
આવકવેરાના સ્થાનિક અધિકારીઓ કરદાતાના પ્રોફાઈલને વધુ સારી રીતે સમજતા હોવાથી આકારણી વધુ યોગ્ય થશે તેવું બહાનું કાઢ્યું: કરદાતાને ઘરે જઈને નોટિસ આપી શકશે
આવકવેરા અને કરપ્શન એક સિક્કાની બે બાજુ છે. કરદાતાને ડરાવીને તેને ખંખેરી લેવાની કળામાં આવકવેરાના અધિકારીઓ કાબેલ છે. તેથી જ કરદાતા અને આવકવેરા અધિકારીઓએ આમનેસામને મળવાનું ન થાય તે માટે કેન્દ્ર સરકાર છેલ્લા ચારેક વર્ષથી પ્રયાસ કરી રહી છે. આ પ્રયાસના ભાગરૂપે જ ઓનલાઈન અને ફ્રેસ લેસ સ્ક્રૂટિનીની સિસ્ટમ દાખલ કરવામાં આવી હતી.
આ સિસ્ટમ પણ આકારણી માટે ઉચત નથી તેવું સરકારના મનમાં ઠસાવી દેવામાં અધિકારીઓએ સફળતા મેળવી લીધી છે. આવકવેરા અધિકારીઓના કરપ્શનને નાથવા માટે ફેસલેસ સ્ક્રૂટિનીનું દિંડક ચલાવનાર સરકારે હવે ગુલાંટ મારીને જે તે કાર્યક્ષેત્રના આકારણી અધિકારી જ કરદાતાના સંપૂર્ણ પ્રોફાઈલને જાણતો હોવાથી તેના થકી જ આકારણી વધુ સારી રીતે થઈ શકશે તેવી જાણ કરતો એક પત્ર સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે ૨૪મી સપ્ટેમ્બરે દેશના દરેક પ્રિન્સિપાલ ચીફ કમિશનરને પાઠવી દીધો છે.
આવકવેરાના સ્થાનિક સ્તરના આકારણી અધિકારીઓ કરદાતાઓને કોઈને કોઈ બહાને રૂબરૂ બોલાવીને તેમને ખંખેરી લેતા હોવાની ફરિયાદને ધ્યાનમાં લઈ રિટર્ન ફાઈલ કરનારી વ્યક્તિને તેમના રિટર્નનું કયો અધિકારી અને કયા રાજ્યનો અધિકારી એસેસ કરશે તેની જાણકારી પણ ન મળે તે માટે ઓનલાઈન સ્ક્રૂટિની એસેસમેન્ટની સિસ્ટમ લાવીને કરપ્શનને કાયમને ધોરણે અલવિદા કરી દેવાની વાતો કરી હતી. આજે આ વાત પણ ઉપરછલ્લી જ હોવાનું સાબિત થઈ ગયું છે.
વાસ્તવમાં સ્ક્રૂટિની અધિકારીઓ તેમના રિટર્ન હાથમાં લે તે પછી તેમને પરેશાન કરવા માટે જોઈએ તેટલી ક્વેરીઓ કાઢતા જ રહે છે. અધિકારીઓ કરદાતાઓ પાસે નોટિસમાં જે બધી જ ક્વેરી હોય તેના પર ટિકમાર્ક કરી દઈને બધું જ મંગાવે છે. પરિણામે ઓનલાઈન ડોક્યુમેન્ટ મોકલવાના આવે તો કરદાતા તે મોકલી પણ ન શકે તેટલી મોટી ફાઈલ થઈ જાય છે. પરંતુ અધિકારીઓને તેની કોઈ જ દરકાર હોતી નથી.
તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે આકારણી અધિકારીઓ તેમની જ કેબિનમાં આવકવેરાના નિવૃત્ત થઈ ગયેલા અધિકારીઓને સાથે બેસાડી રાખે છે અને તેમની પાસેથી વધુને વધુ ક્વેરી કઢાવીને તેના સંદર્ભમાં કરદાતાઓને નોટિસ મોકલીને તેમની ગભરામણ વધારી દે છે. આ અધિકારીઓને સ્ક્રૂટિની અધિકારી તેમના પોતાના પગારમાંથી મહિને ૧૫૦૦૦થી ૨૫૦૦૦નો પગાર ચૂકવે છે. કોઈપણ પગારદાર તેના પગારમાંથી ૧૦થી ૨૦ટકા જેટલો પગાર અન્ય કોઈને રાખીને ચૂકવવાનું પસંદ કરે જ નહિ. તેમ છતાંય આવકવેરાની કચેરીઓમાં આ ખેલ ચાલી રહ્યો છે.
