પ્રિન્સ ઓફ મેથેમેટિક્સ કાર્લ ફ્રીડ્રીક ગુસ


- વિશ્વના વિજ્ઞાનીઓ

અંકશાસ્ત્ર અને ભૂમિતિ જેવા ગણિતીય વિષયોના અભ્યાસનો પાયો નાખનારા વિજ્ઞાનીઓમાં કાર્લ ગુસ ગણિતનો રાજા કહેવાય છે. ૧૯મી સદીમાં પ્રચલિત થયેલા ઘણા ગણિતના નિયમોમાં તેણે સુધારા કર્યા હતા. ગણિત અને વિજ્ઞાનના સંશોધનોમાં ગુસના નિયમોની ઘણી અસર હતી અને તેથી જ તે પ્રિન્સ ઓફ મેથેમેટિક્સ કહેવાય છે.

કાર્લ ફ્રીડ્રીક ગુસનો જન્મ ઈ.સ. ૧૭૭૭ના એપ્રિલની ૩૦ તારીખે જર્મનીના બ્રન્સવિક ગામે એક ગરીબ પરિવારમાં થયો હતો. ગુસ બાળવયમાં જ વિશિષ્ટ બુધ્ધિપ્રતિભા ધરાવતો હતો. આઠ વર્ષની નાની ઉંમરે તેણે એકથી સો સુધીના અંકોનો સરવાળો પળવારમાં કરી નાખવાની પધ્ધતિ શોધી હતી. તેણે ૨૧ વર્ષની ઉંમરે 'ડીસ્ક્વીઝશન એરિથમેટિક' અને 'મેગ્નમ ઓપસ' નામના ગણિતના ગ્રંથો લખી વિશ્વપ્રસિધ્ધિ મેળવેલી. તેથી બુદ્ધિપ્રતિભાથી અંજાઈને બ્રુન્સવિકના રાજવીએ તેને કોલેજમાં મફત શિક્ષણની વ્યવસ્થા કરી આપી હતી. ઈ.સ. ૧૭૯૨ થી ૧૭૯૫માં તે બ્રુન્સવિક યુનિવર્સિટીમાં ભણેલો. તેણે ગણિતના ઘણા જૂના નિયમોમાં ફેરફાર કરી નવા શોધેલા. ભૂમિતિમાં કંપાસ દ્વારા નિયમિત બહુકોણ આકૃતિ દોરવાની સરળ પધ્ધતિ તેણે શોધેલી. ઈટાલીના ખગોળશાસ્ત્રીએ શોધેલા નવા ગ્રહ કેરોસનું ચોક્કસ સ્થાન ગુસે ગણી બતાવ્યું હતું. ગુસે ઈલેક્ટ્રોમેગ્નેટિક ટેલીગ્રાફની શોધ પણ કરેલી. ગણિતના સંશોધનોના લગભગ ૨૦ જેટલા પુસ્તકો તેણે લખેલા. ઈ.સ. ૧૮૫૫ના ફેબ્રુઆરીની ૨૩ તારીખે તેનું અવસાન થયેલું. કાર્લને લેલેન્ડ અને કોટલી પ્રાઈઝ જેવા પ્રતિષ્ઠિત એવોર્ડ મળેલાં. જર્મનીમાં અનેક સ્થળો અને સંસ્થાઓને ગુસના નામ અપાયા છે. વિજ્ઞાન અને ગણિતના ક્ષેત્રમાં ગુસ પ્રાઈઝ પણ એનાયત થાય છે.

ગુસના મૃત્યુ બાદ તેનું મગજ કાઢી લેવામાં આવ્યું હતું. રૂડોલ્ફ વેગનર નામના વિજ્ઞાનીએ તેના મગજનો અભ્યાસ કર્યો હતો. ગુસનું મગજ સામાન્ય કરતાં વધુ ૧૪૯૨ ગ્રામ વજનનું હતું અને તેનો સેરિબ્રલ વિસ્તાર ૩૪૦.૩૬૨ ચોરસ ઈંચ હતો. કદ અને વિસ્તારમાં મોટું મગજ હોવાથી તો તે અપ્રતિમ બુધ્ધિ ધરાવતો હોવાનું કહેવાય છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/C4oxkd0
Previous
Next Post »