
બગોદરા-વાસદ સ્ટેટ હાઈવે ઉપર
એક વ્યકિતને ઇજા થતાં સારવાર માટે ખસેડાયા અજાણ્યા વાહન ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ
આણંદ: બોરસદ તાલુકામાંથી પસાર થતાં બગોદરા-વાસદ સ્ટેટ હાઈવે ઉપર બોચાસણ ગામના બ્રિજ ઉપર ગતરોજ પુરપાટ ઝડપે જઈ રહેલા અજાણ્યા વાહનના ચાલકે આગળ જઈ રહેલા મોટરસાયકલને ટક્કર મારતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો.
ભાવનગર ખાતે રહેતા ગૌતમભાઈ સુરેશભાઈ પરમાર બુધવાર રાત્રિએ મિત્ર અજીતભાઈ મનોજભાઈ જતપરા, રાહુલ રાજેશભાઈ ચૌહાણ અને ખુશાલભાઈ ભરતભાઈ માળી સાથે અનગઢ અને મલાતજ મેલડી માતાના દર્શન કરવા માટે જવાનું નક્કી કરી ચારેય શખ્શો બે ટુવ્હીલર પર સવાર થઈ નીકળ્યા હતા. દરમિયાન નારી ચોકડી નજીક આવતા ગૌતમ અને અજીતના ટુવ્હીલરમાં પંક્ચર પડયું હતું. પંક્ચર કરાવ્યા બાદ આગળ જતા વટામણ ચોકડી નજીક ફરીથી અજીત અને ગૌતમના ટુવ્હીલરમાં પંક્ચર પડતા તેઓ પંક્ચર બનાવી પરત ભાવનગર આવવા નીકળ્યા હતા. જો કે રાહુલ અને ખુશાલ મોટરસાયકલ ઉપર આગળ નીકળી ગયા હતા. દરમિયાન ગતરોજ તેઓની મોટરસાયકલ બોચાસણ ગામના બ્રિજ ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી ચઢેલા અજાણ્યા વાહનના ચાલકે મોટરસાયકલને ટક્કર મારતા બંને ઉછળીને રોડ ઉપર પટકાયા હતા. જેમાં રાહુલને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે ખુશાલને ઈજાઓ થવા પામી હતી. આ બનાવ અંગે ૧૦૮ને જાણ થતાં ૧૦૮ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત ખુશાલને સારવાર અર્થે બોરસદની હોસ્પિટલમાં ખસેડાયો હતો.
આ બનાવ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Z146W0n
ConversionConversion EmoticonEmoticon