સા તપુડાની વિશાળ પર્વતમાળા, અને તેમાં આવેલું એક વિશાળ જંગલ. આ જંગલમાં જાતજાતના પશુઓ અને પંખીઓ સંપીને રહેતા હતા. જંગલનો રાજા શેરસિંહ અને તેનું વહીવટી મંત્રીમંડળ આખા જંગલનું કામકાજ સંભાળતા હતા. મંત્રીમંડળના બધા મંત્રીઓના કામકાજ પર રાજા શેરસિંહની નજર રહેતી.
હમણાં હમણાં આ જંગલમાં થોડો તનાવ વર્તાતો હતો. કાલુવાસમાં રહેતી કોશી. કાગડીની હરકતોથી બધા પરેશાન હતા. આખો દિવસ કા..કા..કા.. કર્યા જ કરતી. જોરજોરથી ગીતો ગાતી, ડાન્સ કરતી. સાથે તેના બે બચ્ચાં પણ જોડાતા. તેમના કર્કશ અવાજથી આજુબાજુના પડોશી પરેશાન હતા. કોઈ શાંતિથી ઉંઘી શક્તા નહીં. કોશી કાગડીના સંબંધો કોઈની પણ જોડે સારા ન હતા. કીકુ કાગડો તેને શિખામણ આપતો, સમજાવતો પણ બધું વ્યર્થ... કોશી કાગડી અને તેના બચ્ચાને કારણે કીકુ કાગડો રાજાને ત્યાં દંડ પણ ભરી ચૂક્યો હતો. પણ કોશી કાગડી સમજે તોને..! આજુબાજુના બધા પશુઓ તેને 'કજીયાળી કાગડી' કહેતાં હતાં.
જંગલના બધા પશુઓના બાળકો પાઠશાળામાં ભણવા જતાં હતાં. રૂડો રીંછ અને ડાહ્યો ડુક્કર બધા બચ્ચાઓને પ્રેમથી ભણાવતા. તેમને શિસ્તબધ્ધ અને અનુશાસન પ્રમાણે વર્તવાની કેળવણી આપતા કજીયાળી કાગડીના બચ્ચાં ભણવા નહોતા જતા અને આખો દિવસ રખડપટ્ટી જ કર્યા કરતા. કીકુ કાગડાએ પાઠશાળામાં બચ્ચાઓના એડમિશન લીધા હતા, પરંતુ તેઓ પાઠશાળામાં થોડીવાર બેસીને ભાગી જતા.
હેલીહરણી, શાણીસસલી અને વીની વાંદરીએ કાગડીને સમજાવી, અને બચ્ચાંઓને પાઠશાળાએ મોકલવાની સલાહ આપી તો કાગડી તાડૂકી, 'તમારા બચ્ચાંઓને ભણાવી ગણાવીને સાહેબ બનાવજો. મારા બચ્ચાંઓની ચિંતા કરવાની તમારે જરૂર નથી.'
હવે તો કજીયાળી કાગડીને કોઈ બે સારા શબ્દોની સલાહ આપવાનું પણ ટાળતા. આમને આમ સમય વહેતો ગયો. બધા પશુ બચ્ચાંઓ પણ મોટા થઈ ગયા. ઘણાં બધા સ્નાતક પણ થઈ ગયા. ના ભણ્યા એકલા કોશી કાગડીના બચ્ચાં.
એક દિવસ શેરસિંહ વનરાજે આખા જંગલમાં ઢંઢેરો પિટાવ્યો. રાજાનો સિપાઈ મોટેથી બોલીને બધાને જાણ કરતો હતો, 'સાંભળો.. સાંભળો.. સાંભળો, આજે બપોરે બધા જ વન્યપશુઓએ રાજાના દરબારમાં ઉપસ્થિત થવાનું છે. મહારાજે બધાને અગત્યની ચર્ચામાં ભાગ લેવાનું આમંત્રણ આપ્યું છે.'
બપોર થતાં જ બધા વન્યપશુઓ સમયસર રાજસભામાં હાજર થઈ ગયા. રાજા શેરસિંહ પોતાના મંત્રીમંડળ સાથે પધારી ચૂકવાયાં હતા. મહારાજાની સાથે બહારથી આવેલાં ત્રણ-ચાર અધિકારીઓ હાથમાં મોટીમોટી ફાઈલો લઈને પધાર્યા હતા. આવેલા અધિકારીઓમાંથી એક અધિકારી ઉભા થયા અને બોલ્યા, 'વ્હાલા વન્યપશુઓ, આપણી સરકારે વિકાસના કાર્યો હાથ ધર્યા છે. આ જંગલમાં તમારા બધાના વિકાસ માટે કેટલીક યોજનાઓ તૈયાર કરવામાં આવી છે.
