2020ની સાલમાં વ્યાવસાયિક ક્ષેત્રે સફળ વિક્રાંત મેસી અંગત રીતે દુઃખી


મુંબઈ, તા.24 ડિસેમ્બર 2020, ગુરુવાર

વિક્રાંત મેસી માટે ૨૦૨૦ની સાલ ફળદાયી રહી. આ વર્ષમાં તેની 'છપાક', 'કાર્ગો', 'ગિની વેડ્સ સની' અને 'ડોલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારે' જેવી ચાર ચાર ફિલ્મો આવી. આટલું ઓછું હોય તેમ આ વર્ષના આરંભમાં જ શીતલ ઠાકુર સાથે તેની સગાઈ થઈ અને હવે તે '૧૪ ફેરે', 'હસીન દિલરૂબા' ઉપરાંત શંકર રમણની એક ફિલ્મમાં કામ કરવાનો છે.

અભિનેતાએ કહ્યું હતું કે હું ખરેખર નસીબદાર છું કે મને શંકર રમણ જેવા સર્જક સાથે કામ કરવાની તક મળી છે. તેની સ્ક્રીપ્ટ મને બહુ ગમી છે. મારા માટે તે શમણું સાકાર થવા સમાન છે. મને ખાતરી છે કે મને હજી ઘણું સારું કામ મળવાનું છે અને હું એકી સમયે એક જ ફિલ્મમાં કામ કરવા માગું છું.

જોકે અભિનેતાને આ વર્ષમાં લગ્ન ન થયાનો વસવસો ચોક્કસ છે. તે કહે છે કે આ વર્ષમાં જ અમે અમારા લગ્નનું આયોજન કરવાના હતા. પરંતુ કોવિડ-૧૯ અને તેને કારણે લાગૂ થયેલા લોકડાઉનને કારણે અમારું એ સપનું રોળાઈ ગયું. હવે અમને મારી ગળાડૂબ વ્યસ્તતા વચ્ચે લગ્ન કરવા માટે ગમે તેમ કરીને એક અઠવાડિયાનો સમય કાઢવો પડશે. જોકે અમે મારા અને શીતલના મૂળ વતન હિમાચલ પ્રદેશમાં સાદગીપૂર્વક જ ગઠબંધન કરીશું.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pmjLBV
Previous
Next Post »