- સોશિયલ મીડિયા પરની રોજેરોજ મુકાતી પોસ્ટ, વેબિનાર અને ઓનલાઇન સામાજિક મીટિંગ માટેના સેટ અપ માટેની પણ સજ્જતા
- કોમનમેન પણ તેની આર્થિક સ્થિતિ, સગવડ અને સમજ પ્રમાણે ગુણવત્તાસભર જીવનના પેકેજ અને જ્ઞાાન ગુગલગુરુ ૫ાસેથી મેળવી લે છે
કોરોનાએ આપણી જીવન પદ્ધતિ બદલી નાંખી છે. પણ આમ જોઈએ તો તે પહેલા પણ અગાઉના વર્ષોમાં સારા દેખાવું, ફીટ રહેવું, ડાએટિંગ કરવું તે સેલીબ્રીટીઓ, શ્રીમંતો કે કોર્પોરેટ સુધી જ સીમીત હતું હવે કોમનમેન પણ તેમની ક્ષમતા પ્રમાણે આવી જીવનશૈલી અપનાવતા થઈ ગયા છે.
એક જમાનો હતો કે મેકઅપ માટે મેકઅપમેન રાખવો કે બ્યુટી પાર્લરમાં જવું બહું મોટી વાત કહેવાતી. આજે મેટ્રો અને મિનિ મેટ્રો શહેરોમાં અને હવે તો ગ્રામજનો પણ ટીવી, ફિલ્મ અને સ્માર્ટ ફોનના પ્રભાવ હેઠળ જાહેરજીવનની હસ્તીઓની જેમ તેઓ સામાન્ય સ્થિતિના છે તો પણ તેમના અંદરના અને બહારના વ્યક્તિત્વને નિખાર આપવા સજાગ બન્યા છે. તબીબી શાખાની જેમ તમામ ક્ષેત્રોમાં સ્પેશિયાલાઈઝેશનનો જમાનો આવ્યો છે. ડ્રેસ ડિઝાઈનરની વાત જવા દો. ક્યા પ્રસંગે તમારે વોર્ડરોબમાંથી ક્યા ડ્રેસ પહેરવા તેનું માર્ગદર્શન આપનારા નિષ્ણાતો પણ રાખવામાં આવે છે અને સામાન્ય નાગરિકોમાં પણ તે સમજ કેળવાતી જાય છે.
'પરફેક્ટ ૧૦' લુક અને ગુણવત્તા સભર જીવન માટે આ રહી ઈલેવન નિષ્ણાત શાખાઓની ઝલક.
(૧)બ્યુટી કરતા વેલનેસનું મહત્ત્વ: ગ્લેમર અને કોર્પોરેટ વર્લ્ડની હસ્તી ખૂબસૂરત દેખાવવા ખાસ બ્યુટીશિયનોને રોકીને મેકઅપથી માંડી મેક ઓવર કરાવતી હોય છે તે સામાન્ય અને પાયાની જરૂરિયાતો છે. બ્યુટી અને કોસ્મેટિક ટ્રીટમેન્ટે જે આધુનિક ટેકનિક, સાધનો તેમજ દ્રષ્ટિ મેળવી છે તેના પર અલગ વિસ્તૃત લેખ તૈયાર થઈ શકે તેમ છે. મહિલા ઉપરાંત પુરુષોની પણ સૌંદર્ય નિખારની આગવી દુનિયા છે. મેટ્રો સેકસ્યુઅલ બનવું તે આજનો મંત્ર છે. અત્યાર સુધી માત્ર મેકઅપને જ મહત્ત્વ અપાતું હતું પણ, આધુનિક સૌંદર્ય નિષ્ણાતો કહે છે કે વ્યક્તિ માત્ર દેખાવમાં જ આકર્ષક કે વ્યક્તિત્વસભર લાગે તે પૂરતું નથી. તેની સ્વસ્થતા, ચહેરા પરની પ્રસન્નતા, તનાવ વગરની બોડી લેંગ્વેજ તેમજ માનવીય અભિગમ વ્યક્ત કરતી પ્રકૃતિ ચહેરા પર અંકિત થતી હશે તો જ તે ખરા અર્થમાં સૌંદર્યવાનની વ્યાખ્યામાં ફિટ બેસી શકે. બાકી રૂપાળા પુરુષો કે મહિલાઓ તો કરોડોની સંખ્યામાં હોય છે પણ તેઓમાં આંતરિક સૌંદર્ય નહીં હોઈ 'હોલિસ્ટીક' બ્યુટીમાં સ્થાન નથી મેળવી શકતા. આ જ કારણે 'વેલનેસ'ને પણ મહત્ત્વ આપવામાં આવે છે. યોગા, ધ્યાન, હળવું સંગીત, પોઝિટિવ જીવનદ્રષ્ટિ અને આધ્યાત્મિક સ્પર્શ વ્યક્તિત્વમાં ઉમેરાવા જ જોઈએ. આ માટે વેલનેસ ક્ષેત્રના નિષ્ણાતોની અનિવાર્યતા વધતી જાય છે.
