- મોટા ભાઈએ ઉશ્કેરાઈ નાના ભાઈને લાકડીના ફટકા મારતા ગંભીર ઈજાથી મોત : આરોપીની અટક કરાઈ
મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના વાલજીના મૂવાડા ગામે જમીન પર પૈસા લેવા અંગેની માથાકૂટમાં વૃદ્ધ માતાની આંખ સામે મોટા ભાઈએ નાના ભાઈનું કાસળ કાઢી નાખ્યું છે. આવેશમાં આવી ગયેલા ભાઇએ સગા ભાઇને માથામાં લાકડી મારતા ગંભીર ઇજાઓ પહોચી હતી.ગંભીર રીતે ઘવાયેલ ભાઇનુ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ છે. પોલીસ ટીમે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડયો છે.
મળતી વિગતો અનુસાર વિરપુર તાલુકાના વાલજીના મૂવાડા ગામે રહેતા અમરતભાઇ પગી ઉં.૩૫ અને નરેશભાઇ પગી ઉં.૨૫ બંને સગાભાઇઓ છે.બન્ને ભાઈઓના ઘર બાજુબાજુમાં જ આવેલા છે. નરેશભાઇએ કુટંબી કલ્પેશભાઇના પિતા રત્નાભાઇ પાસેથી જમીન ઉપર પૈસા લીધા હતા. જે અંગે નરેશભાઇના ભાઇ અમરતભાઇને ખબર ન હતી. જે પૈસા નરેશભાઇએ તેના દિકરાના લગ્ન માટે લીધા હતા. વળી કલ્પેશભાઇની પત્ની ઉષાબેન નરેશભાઇની પત્ની મનિષાબેનને ઘરની નાની બાબતોની વાતો કરતા હતા.જેથી ઘણીવાર પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતા હતા. તેમ જ જમીન પર લીધેલ પૈસાની જાણ નરેશભાઇએ તેમના ભાઇ અમરતભાઇને કરી ન હોવાનુ પણ ફરિયાદમાં જણાવ્યુ છે. તે જ કારણ બન્ને વચ્ચે તકરાર જન્મી હતી.
બુધવાર સવારે સાડા આઠેક વાગ્યાની સુમારે કલ્પેશભાઇ પગી તેમના ઘરે હાજર હતા. તે સમયે નરેશભાઇના ઘર બાજુથી ઝઘડો થતો હોવાનો અવાજ આવતો હતો. જે અવાજ સાંભળી કલ્પેશભાઇ નરેશભાઇના ઘર તરફ ગયા હતા. તે સમયે અમરતભાઇ અને નરેશભાઇ બંને ભાઇઓ એકબીજા સાથે ઝઘડી રહ્યા હતા. બંને ભાઇઓની પત્નીઓ અને માતા દીવાબેન ઝઘડામાં વચ્ચે છોડાવવા પડયા હતા. પરંતુ આવેશમાં આવી ગયેલા અમરતભાઇ પાસે લાકડી આવી જતા તેઓએ નરેશભાઇને માથામાં લાકડી મારી હતી. જેથી નરેશભાઇએ પોતાનુ સંતુલન ગુમાવતા બાજુમાં પાણી માટે બનાવેલા હોજમાં પડી ગયા હતા. આ બનાવ બાદ આસપાસના ખેતરોમાં રહેતા લોકો અને પરિવારજનો નરેશભાઇને બચાવવા દોડી આવ્યા હતા. પાણીના હોજમાં બેભાન અવસ્થામાં પડેલા નરેશભાઇને તેમણે બહાર કાઢ્યો હતો.નરેશની ગંભીર હાલત જોઈને પરિવારના સભ્યો વચ્ચે નરેશભાઇ સારવાર માટે ક્યા લઇ જવા તે અંગે ચર્ચા થવા લાગી. બેહોશ અને ઈજાગ્રસ્ત નાના ભાઈ અને તેની પાછળ કુટુંબીઓને રડતા છોડી આરોપી મોટો ભાઈ બીજે ગામ નાસી ગયો હતો.
ઈજાગ્રસ્ત નરેશભાઈને લુણાવાડાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યા ફરજ પરના તબીબી અધિકારીએ નરેશભાઇને તપાસ કરી પ્રાથમિક સારવાર આપી તેમને વધુ સારવાર અર્થે બીજી કોઇ હોસ્પિટલમાં લઇ જવા સલાહ આપી હતી. જેથી તેઓને વધુ સારવાર અર્થે બાયડની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
જ્યા સારવાર દરમ્યાન નરેશભાઇનુ મૃત્યુ નિપજયુ હતુ. આ બનાવ અંગે કલ્પેશભાઇ રત્નાભાઇ પગીએ વિરપુર પોલીસ મથકે અમરતભાઇ ગમાભાઇ પગી વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે વિરપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે હત્યારા ભાઈને પોલવણ પાસેથી પકડયો
આ બનાવ અંગે વિરપુર પોલીસ મથકનો ટેલિફોનિક સંપર્ક સાધતા ફરજ પરના પોલીસ અધિકારીએ જણાવ્યુ હતુ કે,બંને સગા ભાઇઓ વચ્ચે જમીન પર લીધેલ પૈસા અંગે ઝઘડો થયો હતો. જેમાં અમરતભાઇએ નરેશભાઇને માથામાં લાકડી ફટકારતા ગંભીર ઇજાઓ પહોચતા સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ હતુ. વિરપુર પોલીસે અલગ અલગ ટીમો બનાવી અમરતભાઇની શોધખોળ આદરી હતી. તે દરમ્યાન રાજસ્થાન તરફના પોલવણ ગામ પાસેથી અમરતભાઇને લાકડી સાથે રાઉન્ડઅપ કર્યો છે. જેને વિરપુર પોલીસ મથકે લાવી કોલિડ ગાઇડલાઇન અનુસાર તેનો કોવિડ-૧૯ ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરાઇ છે. કોવિડ રીપોર્ટ આવ્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ibVU7V
ConversionConversion EmoticonEmoticon