
માનસિક રીતે સુખી રહેવું હોય તો ઉપકાર કરીને ભૂલી જવું એ જ શ્રેષ્ઠ માર્ગ છે. એમ કરવાથી તમે હળવાશ અનુભવશો અને ઉપકારનો પ્રત્યુત્તર નહીં મળ્યાનું દુ:ખ તમને પરેશાન કરશે નહીં
એક વૃદ્ધાશ્રમમાં તાજેતરમાં જ દાખલ થએલા વૃદ્ધના ઇન્ટરવ્યૂ માટે રિપોર્ટર કેમેરામેન સાથે પહોંચી ગયા. હજી તે વૃદ્ધ પોતાને અપાયેલા રૂમમાં નિરાંતે બેઠા પણ નહોતા, પણ રોગી, બીમાર કે ઘાયલની ચિંતા કર્યા સિવાય સમાચાર સૌથી વહેલા અને પહેલા આપવા ઉતાવળીઆ રિપોર્ટરે વૃદ્ધની સમક્ષ માઇક્રોફોન ધરી દેતાં પૂછયું: 'તમને વૃદ્ધાશ્રમમાં ધકેલી દેનાર તમારા પુત્ર તરફ ખાસ્સી નફરત હશે. તેનું વર્ણન કરશો ?'
વૃદ્ધ રિપોર્ટર સામે જોઈ રહ્યા. 'મારું કામ સંતાનને પગભર બનાવવાનું હતું.. એ મેં અદા કર્યું છે. મેં જાતે જ મારા પુત્રને કહ્યું : 'મને એકલા, મારી સાથે સાથે જીવવા દો. હું રિસાઇને વૃદ્ધાશ્રમમાં જતો નથી, પણ તમને દુવા આપીને વિદાય લઇ રહ્યો છું.'
નેગેટિવ જવાબને હેડલાઇન બનાવવા ઉત્સુક રિપોર્ટરે ઘણી ખણખોતર કરી પણ વૃદ્ધ સ્મિત સાથે પોતાની વાતને વળગી રહ્યા. પુત્રે તેમના પ્રેમાળ ઉછેર બદલ આભાર ન માન્યો, તેનું તેમને લેશમાત્ર દુ:ખ નહોતું.
દુનિયામાં બે પ્રકારના માણસો જોવા મળે છે: 'કૃતજ્ઞા' અને 'કૃતઘ્ન'. કરેલા ઉપકાર કે સહાયની કદર કરી તેના પ્રત્યુત્તરમાં બદલો વાળી આપવા તૈયાર રહે, તે 'કૃતજ્ઞા' એટલે કે પોતાની ઉપર થએલા 'ઉપકાર'ને યાદ રાખે.
બીજા પ્રકારના લોકો હોય છે 'કૃતઘ્ન' એટલે કે કોઇએ કરેલા ઉપકારને ભૂલી જઇને તેને બદલો વાળી આપવાને બદલે નુકસાન પહોંચાડે કે બિનવફાદારી દાખવે. આવા સ્વાર્થી અને ગણતરીબાજ લોકોની સંખ્યા વિશ્વમાં ઘણી મોટી છે.
માણસનો સ્વભાવ છે કે પોતે કરેલા ઉપકાર કે સદ્વ્યવહારની સામેની વ્યક્તિ નોંધ લે અને શાબ્દિક વ્યવહાર દ્વારા કૃતજ્ઞાતા વ્યક્ત કરે. પણ મનુષ્ય સ્વભાવની એ પણ નબળાઇ છે કે કોઇએ કરેલા ઉપકારને તે ભૂલી જાય છે. અને ઉપકાર બદલ આભારની અભિવ્યક્તિને ગૌણ ગણે છે. માણસના આવા વર્તનથી ઉપકારકર્તા દુભાય છે, અને દુનિયાના લોકો 'થેંકલેસ' કે 'મતલબી' છે, એવો બળાપો વ્યક્ત કરે છે.
