તારાપુર પોલીસની વાનના ડ્રાઇવર અને કોન્સ્ટેબલે ટ્રકના ડ્રાઇવર, ક્લિનરને માર્યાનો વિડીયો વાઇરલ


આણંદ : તારાપુર-વટામણ હાઈવે ઉપર એક હોટલ નજીક તારાપુર પોલીસવાનના ડ્રાઈવર અને કોન્સ્ટેબલ દ્વારા હાઈવે ઉપર વિડીયો ઉતારવા બાબતે ટ્રકના ડ્રાઈવર તેમજ કંડક્ટરને માર માર્યો હોવાનો વીડીયો વાયરલ થતા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફ આ વીડીયોમાં ટ્રકના ડ્રાઈવર દ્વારા ગાડી ચઢાવી દેવાની ધમકી આપી હોવાનું આ વીડીયોમાં ઉચ્ચારવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

વધુમાં મળતી માહિતી મુજબ તારાપુર-વટામણ હાઈવે ઉપર એક હોટલ નજીક તારાપુર પોલીસવાનના ડ્રાઈવરે એક ટ્રકના ડ્રાઈવર અને કંડક્ટરને માર માર્યો હોવાનો વિડીયો વાયરલ થતા નાનકડા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. શુક્રવારના રોજ સવારના સુમારે વટામણથી તારાપુર તરફ આવી રહેલ એક ટ્રક ગિરનાર હોટલ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ટ્રકમાં વીડીયો કોલ ચાલુ હોઈ આ સ્થળે ઉભેલ કોન્સ્ટેબલ હસમુખભાઈ ગઢવી અને પોલીસવાનના ડ્રાઈવર જગદીશભાઈ સોમાભાઈને તેઓનો વિડીયો ઉતારતા હોય તેવુ લાગતા ટ્રકનો પીછો કર્યો હતો. દરમ્યાન આ ટ્રકને તેઓએ હોટલ સુપ્રિમ આગળ અટકાવી હતી અને ટ્રકના ડ્રાઈવરનો ફોન ઝુટવી લઈ તપાસ કરતા કોઈ વીડીયો મળી આવ્યો ન હતો. બાદમાં પોલીસવાનના ડ્રાઈવરે ટ્રકમાંથી લોખંડનો સળીયો કાઢી લાવી ટ્રકના ડ્રાઈવરને મારવા લીધો હતો. આ સમયે ટ્રકમાં સુઈ રહેલ ક્લીનર જાગી જતા આજીજી કરી રહેલ ટ્રક ડ્રાઈવરને છોડાવવા જતા તેને પણ ઢોર માર મારવામાં આવ્યો હતો. આખરે કોન્સ્ટેબલ દ્વારા આ ટ્રકને પોલીસ સ્ટેશન લઈ જવા જણાવાતા ડ્રાઈવર દ્વારા આનાકાની કરાતા જગદીશભાઈ તેઓ વિરૂધ્ધ ફરિયાદ કરવા પોલીસ મથકે પહોંચી ગયા હતા.

દરમ્યાન ટ્રક ડ્રાઈવર દ્વારા પણ આ મામલે તારાપુર ખાતે પોલીસ દ્વારા કરાતી ખોટી કનડગત મામલે એસ.પી.ને રજૂઆત કરવામાં પહોંચ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. જો કે આ સમગ્ર મામલે તારાપુર પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તારાપુર પોલીસ ફરિયાદના આધારે ટ્રક ડ્રાઈવરના માદરે વતન પહોંચી પોલીસ મથકે હાજર થવા જણાવ્યું છે.

ટ્રકના ડ્રાઇવરે માસ્ક ન પહેર્યું હોવાનું જણાવી ફોન આંચકી લીધો

બીજી તરફ વાયરલ થયેલ વીડીયોમાં ટ્રકના ડ્રાઈવરને હસમુખભાઈ વીડીયો ઉતારતા રોકે છે. તેઓ દ્વારા ટ્રકના ડ્રાઈવરને માસ્ક ન પહેર્યું હોવાનું જણાવી ફોન આંચકી લેવાનો કરે છે ત્યારે ટ્રકનો ડ્રાઈવર ટ્રક પોલીસ ઉપર ફેરવી દેવાની ધમકી આપતો હોવાનું જણાઈ આવે છે. બાદમાં પોલીસવાનનો ડ્રાઈવર જગદીશ આવીને ટ્રક ડ્રાઈવરનો ફોન લેવાનો પ્રયાસ કરે છે અને ટ્રકમાંથી સળીયો ખેંચતા ટ્રક ચાલવા લાગે છે. જેથી જગદીશભાઈ દ્વારા પથ્થર લઈ ટ્રક ઉપર મારતા હોવાનું દેખાય છે. આ ઝઘડામાં ટ્રકનો કાચ તુટી જવા પામે છે.

વિડીયોમાં દેખાતો પોલીસ કર્મી અગાઉ એસીબીના છટકામાં પકડાયો હતો

આ ઘટનામાં સંકળાયેલ પોલીસ કર્મી હસમુખભાઈ ગઢવીને તત્કાલીન એસ.પી. ગગનદીપ ગંભીરે પણ તેઓની તારાપુર કે સોજિત્રા સિવાયના પોલીસ સ્ટેશનમાં બદલી કરવા લેખિતમાં આપેલ હોવા છતાં છેલ્લા ૧૫ વર્ષથી તેમજ એસીબીના છટકામાં પકડાયેલ હોવા છતાં રાજકીય આકાઓના આર્શીવાદથી તારાપુર પોલીસ મથકમાં ફરજ બજાવી રહ્યા છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wy78aC
Previous
Next Post »