વિશ્વભરમાં મહિલા નેતૃત્વ કેટલું?

- સંયુક્ત રાષ્ટ્રસંઘે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ શરૂ કર્યો છે અને એ હેઠળ ૨૦૩૦ સુધીમાં મહિલાઓને નેતૃત્વમાં સમાન તક મળે એવી અભિલાષા રખાઈ છે.. એ અભિલાષા પુરી થાય ત્યારે ખરી પણ અત્યારે વૈશ્વિક લિડરશીપમાં મહિલાઓની શું સ્થિતિ છે, તેની રાષ્ટ્રસંઘ દ્વારા રજૂ કરાયેલી વિગતો...


 બસ્સોમાંથી માત્ર ૨૨ જ દેશો એવા છે, જ્યાં શાસક તરીકે મહિલાઓ છે. ૧૧૯ દેશો તો એવા છે જ્યાં મહિલાઓને ક્યારેય રાષ્ટ્રની આગેવાની લેવાની, લિડરશીપ લેવાની તક મળી જ નથી. અત્યારે નેતૃત્વની બાબતમાં મહિલાઓને જે દરે તક મળે છે, એ જોતાં સમાન તકો મળતાં ૧૩૦ વર્ષ લાગશે!

 આખા જગતની કુલ સરકારોમાંથી ૨૧ ટકા સરકારોમાં જ મહિલાઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. ભારતની વાત કરીએ તો કેન્દ્રમાં કોઈ મહત્ત્વનું મંત્રાલય મહિલા પાસે નથી. ૧૪ દેશો એવા છે, જ્યાં કેબિનેટમાં ૫૦ ટકા કે તેનાથી વધારે મહિલાઓને સ્થાન મળ્યું છે. એટલે મંત્રીમંડળમાં મહિલાઓને આખા જગતમાં સમાન તક મળે એવી સ્થિતિ ૨૦૭૭ પહેલા આવે એમ નથી.

 ભારતના ઈતિહાસમાં બે વાર મહિલા નેતાઓ ટોચના સ્થાને પહોંચી છે. ઈન્દિરાદેવી વડાંપ્રધાન બન્યાં હતા. વર્ષો પછી પ્રતિભા પાટિલને રાષ્ટ્રપતિ બનાવાયા હતા. અત્યારે ભારતમાં ૫૪૨માંથી મહિલા સાંસદોનું પ્રમાણ ૬૨ કરતા વધારે નથી. તો વળી અમેરિકા જેવા પ્રગતિશિલ દેશમાં મહિલા સાંસદો ૨૪ ટકાથી વધારે નથી. જે દરે મહિલાઓને સંસદમાં સ્થાન મળી રહ્યું છે, એ જોતા સમાનતા આવતા ૨૦૬૩નું વર્ષ આવી જશે.

વિશ્વભરની સંસદમાં મહિલાઓનું સરેરાશ પ્રમાણ ૨૦૨૧માં ૨૫ ટકા જેવું છે. ૧૯૯૫માં એ પ્રમાણ માત્ર ૧૧ ટકા જ હતું. ચાર જ દેશો એવા છે, જ્યાં મહિલા સાંસદોનું પ્રમાણ ૫૦ ટકા કરતા વધારે છે. સૌથી વધારે ૬૧ ટકા મહિલા સાંસદો આફ્રિકાના પછાત ગણાતા દેશ રવાન્ડામાં છે. ક્યુબા અને બોલિવિયામાં આ પ્રમાણ ૫૩-૫૩ ટકા છે, જ્યારે ચોથા દેશ યુનાઈટેડ આરબ અમિરાતમાં ૫૦ ટકા છે. 

રાષ્ટ્રસંઘ સહિતની સંસ્થાઓ ૧૯૪૫ પછી સ્થપાઈ છે. માટે વૈશ્વિક હિસાબ પણ ત્યારથી રાખવામાં આવે છે. એ પ્રમાણે ૧૯૪૬થી આજ સુધીમાં સ્વિત્ઝરલેન્ડ એક એવો દેશ છે, જેને પાંચ મહિલા શાસકો મળી છે. ફિનલેન્ડમાં ચાર વખત મહિલા વડાંપ્રધાન બની છે. આઈસલેન્ડ, ન્યુઝિલેન્ડ અને પોલેન્ડમાં ૩-૩ વાર મહિલાઓએ દેશની કમાન સંભાળી છે. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3v0iJ22
Previous
Next Post »