
શિવ અને શક્તિનો નિત્ય અવિભાજ્ય સંબંધ છે. 'શિવપુરાણ'માં કહેવાયું છે- 'એવુ પરસ્પરાપેક્ષા શક્તિ શક્તિમતો : સ્થિતા ! ન શિવેન વિના શક્તિ ન શકત્યા વિના શિવ : ।।
સર્વશક્તિપરં બ્રહ્મા સર્વવસ્તુમયં તતમ્ ।
સર્વથા સર્વદા સર્વ સર્વૈ : સર્વત્ર સર્વગમ્ ।।
આ સર્વ વસ્તુમય અને સર્વશક્તિયુક્ત બ્રહ્મ સ્વરૂપથી સર્વ સમયે, સર્વ સ્થાને, સર્વની ભીતર અને સર્વની સાથે વ્યાપેલું છે.
સમસ્ત શક્તિખચિતં બ્રહ્મ સર્વેશ્વરં સદા ।
યયૈવ શક્ત્યા સ્ફુરતિ પ્રાપ્તાં તામેવ પશ્યતિ ।।
સર્વશક્તિયુક્ત બ્રહ્મ સર્વના ઇશ્વર છે. તે જે શક્તિ દ્વારા પ્રકટ થવા ઇચ્છે છે તે જ દૃષ્ટિગોચર થઈ જાય છે.
ચિન્મય: પરમાકાશૌ ય એવ કથિતો મયા ।
એષોડસૌ શિવ ઇત્યુક્તો ભવત્યેષ સનાતન :।।
આ પરમ આકાશ (અનન્ત તત્ત્વ) જેને મેં ચેતન સ્વરૂપ (બ્રહ્મ) જણાવ્યું છે તે 'શિવ'પણ કહેવાય છે. તે સનાતન છે.
અનન્યાં તસ્ય તાં વિદ્ધિ સ્પન્દશક્તિ મનોમયીમ્ ।
સ્પન્દશક્તિસ્તદિચ્છેયં દૃશ્યાભાસં તનોતિ સા ।।
એની મનોમયી સ્પન્દ-શક્તિ (ક્રિયાશક્તિ)ને એનાથી અભિન્ન સમજો. તે બ્રહ્મની સ્પંદશક્તિ રૂપી ઇચ્છા જ દૃશ્યમાન પદાર્થોનો વિસ્તાર કહેવાય છે.
સા રામ પ્રકૃતિ: પ્રોક્તા શિવેચ્છા પરમેશ્વરી ।
જગન્માયેતિ વિખ્યાતા સ્પન્દશક્તિર કૃત્રિમ।।
હે રામ ! આ પરમેશ્વરી શિવેચ્છા જે અનાદિ સ્પન્દશક્તિ છે, તે પ્રકૃતિ અને જગતની માયા પણ કહેવાય છે.
- યોગવાશિષ્ઠ મહારામાયણ
યોગવાશિષ્ઠ મહારામાયણ ભારતીય અધ્યાત્મશાસ્ત્રનો એક ઉચ્ચકોટિનો ગ્રંથ છે. એમાં ઇશ્વર, જીવ અને જગત વિશે ખૂબ સુંદર રીતે સમજૂતી આપવામાં આવી છે. તે દર્શાવે છે કે જે પરમ તત્ત્વ છે તે 'બ્રહ્મ' છે. અને એનું વિવિધ રૂપે પ્રકટ થવું તે 'બૃહણ' છે. બ્રહ્મનું બીજું નામ શિવ છે અને બૃહણનું બીજું નામ શક્તિ છે.
પરમ તત્ત્વ શિવ છે અને વૈવિધ્યરૂપ જગત એની ક્રિયાશક્તિ (સ્પંદનો)નું નર્તન છે. શિવ અને શક્તિ ક્યારેય એકબીજાથી અલગ થઈ શક્તા નથી. બન્ને એક જ છે. શિવ વિના શક્તિ નથી અને શક્તિ વિના શિવ નથી. આ શિવ-શક્તિવાદ યોગવાશિષ્ઠમાં ખૂબ ગહનતાપૂર્વક નિરૂપિત થયો છે. તેમાં કહેવાયું છે- બધી વ્યકિતઓ અને વસ્તુઓ બધા સ્થળે ઉત્પન્ન થઈને લય પામતી રહે છે. બધા એકમેકનું જ ભિન્ન ભિન્ન રૂપ છે.
