
આણંદ,તા. 27 સપ્ટેમ્બર 2019, શુક્રવાર
આણંદ જિલ્લાની કોંગ્રેસ શાસિક ઓડ નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલ આંતરિક ડખાને કારણે પાલિકા પ્રમુખે રાજીનામું ધરી દીધું હોવાની ચર્ચાઓએ સ્થાનિક રાજકારણ ગરમાયું છે. પાલિકા પ્રમુખે પોતાની નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યુ હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે ત્યારે હજી સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી ન હોવાનું જાણવા મળેલ છે.
વધુમાં મળતી વિગતો મુજબ આણંદ જિલ્લાની ઓડ નગરપાલિકામાં યોજાયેલ ચૂંટણીમાં કુલ ૨૪ બેઠકોમાંથી કોંગ્રેસના ફાળે ૧૬ બેઠકો જતા ઓડ નગરપાલિકામાં કોંગ્રેસની સત્તા આવી હતી. બાદમાં પ્રમુખપદ માટે અઢી વર્ષની મુદ્દત માટે કોંગ્રેસના પ્રશાંતભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદે જગદીશભાઈ ઠાકોરની વરણી કરવામાં આવી હતી.
જો કે તાજેતરમાં ઉપપ્રમુખ સામે ઉમરેઠ પોલીસ મથકમાં નોંધાયેલ કેસ અંતર્ગત તેઓની અટકાયત કરાઈ હતી. જેને લઈ સત્તાધારી પક્ષને ફટકો લાગ્યો હતો. દરમ્યાન ગઈકાલથી ઓડ પાલિકા પ્રમુખ પ્રશાંતભાઈ પટેલે પ્રમુખપદેથી રાજીનામું આપી દીધુ હોવાની ચર્ચાઓએ સ્થાનિક રાજકારણ ગરમાયું છે. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાલિકા પ્રમુખ પ્રશાંતભાઈ પટેલે જિલ્લા કલેક્ટરને પોતાનો રાજીનામાનો પત્ર મોકલી આપ્યો છે.
જેમાં નાદુરસ્ત તબિયતના કારણે પોતે રાજીનામું આપતા હોવાનું જણાવ્યું છે. જો કે પ્રમુખ-ઉપપ્રમુખ પદ નીમવા માટે અગાઉ રચાયેલ ફોર્મ્યુલા મુજબ સમાધાન ન થતા આંતરિક ઉથલ-પાથલ થઈ રહી હોવાનું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે. પાલિકાના સભ્યોમાં પણ અંદરોઅંદર ખેંચતાણ વધી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. અગાઉ થયેલ આંતરિક સમાધાનની યોજના મુજબ પાલિકા પ્રમુખની સવા વર્ષની મુદ્દત પુરી થવા આવતા કેટલાક અગ્રણીઓ દ્વારા હાલના પ્રમુખને રાજીનામુ ધરી દેવા દબાણ કરાતા તેઓએ કંટાળીને રાજીનામુ ધર્યુ હોવાની ચર્ચાઓએ પણ જોર પકડયું છે.
કારોબારી કમિટીના ચેરમેન કહે છે, રાજીનામાનો પ્રશ્ન નથી
ઓડ નગરપાલિકાના પ્રમુખે રાજીનામુ ધરી દીધુ હોવાની ચર્ચાઓએ સ્થાનિક રાજકારણ ગરમાયું છે ત્યારે આ અંગે કારોબારી કમિટિના ચેરમેન અંકુરભાઈ પટેલનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે અમે તમામ સભ્યો સાથે જ છીએ અને રાજીનામાની કોઈ વાત છે જ નહીં. પ્રમુખપદેથી રાજીનામું આપ્યું હોવાની કોઈ સત્તાવાર માહિતી તેઓ પાસે ન હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ચીફ ઓફિસર કહે છે, સત્તાવાર જાણ નથી કરાઈ
આ અંગે ઓડ નગરપાલિકાના ચીફ ઓફિસર જીતેન્દ્રભાઈ પટેલનો સંપર્ક કરી પૃચ્છા કરતા તેઓએ જણાવ્યું હતું કે પાલિકા પ્રમુખ પ્રશાંતભાઈ પટેલના રાજીનામા અંગે પાલિકામાં કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી. જો તેઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાજીનામું આપ્યું હશે તો કલેક્ટર કચેરી ખાતેથી રાજીનામાનો પત્ર આવ્યા બાદ આ અંગેની સત્તાવાર માહિતી જાહેર કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2lKk66f
ConversionConversion EmoticonEmoticon