
- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- 'મેં ગમ્યાને પહેલી વાર જોઈ ત્યારે લાગતું હતું કે એ ચીંથરેવીંટયું રતન છે. પણ ઘરની જવાબદારીઓએ એને રસોડાની રાણી બનાવી દીધી છે હું એની કાયાપલટ કરીશ.'
'બે ટા ગમ્યા, કેટલી વાર ? મહેમાનો તારી વાટ જુએ છે.' આનંદરાયે સાદ પાડયો. 'ગમતી વસ્તુ જોવામાં તો વાટ જોવાનો પણ એક આનંદ હોય છે.'- ગમ્યાએ કહ્યું.
અને બની-ઠનીને ગમ્યા આવી. રૂપાળી તો હતી જ મેકઅપથી એના ચહેરા પર ઓર નિખાર આવ્યો.
આનંદરાયે કહ્યું: 'છોકરાવાળા કોઈ છોકરીને જોવા આવે ત્યારે પ્રશ્નો પૂછવાનો પોતાનો વણલખ્યો અધિકાર માને છે.'
'અરે ! આપની આબરૂ તો લાખેણી છે. આપના વાત્સલ્ય વચ્ચે ઉછરેલી દીકરીને પ્રશ્ન પૂછવા એ તેના વ્યક્તિત્વનું અપમાન છે.' મિ.ધનેન્દ્રએ કહ્યું અને પાછળથી ઉમેર્યું: આ તો મારું મંતવ્ય છે. છતાં મારા પુત્ર આત્મિકને પણ તેના સ્વતંત્ર નિર્ણયની તક આપી જ છે. આપના પુત્ર આત્મિકે પણ આપના ઉત્તરને સંપૂર્ણપણે મળતો જવાબ આપ્યો હતો. છતાં મેં તેને પૂછ્યું હતું. 'ભાવાવેશને બદલે સ્વસ્થતાપૂર્વક નિર્ણય લેવો એ વધુ સલાહભર્યું છે. હું પણ મારી પુત્રી ગમ્યા ઉપર મારા વિચારો કયારેય લાદતો નથી. આનંદરાયે ચોખવટ કરી.'
'એણે તો મને નિર્ણય લેવાની લીલી ઝંડી આપી જ છે. અમે આપની દીકરીને એક ખાનદાન ઘરની દીકરી તરીકે મૂલવીશું.'
'તો આપણી આજની મુલાકાત પૂરી. આનંદરાયે કહ્યું 'ગૂડબાય'' થેંક યુ આવજો.
અને ધનેન્દ્રએ વિદાય લીધી.
બસ, બીજે દિવસથી આત્મિકે આનંદરાયના ઘેર આવવાનું શરૂ કરી દીધું હતું. એ ક્યારેક એકલો આવતો, તો ક્યારેક એકાદ બે મિત્રો સાથે. ગમ્યા સારાં વસ્ત્રોમાં સજજ થઈ તેનું સ્વાગત કરતી. આંતરે દિવસે ભાવિ સસરાના 'સસુરાલય'માં આવવાનો વગર ફોને આવવાનો આત્મિકે પોતાનો અધિકાર માની લીધો હતો. ગમ્યાને જોયા પછી આત્મિકે મિત્રોને પૂછ્યું 'મોડેલ' કેવું લાગ્યું ? મિત્રો કહેતા: અમારી માન્યતા મુજબ આજનો જમાનો મંગેતરના ગુણ જોવાનો નહીં પણ રૂપ જોવાનો છે. ગમ્યાને તું શણગારીશ એટલે એ રૂપસુંદરી બની જશે. આત્મિક હસતાં-હસતાં કહેતો: ફૂલને બૂકેમાં રાખતાં એ આદરપાત્ર બની જાય છે. 'દેખો આગેઆગે હોતા હૈ કયા ?'
પણ એના મનમાં અંદરથી થોડો કચવાટ હતો. ગમ્યાની સાદગી એને પસંદ નહોતી.
એવામાં એક મિત્રના લગ્નનું તેને નિમંત્રણ મળ્યું. એને આત્મિકે ગમ્યાને રૂપાંગના તરીકે આગવી પર્સનાલિટીનો વટ પાડવાનો મોકો માની લીધો. એ ગમ્યા માટે પચાસ હજારનો મોંઘો ડ્રેસ અને બે લાખનાં ઘરેણાં લઈ આવ્યો. પોતાના ખર્ચે એક બ્યુટીશિયનને ગમ્યાને મેકઅપ દ્વારા સજાવવા મોકલી આપી.
