્સ કાયદેસર લેવામાં આવે અને તેની જાહેરાત પણ કરવામાં આવે છે, પણ કોપી ઉઠાંતરી-ચોરીચપાટી કરવાનું દુષ્કર્મ હજુ ભૂલાયું નથી. આ વાત અહીં નવી અટકતી.

ફિલ્મ પોસ્ટરની કોપી કરવાની ઘટના પણ અવારનવાર પ્રકાશમાં આવે છે. અંગ્રેજી કે અન્ય કોઈ વિદેશી ફિલ્મના પોસ્ટર રચનાત્મક લાગે તો તેને સીધેસીધા ઉઠાવી લઈ પોતે સર્જનાત્મક પોસ્ટર બનાવ્યાનો લ્હાવો ક્રિએટિવ ટીમ લઈ કોઈ પ્રકારની શરમ વિના વાહ-વાહ મેળવી લે છે. કોઈ વિદેશીસર્જક આ સંદર્ભે ઉહાપોહ કરે તો કશી ખબર નથી એટલી વાતો કરે અથવા તો આ સંયોગોનુસાર બન્યું છે એવા બહાનાં આગળ ધરે. અરે, કોઈકવાર તો તેને અસામાન્ય ઘટના તરીકે વર્ણવે છે.

શાહરૂખ ખાનની ફિલ્મોની વાત કરવામાં આવે તો તેની ફિલ્મ 'દિલવાલે'નું પોસ્ટ અંગ્રેજી ફિલ્મ પરથી તો 'ઝીરો' ફિલ્મનું પોસ્ટર 'અન હોમ્મે હુટેર' નામની એક વિદેશી ફિલ્મનાં પોસ્ટરમાંથી સીધેસીધી ઉઠાંતરી કરીને બનાવવામાં આવ્યા છે. શાહરૂખ ખાન જેવા ટોચના સ્ટારની ફિલ્મો માટે જે તે ફિલ્મોની ક્રિએટિવ ટીમ આવી અસમાન્ય કોપી કરતી હોય તો અન્ય ફિલ્મોની તો વાત જ શી કરવી?

તાજેતરમાં જ હંગેરીના એક કલાકાર ફોટોગ્રાફર-ફ્લોરા બોરસીએ 'જજમેન્ટલ હૈ ક્યા' નામની ફિલ્મની ક્રિએટીવ ટીમ પર એનો આક્ષેપ કર્યો કે તેમણે મારી ફિલ્મના પોસ્ટરની ઈમેજ કોપી કરી પોતાના નામે ચડાવી દીધી છે. 'આ ફિલ્મનું પોસ્ટર મારી કળાની સીધી ઉઠાંતરી છે. કોઈ એવી સ્પષ્ટતા કરશે કે આ કેવી રીતે અને શા માટે બન્યું છે?' તેે ટ્વીટ કરીને અભિનેત્રી કંગના રાણાવટના પોસ્ટર પર બિલાડીની આંખ તેના પર ટેગિંગ કરી લગાડવામાં આવી છે એમ જણાવ્યું અને બાલાજી મોશન પિક્ચર અને  સીના ગોલા પર આળ મૂક્યું.

જોકે આ વખતે ફિલ્મની ટીમમાંથી કોઈએ આ અસામાન્ય સરખાપણાને સંયોગ તરીકે નથી ઓળખાવ્યું. આટલું નહીં, ફિલ્મની સમગ્ર ટીમમાંથી દરેક જણાએ આ ઉઠાંતરી કોપી કરી પોતાના નામે ચડાવી દેવાની ઘટના અંગે મૌન ધારણ કરી લીધું. જોકે એક ટોચના ફિલ્મસર્જકે પોતાની ઓળખ છતી નહીં કરવાની શરતે જણાવ્યું કે 'આપણી એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રીઝમાં આવું કરનારા ઘણા રીઢા ગુનેગારો છે અને તેમની આવી આદત છે.

તેમણે આખાને આખા પોસ્ટરની કોપી કરવા જેવા કૃત્ય કરવા પહેલા કોપીરાઈટ કાયદા અંગે વિચારવું જોઈએ.' આવું 'જજમેન્ટ હૈ ક્યા' પછી 'સાહો' ફિલ્મના પોસ્ટર સાથે બન્યું છે. બોલીવૂડની આપણી ક્રિએટિવ ટીમ કોઈ પોસ્ટરની કોપી કરી પોતાને નામે ચડાવી દેવા જેવા કામ કરે એ તો આખી ફિલ્મની કોપી કરવા સમાન છે.'