આ યોજના મુજબ બધાને ઘર, પાણી અને વિજળીની સુવિધા મળી રહે તે પ્રાથમિક કાર્ય રહેશે. થોડા સમયમાં જ અહીં પાણી માટેની લાઈનો નાંખવાનું કામ શરૂ થશે. આ જંગલમાં ઘેરઘેર વિજળી પહોંચાડવાનું અને સાથે સફાઈ જળવાય તે માટે મોટીમોટી કચરા પેટીઓ મૂકવામાં આવશે. અહીં શાળાઓ અને આરોગ્યકેન્દ્રની વધારાની સગવડ ઉભી કરવામાં આવશે.
આ બધી યોજનાઓને લીધે અહીંના ઘણાં લોકોને મજુરી પણ મળશે. વળી સૌથી અગત્યની વાત એ છે કે ભણેલાઓને માટે નોકરીઓ પણ ફાળવવામાં આવી છે. જેઓનો અભ્યાસ પૂરો થયો છે. તેમને નોકરી મળે તે માટે અહીં હું ફોર્મ લાવ્યો છું, માટે સ્નાતક થયેલાઓ ફોર્મ ભરે જેથી તેમના માટે નોકરીની યોગ્ય વ્યવસ્થા થઈ શકે.'
બધા જ વન્યપશુઓ ખુશખુશ થઈ ગયા. યુવાવર્ગમાં ખુશીની લહેર દોડી ગઈ. સ્નાતકોએ ફટાફટ ફોર્મ ભરવા માંડયા. આ બધુ જોઈને કજિયાળી કાગડી ઘૂંઆપુઆ થઈ ગઇ અને કા..કા..કા.. કરીને સાહેબની સામે આવીને ઉભી રહી ગઈ. કોશી કાગડીએ ના તો સાહેબને નમસ્કાર કર્યા, ના તો માન આપ્યું અને કર્કશ અવાજમાં મોટેથી બોલવા લાગી. મારા બે દિકરા છે તેમને પણ ફોર્મ ભરવા આપો. તેમને પણ નોકરી જોઈએ છે.
'તમે તમારા દિકરાઓનું સ્નાતક થયાનું સર્ટીફિકેટ બતાડો એટલે તમને પણ ફોર્મ ભરવા દઈશું' સાહેબ બોલ્યા.
કોશી કાગડી શું બોલે ? જેણે કયારેય પોતાના બાળકોના ભવિષ્યનો વિચાર કર્યો જ નહતો, અને બચ્ચાઓને આખો દિવસ રખડવા દીધા અને બધાને પરેશાન કર્યા હતા.
વિજુવાઘે કાગડીને પાસે બોલાવી. તેઓ કોશી કાગડીનો આખો ઇતિહાસ જાણતા હતા તેમણે કોશી કાગડીને શાંતિથી કહ્યું, 'બહેન, તમારા જડ અને કર્કશ સ્વભાવને કારણે તમે કોઈની સલાહ સ્વીકારી નહીં. કીકુ કાગડાએ આપેલી શિખામણ તમારા ગળે ઉતરી જ નહીં, પરિણામે તમારા બાળકો અભણ રહી ગયા. આજે આખી દુનિયામાં બધા ભણતરને લીધે જ વિકાસ પંથે દોડી રહ્યા છે, અને ઉન્નતિના શિખરો સર કરે છે. આ જમાનો સ્પર્ધાનો છે. ત્યાં અભણને કોણ પૂછે ? ખરો સમય તમારા હાથમાંથી વહી ગયો છે.'
કોશી કાગડીએ અનુભવ્યું કે પોતાના હાથના કર્યા હૈયે વાગ્યા છે. પોતાના કર્કશ સ્વભાવને કારણે પોતેજ પોતાના બચ્ચાનું ભવિષ્ય બગાડયું છે. પોતે ક્યારેય અભ્યાસને મહત્વ આપ્યું જ નથી. બચ્ચાઓને સાચો રસ્તો બતાડયો જ નહીં. કોશી કાગડીની આંખમાંથી આંસુ સરી પડયા.
વાચકમિત્રો જ્ઞાાની માણસની સર્વત્ર પૂજા થાય છે. જ્ઞાાની માણસોને માટે નોકરીના બધા માર્ગ આપોઆપ ખુલી જાય છે, અને તેઓ ઉન્નતિના માર્ગે સરળતાથી ડગ ભરે છે, માટે મન દઈને ભણવું આવશ્યક છે.
- ભારતી.પી.શાહ
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nfr1iy
ConversionConversion EmoticonEmoticon