ગરબા માટે ગમ્યાને પાર્ટીપ્લોટ લઈ ગયો, ત્યારે એની નજર એ વાતમાં વ્યસ્ત હતી. લોકોની નજરે ગમ્યા કેવી લાગતી હશે. ગરબા શરૂ થયા. બધી સ્ત્રીઓ ગમ્યાની પર્સનાલિટીનાં વખાણ કરી રહી હતી. અને બીજી બાજુ આત્મિક પોતાના મિત્રોમાં ગમ્યાની પ્રશંસાની અને પોતાની અમીરીની વાતો કરતાં થાકતો નહોતો. મોંઘેરા ડ્રેસ, ઘરેણાં અને બ્યુટીફિકેશન માટે પોતે ખર્ચેલા પૈસાનો આંકડો જાહેર કરતો. અને કહેતો: 'મેં એને પહેલીવાર જોઈ ત્યારે લાગતું હતું કે ચીંથરે વીંટયુ રતન છે. પણ ઘરની જવાબદારીએ તેને રસોડાની રાણી બનાવી દીધી છે. ગમ્યાને માંજવાની જરૂર છે. હું તો તવંગર બાપનો બેટો છું. એટલે મારી ઓકાત જુદી છે.'
મિત્રો વિચારતા: આત્મિક એક છીછરો અને ઘમંડી માણસ છે. ગરબા પાર્ટીમાં ગમ્યાનાં વખાણ કરતાં આત્મિક થાકનો નહોતો. પાર્ટી પૂરી થતાં પોતાના ડ્રાઈવરને એણે સૂચના આપી: આપણી મર્સિડિઝ કાર સામાન્ય કારોની લાઈનમાં તે પાર્ક કરી જ હશે. ફરીથી આવી ભૂલ ન કરતો. આપણી ગાડીનો અલાયદો વટ પડવો જ જોઈએ.
'ઓ કે સર' કહી ડ્રાઈવરે પાર્ટીપ્લોટના દરવાજા આગળ કાર ઉભી રાખી. જતાં-જતાં આત્મિકે તેને વળાવવા આવેલા મિત્રોને કહ્યું: હું ભગવાનને પ્રાર્થના કરીશ કે આવતા જન્મમાં તમને મારા જેવું સુખ અને વૈભવ આપે.
આત્મિક અહંકારનું ભોજન કરતો અહંકારનું પરિધાન કરતો અને અહંકારનું પ્રદર્શન કરતો. આત્મિકના વર્તનમાં આત્મીયતાનો છાંટો પણ નહોતો. એના દંભની ગાગર અત્ર-તત્ર-સર્વત્ર છલકાતી હતી. ગમ્યાને તે અહંકાર પ્રદર્શનનું સાધન માનતો હતો.
ગરબા પાર્ટીમાં સામેલ થએલ સખીઓ ગમ્યાને મળતી અને કહેતી: 'તેં કોઈ તાંત્રિક પાસે આત્મિકને વશ કરવાનો જાદુ કરાવ્યો છે ? અમારા પતિ તો અમારા આટલાં બધાં વખાણ ક્યારેય નથી કરતા. કોઈ શુભ ઘડીએ તારો જન્મ થયો હશે નહીં. તો આવો તારા રૂપનો અફીણી અને ગુણનો બંધાણી પતિ ન મળે. તારા લગ્નમાં હાજર રહેવા અમારે અમારા પતિને પણ ખાસ્સો ખર્ચ કરાવવો પડશે. આત્મિક ગમ્યાને મળવા આવેલી પાંચ સખીને કહેતો: તમને મનગમતા ડ્રેસ અને દાગીનાનો ઓર્ડર આપી દેજો. બીલ ધનેન્દ્ર શેઠનો માનીતો દીકરો આત્મિક ચૂકવી દેશે. બોલો ખુશ સહુએ તાલીઓ પાડી આત્મિકનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. પણ એક બોલકણી સખીએ કહ્યું: બીલના બદલામાં અમારા દિલ ની માગણી તો નહીં કરોને !'
