- ઘોડીની લવારી, સિંહે કરી સવારી, નીકળી ગઈ ચિસકારી PUNCH મારી, પંચકલ્યાણી, બની સિંહની શિકારી
(૨)
ખબરદાર જો ઘોડીને લંગડી કહી છે તો!
એ પંચકલ્યાણી છે, હા! એને પગ જરા ખેંચીને, ઘસીને ચાલવાની આદત છે. એ જ એની ફેશન છે. એ જ એનું નર્તન છે. એનું જોઈને હવે બધાં જ ઘોડાઓ અને ઘોડીઓ તેવું જ ચાલતાં થઈ ગયા છે. તે પ્રમાણે ચાલવાના હવે વર્ગો શરૂ થયા છે.
રાજમાન રાજોજીને એ ઘોડી બહુ જ ગમે.
તેઓશ્રી પણ તેવું જ ચાલવાની કોશીશ કરે. અરે દરબારીઓ અને પ્રજાજનોને ય કહે : જે રીતે પંચકલ્યાણી ચાલે છે, તેમ જ ચાલો.
રાજાએ તો પંચકલ્યાણીનાં ગીતો લખાવ્યા, પાઠ લખાવ્યા, નાટકો લખાવ્યા, ભવાઈ લખાવી! પંચકલ્યાણીની ખ્યાતિ વિશ્વભરમાં ફેલાઈ ગઈ.
રાજા એટલે શિકાર તો કરવો જ પડે.
રાજાઓ કંઈ ન કરે, પણ શિકાર વગર તેમને ચાલે નહિ અને શિકાર માટે તેમને પંચકલ્યાણી જ ફાવે.
ઢોલ નગારાં બજાણિયાંઓ સાથે રાજોજી શિકારે ઉપડયા. રાજોજી શિકાર કરે કે ના કરે, સાથીઓ તેમની પાસે શિકાર લઈ આવે. પછી રાજા તેનો શિકાર કરે. રાજા શિકાર ન કરે તો સાથીદાર શિકાર કરે પણ તે શિકાર રાજાએ જ કર્યો તેમ કહેવાય. તેમ જ કહેવું પડે. આજ સુધી એમ જ ચાલ્યું હતું. રાજાજીની શિકારકથાઓની ચોપડી ય બહાર પડતી.
આજે રાજોજી શિકાર પર હતા. પંચકલ્યાણી ઘોડી અને લાલ લગામ. ચાલવાનો રૂઆબ જુદો. દોડવાની રીત જુદી.
પંચકલ્યાણીને ય શિકાર પર જવું બહુ ગમે. કેમકે જંગલમાં જેવું કૂણું કૂણું, લીલું છમ્મ, સોનેરી તથા લાલમ લાલ ઘાસ હોય તેવું ઘાસ બીજે ન મળે. રાજાના મહેલમાં નહિ અને રાજાના બાગ બગીચા કે વાડીમાં ય નહિ.
પહોંચ્યા રાજોજી ઊંડે ઊંડે ઊંડે જંગલમાં. હુકમ કર્યો તેમણે સાથીઓને જાવ, શિકાર પકડી લાવો. હલકાર પડકાર ધડકાર ધડકાર કરતાં બજાણિયાઓ ગયા.
આ તરફ પંચકલ્યાણીને ય આઝાદી હતી. મુક્તિ હતી, મોકળાશ હતી. વીટામીન વાળું ઘાસ ચરતી ચરતી તે ભાન ભૂલી ગઈ. ક્યાંની ક્યાં નીકળી ગઈ!
ઘરરરર... હા-ઉ !
સિંહે ગર્જના કરી.
પંચકલ્યાણી કંઈ ડરી નહિ. મનમાં ગભરામણ થઈ પણ ચાનક ગુમાવી નહિ. તેણે પૂછ્યું : ''કોણ છો શ્રીમાન તમે?''
''હું સિંહ છું. જંગલનો રાજા.''
પંચકલ્યાણીએ હસી દીધું. તે કહે : ''તમારો ઘોડો ક્યાં છે? રાજા હોય તે તો ઘોડા પર બેસીને જ શિકાર કરે. ઘોડા વગરનો રાજા હોય નહિ, અને કહેવાય નહિ.''
સિંહ કહે : ''પણ અહીં જંગલમાં ઘોડો ક્યાંથી લાવું?''
પંચકલ્યાણી કહે : ''હું છું ને! તમે મારી પર સવારી કરો. ચાલો સાચા રાજા બની જાવ.''
સિંહ કહે : ''પણ તું તો કેવી નાજુક છે.''
પંચકલ્યાણી કહે : ''અમારો રાજા તારા કરતાંય વધારે ભારી છે. તેને લઈને દોડું જ છું ને!''
સિંહે ઘોડેસવારી કરી. પંચકલ્યાણીને ભાર તો લાગ્યો પણ તે આગળ ને આગળ જવા લાગી.
જંગલના વાંદરાંઓ, હરણો, ઝીબ્રાઓ, રીંછો...જેવા બધાં જ પશુઓ આવી અજબ ગજબની સવારી જોઈ હસવા લાગ્યા.
પંચકલ્યાણીએ સિંહને થોડીવાર રાજાનું સપનું બતાવ્યું. પછી તે પહોંચી તેની શિકાર ટોળકી પાસે.
ફેંક્યો સિંહને રાજાની સામે.
રાજાના ઘોંઘાટિયાઓને પણ આજે શિકાર હાથ લાગ્યો ન હતો. બધાં આજુબાજુ ધનુષ ખેંચીને તૈયાર થઈ ગયા.
પણ રાજાએ આજે જાતે સિંહનો શિકાર કર્યો. આવો સરલ શિકાર તેમને ન ફાવે?
પંચકલ્યાણીનાં ત્યારથી માનપાન વધી ગયાં.
કોઈની પણ મજાલ નથી કે કહી શકે લંગડી ઘોડી લાલ લગામ!
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NenWCD
ConversionConversion EmoticonEmoticon