(૨)ફિટનેસ એક્સપર્ટ: વ્યક્તિના વ્યવસાય તેમજ મેડિકલ રિપોર્ટસને નજરમાં રાખીને ફિટનેસ એક્સપર્ટ તેનું કામ કરે છે. પુરુષ કે મહિલા બંનેની ફિટનેસ માટેની અલગ જરૂરિયાત અને માપદંડ હોય છે. ફિટનેસ એક્સપર્ટમાં પણ હવે સ્પેશિયાલાઈઝેશન જોવા મળે છે. વ્યક્તિ ફિટ અને ચુસ્ત રહે તે તો પાયામાં હોય જ છે પણ તેના અંગો અને ઉપાંગોને નિખાર આપી આંતરરાષ્ટ્રીય ધોરણના બનાવવાનો ધ્યેય હોય છે. એક પાયલોટ, કોર્પોરેટ હસ્તી અને મોડેલ ત્રણેય મહિલાના ફિટનેસ પ્રોગ્રામ જુદા જુદા હોઈ શકે. તેવી જ રીતે સ્પોર્ટસમેન હોય તો તેની રમતને નજરમાં રાખીને ફિટનેસ કે શરીરના અમુક જ મસલ્સ ડેવલપમેન્ટ પર ધ્યાન કેન્દ્રીત કરાય છે. ક્રિકેટ, ટેનિસ, એથ્લેટિક્સ અને વેઈટ લિફટિંગ કે તમામ રમતોના વિશેષજ્ઞાોની નવી શાખાઓ ખુલી છે. કોર્પોરેટ હસ્તીને તેના વ્યવસાયને અનુરૂપ દેહરચના કરી આપવામાં આવે છે. આવી જ દ્રષ્ટિ જુદા જુદા ક્ષેત્રોની મહિલાઓ માટે અપનાવાય છે. પી.વી. સિંધુ અને સારા અલી ખાનના એક જ ફિટનેસ પ્રોગ્રામ હેઠળ તૈયાર કરવામાં નથી આવતી. અત્યાર સુધી ફિટનેસ કે સુડોળ દેહ માત્ર સ્ટાર, ખેલાડીઓ કે સેલીબ્રીટી માટે જ જરૂરી હોય તેવું મનાતું પણ હવે વ્યક્તિનું સામાજિક, શૈક્ષણિક કે આર્થિક જે પણ સ્તર હોય ફિટનેસ, સ્વચ્છતા વેલગ્રમ્ડ, વેલ ટ્રીમ્ડ કે વેલ બિલ્ટ હોવાની, સારા દેખાવાનું કલ્ચર ખીલ્યું છે. સોશિયલ મીડિયામાં રોજેરોજ મુકાતી પોસ્ટ, ડીપી, સ્ટેટસ પણ આ માટે કારણભૂત છે.