તમારા જેવી ઓર્ડીનરી સ્ત્રીઓ તરફ નજર કરે એટલો સસ્તો તમે મને ન માનશો. મારી અમીરી આગળ તમારી વિસાત શી ? કહી આત્મિક ચાલ્યો ગયો.
સખીઓએ ગમ્યાને કહ્યું: 'તારો મંગેતર આત્મિક તરંગી અને અભિમાની છે. એને તું વશ કરી શકવાની શ્રદ્ધા ધરાવતી હો તો જ સમજી વિચારીને પગલું ભરજે.' ગમ્યાએ મૌન ધારણ કર્યું.
લગ્નની તારીખ નક્કી થઈ ગઈ. એ પોતાની પેઢીના મુનીમજીને લઈ ગમ્યાને મળવા ગયો. આત્મિકે કહ્યું: લગ્નની કુમકુમ પત્રિકા તારા પપ્પાજી મારે ખર્ચે ગુજરાતીમાં છપાવશે. શોભમાં અભિવૃદ્ધિ કરનારને તેઓ સ્નેહને આધીન થઈ નોતરશે. તારા રૂપ જેવી કંકોત્રી હું અંગ્રેજીમાં છપાવીશ. એ કામ મેં મારા ફેમસ ડિઝાઈનરને સોંપ્યું છે. વી.આઈ.પીના પુત્રને છાજે એવી ડિઝાઈન 'ઇન્વીટેશન' કાર્ડ તૈયાર કરશે. હા, ભોજન સમારંભમાં ગુજરાતી સ્ટાઈલનું શોભતું ભાણું નહીં હોય પણ અમારી અમીરીને છાજે એવું 'વેસ્ટર્ન સ્ટાઈલ' પશ્ચિમી ઢબનું ખાણું હશે. એવું ભાણું કે ખાધા પહેલાં વાનગીઓની યાદી જોઈને જ મહેમાનોના મોંમા પાણી આવવા લાગશે.
અને સાંજે ફરીથી આત્મિક ગમ્યાને પોતાનાં મમ્મી- પપ્પાને મળવા તેડવા આવ્યો હતો, પણ ગમ્યાએ કહ્યું: 'મારે એક અમીર પરિવારનાં સાસુ સસરાને મળવાનું છે. એટલે બ્યુટીશિયન દ્વારા હું મેકઅપમાં વ્યસ્ત છું. એકાદ કલાક નીકળી જશે. એટલે આત્મિક ઘેર પાછો જાય હું મારી રીતે એને ઘેર પહોંચી જઈશ.' ઓ.કે. હું તારે માટે અલગ ગાડી મંગાવું છું. પંદર મિનિટમાં બીજી ગાડી આવી જશે. કહી આત્મિકે વિદાય લીધી હતી.
એ વાતને કલાક વીતી ગયો પણ ગમ્યાને તેડવા માટે મોકલેલી ગાડી પાછી આવી નહીં. ડ્રાઈવરે કહ્યું: 'મેડમ ગમ્યાને તૈયાર થવામાં હજુ વાર લાગશે. મેકઅપ પતે એટલે તે આવી જશે. અમીર પરિવારની ભાવિ પુત્રવધૂ લાગું એવા ભપકા સાથે તો મારે આવવું જોઈએ ને ?'
ડ્રાઈવરનો જવાબ સાંભળી આત્મિક ફૂલીને ફાળકો થઈ ગયો. એને લાગ્યું કે પોતે ગમ્યાને પોતાના ઢાંચામાં ઢાળવામાં સફળ થયો છે. લગ્ન પછી એને હનીમૂન માટે એકની નહીં પાંચ વિદેશી સ્થાનોની મુલાકાત કરાવીશ. મારી અમીરી આગળ કાશ્મિરનું સૌંદર્ય સ્વિઝર્લેન્ડના સૌંદર્ય આગળ ઝાંખું પડે ! મારે બધું જ નંબર વન જોઈએ.
ખાસ્સો દોઢ કલાક વીતી ગયો પણ ગમ્યા આવી નહીં એટલે એણે મોબાઈલ પર તેને ફોન કર્યો. ગમ્યાએ કહ્યું: ગાડીના એક વ્હીલમાં પંચર થયું છે. એટલે હજી મને આવતાં પંદરેક મિનિટ થશે. ઉતાવળા ન થશો. મિલનની જેમ વિરહની વાસ્તવિકતા પણ માણસે સીખી લેવી જોઈએ.
