આણંદમાં માતા જ પુત્રનું અપહરણ કરી પલાયન

- પોલીસે ફરિયાદ ન લઇ કોર્ટમાં જવા કહ્યું


આણંદ, તા.14 ઓક્ટોમ્બર 2019, સોમવાર

થોડા જ દિવસો પહેલા આણંદના લોટીયા ભાગોળ માનીયાની ખાડ પાસેથી ૭ વર્ષની બાળકીનું તેની જ માતા દ્વારા અપહરણ કરીને લઈ જતા ભારે દોડધામ મચી જવા પામી હતી. જો કે આ મામલે મહિલાના પતિ દ્વારા શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા ગણતરીના કલાકોમાં જ આરોપી માતા સહિત બાળકીનો કબ્જો મેળવી લઈ કેસનું નિરાકરણ તાત્કાલીક લાવી દેવામાં આવ્યું હતું. 

પરંતુ તેના બે દિવસ પછી ફરી એવો જ બનાવ આણંદ શહેરના ગામડીવડ પાસે બનવા પામ્યો છે. જેમાં છુટાછેડા થઈ ગયેલ પત્ની દ્વારા તેના જ સાત વર્ષીય પુત્રનું અપહરણ કરીને ફરાર થઈ જવા પામી છે. જો કે આ મામલે મહિલાના પતિના જણાવ્યા અનુસાર પોલીસે ફરિયાદ ન લેતા કોર્ટમાં કેસ કરવાનું જણાવતા પતિની મુશ્કેલીઓ વધી જવા પામી છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર આણંદના ગામડીવડ પાસે રહેતા કેતનભાઈ ચુડાસમાએ વિદ્યાનગર ખાતે રહેતી યુવતી તારામતી રામપ્રસાદ રાજપૂત સાથે લવ મેરેજ કર્યા હતા. જો કે આ લવ મેરેજમાં યુવતીના પરિવારજનો નાખુશ હતા. લવ મેરેજના સુખી લગ્ન જીવન દરમ્યાન કેતનભાઈ ચુડાસમા તથા તારામતી બેનને એક પુત્ર જન્મ્યો હતો. જે હાલમાં સાત વર્ષનો છે. 

પરંતુ કોઈક કારણસર કેતન ચુડાસમા અને તેમની પત્ની તારામતી વચ્ચે ખટરાગ સર્જાતા બંને પતિ-પત્નીએ આણંદના મહિલા સંગઠન ખાતે જઈ છુટાછેડાની પ્રક્રિયા હાથ ધરી હતી તથા બાળકનો કબ્જો પત્ની તારામતી દ્વારા લેખિત કાર્યવાહી સાથે પતિ કેતન ચુડાસમાને સોંપવામાં આવ્યો હતો. આમ, બંને વચ્ચે સમજાવટથી મામલો છુટો પડયો હતો. ત્યારબાદ તારામતી જે હાલમાં અમદાવાદ વટવા ખાતે નોકરી કરતી હોઈ અવાર-નવાર પોતાના પુત્ર સાત વર્ષીય પુત્ર જયને મળવા આણંદ ખાતે આવતી હતી. પુત્રને મળવાની સાથે સાથે બંને પતિ-પત્ની પણ મળતા હતા.

થોડા સમય પહેલા પત્નીએ પોતાના પુત્રને પરત આપવા માટે લઈ પતિ સાથે બોલાચાલ કરી ઝઘડો પણ કર્યો હતો. પરંતુ પત્નીએ લેખિત આપેલુ હોઈ કેતન ચુડાસમાએ પુત્રને સોંપવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારબાદ ગતરોજ દરમ્યાન પુત્ર જયની બર્થડે હોઈ તેની માતા તારામતી પુત્રનો બર્થડે ઉજવવા માટે આણંદ આવી હતી તથા પુત્રની બર્થડે ઉજવ્યા બાદ મધ્યરાત્રિ બાદ પુત્રને પહરેલા કપડા સહિત લઈને ફરાર થઈ ગઈ હતી. સવારે પતિ કેતન ચુડાસમાને ખબર પડતા તેણે આમ-તેમ શોધખોળ હાથ ધરી હતી તથા પત્નીના મોબાઈલ ઉપર ફોન લગાવતા તેનો ફોન સ્વીચઓફ આવ્યો હતો.

આમ, તેમને તેમના પુત્રને પત્ની તારામતી જ લઈ ગઈ હોવાનું જણાતા પતિ કેતન ચુડાસમાએ આ બનાવ અંગે સ્થાનિક શહેર પોલીસ મથકે દોડી ગયા હતા. પરંતુ કોઈક કારણોસર શહેર પોલીસે આ બનાવ અંગે ફરિયાદ લેવાનું ના પાડી કોર્ટમાં જવાનું કહેતા પતિ કેતન ચુડાસમા જ્યાં તેમના છુટાછેડા થયા હતા ત્યાં મહિલા સંગઠન ખાતે દોડી ગયા હતા. પરંતુ મહિલા સંગઠન દ્વારા પણ આ બનાવ અંગે પોલીસ સ્ટેશન કાં તો કોર્ટમાં રજૂઆત કરવા માટેનું જણાવવામાં આવતા હાલમાં પુત્રના અપહરણ થયેલ પિતા કેતન ચુડાસમાની પરિસ્થિતિ સૂડી વચ્ચે શાંતિલાલ જેવી થઈ જવા પામી હોવાનું જાણવા મળ્યું છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33wUZ7a
Previous
Next Post »