નાનકડો નીરવ માતાની ભક્તિમાં લીન થઇ ગયો. સવાર ક્યારે પડી તેનો તેને ખ્યાલ જ ન રહ્યો. નીરવ માતાની ભક્તિમાં ડૂબેલો હતો, ત્યારે તેણે અનુભવ્યું કે તેના મસ્તક પર કોઇએ હાથ મૂક્યો છે. તેણે શાંતિનો અનુભવ કર્યો પછી તેને લાગ્યું કે કોઇ તેને જગાડી રહ્યું છે
શારદા વિદ્યાલયની શાળાનો ઘંટ વાગ્યો અને વિદ્યાર્થીઓ પ્રાર્થના ખંડમાં પહોંચી ગયા. સૌ પ્રથમ ઈશ્વરવંદના અને પછી સરસ્વતી વંદના બોલી બાળકો પોત પોતાના વર્ગમાં જઇને ગોઠવાઇ ગયા.
થોડીવારમાં વર્ગશિક્ષિકા યોગીબેન દાખલ થયા એટલે બધા બાળકોએ ઉભા થઇને અભિવાદન કર્યું. પરિક્ષાઓ પતી ગઈ હતી, એટલે આજે દરેક વિષયના પ્રશ્નપત્રની ચર્ચા કરવામાં આવી. દરેક બાળકના મુખ પર પરિક્ષાનો બોજ ઉતરી ગયાનો ભાવ રમતો હતો. પ્રશ્નપત્રની ચર્ચા બાદ યોગીબેને આવી રહેલા નવરાત્રિના ધાર્મિક તહેવાર નિમિત્તે શાળામાં થનાર પ્રોેગ્રામની રૂપરેખા રજુ કરી. બધા બાળકો ખુશ ખુશ થઇ ગયા. રાસ-ગરબાની રમઝટ સાથે બીજા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમની વાત સાંભળી બધા બાળકોના પગ થનગની ઉઠયા.
'ટીચર, મને નવરાત્રિ અને માની ભક્તિ વિષે બહુ જાણકારી નથી, માટે તમે અમને સમજાવોને' નાનકડો ધુ્રવ બોલી ઉઠયો.
યોગીબેન ધુ્રવની વાત સાંભળી હસી પડયા અને બોલ્યા, 'બાળકો નવરાત્રિ એ નવ દિવસનો ધાર્મિક તહેવાર છે. આ નવ દિવસ દરમ્યાન લોકો અંબે માતાની ભક્તિ, અર્ચના, ઉપવાસ, હવન વગેરે કરે છે. એવું માનવામાં આવે છે કે ધરતી પર પાપીઓનો નાશ કરવા હેતુ માતાજી સિંહની સવારીએ આવે છે. રાત્રે ઠેર ઠેર માતાજીના ગરબા ગવાય છે, આરતી થાય છે. માતાજીના ઉપાસકોનો આ સૌથી મહત્વનો તહેવાર છે, તેઓ માતાજીની ભક્તિમાં લીન થઇ જાય છે. સાચા દિલથી માતાજીની ભક્તિ કરવામાં આવે તો આવેલી વિપદાઓ નાશ પામે છે અને...'
'સાચા દિલથી ભક્તિ કરવી એટલે કેવી ભક્તિ ?' નીરવે ઉભા થઇને સવાલ કર્યો.
'દિલમાં શ્રદ્ધા, સચ્ચાઇ અને વિશ્વાસની ભાવના હોવી, કરેલી ભૂલનો પસ્તાવો હોય, મન નિ:સ્વાર્થ હોય અને પ્રેમભાવથી કરેલી ભક્તિને સાચી ભક્તિ કહેવાય... યોગીબેને સમજાવ્યું.
નીરવને ટીચરની વાત બરાબર ગળે ઉતરી ગઈ. તે મનોમન કંઇક વિચારવા લાગ્યો. શાળા છૂટી, ઘરે જતી વેળાએ પણ તેના મનમાં વિચારોની હારમાળા ચાલી.
નીરવના પિતા અમુભાઇ ફેકટરીમાં કામ કરતા હતા. નીરવની માતા મીતાબેન કેટલાય સમયથી બિમાર હતી. સાધારણ સ્થિતિને કારણે માતાની દવા બરાબર થઇ શકતી ન હતી. નીરવની માતાથી ઝાઝુ કામ પણ થઇ શકતું નહતું. નીરવ માતાને ઘરકામમાં બધી મદદ કરતો અને પછી સમય મળે ત્યારે ભણતો હતો.