ટોચના કમિશનરો આ હકીકતથી અજાણ નથી જ નથી. સીબીડીટીના પત્રમાં જણાવવામાં આવ્યું છે કે કરદાતાઓને ઇ-મેઈલમાં મોકલવામાં આવેલી નોટિસનો જવાબ કરદાતાઓ તરફથી આપવામાં આવતો જ નથી. આ સ્થિતિમાં સ્થાનિક અધિકારી રૂબરૂ જઈને કરદાતાને નોટિસ આપીને હાજર થવા જણાવી શકે તે માટે સ્થાનિક સ્તરના જ આકારણી અધિકારીઓ મારફતે તેમની સ્ક્રૂટિની કરાવવામાં આવશે. જોકે નોટિસ બજાવનાર અધિકારી કરદાતાને રૂબરૂ હાજર થવાની ફરજ પાડી શકશે નહિ. કરદાતાએ તો આકારણી અધિકારી દ્વારા માગવામાં આવેલી તમામ વિગતો ઓનલાઈન જ મોકલવાની રહેશે.
તેમ છતાંય ઓનલાઈન સ્ક્રૂટિની એસેસમેન્ટ માટેના એક્શન પ્લાનમાં જણાવવામાં આવ્યું છે કે અધિકારીને ઓનલાઈન મોકલવામાં આવેલી વિગતો ન સમજાય તો અને સમજાવવાની જરૂરત ઊભી થાય તો તેવા સંજોગોમાં કરદાતાને આકારણી અધિકારી બોલાવી પણ શકશે. આ જ રીતે કોઈ કેસમાં કરદાતા કે કોઈ સાક્ષીની ઉલટતપાસ કરવાની જરૂર ઊભી થતી હશે તો તેવા સંજોગોમાં આવકવેરાની કલમ ૧૩૧ની જોગવાઈ હેઠળ સમન્સ પાઠવીને કરદાતા અને સાક્ષીને બોલાવી શકાશે.
કરદાતાને નોટિસ ન બજતી હોય તો તેવા સંજોગોમાં ઇન્સ્પેક્ટર રૂબરૂ જઈને કરદાતાના ઘરે કે ધંધાના સ્થળે નોટિસ બજાવવા જઈ શકશે. હાલમાં પણ સ્ક્રૂટિનીના સંદર્ભમાં ૧૦,૦૦૦થી વધુ નોટિસો પાઠવવામાં આવેલી છે. આ નોટિસો કરદાતા સુધી પહોંચી ન હોવાના કારણે પણ સીબીડીટીને તેનો નિર્ણય બદલવાની ફરજ પાડી હોવાનું માનવામાં આવે છે. કરદાતાઓએ ખોટા ઇમેઈલ આપ્યા હોવાથી આ નોટિસ તેમને બજી શકી નથી. તેથી ઇ-મેઈલ ડિલીવર થયા વિના જ રિવર્ટ થયેલા છે.
આ તમામ નોટિસો આગામી ૩૦મી સપ્ટેમ્બર સુધી બજાવી દેવાની સૂચના પણ સીબીડીટીના પત્રના માધ્યમથી આપવામાં આવેલી છે. આ નોટિસનો જવાબ કરદાતાએ નોટિસ મળ્યાની તારીખથી ૧૫ દિવસમા ંજ આપી દેવાનો રહેશે. આ નોટિસનો જવાબ ન આપનારાઓને રૂા.૧૦૦૦૦નો દંડ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવેલી છે. આ સ્થિતિમાં આ વરસની સ્ક્રૂટિની સંપૂર્ણપણે ફેસલેસ રહેશે નહિ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2m8oqfQ
ConversionConversion EmoticonEmoticon