
- આ આયુર્વેદ- આયુષનો વેદ-બીજા વેદો કરતાય અતિશય પુણ્યજનક, અથવા અત્યંત પવિત્ર છે. એજ કારણે તેને વેદ જાણનારાઓ પૂર્ણ માને છે. કારણકે આ આયુર્વેદ મનુષ્યોને આ લોક તથા પરલોક એ બંન્ને લોકમાં હિતકારી છે
વિ શ્વનાં વૈદિક-ઇતિહાસમાં આધ્યાત્મિકગ્રંથોનું સ્થાન શીર્ષસ્થ છે. ભારતીય આધ્યાત્મિક ગ્રંથોએ જગત સમક્ષ સહજ અને સરળ શૈલિમાં પ્રસ્તુત કર્યા છે. ભારતનાં પ્રાકૃત અને સંસ્કૃત ભાષાઓમાં રચાયેલા છે. આયુર્વેદની સંહિતાઓ પણ તેમાની એક છે. જે સૃષ્ટિની ઉત્પતિ પહેલાં ઉત્પન્ન થયેલ સ્વાસ્થ અને મોક્ષ સબંધી અધ્યાત્મિક વાતો-સિદ્ધાંતો વર્ણવે છે.
આયુર્વેદ વેદોની જેમ અનાદિ છે
। ब्रह्मास्मृता । તેની ઉત્પતિમાં શબ્દ આવે છે કે જે બ્રહ્માએ સ્મૃતિ કરીને તેવો ઉપદેશ આપેલ છે. विद ધાતુ ઉપરથી વેદશબ્દ બન્યો છે જે જાણવુંં તેવો અર્થ કરે છે.
આયુષ સબંધી વાતો આયુષનો હિત-અહિત- સુખ દુ:ખનું તથા ધર્મ- અર્થ- કામ અને મોક્ષની વાતો જેમાં સમાયેલી છે તેવું આલોકમાં તથા પરલોકની કલ્યાણકારી વાતોથી ભરેલું વૈદિક શાસ્ત્ર આયુર્વેદ શાસ્ત્ર છે. 'शास्ति च त्रायते इति शास्त्र' શાસનો અને સંરક્ષણ કરે તે શાસ્ત્ર કહેવાય. માનવજીવનની બધી જ હિતકારી-કલ્યાણકારી વાતો આયુર્વેદમાં કરેલી છે. એટલે એ માનવજીવનનું કલ્યાણ કારી શાસ્ત્ર પણ છે.
આયુર્વેદને બીજાવેદો, ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ અને યુજુર્વેદ આ ચારેય વેદો કરતાય શ્રેષ્ઠ વેદ કહેલ છે.
तस्यायुषः पुण्यतमोवेदो वेदविदांमतः।
वक्ष्यते यन्मनुष्याणां लोकयो उभायो हितम् ।।
( ચરક સંહિતા સૂત્રસ્થાન ૧/૪૨)
આ આયુર્વેદ-આયુષનો વેદ-બીજા વેદો કરતાય અતિશય પુણ્યજનક, અથવા અત્યંત પવિત્ર છે. એજ કારણે તેને વેદ જાણનારાઓ પૂર્ણ માને છે. કારણકે આ આયુર્વેદ મનુષ્યોને આ લોક તથા પરલોક એ બંન્ને લોકમાં હિતકારી છે.
કારણકે બીજા વેદો તો લગભગ પરલોકનાં હિતકારી વાતો તથા ઉપદેશાત્મક મંત્રો- ઉપદેશ છે. તેથી તે વેદો પુણ્યરૂપ કે પવિત્ર તો છે જ. પરંતુ આયુર્વેદ તો આ લોકની તથા પરલોક બેયની હિતકારી વાતો ઉપદેશે છે. માટે બીજા સર્વ વેદો કરતાય અધિક-અતિશય વધારે પુણ્ય જનક છે. આથી આને પુણ્યશાસ્ત્ર પણ કહે છે અને પવિત્ર શાસ્ત્ર પણ કહે છે.
