ભારતના અદાકારોને હવે આખી દુનિયામાં ડંકો વગાડવો છે...


- વિશ્વમાં ભારતીય ફિલ્મોના ઉત્તમ દેખાવ માટે ઓટીટીનો ઉદયને જવાબદાર માનવામાં આવે છે. હવે ભાષા ગૌણ થઈ ગઈ છે, કોન્ટેન્ટને સર્વોપરી ગણવામાં આવે છે. 

- જ્યારથી મનીષ મલ્હોત્રાનું વજનમાં અતિ ભારે કોસ્ચ્યુમ પહેર્યું છે ત્યારથી જેનિફર એનિસ્ટનનું આવાં વજનદાર કપડામાં નાચતી-ગાતી ભારતીય હિરોઈનો પ્રત્યેનું માન વધી ગયું છે. 

- આલિયા ભટ્ટ :  'હાર્ટ ઓફ સ્ટોન'

- ધનુષ : 'ધી ગ્રે મેન'

- શ્રિયા લેન્કા : કે-પોપ 

- 'નાટુ નાટુ'

જ્યારે દક્ષિણ કોરિયાની સંસ્કૃતિ અને કળા વિશ્વભરમાં લોકપ્રિય બનવા લાગ્યા ત્યારે તેમણે તેના મનોરંજન, ફેશન, સંગીત અને ફિલ્મોની નિકાસ મોટા પાયે શરૂ કરી દીધી. તેના માટે તેમણે એક ખાસ શબ્દ પ્રયોગ શરૂ કર્યો, હલયુ, એટલે કોરિયન મોજુ. ભારતીય સંસ્કૃતિ પણ છેલ્લા કેટલાક વર્ષોથી સમગ્ર વિશ્વમાં વ્યાપી રહી છે, પણ આપણે હજી તેના માટે કોઈ વિશિષ્ટ શબ્દ પ્રયોગ શરૂ નથી કર્યો. પણ હવે જ્યારે 'નાટુ નાટુ' અને 'એલીફન્ટ વ્હીસ્પરર્સ'થી આપણને ઓસ્કર પણ મળી ચુક્યા છે ત્યારે સમય આવી ગયો છે કે ભારત પણ કોરિયાની જેમ કોઈ વિશિષ્ટ ઓળખ ઊભી કરે.

૨૫મી ફેબુ્રઆરીએ દક્ષિણ કોરિયાએ જ સૌ પ્રથમ આપણી કદર કરી જ્યારે કોરિયન રાજદૂત ચેંગ જે-બોક તેમજ તેના દૂતાલયના કર્મચારીઓએ નાટુ નાટુના તાલે નૃત્ય કર્યા. નૃત્ય કરતા રાજદ્વારીઓના વીડિયોને લાખો વ્યુઝ અને લાઈક્સ મળ્યા. જર્મન રાજદૂતાલયે પણ તેનું અનુકરણ કર્યું. તાજેતરમાં ન્યુ જર્સીમાં ટેસલાની કારમાં ગીતના તાલે હેડલાઈટ બંધ-ચાલુ કરવામાં આવી હતી. સ્ટીવન સ્પીલબર્ગ, નેથેલ એમ્માન્યઅલ અને જેસિકા ચેસ્ટેન પણ આ ગીત ઓસ્કર જીતે તેના પહેલા જ તેના પ્રશંસક થઈ ચુક્યા હતા. આખરે આપણા સંગીતે પોતાના તાલે વિશ્વને નાચતું કરી દીધું.

તેલુગુ હિટ ફિલ્મના ગીતે ઓસ્કર એવોર્ડ જીતી લીધો તે હકીકત જ સાબિત કરે છે કે હવે ભારતીય ફિલ્મો બોલીવૂડથી આગળ પોતાનું નિશાન સાધી રહી છે. દક્ષિણ, પંજાબી, બંગાળી તેમજ ભારતના અન્ય ક્ષેત્રીય ફિલ્મ ઉદ્યોગમાં હજી પણ ભરપૂર ટેલન્ટ છે. આ ટેલન્ટને ઓળખીને તેને વૈશ્વિક મંચ પર રજૂ કરવાની જરૂર છે.