(૩)ડાયેટિશિયન: જેવી રીતે ફિટનેસ નિષ્ણાતમાં સ્પેશિયલાઇઝેશન અને જે તે વ્યક્તિના મેડિકલ રિપોર્ટસ, કાર્યક્ષેત્રને નજરમાં રાખીને કામ થતું હોય છે તેવી ડાયેટિશિયન કે આહાર માર્ગદર્શકોની દુનિયા છે. પ્રત્યેક વ્યક્તિને વિટામિન્સ, પ્રોટીન, કાર્બોહાઈટ્રેડ, મિનરલ્સ વધતી-ઓછી ઉણપ કે વધુ પડતું પ્રમાણ હોય છે. ભલે આહારના પાયાના સિદ્ધાંતો બધા માટે સામાન્ય હોય પણ ગ્લેમર વર્લ્ડની વ્યક્તિનો આહાર જુદી રીતે ગોઠવી આપવો પડે છે અને સ્પોર્ટસમેન કે એકિઝક્યુટિવને તેની જીવનશૈલી અને તેના કાર્યક્ષેત્રની દુનિયા પાસેથી રખાતી અપેક્ષા પ્રમાણે ડાયેટ પ્લાન પાસેથી રખાતી અપેક્ષા પ્રમાણે ડાયેટ પ્લાન કરી આપવામાં આવે છે. મુકેશ અંબાણી, શાહરૂખ ખાન અને કોહલીના પ્લાન પણ જુદા જ રહેવાના... અગેઈન... હવે ફિટનેસ કે સારા દેખાવામાં જેમ કોમન મેનને પણ રસ છે તેમ પ્રત્યેક વ્યક્તિ તેમના વજન, બીપી, ડાયાબીટીસ કે હૃદયરોગથી બચવા કે ફરી તકલીફ ન થાય તે માટે તેના આહાર વિહારથી સભાન થવા માંડયો છે.
(૪)સાયકોલોજિસ્ટ: અત્યાર સુધી એવું જ માનવામાં આવતું હતું કે કોઈ માનસિક રીતે અસ્થિર વ્યક્તિ જ મનોવિજ્ઞાાનની સારવાર લેવા જાય. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે બિલ ગેટ્સ જેવા ટેકનોક્રેટ, લેડી ગા ગા જેવી પોપસ્ટાર અને રોહિત શર્માથી માંડી ટોચની કંપનીના એકિઝક્યુટિવને પણ તેના અંગત મનોચિકિત્સક હોય છે. કારકિર્દીમાં આવતી ચઢ-ઉતર, પડકાર, તનાવ અંગત જીવનની સમસ્યા કે જુદા જુદા સંજોગોમાં આંતરિક પ્રસન્નતા તેમજ સ્વસ્થતા પ્રગટ કરવી અતિ મહત્ત્વની બાબત છે. તમે ગમે તેટલા શારીરિક રીતે ફિટ હો, પણ જો માનસિક સ્તરની ફિટનેસ ના હોય તો આંધી-તૂફાન સર્જાઈ શકે છે. એવું નથી કે હતાશા અને નિષ્ફળતા વખતે જ મનોવિજ્ઞાાનની જરૂર પડે. સફળતાને સ્વસ્થતાથી ઝીલતા પણ શીખવું પડે છે. સુખમાં છકી ના જવાય અને દુઃખમાં હારી ના જવાય તેનો પાઠ મનોચિકિત્સકો ભણાવે છે. હવે કોરોના પછી માનસિક સમસ્યા કે બીમારીમાંથી માણસો કરતા નિમ્ન અને મધ્યમ વર્ગનાને વધી છે. તેઓ મનોચિકિત્સકની સારવાર લેતા થયા છે.
