આણંદમાં દુકાનોની બહાર લારીઓ ઉભી રાખવાનો હપ્તો રૂ. 50 થી 300


આણંદ, તા.09 ઓક્ટોમ્બર 2019, બુધવાર

આણંદ શહેરના સ્ટેશન વિસ્તારમાં રાજમાર્ગો ઉપર દુકાનની બહાર રસ્તા ઉપર લારી ઉભી રાખવા માટે ગેરકાયદેસર રીતે ભાડુ વસુલવામાં આવતુ હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. શહેરના રાજમાર્ગોની આસપાસ છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર દબાણોની સમસ્યા વકરી છે ત્યારે તંત્રના જ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા દબાણકર્તાઓને છાવરવામાં આવતા હોવાનો આક્ષેપ જાગૃતો દ્વારા કરાયો છે. આ મામલે તંત્ર પારદર્શક કાર્યવાહી કરશે કે કેમ તે પ્રશ્ન સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ચર્ચાતી વાતો અનુસાર તંત્રને મળતા નિયમિત હપ્તાને  કારણે તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ પણ આ મામલે આળસ દાખવી રહ્યા છે. આ વિસ્તારમાં આશરે ૧૫૦ જેટલી લારીઓ ઉભી રહે છે. તેમજ દુકાનથી ૮ થી ૧૦ ફુટ લારી ઉભી રાખવાના પણ રોજના ૫૦ થી ૩૦૦ રૂપિયા વસુલવામાં આવી રહ્યા છે. એટલે કે સરકારી રસ્તા પર ઉભા રહેતા લારીવાળા પાસે કેટલાક દુકાનદારો ભાડુ વસુલીને કમાણી કરી રહ્યા છે ત્યારે તંત્ર માત્ર તમાશો જોઈને સંતોષ માની રહ્યું છે.

કેટલાક દબાણકર્તાઓ તો મુખ્ય માર્ગો ઉપર જ લારી ઉભી રાખીને ધંધો કરી રહ્યા છે. જેને લીધે ટ્રાફિક અવરોધાઈ રહ્યો છે અને કોઈ વાહનચાલક કાંઈ કહે તો આવા દબાણકર્તાઓ એકજૂથ થઈ દાદાગીરી ઉપર ઉતરી આવે છે ત્યાર તંત્ર આ મામલે કડક કાર્યવાહી કરી આવા તત્વોને કાયદાનો પાઠ ભણાવે તે સમયની માંગ છે.

જિલ્લાનું વડુ મથક આણંદ હાલમાં વિકાસના પંથે દોડી રહ્યું છે. ચોતરફ વિકાસ થતા આસપાસના તાલુકા મથકના લોકો વિવિધ ધંધા-રોજગાર અર્થે આણંદ ખાતે આવતા હોય છે. જો કે શહેરમાં તંત્રની મંજૂરી વગર જ્યાં ત્યાં લારી-ગલ્લા ખડકી દેવામાં આવ્યા છે. ખાસ કરીને શહેરના સ્ટેશન રોડ તથા ટૂંકી ગલી વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી ગેરકાયદેસર દબાણોની સમસ્યા વકરી છે.

ગત વર્ષે દિવાળી પૂર્વે તંત્ર દ્વારા આ વિસ્તારમાં દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી ટૂંકી ગલીને ખુલ્લી કરી દેતા ટ્રાફિકની સમસ્યા હળવી બની હતી. જો કે ગત વર્ષે દિવાળી સમયે તંત્ર દ્વારા ફક્ત દિવાળી દરમ્યાન વેપાર-ધંધો કરવા માટે આવા લારી-ગલ્લાંવાળાઓને છુટ આપવામાં આવી હતી. હાલ બીજી દિવાળી નજીક છે ત્યારે ટૂંકી ગલીમાં પુન: દબાણો ખડકાઈ જતા સરકારના નાણાંનો દુર્વ્યય થયો હોવાનો રોષ કેટલાક જાગૃત નાગરિકોએ વ્યક્ત કર્યો છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OxcbVR
Previous
Next Post »