નીરવે મનોમન નક્કી કર્યું કે તે પોતે માતાજીની ભક્તિ કરીને તેમને જરૂર પ્રસન્ન કરશે. તેણે મનોમન માતાની ભક્તિ માટે તખ્તો તૈયાર કરી નાંખ્યો. રાત્રે બધા સૂઈ ગયા. નીરવ ધીરેથી ઉભો થયો. ચૂપચાપ દબાતે પગલે રસોડાના ખૂણામાં રાખવામાં આવેલા પૂજાઘરની સામે જઇને બેઠો. નીરવ પોતાની આર્થિક સ્થિતિ સુધરે, માતાની તબિયત સારી થાય તેવું ઇચ્છતો હતો. તેણે દીવો પ્રકટાવી, ધૂપદીપ કર્યા અને માતાજીના જાપ કરવા લાગ્યો.
નાનકડો નીરવ માતાની ભક્તિમાં લીન થઇ ગયો. સવાર ક્યારે પડી તેનો તેને ખ્યાલ જ ન રહ્યો. નીરવ માતાની ભક્તિમાં ડૂબેલો હતો, ત્યારે તેણે અનુભવ્યું કે તેના મસ્તક પર કોઇએ હાથ મૂક્યો છે. તેણે શાંતિનો અનુભવ કર્યો પછી તેને લાગ્યું કે કોઇ તેને જગાડી રહ્યું છે. નીરવની આંખ ખુલી ગઈ, તે માતાને પગે લાગી ઉભો થયો. રવિવાર હોવાથી પિતાજીને કામે જવાનું ન હતું, વળી શાળામાં પણ રજા હતી.
નીરવે અનુભવ્યું કે માની ભક્તિથી મન ખુશ હતું. તેણે માટલું સાફ કરી તેમાં પાણી ભર્યું. દૂધ લાવીને ચા બનાવી અને માતા-પિતાને જગાડયા અને ચા પિવડાવી. પછી બધા નાહી ધોઇને પરવાર્યા, એટલામાં બારણે ટકોરા પડયા.
અત્યારે બારણે કોણ આવ્યું હશે ? એવું વિચારીને નીરવે બારણું ખોલ્યું. સામે તેના કનુકાકા ઉભા હતા. કનુકાકાને જોઇને નીરવ અને તેના પિતા અવાચક થઈ ગયા. તેઓ કશુંક વધુ વિચારે તે પહેલાં કનુકાકા સીધા નીરવના પિતાના પગમાં પડી રડવા લાગ્યા, અને બોલ્યા, 'મોટાભાઈ મને માફ કરો... મને માફ કરો... મેં તમારી સાથે દગો કર્યો છે... હું ગુનેગાર છું... મને માફ કરો'
નીરવના પિતા અમુભાઈએ તેને શાંત પાડી પોતાની બાજુમાં બેસાડયો અને પાણી પીવડાવ્યું. શાંત પડયા પછી કનુકાકા બોલ્યા, 'બા અને બાપુ મારી સાથે રહેતાં હતાં તેમના અવસાન બાદ મારે તમને તમારો ભાગ આપવાનો હતો, પરંતુ મેં તમારો ભાગ દબાવી દીધો અને તમને ગરીબીની જીંદગી આપી... કાલે રાત્રે સ્વપ્નામાં જાણે કોઇ મને જોરજોરથી કહી રહ્યું હોય તેમ લાગ્યું, તે શબ્દો 'દગાથી મેળવેલું આ ધન ટકશે નહીં. લક્ષ્મી જે માર્ગે આવી તે માર્ગે જતી રહેશે... તારો સર્વનાશ થશે... માટે ચેતી જજે' એવા હતા.
મારી આંખ ખુલી ગઈ. મને મારા કર્યાનો પસ્તાવો છે. ચેતવણીના તે શબ્દો હજુ મારા કાનમાં ગુંજે છે. મને માફ કરી સુધરવાની તક આપો ભાઈ. હું તમને તમારા ભાગના રૂપિયા અને દાગીના આપવા આવ્યો છું' આટલું બોલી કનુકાકા રડવા લાગ્યા.
કનુકાકાની વાત સાંભળી નીરવ સીધો પૂજાઘર પાસે દોડયો, અને ઝૂકી પડયો. તે હાથ જોડીને બોલ્યો, 'હે શક્તિમા, તારી ભક્તિના પ્રતાપનો આજે મને સાક્ષાત્કાર થયો છે. સાચા દિલથી અને શ્રધ્ધાથી કરેલી ભક્તિનું પરિણામ આજે મેં નિહાળ્યું છે મા.' અને નીરવની આંખમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા.
- ભારતી પી. શાહ
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2M8N3n2
ConversionConversion EmoticonEmoticon