આ બધાં પ્રાણીઓ બ્રહ્મથી એ રીતે ઉદ્ભવે છે જે રીતે સમુદ્રની લહેરો સમુદ્રજળમાંથી ઉત્પન્ન થાય છે અને પાછી એમનું નામ-રૂપ છોડી સમુદ્રજળ બની જાય છે. અગ્નિમાંથી ઉત્પન્ન થયેલા તણખા એમના નામ અને રૂપ છોડી પાછા અગ્નિરૂપ બની જાય છે. એકમાત્ર સત્યરૂપ બ્રહ્મ વિવિધરૂપ જગત તરીકે વિદ્યમાન અને દૃશ્યમાન બને છે. આખું જગત એક અખંડિત પિણ્ડરૂપ બ્રહ્મ છે.
શિવ બ્રહ્મ છે અને માયા રૂપ જગત શક્તિ છે. જગતના જુદા જુદા દેખાતા ઘટકો વાસ્તવમાં શેના બનેલા છે એનો ઊંડો વિચાર કરીએ તો સમજાય કે આ દૃશ્યમાન રૂપો ભ્રાંતિ (illusions)માત્ર છે. આ મનના સ્પંદનો જ છે. પદાર્થના ગુણધર્મો અને મનની પરસ્પરક્રિયા (ઇન્ટરેક્શન)થી ઉદ્ભવતા આભાસો જ પદાર્થરૂપો છે.
એક ઉદાહરણ ઉપરથી આ વાત સમજીએ: કલ્પના કરો કે તમે ચારે તરફ દર્પણો જડેલા ઓરડામાં ઊભા છે. તમે ડાબી તરફના દર્પણમાં જુઓ કે જમણી તરફના, આગળના દર્પણમાં જુઓ કે પાછળના તમને તમારા અનેકાનેક પ્રતિબિંબો જોવા મળશે. આ અનેક પ્રતિબિંબો તે જે એક વાસ્તવિક તમે છો એના કેવળ આભાસો છે. ભૌતિકવિજ્ઞાાન કહે છે. આપણા જગતના વિવિધ દેખાતા પદાર્થો વાસ્તવમાં આવા આભાસી પ્રતિબિંબો જ છે !
હાઈ- એનર્જી પાર્ટિકલ ફિઝિકસ ઉપપારમાણ્વિક (સબ-એટોમિક) કણોનો અભ્યાસ કરે છે. ક્વૉન્ટમ થિયરી, રિલેટિવિટી થિયરી એના સાધનો છે. તેનો હેતુ જગત- બંધારણના અંતિમ ઘટકોને શોધવાનો છે. પરમાણુને ભાંગીને તેના સૂક્ષ્મ કણોનો અભ્યાસ કરવામાં આવે છે. આણ્વિક જગતના સ્થૂળ સ્તર પર આપણને ભૌતિક વસ્તુ સાચી લાગે છે પણ પારમાણ્વિક જગતના સૂક્ષ્મ સ્તર પર તે ભૌતિક વસ્તુ ખોટી થઈ જાય છે.
પરમાણુની સૂક્ષ્મ દુનિયામાં આપણે માનેલા અને સ્થાપેલા નિયમો અને એના ધારાધોરણ નષ્ટ થઈ જાય છે કે સાવ બદલાઈ જાય છે. ઉપ-પારમાણ્વિક કણો એકબીજા સાથે પરસ્પરક્રિયા કરી જે સંરચનાત્મક વ્યતિકરણભાત (કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ પેટર્ન) ઊભી કરે છે, તેનાથી કેવળ પદાર્થ રૂપોનું હોવાપણું (અસ્તિત્વ) દેખાય છે. તે હોવાપણાની 'ટેન્ડન્સી' ધરાવે છે એટલું જ. વાસ્તવમાં તો હોતા નથી. આ ક્ષેત્રમાં દ્રવ્યમાન ઊર્જા સતત એકબીજામાં બદલાયા કરે છે એટલે કયું રૂપ સાચું તે કહી શકાતું નથી અને તેની કાયમી, ચોક્કસ પદાર્થગત ભૌતિક વાસ્તવિકતા માની શકાતી નથી.