ટ્વીટ કરી ફ્લોરા બોરસીએ ફિલ્મના આખા પ્રોડક્શન હાઉસ પર તો આળ મૂક્યું જ સાથેસાથે એમ જણાવ્યું કે 'એક આર્ટિસ્ટ તરીકે આવી કોપી થઈ હોય એવો હું કંઈ એક માત્ર નથી... આ માટે થોડું સંશોધન કરવું પડશે',  તેણે કરી ટ્વીટ કરીને જણાવ્યું કે 'બે ચિત્રોમાં  અભિનેતા રાજકુમાર રાવની તસવીરનો ઉપયોગ કરાયો છે.'

'જજમેન્ટ હૈ કયા'ની ટીમના એક સભ્યે જણાવ્યું  કે 'અભિનેત્રી કંગના રાણાવટના ચહેરા પર બિલાડીની તસવીર મૂકી બનાવાયેલા પોસ્ટરને અમે તરત જ પાછું ખેંચી લીધું છે.'

આ પછી પ્રભાસ અભિનિત ફિલ્મ 'સાહો'ના પોસ્ટરની વાત પણ બહાર આવી. આ ફિલ્મનું પોસ્ટર વીડિયો ગેમ માટેની ઈમેજની કોપી કરી બનાવવામાં આવ્યું છે. અગાઉ, 'સાહો'ના પોસ્ટર પર એવું પ્રિન્ટ કરવામાં આવ્યું હતું કે આ પોસ્ટર વિદેશી વર્તુળો પરથી 'પ્રેરિત' (કોપી કરીને) થઈને બનાવવામાં આવ્યું છે.

જોકે બોલીવૂડમાં કોપી કરી પોતાના ગમે ચડાવી દેવાની ઘટના કંઈ નવી નથી. હજુ થોડા વખત પહેલાં જ આપણા ફિલ્મસર્જકોએ એમ કહ્યું હતું કે કોઈ પરથી પ્રેરણા લઈ નોખું સર્જન કરવું એ તો વિશ્વભરમાં ચાલે છે. આમાં સંગીત, સ્ટોરીલાઈન અને પોસ્ટર સુધ્ધામાંથી આઈડિયા લઈ પોતાની રીતે કંઈક નવું સર્જન કરવામાં આવે જ છે. 

હજુ તાજેતરમાં શાહરૂખ ખાનની 'ઝીરો', 'દિલવાલે', 'જબ તક હૈ જાન', 'રા.વન'ના પોસ્ટરની કોપી હોલીવૂડની ફિલ્મોના પોસ્ટર પરથી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું જ છે.

આટલું જ નહીં, ૨૦૧૫ની સૌથી વધુ આવક રળનારી ફિલ્મ 'બાહુબલી'નું પોસ્ટર સુધ્ધાં 'સિમોન બિર્ચ' નામની ફિલ્મના પોસ્ટરથી 'પ્રેરણા' લઈને બનાવવામાં આવ્યું હતું. આ સંદર્ભે સુમાહિતગાર વર્તુળોએ જણાવ્યું છે કે 'આપણે બધાને ઈન્ટરનેટ અત્યંત નિકટતાથી જોડે છે અને તે કારણે આ બધુ આપણી જાણમાં આવે છે. ફિલ્મસર્જકોએ પોતાની ક્રિએટિવ ટીમ સાથે સંભાળપૂર્વક ધ્યાન રાખીને વ્યવહાર કરવો જોઈએ. જો એવું નહીં થાય તો માત્ર ફિલ્મની જ નહીં, પણ તેમની આબરુને પણ ધબ્બો લાગે છે.'

આમ, કોપી કરવી કે કોઈનું સર્જનાત્મક સર્જન પોતાને નામે ચડાવી દેવાનું બોલીવૂડમાં સાવ સામાન્ય છે, પણ તેને કારણે ફિલ્મસર્જકો કે પ્રોડક્શન હાઉસને જે નાલેશી લાગે છે તે ભૂંસી શકાય એવી હોતી નથી. આથી સાવચેત રહેવું કે એવા કૃત્યોથી દૂર રહેવામાં જ શાણપણ છે. જોકે બોલીવૂડ આ કોપીકેટ સિન્ડ્રોમ જલદીથી દૂર થાય એવું નથી, પછી ભલે ને કોપી રાઈટ્સ લોને વધુ ધારદાર બનાવવામાં આવે!



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30ZWlFW
Previous
Next Post »