સારસ્વત: શ્રી રવિન્દ્રનાથ ટાગોર .


- જેમ છોડમાં આસપાસનાં પર્યાવરણમાંથી પોષક તત્વો ખેંચી લેવાની શક્તિ છે. બાળકને માટે પાઠયપુસ્તક વર્ગ શિક્ષક અને નિયમ પધ્ધતિઓથી અધિક એવું મહત્ત્વપૂર્ણ સજીવતત્વ તે પર્યાવરણ છે

ભા રતીય સંસ્કૃતિના ઉદ્ગાતા તરીકે રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિભા ઋષિકૂળની પરંપરાની યાદ આપી જાય છે. ઉત્તમ સાહિત્યકાર, કેળવણીકાર, સંગીતકાર ચિત્રકાર, ચિંતનશીલ અને નવસર્જકની બહુવિધ પ્રતિભા ધરાવનાર સારસ્વત હતા.

રવિન્દ્રનાથ ટાગોરની સાહિત્ય રચનાઓ કલાકૃતિઓ, શાંતિનિકેતન અને જન ગણ મન રાષ્ટ્રગીત આજે પણ અમર છે. સાહિત્યનાં તમામ ક્ષેત્રો પર હાથ અજમાવ્યો છે. તેમનાં જીવન દર્શનમાં પૂર્વ અને પશ્ચિમનો શરીર અને આત્માનો, વ્યક્તિ અને સમષ્ટિનો વૈદિક અને ઇશ્વરપ્રેમનો, સૌંદર્ય અને સત્યનાં અનુશીલનનો, વ્યક્તિ અને સમાજનાં સ્વદેશપ્રેમ અને વિશ્વપ્રેમનો અદ્ભૂત સમન્વય જોવા મળે છે. તેમનાં જીવનદર્શન જેવું જ તેમનું શિક્ષણ દર્શન છે. બાળકને બાળક જ રહેવા દઇએ અને તેમની જિજ્ઞાાસા-વૃત્તિ સંતોષવી જોઈએ. તો જ બાળઉછેરનો પ્રશ્ન સરળ બને.

શાંતિનિકેતન ધામ વિશ્વભારતીના સર્જક કવિવર રવિન્દ્રનાથટાગોર પ્રકૃત્તિવાદી શિક્ષણકાર હતા.  તેઓ કહે છે. કુદરતના હાર્દમાંથી જ બાળકને વિચારધારાનો સતત પ્રવાહ સાપડતો રહે છે. ગુરુદેવ પ્રકૃતિને ઉત્તમ શિક્ષક માનતાં હતાં, માનતા હતાં કે શીખવા માટે પ્રકૃતિની ગોદ અપેક્ષિત છે. સાદા જીવન અને ઉચ્ચ વિચારની હિમાયત કરનાર કહે છે, સાદું જીવન તો સંપૂર્ણતાનું એક ચિહ્ન છે.

કેળવણીએ પરમ સત્વ શોધવામાં મનને મદદરૂપ થવું. જે આપણને કાળનાં બંધનોમાંથી મુક્તિ આપે. દ્રવ્યનો નહીં પણ અંતર પ્રકાશનો શક્તિનો નહીં પણ પ્રેમનો ખજાનો અપાવે તથા સત્યને અસલ સ્વરૂપે છતું કરે ! ગુરુદેવ શિક્ષણને ઉત્તમ પર્યાવરણને મહત્વ આપે છે. વ્યક્તિત્વની છાય શાંતિનિકેતન સંસ્થાના વાતાવરણ પર દેખાય છે. પોતાનાં દિવ્ય અને ઉદાર ચારિત્ર દ્વારા તેઓ સંસ્થાની પ્રત્યેક વ્યક્તિને પ્રેરણાં આપતાં. આથી ગુરુદેવની શિક્ષણ સંકલ્પનામાં પર્યાવરણને મહત્ત્વપૂર્ણ સ્થાન આપે છે. કુદરતનાં રમ્ય વાતાવરણની અંદર બાળકની સ્વાભાવિક પ્રકૃત્તિ પ્રમાણે શિક્ષણ આપવું એ તેમનો જાતે કેળવણી અંગેનો મુખ્ય હેતુ હતો. આ માટે તેઓ કુદરતનાં સાનિધ્યવાળી આરણ્યક સંસ્કૃતિ, આરણ્યક શાળા વગેરેની હિમાયત કરે છે. બાળકનાં પ્રારંભિક વર્ષોમાં શરીર અને મનની સંપૂર્ણ અને પ્રસન્ન વિકાસ માટે કુદરતનો સીધો મુક્ત સંપર્ક રાખીએ તો તે ખૂબ જરૂરી છે.

એક વિદેશીએ ગુરુવર્યને પૂછયું કે - શિક્ષણનું ધ્યેય શું છે ? ગુરુદેવે જવાબ આપ્યો, 'સ્વાતંત્ર્ય એ જ શિક્ષણનું ધ્યેય છે. મનુષ્યનો આત્મા માનવને દોરે એ અનુસાર પોતાના જીવનનું ઘડતર કરતાં શીખવે એ જ સાચું શિક્ષણ છે. શિક્ષણ માનવીને માનવ બનાવે છે. શિક્ષણ વ્યક્તિની સમસ્ત નૈસર્ગિક શક્તિઓને ક્રમબધ્ધ શુધ્ધ કરીને વ્યકિતત્વનો સર્વાંગી વિકાસ કરે છે. તેનો ઉદ્દેશ વ્યક્તિનાં શરીર, મન અને આત્માનો સંપૂર્ણ વિકાસ કરવો એ છે. તે જડ પ્રક્રિયા નથી પણ જીવંત પ્રક્રિયા એટલે શિક્ષણ ! ચેતન મન પરથી અચૈતન મનને તેઓ ઓળખી શક્યાં હતાં. કે જે તેની ચેતના પ્રજ્ઞાા કરતાં વધુ ક્રિયાશીલ છે. ગુરુદેવ ચેતન મનને છોડની સાથે સરખામણી કરે છે. જેમ છોડમાં આસપાસનાં પર્યાવરણમાંથી પોષક તત્વો ખેંચી લેવાની શક્તિ છે. બાળકને માટે પાઠયપુસ્તક વર્ગ શિક્ષક અને નિયમ પધ્ધતિઓથી અધિક એવું મહત્ત્વપૂર્ણ સજીવતત્વ તે પર્યાવરણ છે. જે થકી બાળકનું મન જાણ્યે-અજાણ્યે અચેતન મન પ્રભાવિત બને છે.

અંતમા તેઓ શિક્ષણને રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય ભાવના ખીલવવામાં શિક્ષણની અગત્યની ભૂમિકા રહી છે. અનેકતામાં એકતા પર ભાર મૂકીને માનવજાતિ પ્રત્યે પ્રેમ રાખવાનું તથા વિશ્વબંધુત્વનો પાયો માનવતાવાદી સિધ્ધાંતો પર રચાયો છે. રાષ્ટ્ર..રાષ્ટ્ર વચ્ચે સમજદારી, સદ્ભાવના સ્થાપિત થવા જોઈએ. શાંતિનિકેતન રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિયતાનું પ્રતિક બની રહ્યું છે !

- લાલજીભાઈ જી.મણવર



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/BeC9Wpz
Previous
Next Post »