''માનવ જીવન''ને સફળ બનાવવા ''પ્રાર્થના'' અને ''ધ્યાન''નું મહત્વ


સંસારમાં પ્રાણીઓની અનેક યોનિઓ છે. તેમાં મનુષ્ય સિવાયની કોઈ યોનિમાં આત્મજ્ઞાાન કે આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત થઈ શકતો નથી. માત્ર મનુષ્ય યોનિમાં જ આ પ્રક્રિયા જેવી કે હું કોણ છું ? મારો જન્મ શા માટે છે ? મારૃં સ્વરૂપ શું છે ? મારા જીવનનો ઉદ્દેશ શું છે ? બંધન કે દુ:ખમાંથી મુક્ત કેવી રીતે થઈ શકાય ? તેના ઉપાયો શું છે ? વગેરેનો વિચાર કરી શકાય છે.

મનુષ્ય જીવનનાં બે પ્રયોજનો છે. એક પોતાની સાંસારિક જીવનમાં ઉન્નતિ કરવી અને બીજુ મુક્તિ કે મોક્ષની પ્રાપ્તિ કરવી.

કામ-ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષા વગેરે આપણી માનસિક વાસના ઓમાંથી ઉત્પન્ન થનારા છે. તે ધન સંપત્તિથી શાંતિ આપનારા નથી તેનો એક માત્ર ઉપાય છે પ્રાર્થના અને ધ્યાન યોગનો અભ્યાસ.

આપણા ભટકતા-વિચારોના વંટોળોને સ્થિર કરીને મનને એકાંગ્ર કરવું તે ધ્યાન કે યોગ છે. જ્યારે બાહ્ય અને આભ્યંતર વિચારોને રોકવા તે ''ચિતવૃદ્ધિ નિરોધ'' છે. મન-બુદ્ધિને અહંકાર સહિતના અંત:કરણને એકાગ્ર કરવા તે જ ધ્યાન યોગ છે.

મન ચંચળ છે. આથી તેને એકાગ્ર કરવા માટે પ્રાર્થના ધ્યાનનો અભ્યાસ કરવો પડે છે જેથી મનુષ્યનાં અંતરાત્મામાં સત્યજ્ઞાાન-વિવેક જ્ઞાાનની સ્વયં પ્રાપ્તિ થાય છે. જે વૃત્તિઓ મનને અજ્ઞાાન, અધર્મ, અસત્ય, સ્વાર્થ અને વિવિધ વિષયોમાં ભટકાવે છે તે રાજસ અને તામસી વૃત્તિ છે જે દુ:ખ દાયક છે. અને જે જ્ઞાાન, ધર્મ, સત્ય, પરોપકાર, વૈરાગ્ય અને ઈશ્વર તરફ લઈ જાય તે સાત્વિકવૃત્તિ સુખ દાયક અને કલેષ કે દુ:ખ રહિત છે.

- મન ને એકાગ્ર કરવા માટે પ્રાર્થના :- આવા અસ્થિર મનને શાંત કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ચંચળ મનને વશમાં કરવું ખુબજ મુશ્કે છે છતાં પણ હે કુન્તી પુત્ર ! અભ્યાસ (પ્રાર્થના) અને વૈરાગ્યથી તે વશમાં થાય છે. (ગીતા ૬/૩૫)

ગાંધીજી કહેતા કે પ્રાર્થનાએ તો મારૃં જીવન બનાવ્યું છે. ઈશ્વરનાં ધ્યાન માટે પ્રાર્થના અને ભક્તિથી ખાસ જરૂરીયાત જીવનમાં રહે છે. આયુર્વેદમાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓનો અપૂર્વ સમન્વય જોવા મળે છે. આયુર્વેદે શરીરને 'ધર્મલ્લનું મુખ્ય સાધન ગણ્યું છે. પ્રાર્થના-યોગ-ધારણ-ચિત્તશુદ્ધિ-ધર્માચરણ-સદવૃત્તિ વગેરેને પ્રાધાન્ય આપ્યું છે. (આયંગ હ્ય્દય સૂત્ર.અ.૧)

બ્રહ્મમૂહૂર્તમાં ઉઠી જવું અને દેવ, આચાર્ય વિગેરે પૂજનીય વ્યક્તિનું પૂજન કરવું ઈશ્વરનું ધ્યાન ધરવું.