આપણા વેદ-ઉપનિષદ અને શાસ્ત્રો કહે છે કે આપણને દેખાતું આ જગત મિથ્યા છે. જે દેખાય છે તે સાચું નથી. તે માયાથી પ્રતીત થતી ભ્રાન્તિ છે ! 'ઇન્દ્રો માયાભિ: પુરુરૂપ ઇયતે- માયા અનેક ભિન્ન ભિન્ન રૂપોનો આભાસ કરાવે છે.' અધ્યાત્મ-ગ્રંથોમાં નિરૂપાયેલો શક્તિ, ઉર્જાનો સિધ્ધાંત એ જ સત્ય રજૂ કરે છે જે અર્વાચીન ભૌતિકવિજ્ઞાાનીઓ કહી રહ્યા છે.
હિંદુ ધર્મની દેવી કાલી દુર્ગાનું જ એકરૂપ છે. તે શિવની જ શક્તિ છે. કાલીનું નૃત્ય એટલે કુદરતની અનંત વિવિધતા રૂપે વ્યકિતકાલી કાલ એટલે કે સમય અને મરણનું પણ સૂચન કરે છે. જગતના સર્વ વિરોધોથી પર જે પરમતત્ત્વ (શિવ સ્વરૂપ) રહેલું છે એનો બોધ થાય એટલે ભિન્ન ભિન્ન પદાર્થોવાળા દેખાતા જગત એકાત્મ બ્રહ્મરૂપ દેખાવા લાગે છે.
અમેરિકાની પ્રિન્સેટન યુનિવર્સિટીના ભૌતિકવિજ્ઞાાની પ્રો.હેનરીય ઝીમર નટરાજની આકૃતિનો અર્થ સમજાવતાં લખે છે.- 'નૃત્ય કરતા શિવનું નટરાજ સ્વરૂપ આપણને એ બોધ કરાવે છે કે જગતના વિવિધ આકારો-રૂપો સાચા નથી. તે સર્વથા ભ્રામક છે. એમના હાવભાવ અને ચેષ્ટા બધા વિરોધાભાસોને સંતુલિત કરી સર્વસ્વીકૃતિ દર્શાવનારા છે.
આવિર્ભૂત પદાર્થનો તિરોભાવ ગમે તે પળે નિશ્ચિત છે તે સત્ય પણ દર્શાવે છે. તે જગતની અનિશ્ચિતતાના ભાવિનું પણ દર્શન કરાવે છે. પરમાણુના કણો સંઘાતથી જેમ નષ્ટ થઈ નવા રૂપે સર્જાય છે તેમ નટરાજ શિવના આકાશમાં ઊડતા હોય એવા હાથ, પગ અને ઝૂલતું ધડ, સૃષ્ટિનો સતત ચાલતો સર્જન-સંહારનો ખેલ સૂચવે છે.'
શિવ અને શક્તિનો નિત્ય અવિભાજ્ય સંબંધ છે. 'શિવપુરાણ'માં કહેવાયું છે- 'એવુ પરસ્પરાપેક્ષા શક્તિ શક્તિમતો: સ્થિતા ! ન શિવેન વિના શક્તિ ન શકત્યા વિના શિવ: ।। આ રીતે શક્તિ અને શક્તિમાન (શિવ)ને હંમેશા એકબીજાની અપેક્ષા રહે છે. શિવ વિના પાર્વતી (શક્તિ) રહી શક્તી નથી અને પાર્વતી(શક્તિ) વિના શિવ રહી શકતા નથી.' શક્તિપૂજા અને સાધના દ્વારા શિવ-શક્તિયોગ સાધી સાધક અમૃતત્વની અનુભૂતિ કરી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2nsUc7D
ConversionConversion EmoticonEmoticon