હવે ભારતીય અને આંતરરાષ્ટ્રીય પ્રોડક્શન હાઉસ વચ્ચે ઈર્ષ્યા જગાડે એવો સાંસ્કૃતિક વિનિમય થઈ રહ્યો છે. વધુને વધુ ભારતીય કલાકારો હોલિવુડ એક્ટરોની સાથે આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. આલિયા ભટ્ટે 'હાર્ટ ઓફ સ્ટોન'માં ગોલ ગેડોટ સાથે, ધનુષે 'ધી ગ્રે મેન'માં રાયન ગોસલીંગ સાથે તેમજ રણદીપ હૂડાએ 'એક્સટ્રેક્શન'માં ક્રિસ હેમ્સવર્થ સાથે કામ કર્યું છે.

આઈએમડીબીના લિસ્ટ અનુસાર વિદેશમાં સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મોમાં પઠાણ (૪૭.૭ મિલિયન ડોલર), આરઆરઆર (૩૭.૬૭ મિલિયન ડોલર) અને કેજીએફ ચેપ્ટર ટુ (૨૬.૪ મિલિયન ડોલર) ટોચની ફિલ્મો રહી હતી. અલ્લુ અર્જુનની પુષ્પાના ડબ થયેલા વર્ઝને પણ રશિયામાં ૧૦ મિલિયન રુબલની કમાણી કરી છે.

વિશ્વમાં ભારતીય ફિલ્મોના ઉત્તમ દેખાવ માટે ઓટીટીનો ઉદય જવાબદાર માનવામાં આવે છે. ડબીંગ વધવાની સાથે ભાષા ગૌણ થઈ ગઈ અને ફિલ્મના કોન્ટેન્ટને વધુ મહત્વ આપવામાં આવ્યું. દૂર દૂર ફેલાયેલા દર્શકો તમામ પ્રકારની ફિલ્મો માણવા લાગ્યા. ડબીંગ ઉદ્યોગમાં નવો પ્રાણ ફૂંકાયો અને નવા નવા કલાકારો ઊભરી આવ્યા. વિવેચકોના મતે ઓટીટીના ઉદય પછી કલાકારો, લેખકો, ધ્વનિ અને મિક્સીંગ એન્જિનીયરોના કામ બમણા થઈ ગયા.

ડબીંગથી જેવી રીતે સિનેમા ઉદ્યોગને લાભ થયો તેવી જ રીતે અનુવાદથી સાહિત્યને લાભ થયો. ગયા વર્ષે ગીતાંજલિ શ્રીની 'ટોમ્બ ઓફ સેન્ડ' (મૂળ હિન્દીમાં રેત સમાધિ) ઈન્ટરનેશનલ બૂકર મેળવનાર પહેલી ભારતીય અનુવાદિત પુસ્તક બન્યું. મૂળ રાજકમલ પ્રકાશન દ્વારા પ્રકાશિત થયેલા આ પુસ્તકના ડેઝી રોકવેલ દ્વારા કરાયેલા અંગ્રેજી અનુવાદનું પ્રકાશન પેન્ગુઈન રેન્ડમ હાઉસ ઓફ ઈન્ડિયાએ કર્યું. આ વર્ષે, લેખક પેરુમલ મુરુગનની પાયર (મૂળ તામિલમાં લખાયેલું અને અંગ્રેજીમાં અનિરુદ્ધ વાસુદેવન દ્વારા અનુવાદિત) પુસ્તક પણ ઈન્ટરનેશન બૂકરની યાદીમાં પહોંચી ગયું હતું. આમ આ વર્ષે ભારતનું આ સતત બીજું અનુવાદિત પુસ્તક બૂકર સુધી પહોંચી શક્યું હતું.

અશોકા યુનિવર્સિટી ખાતે ક્રિયેટીવ રાઈટીંગના પ્રોફેસર અરુનવા સિંહાએ ૭૦થી વધુ પુસ્તકોનો અનુવાદ કર્યો છે. તેઓ માને છે કે અનુવાદથી પ્રકાશકો તેમજ એડિટરોને તેમનો વ્યાપ વધારવામાં સહાયતા મળે છે. તેઓ ક્ષેત્રીય લેબલમાં નથી માનતા. તેઓ કહે છે કે ભારતની પ્રાદેશિક ભાષાઓ પ્રાચીન સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે અને પાંચ કરોડથી વધુ લોકો આવી પ્રત્યેક ભાષા બોલે છે. આપણે જાણીએ છીએ કે પુસ્તક સૌથી પ્રાચીન કળા છે જે આજે પણ પ્રસ્તુત છે આથી તે માત્ર જ્યાં તે લખાયેલું હોય ત્યાં નહિ પણ તમામ સ્થળે લોકોને ઉપલબ્ધ કરાવવા જરૂરી છે.