ચંચળ મનને ભટકતા મનને સ્થિર કરવાનો અને સાત્વિક બનાવવાનો ઉપાય છે. 'પ્રાર્થના' અને ધ્યાન-મનની એકાગ્રતા.

- શ્રધ્ધાપૂર્વકની પ્રાર્થના :- શ્રદ્ધા કોઈ સરનામું ગણતી નથી. તે કોઈને સંબોધિત નથી. શ્રદ્ધા પૂર્વકની પ્રાર્થના એ આંતરીક વસ્તુ છે. પ્રાર્થનાની અસર કરનારની પોતાની ઉપર તથા આજૂબાજૂનાં વાતાવરણ ઉપર પણ પડે છે. પ્રાર્થના ગમે તે ધર્મની હોય ગમે તે ભાષામાં હોય તેમાં કોઈ ફરક પડતો નથી. શ્રદ્ધા-પ્રાર્થના શુદ્ધ અને સાત્વિક હોવી જોઈએ. પ્રભુ તથા પોતાના ઈષ્ટદેવ પ્રત્યેની ભક્તિ અને તેના પ્રત્યેની પ્રેમની ભાવના વ્યક્ત કરવા માટે છે. માનવજીવનનું ઋણ અદા કરવાની શુદ્ધ ભાવનાનાં શબ્દો છે.

દ્રષ્ટાંત :- એક વખત ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયેલું અને હિન્દુ તથા મુસલમાનનાં બે દિકરાઓ ખૂબ નજીકના મિત્રો હતાં. તેમને આ યુદ્ધની ખબર પડી તો બન્ને મિત્રોએ બેસી આંખ બંધ કરી પોતપોતાનાં દેશની જીત માટે પ્રાર્થના-બંદગી કરી. પછી બન્નેએ આંખ ખોલીને એક બીજાને પૂછયું કે તે શું માંગ્યું ? હિન્દુના છોકરાએ કહ્યું ભગવાન પાસે મારા દેશનો વિજય માંગ્યો. ત્યારે બીજાએ કહ્યું કે મે મારા દેશના વિજય માટેની બંદગી કરી. પછી બન્ને એક બીજાને કહેવા લાગ્યા કે ભગવાનને ગુજરાતી જ આવડે છે તેથી મારી પ્રાર્થના સાંભળી હશે તારી નહીં... બીજાએ કહ્યું કે, અલ્હા... ઉર્દુ સિવાય કોઈ ભાષા જાણતાં જ નથી. તેથી મારી બંદગી સ્વિકારશે... આમાં બન્ને પ્રભુ-અલ્લાહ-ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા જોવા મળે છે. પ્રભુ શ્રદ્ધા પૂર્વકની પ્રાર્થનાને સ્વિકારે તેવી તે બાળકોને પણ ખબર હતી. આ રીતે પ્રાર્થના મનની શુદ્ધતા, હ્ય્દયની શુદ્ધભાવના અને ઉર્મીઓ સાથે સંબંધીત છે. તેને ભાષા-સ્તુતિ શબ્દો સાથે કોઈ લેવા દેવા નથી.

- પાંચ શત્રુ-પ્રાર્થનાના :- અભિમાન, ક્રોધ, બેદરકારી, આળસ, ચિડિયાપણું આ પાંચ શત્રુઓ પ્રાર્થનાને શુદ્ધ અને નિર્મળ પણે થવા દેતા નથી. પ્રાર્થનામાં શુદ્ધચિત-અહંકાર રહિતપણું અને શ્રદ્ધા ખાસ હોવી જોઈએ. અધંશ્રદ્ધાળુને પ્રાર્થના ફળતી નથી.