(૫)સ્માઈલ કેર: જાહેરજીવનની વ્યક્તિ પર તેને ખબર પણ ના હોયતેવા ચહેરા પરના હાવભાવ વખતે કેમેરા મંડાયેલા હોય છે. ચહેરા પર થાક, ઉજાગરા કે કોઈપણ સારી-નરસી ઘટનાની પ્રતિક્રિયા પ્રત્યેક ક્ષણે બદલાતી હોય છે. તમારે તો ચહેરા પર તમામ સમયે પ્રસન્નતાસભર સ્મિત જ વહેતું રાખવાનું હોય છે. પણ જુદા જુદા પ્રસંગોએ કેટલું કઈ રીતે સ્મિત આપવું, ક્યારે કેટલું ખડખડાટ હસવું તેનું ચોક્કસ પેકેજ હોય છે. વીડિયો ફોટોગ્રાફી લઈને નિષ્ણાત તમને તમારું સ્મિત, હાસ્ય અને મુદ્રા બતાવે છે. હાસ્ય વખતે જો તમારી ઈમેજ અને ખૂબસૂરતી પર ચોકડી વાગતી હોય તો સ્મિત કઈ રીતે આપવું તેની તાલીમ આપવામાં આવે છે. જરૂર પડયે સ્માઇલ કેર નિષ્ણાત ડેન્ટિસ્ટ કોસ્મેટિક સર્જન પાસે જવા પણ તેના ગ્રાહકને ભલામણ કરી શકે છે. આ મામલે પણ આમ આદમીથી સભાનતા વધતી જાય છે.
(૬)સ્કીન કેર: તમારી શારીરિક, માનસિક ફિટનેસ ગ્લેમર વર્લ્ડના બેરોમીટરની નજરે પરફેક્ટ હોય. તમારું સૌંદર્ય અને સ્મિત પણ ચિત્તાકર્ષક હોય પણ જો ચામડી શુષ્ક, ખરબચડી, જાડી અને તેજસ્વી ના હોય તો એકડા વગરના મીંડા જેવી સ્થિતિ થઈ જાય છે. સ્કીન કેર નિષ્ણાતો ચામડી લીસી, ચમકતી રાખવા માટે તેના ગ્રાહકોને બાહ્ય ટીટ્રમેન્ટ, લોશન અને ફેસ ટચ તો આપે જ છે, પણ તેવું કામ મેકઅપ, મેક ઓવર અને કોસ્મેટિક નિષ્ણાતનું તો નથી જ હોતું.તે માત્ર મેકઅપ વગરની ચામડી કઈ રીતે નિખાર લાવી શકે તેના પર ભાર મૂકે છે. ચામડીની તંદુરસ્તી માટે જરૂરી કઈ કાળજી, ક્યા ડાયેટ, દવા લેવી તેના પર વિશેષ ભાર મૂકે છે. પ્રત્યેક વ્યક્તિની સૂકી અને તૈલી ચામડી અને વાન જુદો રહેવાનો. સ્કીન કેર નિષ્ણાતો માત્ર ચહેરા પરની ચામડી જ નહીં, શરીરના તમામ અંગોની ચામડીને ચુસ્તતા સભર ગેટઅપ આપે છે. સેલિબ્રિટીના અંગ પ્રદર્શન કરે તેવા વેશ પરિધાનમાં પણ મોહક લાગે તે તેનું લક્ષ્ય હોય છે. હવે આની સામે તમે કોઈ મધ્યમ વર્ગીય વિસ્તારના ચામડીના રોગોના ડૉક્ટરની કલીનીકમાં જશો તો ત્યાં પણ કોર્પોરેટ, નોકરિયાત લગ્નના ઉમેદવાર છોકરીઓ અને છોકરીઓ ચામડી પરના ડાઘા, ખીલ, વાળની સમસ્યા લઈને મોટી સંખ્યામાં જોવા મળે છે.
(૭)હેર કેર: ચામડીની જેમ જ વાળ પણ સૌંદર્યનું અતિ મહત્ત્વનું પાસું છે. વાળની માવજત પણ તે સૂકા કે તૈલી હોય છે તે આધારે થાય છે. વાળ ખરતા પણ હોય અને ખોડાની સમસ્યા પણ રહે. વાળ નિસ્તેજ હોય તો માર્ક કપાઈ જાય. વાળની કાળજી પણ વ્યક્તિ આધારિત હોય છે. વાળને શેનાથી ધોવા, ક્યું કંડિશનર લગાવવું, કઈ થેરેપીની જરૂર છે તે બધું હેર કેર નિષ્ણાતને હસ્તક હોય છે.