હાર્પર કોલિન્સ ઈન્ડિયાના એસોસિયેટ પ્રકાશક રાહુલ સોનીના મતે અંગ્રેજી ભારતમાં વિશેષાધિકારની ભાષા છે. અનુવાદથી નવા અભિગમ, નવી વાર્તા બહારના લોકો સુધી પહોંચવો શક્ય બન્યું. આ બાબત આજે જ્યારે વર્ગો અને જાતિઓ વચ્ચે મતભેદો વધી રહ્યા છે ત્યારે વધુ મહત્વની છે.

હવે જ્યારે ભારતીય સિનેમા વૈશ્વિક સ્તરે પહોંચી ગયું છે, પ્રાદેશિક સંગીતને પણ લાભ થયો છે અને આંતરરાષ્ટ્રીય કોન્સર્ટ અને આંતરરાષ્ટ્રીય સહયોગનો યુગ શરૂ થયો છે ત્યારે પંજાબી સંગીત પણ નવા તાલ સાથે તાલ મિલાવી રહ્યું છે. દિલજીત દોસંજ, એ.પી. ધિલ્લોન, સદ્ગત સિદ્ધુ મુસેવાલા, સુખબીર અને સુખવિન્દર સિંઘ જેવા નવા યુગના પંજાબી ગાયકોની જાગતિક મંચ પર માગ સતત વધી રહી છે. ધિલ્લોને તાજેતરમાં જુનો એવોર્ડ્સ ૨૦૨૩ ખાતે કાર્યક્રમ કર્યો હતો જ્યાં તેની રજૂઆત એવરીલ લેવિગ્નેએ કરી હતી. ધિલ્લોનનો કેનેડા, યુકે અને અમેરિકામાં વિશાળ ચાહક વર્ગ છે. પ્રતીક કુહાડ બીજું ભારતીય નામ છે જે વૈશ્વિક સ્તરે ઝળકી રહ્યું છે. તેની અનોખી શૈલી અને રચના પાકિસ્તાનમાં જોરદાર સફળતા મેળવી રહી છે. ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખ બરાક ઓબામા પણ તેના ચાહક છે. ગયા વર્ષે જૂન મહિનામાં ગાયક અરમાન મલિકે તેના છેલ્લા હિટ ૨ સ્ટેપ માટે એડ શીરન સાથે સહયોગ કરીને સોશિયલ મંચ પર પચાસ લાખથી વધુ વ્યુ મેળવી લીધા હતા. તાજેતરમાં ઓડિશાની શ્રિયા લેન્કા લોકપ્રિય કોરિયન ગર્લ બેન્ડ બ્લેક સ્વોનમાં પસંદગી પામીને પહેલી ભારતીય કે-પોપ સ્ટાર બની હતી.

કાન અને ઓસ્કર જેવા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં ગૌરવ ગુપ્તા જેવા ફેશન ડીઝાઈનરોએ પણ કાર્ડી  બી અને મેગન ધી સ્ટેલિયન જેવી સેલિબ્રિટીનું પાવર ડ્રેસિંગ કરીને પોતાની ચમક દેખાડી છે. જેનિફર એનિસ્ટને મર્ડર મિસ્ટ્રી -ટુમાં મનીષ મલ્હોત્રાના પોષાક બાબતે જણાવ્યું કે તે અત્યંત ભારે હતો અને મને તેવી અપેક્ષા નહોતી. આથી જ મને ભારતની સુંદર કલાકારો પ્રત્યે માન છે જેઓ આવા પોષાક પહેરીને નૃત્ય પણ કરે છે. ગુપ્તાએ ઓસ્કર ખાતે જુનિયર એનટીઆર માટે વાઘના પ્રતીક સાથે કાળો બંધગળાનો ગોલ્ડ મેટલીક એમ્બ્રોઈડરીવાળો પોષાક તૈયાર કર્યો હતો. એક્ટરે આ પોષાક તેના દેખાવને કારણે પસંદ કર્યો. આ પોષાક પહેરીને કારપેટ પર તે નહિ, ભારત ચાલી રહ્યું હતું. પ્રતીકાત્મક રીતે તેના ડાબા ખભે ભારત તેના રાષ્ટ્રીય પ્રાણી વાઘ દ્વારા પોતાની હાજરી નોંધાવી રહ્યું હતું. આમ પણ સમગ્ર વિશ્વ એક જંગલ જ છે ને. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/rb67wnR
Previous
Next Post »