મહર્ષિ સુશ્રૃત પણ આમ જ કહે છે. 'આ આયુર્વેદથી આ લોકનું તથા પરલોકનું પણ કલ્યાણ સ્વાધીન બને છે. આયુર્વેદથી મનુષ્યને આરોગ્ય અને લાંબુ આયુષ મળે છે. તેના દ્વારા ધર્મ- અર્થ- કામ અને મોક્ષને સિદ્ધ કરવાથી પરલોકનાં સુખો પણ પ્રાપ્ત કરે છે. આમ બન્ને લોકમાં ઉપકાર કરનાર આયુર્વેદ બીજા વેદો કરતાય શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે. લગભગ મરવા પડેલા માણસને તથા માંદા પડેલા માણસને આયુર્વેદથી જ જીવિત પ્રદાન કરી શકાય છે. તેથી પણ તે વધારે પુણ્યજનક છે. કહ્યું છે 'नहि जीवितदानाददि दानमन्यद् विशिष्यते ।।' કોઈને જીવિત દાન કરવું, એનાથી બીજું કોઈપણ દાન નથી. આ કારણે પણ આયુર્વેદ સર્વવેદોમાં સર્વોત્તમ છે.
આયુર્વેદ માત્ર ચિકિત્સાશાસ્ત્ર જ નથી પરંતુ એક ધાર્મિક-માનવજીવનને ઉચ્ચતમ બનાવવા- જીવને સાર્થક બનાવવાનાં સદ્વ્રતો, સદાચાર, ગૃહસ્થ ધર્મ વગેરેનું વિષદ્ વર્ણન પણ વર્ણાવ્યુ છે ધર્માચારની વાતો પણ તેણે કરેલી છે. મન, બુદ્ધિ, મનના વિષયો અને આત્માનું પણ વર્ણન વિષદ્ રીતે કરેલું છે. (ચરક સૂત્ર.૮) માનવીની શુભપ્રવૃત્તિ, અશુભની નિવૃત્તિનું માર્ગદર્શન તેમાં આપેલું છે.
પોતાનું હિત કરવા ઇચ્છતા માણસે સર્વકાળે, સાવધાન રહીને જ પ્રત્યેક કાર્યો કરવા જોઈએ અને સજજનોના વર્તનને આચરવું જોઈએ. કારણકે તે આરોગ્ય તથા ઇન્દ્રિયો ઉપરનો કાબુ એ બન્ને બાબતોને એકી વખતે મેળવી આપે છે. સદાચારથી જ, ધર્મના પ્રભાવથી જ એકતા સાથે આ લોક અને પરલોકનું સુખ પ્રાપ્ત થાય છે.
મનુષ્ય શરીર પ્રાપ્ત થવું તે અનેક જન્મોનાં પુણ્યનો પ્રતાપ છે : આથી આ જન્મમાં રોગ રહિત રહી, સદાચારી જીવન જીવી, પરોપકાર જેવા પુણ્યકાર્યો કરી આ લોક તથા પરલોકમાં સાસ્વત ઉપદેશો, ચરક, સુશ્રત, અષ્ટાંગહૃદય, ભાવપ્રકાશ, રસરત્ન સમુચ્ચર, શાંકોઘટ વગેરે કલ્યાણકારી ઋષિઓએ આપણા સહુના જીવનપંથ ઉજાળવા આયુર્વેદ રૂપી ઉપદેશ આ પૃથ્વિ પર આપ્યો છે. કારણકે માત્ર નિયમિત જીવન, નિયમિત આહાર-વ્યાયામ, દિનચર્યાજ, રાત્રિચર્યા, ઋતુચર્યા વગેરેનું પાલન માત્ર જ નિરોગી રાખે તેવું નથી. आचार परमोधर्म 'આચાર સદ્વૃતો, ચારિત્ર્ય આ બધું જીવનને સ્વસ્થ તથા મંગલમય બનાવે છે. તેવું આયુર્વેદના ગ્રંથોએ કહેલું છે.
રોગ, શોક, સંતાપ, બંધન અને વિવિધ પ્રકારનાં કષ્ટો આ બધા પોતે કરેલા અપરાધ રૂપી વૃક્ષોના જ ફળ છે. મૃત્યુ પછી પણ જે સાથે આવે છે તે ધર્મ અને સત્કાર્યો જ છે. સંસારમાં જીવનો સુહૃદ પણ ધર્માચરણ જ છે. બીજું બધુ તો શરીરની સાથે જ નાશ પામે છે.
