આજે મામાની મમતા અને ભાણાનો ભાવ ઓસરતા જાય છે


પ રણેતર સ્ત્રીને પિયરનો અને પ્રત્યેક બાળકને મોસાળનો જે નાતો હતો એ દિવસોની ભાવનાનો મહિમા કરવા જેવો છે પરણી ગયેલી દીકરીને પિયર પ્રત્યે પક્ષપાત... અને બાળકને સૌથી વધુ ગમે મામા અને મોસાળ. દરેક બાળક માટે બચપણની સમૃધ્ધિ જ મોસાળ હતી. મોસાળમાંથી જ નાના-નાની મામા-મામીનાં અપાર હેત વરસતાં રહેતાં. ગામડે તો બ્રાહ્મણ કરતાંય ભાણેજનાં માનપાન ભારે, એટલે જ તો ભાણેજડાં પોરસતાં-લાડ પામતાં. ઘરે આવેલા મહેમાનથીય ભાણેજ મોટા. પંડના દીકરાને આંગળી ઝાલી ચલાવે, ને ભાણાને કેડયમાં તેડે એ મામા. ભાણેજડાંને નારાજ નહિ કરવાનાં. આખા ગામમાં ભાણેજનો વટ્ટ પડે. 'ભાણેજ' કહ્યા પછી પરવાનો મળી જતો... ગુનો થાય - કોઇનો આંબો ઝુડાય કે કોઇના ખેતરમાં જઈ જામફળ ચોરાય બધું જ માફ ભાણેજનું... ગામમાં ગમે તેના ત્યાં ખાવા બેસી જવાય, અને ગમે તે કરાય... ભાણાભાઈને એ બધી છૂટ... 'મોસાળમાં રહેવું ને મા પિરસનાર' પછી કહેવું જ શું ? ભાણી હોય કે ભાણો મામા-મામીના સ્નેહમાં એવાં ઓળઘોળ જાણે એમનાં સંતાનો !

'મા' બે વાર જે શબ્દમાં આવે તે 'મામા'. સગા મામાના ખેતરના આંબાની કેરી ખાટી હોય તો ગામના બીજા કોઈ મામાનો આંબો ઝુડીને કેરી પડાય... કોઇ ના જ ના પાડે. મોસાળ જ વતનથી ય વ્હાલું. મોસાળનાં કપડાં, દફતર- પેન્સિલ... આત્મીય લાગે બધું. 'મામાએ આપ્યું છે' 'મામાને કહી દઈશ' જેવાં વાક્યો જ મામા પ્રત્યેના હેતનો પુરાવો હતાં. વેકેશન પડે એ પૂર્વેથી પગે ઘૂઘરા બંધાઈ જતા. ગોળનાં ગાડાં આવી જતાં... આજે તો કાકા-મામા-માસા- ફુવાના સંબંધો માત્ર કહેવાના જ થતા જાય છે.

ઘણાં બાળકો તો ઓળખી પણ શકતાં નથી. ત્યારે 'મામા'-'ભાણેજ'ના સંબંધોની એક નોખી ઊંચાઈ હતી. ભાણાના ગુનાની મામા માફી માંગતા. 'મામાનું ઘર કેટલે ?' દીવો બળે એટલે...' એવી લોકોકિત કંઠસ્થ હતી, ત્યારે તો વેકેશન પડે અને પગમાં ઘૂઘરા રણઝણે મન મોસાળ પહોંચી જાતું પછી તન... બે મહિનાથી રાહ જોવાથી કે ક્યારે રજાઓ પડે ? ગામડાનાં છોકરાં શહેરનો અને શહેરનાં ગામડાનો - અથવા એક ગામનાં બીજા ગામનો આ રીતે અનુભવ કરાવાતો. ભાણેજડાંની મોસાળમાં રાહ જોવાતી... આજે કોઇ મામા રાહ જોતા નથી ને કોઇ ભાણેજડાં ને નવરાશ નથી. પહેલાં તો ભાણેજડાંને પોતાના ઘર કરતાં મામાનું ઘર જ વધારે વ્હાલું લાગતું... મામાના ઘરમાં ભળી જતાં. ખેતી કામમાં જોડાઈ જતાં... મામાનો બોઝ પણ ઉપાડી લેતા ભાણેજ... ખેતીમાં સહાયક બનતા - ચા લાવવા, બળદ પાવા, ભેંસો ચારવા ટાંપાં ટૈયાં કરવા ભાણેજ સદા તૈયાર રહેતા.. આજે એ દિવસો કેવળ સંભારણું બની ગયા છે.