(૮)હેર સ્ટાઈલિસ્ટ: ગ્લેમર વર્લ્ડ કે તેના પ્રભાવમાં રહેતી નવી પેઢી હવે હેર કટિંગ સલુનમાં નહીં પણ હેર સ્ટુડિયોમાં જતી હોય છે. પશ્ચિમના દેશોની હેર સ્ટાઇલના ડિઝાઈનરો ખાસ તાલીમ લેવા આંતરરાષ્ટ્રીય તાલીમ વર્ગોમાં જોડાતા હોય છે. ચહેરાને અનુરૂપ હેર સ્ટાઈલ કરી આપવાનું જ હવે સ્ટાઈલિસ્ટોનું કામ નથી પણ એક જ ગેટઅપ કે ઈમેજમાં વ્યક્તિ કેદ ના થઈ જાય તેમ અમુક સમયે હેર સ્ટાઇલ બદલતી રાખવી પડે છે. પ્રસંગને અનુરૂપ હેર સ્ટાઇલ, વિગ પણ આ નિષ્ણાતો જ તૈયાર કરી આપે છે. હેર ટ્રાન્સપ્લાન્ટ હેર બીન્ડિંગ, વીવિંગ મધ્યમ વર્ગ સુધી વિસ્તરી ગયું છે.
(૯)ડાન્સ ટ્રેઈનર: ગ્લેમર, કોર્પોરેટ અને કલબ કલ્ચરમાં રહેવું હોય તો પાર્ટી એનિમલ બનવું પડે છે. પાશ્ચાત્ય દેશોની જેમ હવે મહેમાનો એકબીજા સાથે ડાન્સ કરે તે સૌજન્યસભર શિરસ્તો માનવામાં આવે છે. ડિસ્કોથેકના ડાન્સ પણ જુદા હોય છે અને કોઈ જાહેર હસ્તીએ યોજેલી પાર્ટીના પ્રસંગને અનુરૂપ ડાન્સની રેન્જ હોય છે. વ્યક્તિએ તેનું સામાજિક કે વ્યાવસાયિક નેટવર્ક વધારવું હોય તો હવે મેટ્રો દુનિયામાં ડાન્સ આવડવા તે અનિવાર્ય પ્રતિભા બનતી જાય છે. ડાન્સ ટ્રેઈનર પાસે જરૂરિયાત પ્રમાણે ડાન્સ શીખવાના વર્ગો ભરવા તે જિમ્નેશિયમમાં જવાની જેમ સાંકળી લેવામાં આવે છે. પહેલા ડાન્સ ટ્રેઇનિંગ એક વર્ગ સુધી જ સીમીત હતી હવે તો કોલેજીયનો, લગ્ન પ્રસંગ, જન્મદિન કે ઈન્ટસ્ટગ્રામમાં મુકવા ડાન્સ ગામડે ગામડે માટે જ યુ ટયુબ જોઈને શીખાય છે.