- સંધ્યોપાસન :- આ પૂર્વેના સ્વસ્થવ્રતની દિનચર્યામાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે મન અને શરીરનાં સ્વાસ્થ્ય માટે સવારે ને સાંજે (સંધ્યા સમયે) પ્રાણાયામ પ્રાર્થના જપ તથા ઈશ્વરની ઉપાસના કરવી જોઈએ : દીર્ઘ કાલીન આ રીતે કરવાથી ઋષિઓએ દીર્ધાયુ બુદ્ધિ, યશ, કીર્તિ, અન બ્રહ્મ અનુભૂતિ પ્રાપ્ત કરેલ હતા. પાપકર્મી પણ તપથી પ્રાર્થનાથી, દાનથી, શુદ્ધ થાય છે. (મનુસ્મૃતિ)

- પ્રાર્થનાનું ફળ : ભગવત ગીતાના અઢારમાં અધ્યાયમાં સ્પષ્ટ પ્રભુએ ખાત્રી આપીને કહ્યું છે કે

હે ભારત તૂં પરમેશ્વરનાં શરણે જ પરમાત્માની કૃપાથી તું પરમ શાંતિ પામિશ તથા શાશ્વત પરમ ધામને પામીશ હે અર્જુન તું મારામાં મન પરોવનાર થા, મારોે ભક્ત બની જા. મારૃં પૂજનકર અને મને પ્રણામ કર ।। ૬૫।।

સઘળાં સંશયોને-ધર્મોને મારા ઉપર છોડી દે તૂં એક માત્ર સર્વ શક્તિમાન-સર્વાધાર પરમેશ્વરના ને શરણે આવીજા, તે જ તને બધાય પાપોમાંથી મુક્ત કરી દેશે... તૂં મિથ્યા શોક ન કરે ।। ૬૬ ।।

- સર્વધર્મમાં પ્રાર્થનાનું મહત્વ :- વિશ્વનો કોઈ ધર્મ એવો નથી કે તેના ઈષ્ટ દેવની પ્રાર્થના કે બંદગી ન હોય, આમ પ્રાર્થના એ પ્રભુ પ્રત્યેની કૃતજ્ઞાતા પ્રગટ કરવાનું દિવ્ય સાધન છે. તેમજ આપણા હ્ય્દયમાં -મનમાં શુદ્ધ ભાવો ઉત્પન્ન કરે છે. તેમજ ખોટા કામ કરતાં અટકાવે છે... તે એક આધ્યાત્મિક ઉત્તમ માર્ગ છે... વળી તેમાં કોઈ ખરચ કરવો પડતો નથી. માત્ર શુદ્ધ હ્ય્દય-મન અને શ્રદ્ધા જ ઉત્પન્ન કરવાના છે.

: પ્રાર્થના :

ઓમ તત્ સત્ નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું,

સિધ્ધ બુદ્ધ તું, સ્કંદવિનાયક સવિતા પાવક તું,

બ્રહ્મ મજદ તું, યહવ શક્તિ તું, ઈસુ પિતા પ્રભુ તું,

રુદ્ર વિષ્ણુ તુ, રામ-કૃષ્ણ તું, રહીમ તાઓ તું,

વાસુ દેવ તું વિશ્વરૂપ તું, ચીદાનંદ હરિ તું,

અદ્ધિતિયતું, અકાલ નિર્ણય, આત્મલિંગ શિવ તું,

ઓમ તત્ શ્રી નારાયણ તું

પુરુષોત્તમ ગુરુ તું

ઓમ તત્ સત્ એમ આ ત્રણ પ્રકારનું સચ્ચિદાનંદ બ્રહ્મનું નામ કહેવાય છે, એ બ્રહ્મથી જ સૃષ્ટિ-માનવોની રચના થઈ છે. (ગીતા.અ.૧૭/૨૩)

શ્રદ્ધા થકી કરેલી પ્રાર્થના પરમાનંદનો પ્રાપ્ત કરાવે છે.

- ડૉ.ઉમાકાંત.જે.જોષી



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/86QG1zU
Previous
Next Post »