ત્યારે કોમ્પ્યૂટરના, સંગીતના સ્પૉકન અંગ્રેજીના, કરાટેના વર્ગો પણ ક્યાં હતા ? માસ્તરની નિશાળો બંધ થાય ત્યારે મામાને ત્યાં જીવનની પાઠશાળાઓ ઉઘડતી... મામાને ત્યાં ભળી જવું... જે હોય તે ખાઇ લેવું, કામ કરવું. અનુભવો કરવા એ બધી તાલીમ હતી - જીવનની. સ્વજનોને, સગાંને ઓળખવાં એમનો સ્નેહ પામવો - એમના હૃદયમાં સ્થાન મેળવવું. કેટલાય ભાણિયાંનાં લગ્નો મામાની આબરૂના આધારે થતાં આજે તો જીવન શિક્ષણ નામે મીંડુ થઈ ગયું છે.

કોઇ કોઇનું નથી એનો અહેસાસ બાળપણથી જ બાળક કરવા લાગે છે સગાંસંબંધીઓ અને સંયુક્ત પરિવારની ભાવનાનો જ ભોગ લેવાયો છે - સગપણ હવે નામનાં જ છે, કામનાં નહિ. વાસ્તવિક, કુદરતી, સાહજિક આનંદ જ રહ્યો નથી. સગપણમાંય દંભ દાખલ થઇ ગયો છે. કેવળ કૃત્રિમતા જ કૃત્રિમતા ! મામાનેય એમની મોટાઇ વળગી છે અને ભાણાનેય પોતાના ભાવિની ચિંતા છે - બેઉ જણા ખોટે મારગે છે એની એમને ક્યાં ખબર છે ? પહેલાં તો એવી ઉક્તિ વ્યવહારમાં રૂઢ થઈ ગયેલી 'મામાનું ઘર કેટલે ?' એનો ઉત્તર 'દીવો બળે તેટલે' કહેવાતું... મામાને ત્યાં અજવાળું જ હોય, દરેક ભાણા માટે - આજે તો પૂછવું પડે. 'મામાનું ઘર કેટલે ?'

આજે તો રજાઓના દિવસોમાં કોઇ ખેતરો સાદ પાડતાં નથી. સાદ પાડે છે પણ કોઇ સાંભળતું નથી. કોઇ છોકરાંને ભાણેજડાંને ઘરઘર રમવાનુંય ફાવતું નથી. ભીની માટીમાં પગ બોળી માટીના મોજા પહેરવાની મજા હવે ક્યાં કોઇને લેવી છે ? વાડ-કાંટો કરવો છે ? મામાને ત્યાં આ બધું કરવા મળતું અને ખાવા બેસાડે ત્યારે વ્હાલથી ખવડાવે- આત્મીયતા અભડાઈ ગઈ છે ક્યાંય કશો ભાવ અખંડ રહેવા પામ્યો નથી. વસૂકાઇ ગયેલી ભેંસ જેવી આપણા સંબંધોની સ્થિતિ થઇ ગઇ છે.

તૂટી જવાની સ્થિતિએ કેટલાક સંબંધો કેવળ કહેવા ખાતરના જ બચી ગયા છે. ઉનાળાના સુક્કા દિવસોમાં ભાણેજડાં એ સંબંધોનો લીલાછમ્મ અનુભવ કરતાં હતાં - એ પાછા કેવા અનુભવો ? મામાને ત્યાં ગામડે નળિયાનાં ઘર સંચાતા હોય તે જોવાનાં, એની નાળની ગાલ્લીય કરવાની... સંચનારને ચા-પાણી કરાવવાનાં... ખાટલા ભરાતા હોય તો પાયા ટેરવવાના... મહેમાન આવે તો પાણી આપવાનું લગન હોય ને સેવો પડાતી હોય તો તે ઝીલવાની... ઢોરને ચારો નિરવાનો... ટાઢૉડી ઠાલી થઈ જાય તો ભરવાની... કેરીઓ પાડવાની અને ખાવાની. ભાઇબંધો સાથે ધમાલ મસ્તી કરવાની... અથાણાં કરાવવામાં.... આજે શહેરમાં ગમે તેટલી તમે મોંઘી કેસર કેરી ખાઓ પણ તમે બધા નિરસ જ રહેવાના ! ત્યારે ખાટી કેરી પણ કેટલી બધી મીઠી લાગતી ! આજનાં મિષ્ટાનો મામીએ ભાણામાં આપેલાં ગોળ-ઘીની તુલનામાં ફિક્કાં લાગે છે. મામા-મામી-નાના-નાની એ કાયા ઉપર ચોડેલાં ચુંબનો-ચૂમીઓ તો જીવનનું સૌભાગ્ય હતાં એ વાત કોને કહીશું ? મોસાળ જીવનની પાઠશાળા હતું. કોણ સાંભળશે ? કોણ માનશે ?



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HQH4ne
Previous
Next Post »