- કાશ્યપ ઋષિએ આયુર્વેદને અલગથી પાંચમો વેદ માનેલ છે. वेदा आयुर्वेदयों (કાશ્યપ)
- વેદો આયુર્વેદ ઉપર આશ્રિત છે. કારણકે કોઈપણ વેદનું અધ્યયન કરનાર તથા કરાવનાર જ્યારે વેદનાથી કે રોગથી પીડિત થાય ત્યારે આયુર્વેદનાં શરણમાં આવે છે.
- ધર્મ, અર્થ- કામ અને મોક્ષનું મૂળ આયુર્વેદ જ છે. કારણકે સ્વસ્થ પુરુષ જ ધાર્મિક અને લૌકિક કાર્યો યોગ્ય રીતે કરી શકે છે અને તેને સ્વાસ્થ્ય પ્રદાન કરવા માટે આયુર્વેદ સમર્થ છે.
- જે રીતે ડાબાહાથમાં પાંચ આંગળીઓમાં અંગૂઠો અધિપતિ હોય છે. તેમ ચાર વેદો પછી પાંચમો આયુર્વેદ અધિપતિના સ્વરૂપે છે. જેમ એકલવ્યની વાર્તામાં ગુરૂદ્રોણે અંગૂઠો માંગ્યો હતો.
- આયુર્વેદને બધા વેદો સાથે સંબંધ છે. અને બ્રહ્મા અને અશ્વિની કુમાર, ઇન્દ્ર વગેરેનાં સંપ્રદાયની પરંપરા વિકસીત આયુર્વેદ વિજ્ઞાાન સ્વતંત્રમાર્ગનું હોવાથી બીજા વેદોની જેમ સર્વને આશ્રય આપવા યોગ્ય છે. મનુષ્યનાં આલોક તથા પરલોકનાં કલ્યાણમાં આયુર્વેદ સદાય તત્પર રહેતું જોવા મળે છે.
પૃથ્વી ઉપર માનવીનું અવતરણ ઘણાં સમય પછી થયું. તે પહેલા અનેક વનસ્પતિ અને વિભિન્ન જીવોની ઉત્પત્તિ થઈ. આયુર્વેદ અનાદિ, નિત્ય સ્વરૂપ હોવાને કારણે તે શાશ્વત છે. सोडयमायुर्वेद शाश्वतो अनादित्बात । (ચરક સૂત્ર ૨૬)
સર્વ પ્રથમ બ્રહ્માએ આયુર્વેદનું સ્મરણ કર્યું. ત્યારબાદ દક્ષ, પ્રજાપતિએ તેનો ઉપદેશ આપ્યો.
વૈદિક વાઙગમય, વિશ્વઙગમયનું પ્રાચીનતમ વાઙગમય છે. વેદ તુલ્ય છે. તેના આઠ અંગો છે. જેથી તે આષ્ટાંગ આયુર્વેદ કહેવાય છે. વેદોમાં ઉપનિષદોમાં સ્મૃતિગ્રંથોમાં રામાયણમાં મહાભારતમાં પણ આયુર્વેદનો ઉલ્લેખ જોવા મળે છે.
આમ આયુર્વેદ માત્ર રોગો મટાડવાનું શાસ્ત્ર નથી પરંતુ માનવજાતનાં જન્મને કલ્યાણકારી બનાવી આ લોક તથા પરલોકનાં હિત માટેનું વૈદિક શાસ્ત્ર છે. આથી આને પાંચમો વેદ તરીકે ઓળખાવ્યો છે. અહિં માત્ર આયુર્વેદનો વેદ તરીકેના ઉલ્લેખ કર્યો છે આયુર્વેદ સમુદ્રથી પણ વિશાળ છે. જેમા બાળ યુવાન- વૃદ્ધ- સ્ત્રી દરેકના રોગો તથા ચિકિત્સાનો ઉલ્લેખ છે જે ભારતીય પ્રાચિન અન્ય ગ્રંથોમાં નથી આથી કહેવાયુ છે કે,
।। आर्युवेदः अमृतान्रां श्रेष्ढ ।।
દરેક અમૃતોમાં આયુર્વેદનું આચમન, અધ્યયન, તથા અનુસરણ શ્રેષ્ઠ અમૃત તુલ્ય છે.
- ડો.ઉમાકાંત જે.જોષી
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/YCVKrMi
ConversionConversion EmoticonEmoticon