પણ માનસિક રીતે સુખી રહેવું હોય તો ઉપકાર કરીને ભૂલી જવું એ જ શ્રેષ્ઠ માર્ગ છે. એમ કરવાથી તમે હળવાશ અનુભવશો અને ઉપકારનો પ્રત્યુત્તર નહીં મળ્યાનું દુ:ખ તમને પરેશાન કરશે નહીં. ઉપકારનું વિસ્મરણ એ ક્રોધ અને ખિન્નતાને નિવારવાનું અમોઘ ઔષધ છે.
કારનેગીએ આવા કૃતઘ્ન અને આભાર પ્રદર્શન શૂન્ય લોકોનાં ઉદાહરણ આપતાં કહ્યું છે કે સેમ્યુઅલ લિખોવીજ, એક જાણીતા ક્રિમિનલ એડવોકેટ હતા, જેઓ પાછળથી જજ બન્યા હતા.
એમણે પોતાની વકીલાતની કારકિર્દી દરમ્યાન ઇઠયોતેર લોકોને મૃત્યુદંડની સજામાંથી બચાવ્યા હતા. પરંતુ તે પૈકી એક પણ માણસ એવો નહોતો, જે એડવોકેટ સેમ્યુઅલ લિખોવીજ પ્રત્યે આભાર પ્રદર્શન માટે રોકાયો હોય કે કોઇએ નાતાલના તહેવાર નિમિત્તે એકાદ શુભેચ્છા કાર્ડ પણ મોકલ્યું હોય.
એવું જ ઉદાહરણ ઇસા મસીહાનું છે. ઇસુએ કોઢગ્રસ્ત રોગીઓની પીડા દૂર કરવા તેમને સારવાર આપી ઘા રુઝવ્યા હતા. પરંતુ એ કોઢીઆઓ પૈકી એવા કેટલા હતા, જેઓ ઇસુનો આભાર માનવા થોભ્યા હતા ? માત્ર એક વ્યક્તિ : સંત લૂકે, જેમણે તેમનો આભાર માન્યો હતો. જ્યારે ઇસુએ પોતાના શિષ્યોને બાકીના નવ કોઢરોગીઓ વિશે પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું કે તેઓ આભાર માન્યા વગર જ છૂમંતર થઇ ગયા હતા.
બીજાની તો ક્યાં વાત, આપણને દુર્લભ એવા મનુષ્ય જન્મની તક આપનાર પરમેશ્વર કે પરમ શક્તિનો આભાર આપણે ક્યારેય માનીએ છીએ ખરા ? દુ:ખ આવે ત્યારે તારણહાર બનવા માટે તેને પ્રાર્થના રૂપે કાલાવાલા, આજીજી કરીએ છીએ, પણ સુખપ્રાપ્તિ વખતે 'થેંક્સ' કહેવાની ઉદારતા આપણી પાસે નથી, છતાં ભગવાન આપણી 'કૃતઘ્નતા' કે અહેસાનની અભિવ્યક્તિમાંથી પલાયનને વટ, હક કે વસૂલાતનો વિષય માનતો નથી.
બાળકોને શાળામાં 'વંદે માતરમ્' કે 'ભારત માતાની જય' સૂત્ર બોલાવવામાં આવે ત્યારે તેઓ યાંત્રિક રીતે તેનું ઉચ્ચારણ કરે છે, પણ કોઈ શિક્ષક ભાગ્યે જ બાળકોને સમજાવતા હશે કે 'વંદે માતરમ્' એટલે કે માતૃભૂમિ કે ભારત માતાને શા માટે વંદન કરવાં જોઈએ ? દેશ કે ભારતમાતાના મનુષ્ય પર અગણિત ઉપકારો છે. ગણ્યા ગણાય નહીં એટલા. એ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવાનો ટૂંકો ને ટચ માર્ગ તે વંદેમાતરમ્.
ઘરમાં બાળકોને માતા, પિતા કે નોકરચાકરના ઉપકારો વિશે ક્યારેય શિક્ષણ આપવામાં આવતું નથી. સવારથી રાત સુધી સંતાનોના ઉછેર અને આવશ્યકતાની પૂર્તિ માટે સતત મહેનત કરતી માતા કે નોકરી-વ્યવસાયમાં જાત ઘસી કુટુંબનું ભરણપોષણ કરતા પિતાના ઉપકારોની બાળકો નોંધ લેતા નથી.