'હવે આવી સૂફિયાણી વાતો કર્યા સિવાય જલ્દી આવી જા. ગરમીમાં તારો મેકઅપ ઓગળવા માંડશે તો તને આવકારવાનો ઉત્સાહ મારામાં નહીં રહે.'
આત્મિકે કહ્યું: ગમ્યાએ ફોન બંધ કરી દીધો. પંદરેક મિનિટ બાદ ગમ્યાની રિક્ષા ધનેન્દ્ર શેઠના બંગલાના કમ્પાઉન્ડમાં ઉભી રહી. રીક્ષામાંથી ઉતરી ગમ્યા બંગલામાં પ્રવેશી. ગમ્યાએ આત્મિકની મમ્મીને કહ્યું: 'મમ્મી હું કેવી લાગું છું? અમીર ઘરના પુત્રવધૂ બનવાને લાયકને ?'
'અરે દીકરી તારા રૂપ આગળ તો ભલ-ભલી અપ્સરાઓ પણ ઝાંખી પાડે.' આત્મિકની મમ્મીએ કહ્યું .
'મમ્મી, ડ્રેસિંગ રૂમ ક્યાં છે , હું વધુ સજ્જ થઈને આવું છું. અડધા કલાક પછી મોંઘાં વસ્ત્રો, આભૂષણો ત્યજી પોતાની સાથે લાવેલા સાદાં વસ્ત્રો પહેરી ગમ્યા પાછી આવી. એને આવા સાદા-સીધા વસ્ત્ર પરિધાનમાં જોઈ આત્મિક અને તેની મમ્મી સ્તબ્ધ થઈ ગયાં. ગમ્યા આ તે શું કર્યું ? આત્મિકની મમ્મીએ કહ્યું: તમારે અમીર ઘરની પુત્રવધૂ કેવી હોય તે જોવું હતું ને!'
એનું પ્રદર્શન મેં કરી દીધું. હું તો ગરીબ ઘરની દીકરી છું. મને અમીરીની મોજ-મજા ખપતી નથી.
હું જેવી છું તેવી સ્વીકારવા તમારો પુત્ર તૈયાર થશે ?
હરગિઝ નહીં: આવા સાદા-સીધાં વસ્ત્રો પહેરી તું અમારા ખાનદાનનું અપમાન કરી રહી છું. આત્મિક ઉશ્કેરાટમાં કહ્યું.
'તમારા આવા ઉત્તરની મને અપેક્ષા હતી.' એટલે તું શું કહેવા માગે છે. આત્મિકે શેષભેર પૂછ્યું.
એનો જવાબ અત્યારે જ આપી દઉં છું. રીક્ષામાં બેઠેલા કમેન્દ્રને સાદ કરીને ગમ્યાએ ડ્રોઈંગરૂમમાં બોલાવ્યો. કર્મેન્દ્ર તરત જ હાજર થયો. આત્મિકે પૂછ્યું. આ રીક્ષા ડ્રાઈવરને કેમ બોલાવ્યો? કર્મેન્દ્ર રીક્ષાડ્રાઈવર નથી. મારી ભાવિ જિંદગીના સંચાલક છે. મેં કોર્ટની રાહે એની સાથે લગ્ન કરી લીધું છે. કર્મેન્દ્ર એક કલાકાર છે. ઊંચા ગજાનો. લાગણીભીનો સીધો સાદો પતિ ગમે છે. મિ.કર્મેન્દ્ર આ છે, હવે મારા ભૂતપૂર્વ મંગેતર ચિ.આત્મિક કર્મેન્દ્રે નમસ્તે કહ્યું. પણ અભિમાની આત્મિકે કહ્યું: તું અને ગમ્યા ગેટ આઉટ અને એના જવાબમાં ગમ્યાએ કહ્યું: હું પણ કરું છુ તને મારી જિંદગીમાંથી ગેટ આઉટ. કહી કર્મેન્દ્રનો હાથ પકડી ગમ્યાએ રીક્ષામાં બેસી વિદાય લીધી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/WlxVKLX
ConversionConversion EmoticonEmoticon