(૧૦)ડિકશન નિષ્ણાત: જાહેરજીવનની વ્યક્તિને અંગત વાતચીત દરમ્યાન, મિટિંગમાં, તેના પર્ફોમન્સ કે સ્ટેજ પ્રેઝન્ટેશનમાં કઈ રીતે વક્તવ્ય આપવું, પ્રશ્નોના ઉત્તર આપવા, પાવર પ્રેઝન્ટેશન આપવું તેની તાલીમ ડિકશન નિષ્ણાત આપે છે. ક્યા પ્રસંગે કેવા શબ્દો વાપરવા, ઉચ્ચારો કેમ કરવા, બોલતી વખતે તેમાં ક્યો ટોન ઉમેરવો, ક્યારે અટકવું જેવી તમામ બાબતોની ડિકશન નિષ્ણાતો તાલીમ આપે છે. કોઈ સમારંભનું સંચાલન કરવા માટે જે સ્ક્રિપ્ટ અપાઈ હોય તેના આધારે રજૂઆત કરવાનું પણ ડિકશન નિષ્ણાતો શીખવાડે છે. શબ્દભંડોળનો મહાવરો પણ તેઓ તેમના ગ્રાહકને આપતા રહે છે. હવે જેમ જેમ વર્ક ફ્રોમ હોય કલ્ચર, મીટિંગ, વેબિનાર, ઝૂમ, ગુગલ મીટ વગેરે કોમન બનતું જતું હોઇ આ ટ્રેનિંગ પણ મેળવવા માંડયા છે.
(૧૧)ફોટો એક્સપર્ટ: તમારો ચહેરો કે ઓવર ઓલ બોડી ફોટોજેનિક અને તે માટે કમર્શિયલ કે મોડેલિંગ, એજન્સી જોડે કાર્યરત ફોટોગ્રાફ હોવો અનિવાર્ય છે. જુદા જુદા પ્રસંગોની તસવીરો તે ખેંચે છે. તેને તમારા શ્રેષ્ઠ એંગલની જાણકારી હોય છે. ફોટાને કાળજીપૂર્વક કરેકશન કરીને તે મીડિયા કે એજન્સી સમક્ષ મૂકે છે. સારા ફોટા આવે તે માટે કઈ દિશામાં, કઈ રીતે, કેટલી લાઈટિંગ નીચે રહેવું તેની ટિપ્સ પણ આપવામાં આવે છે. ફોટો એક્સપર્ટ ઘણી વખત તેના ગ્રાહકના મેકઅપ આર્ટિસ્ટ સાથે રહીને પણ કામ કરે છે. તેવા ગ્રાહકનો પોર્ટફોલિયો પણ ઓફિશિયલ ફોટો એક્સપર્ટ જ સંભાળે છે. આવી તો બીજી ડઝનેક જેટલી નવી સ્પેશિયલ શાખા-પ્રશાખાઓ વ્યક્તિત્વ નિખારના સંપૂર્ણ પેકેજમાં સામેલ થવા થનગની રહી છે. તમે તેમાં કારકિર્દી પણ બનાવી શકો છો. હવે કોરાના પછી ઓફિસમાં કે ઘરમાં અલાયદી જગા ફાળવામાં આવે છે જ્યાં કેમેરા સામે ફોટો કે વિડિયો, ઓનલાઈન સામાજિક, ઈવેન્ટ કે ધંધાની મીટિંગ વખતે ચહેરા પર પૂરતું લાઈટિંગ સાથે બેકગ્રાઉન્ડમાં વાતની થીમ આધારીત ગોઠવણ હોય, હવે તો આવા વીડિયો, વેચનાર અને સેટ બનાવી આપનાર નિષ્ણાતો અને કન્સલ્ટન્ટ પણ છે.
કોરોનાના લીધે નાગરિકો હવે પોતાની જાતે જ હેર કટિંગ, કોસ્મેટિક્સ, બ્યુટી ટ્રીટમેન્ટ, ફોટોગ્રાફી, ફિટનેસ, ડાયેટ કરતાં થયા છે. આ અંગેનું વિપુલ સાહિત્ય અને ઓનલાઈન નિદર્શન ઉપલબ્ધ હોઈ સ્વાવલંબી બનતા જાય છે. આ ધંધાઓ પર પણ કોરોનાના લીધે ભારે ફટકો પહોંચ્યો છે. આશા રાખીએ કે માનવ જગતને 'ન્યૂ નોર્મલ' નહીં પણ 'નોર્મલ જીવન' ઝડપથી નસીબમાં સાંપડે અને ફરી ધંધો, રોજગાર અને અર્થતંત્ર તેજી પકડે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/386n0qi
ConversionConversion EmoticonEmoticon