બાળકને પણ 'નાના સાહેબ'નું માન આપી તેનો પડતો બોલ ઉપાડતા નોકર કે આયાના ઉપકાર વિશે બાળકને ખ્યાલ આપવામાં આવતો નથી એટલે જ બાળકો નોકરને તુચ્છ અને ઉપેક્ષણીય માને છે. બાળકને કૃતજ્ઞાતાની ભાવના શીખવવી એ તેના મનમાં ગુલાબનો છોડ રોપવા જેવી મહેકતી પ્રવૃત્તિ છે. બાળક ઘર માટે કોઇ સુંદર કાર્ય કરે તો તેની પીઠ થપથપાવવી કે અભિનંદનનો એક પત્ર લખવાથી માતા-પિતા તરફની લાગણી અને પ્રેમમાં અવશ્ય વધારો થશે.
સામાજિક સંબંધો અને વ્યવહારોમાં માણસની એ અપેક્ષા રહેતી હોય છે કે સગા-સંબંધી કે પડોશીઓ શુભ પ્રસંગે જે કાંઇ ભેટ- સોગાદ આપે તેનું મૂલ્યાંકન કરી તેનો બદલો ચૂકવવાનો પ્રસંગ આવે ત્યારે તેના જેવું વર્તન અને તેટલા પ્રમાણની જ ભેટ-સોગાદ આપવાની ગણતરી રાખવી.
પરિણામે કોઇ આપેલી વસ્તુ કે ભેટ બદલ આભાર માનવાને બદલે સ્વાર્થી દ્રષ્ટિથી તેને મૂલવીને અસંતોષને આમંત્રણ આપીએ છીએ. કૃતઘ્નતા એટલે કે બિનકદરદાની બાવળ જેવી છે, તેને ઉછેરવા મહેનત કરવી પડતી નથી, તે કાંટા સાથે એકાએક ઊગી નીકળે છે, જ્યારે કૃતજ્ઞાતા કે કદરદાનીને ઉછેરવા ઉદારતા અને પ્રેમથી સિંચીને શ્રધ્ધાપૂર્વકની તેની માવજત કરવી પડે છે.
એટલે જો પ્રસન્ન અને પરિતોષી રહેવું હોય તો ઉમળકાભેર, બિનશરતી અને બિન અપેક્ષાએ આપવામાં ઉપકારવર્ષાનો આનંદ માણતા રહો. વૃદ્ધાવસ્થામાં માણસ એકલો પડે ત્યારે કોણે-કોણે પોતાના તરફ બિન કદરદાની કે કૃતજ્ઞાતા દાખવી એનું સ્મરણ કરી મનને વ્યથિત બનાવતો હોય છે. દુનિયા સુધરવાની નથી એટલે સુધારાનો આરંભ તમારી જાતથી કરો.
ઉપકારનો બદલો ન મળ્યાની ખિન્નતા દૂર કરવાના છ ઉપાયો કયા ?
૧. દુનિયા કરેલા ઉપકાર યાદ રાખતી નથી, એ વાત માનસિક સ્વસ્થતા સાથે યાદ રાખવી.
૨. કૃતઘ્નતા કે બિનવફાદારીની ઘટનાઓને ક્યારેય યાદ ન રાખવી.
૩. ઉપકાર આભારની અપેક્ષા સાથે નહીં પણ તમારી ખુશી માટે કરી દેખાડો.
૪. બાળકો કૃતજ્ઞાતા કે કદરદાનીનું મૂલ્ય સમજે તેવું તેને બાળપણથી જ શિક્ષણ આપો.
૫. સામેની વ્યક્તિની તમારો આભાર માનવાની ફરજ છે, એવો દુરાગ્રહ ન સેવો.
૬. માત્ર હોઠેથી સરતા 'થેંક યુ' શબ્દથી ફુલાશો નહીં. વ્યક્તિ જેવી છે તેવી તેને સ્વીકારી લો.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2lXTmiV
ConversionConversion EmoticonEmoticon