નવા શાહીવાદના દબાણથી સમૃધ્ધ દેશોમાં સંકોચાઈ રહેલું મેન્યુફેકચરીંગ ક્ષેત્ર


બીજા વિશ્વયુધ્ધ પહેલા જગતના ઇંગ્લેન્ડ, જર્મની, બેલ્જીઅમ, ફ્રાંસ, ઇટાલી, હોલેંડ જેવા પશ્ચિમ જગતના દેશોએ આફ્રીકા અને એશિયાના દેશો પર પોતાની હકૂમત સ્થાપી હતી. ઇ.સ. ૧૯૪૭ સુધી ભારત પણ ઇંગ્લેન્ડનો ગુલામ દેશ હતો. ઉપરના દેશોએ જગતને જાણે કે આડેથી ઊભે વેતરી નાંખ્યું હતું. અંદરોઅંદર વહેંચી લીધું હતું. આફ્રીકા અને એશીયાના દેશોનો કાચો માલ (રો મટીરીઅલ્સ) પાણીનેભાવે ખરીદીને તેઓએ પોતાના દેશોને તેમનો ઉદ્યોગોમાં પાકો માલ બનાવવા માટે ઉપયોગમાં લીધો અને પાકા માલની સખત ઊચા ભાવે ગરીબ દેશોના નિકાસ કરી. આ કારણે વસાહતો (કોલેનીઝ) ગરીબ રહી અને પશ્ચિમ યુરોપમાં સમૃધ્ધીની છોળો ઉડી. ઇ.સ. ૧૯૪૫મા બીજુ વિશ્વયુધ્ધ સમાપ્ત થયું તે પછી ફટાફટ ગુલામ દેશો આઝાદ થયા અને ટેરીટોરીઅલ શાહીવાદનો અંત આવ્યો. ટેરીટોરીઅલ શાહીવાદ એટલે આફ્રીકા અને એશિયાના દેશોમાં પ્રત્યક્ષ રાજ કરવું. હવે આ પ્રત્યક્ષ શાહીવાદનો અંત આવ્યો છે. કારણ કે જગતમા અત્યારે કોઈ દેશ બહારની મહાસત્તાનો ગુલામ નથી. અત્યારે મુખ્ય સવાલ એ છે કે શું જૂના શાહીવાદનો અંત આવ્યા પછી શાહીવાદનો નવા સ્વરૂપે જન્મ થયો છે કે નહીં.

નવો શાહીવાદ

ઇ.સ. ૨૦૦૦મા માઇકલ હાર્ટ અને એન્ટોનીઓ નેગ્રીએ તેમના 'એમ્પાયર' નામના પુસ્તકમાં તેનો જવાબ આપ્યો છે. તેમના મત મુજબ જગતમાંથી પ્રત્યક્ષ શાહીવાદનો અંત આવ્યો છે. હવે જગતનો કોઈ દેશ બીજા દેશની ગુલામી હેઠળ નથી પરંતુ જગતમા નવા પ્રકારના શાહીવાદનો જન્મ થયો છે. આ નવો શાહીવાદ અન્ય દેશોમાં ભૂમીગત આધીપત્ય સ્થાપવા માગતો નથી. તે ભૌગોલીક ભૂમિ પરના શોષણમાંથી મુક્ત થયો છે. પરંતુ તેણે જગતવ્યાપી ઉત્પાદન અને ફાયનાન્સની જાળો (નેટવર્કસ) ઊભા કર્યા છે. જૂનો શાહીવાદ જે કામ તેના પરાધીન દેશોને ચૂસીને કરતો હતો તે કામ હવે ફાયનાન્શીયલ અને પ્રોડકશનના નેટવર્કસ કરી રહ્યા છે.

અમેરીકન એમ્પાયર આ નવા લેબાશમા ઉભુ થયું છે. તેણે વૈશ્વીક ફાયનાન્સની જાળ ઉભી કરી છે. જગતમાં આજે ઉત્પાદનને લગતી જાળો (નેટવર્કસ) કરતા પણ ફાયનાન્સને લગતી જાળો વધુ મહત્ત્વની બનતી જાય છે. દા.ત. ૨૦૦૮-૨૦૦૯મા અમેરીકામાં જે આર્થિક કટોકટી ઊભી થઇ હતી તેને આપણે ઉત્પાદનને લગતી નહી પણ ફાયનાન્સીયલ કટોકટી ગણીએ છીએ. 

અત્યાર સુધીના અર્થકારણમા સેંટર-પેરીફરીના દેશોની ચર્ચા હવે શમી ગઈ છે. સેન્ટર પરના દેશો મેન્યુફેકચરીંગ કરીને મોંઘા ભાવે પેરીફરી (પરિઘ) દેશોને વેચતા હતા. હવે મેન્યુફેકચરીંગ પરિઘના દેશો (ચીન, ભારત, બાંગ્લાદેશ, વીએટનામ, લાઓસી)મા થાય છે અને કેન્દ્રના દેશોનું 'ડીઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન' શરૂ થયુ છે. સેંટરના દેશોએ સર્વીસ અને હાઈટેક મેક્ટર્સમા પોતાનું ધ્યાન કેન્દ્રીત કર્યું છે. તનતોડ મજૂરીના કામો એશિયાના દેશોને સોંપી દીધા છે. આથી સેંટર-પેરીફરીની ચર્ચા શમી ગઈ છે.

નવી જાળગૂંથણી

અમેરિકાએ હવે ઉત્પાદન અને ફાયનાન્સની જે જાળગુંથણી કરી છે તેને વોશિંગ્ટન-વોલસ્ટ્રીટ કોન્સેન્સસ કહે છે. કોન્સેસસ એટલે એકમત હોવું. અમેરીકન સરકાર અને અમેરીકાનું અને હવે જગતનું ફાયનાન્સીયલ કેન્દ્ર વોલસ્ટ્રીટ ઉપરની બાબતમા એકમત છે. તે માટે અમેરીકાએ કોઈપણ દેશનો પ્રત્યક્ષ કબજો લેવાની જરૂર નથી. અલબત્ત જે તે દેશોની સરકારો અમેરીકાના કહ્યામા રહે તે માટે અમેરીકાએ જગતમા ઠેકઠેકાણે લશ્કરી થાણા નાંખ્યા છે. આ લશ્કરી થાણાઓમા અમેરીકન સરકારની હકુમત ચાલે છે અને આ અમેરીકન સરકારના કાયદાઓ હેઠળ આ થાણાઓ કામ કરે છે. આ નવા શાહીવાદ હેઠળ જગતના સમૃધ્ધ દેશોનું મેન્યુફેકચરીંગ સંકોચાઈ ગયું છે. ત્યાંના વ્હાઇટ મજૂરો રોજગારી ગુમાવી રહ્યા છે. અમેરીકામાં જે જમણેરી, રેસીસ્ટમોજુ આવ્યું છે તેની પાછળ આ પણ એક અગત્યનું કારણ છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nPEvlr
Previous
Next Post »