ગ રબો શબ્દ 'ગર્ભ' ઉપરથી આવ્યો છે. માટીના ઘડામાં છિદ્રો હોય, તેમાં દીવો મૂકી નવરાત્રિમાં સ્ત્રીઓ માથે લઇ અથવા વચમાં સ્થાપી કૂંડાળે વળી દેવીની સ્તુતિ કરે એ ગાન એટલે ગરબો. 'ગરબો' શબ્દ પાત્રવાચક છે. ગરબો લઇ ઘૂમવાની રમતને 'ગરબો રમાડવો' કહ્યો. અજવાળી રાત્રિએ અથવા રાત્રિનાં જાગરણ કરી સ્ત્રીઓ ગાય-ગવડાવે. ઝીલે-સ્થૂલરૂપે એ ગોળ ગોળ દેખાય... ગુજરાતીમાં વલ્લભ ભટ્ટે 'ગરબા' લખ્યા અને ગાયા-ગવડાવ્યા. એ પરંપરા આજે પણ ચાલુ જ છે. પરંતુ ગરબો 'દર્શન' છોડી પ્રદર્શન તરફ જઇ રહ્યો છે.
ગરબો આજ સુધી ગોળગોળ પછી લંબચોરસ, લંબગોળ ખૂબ ફર્યો છે અને તે પણ બહાર ફર્યો છે. હવે એ ગરબો આ સમયમાં અંદરની બાજુ ઘુમે એવા સંજોગો ઊભા થયા છે. ત્યારે પરિવર્તન પામતા નવરાતરના પર્વની વાત કરીએ. કોરોનાકાળમાં ગરબો ભીતરમાં ડોકિયું કરવાના સંકેતો આપે છે જાણે ! શક્તિ પૂજાના આ પર્વની ઉજવણી પરંપરિત રીતે થતી, હવે એમાં પરિવર્તન આવ્યું છે.
પુરુષો અને સ્ત્રીઓનો ઉત્સાહ, યુવાધનનો ઉત્સાહ જાહેરમાં પ્રગટ થતો હતો, એમાં શક્તિની પૂજા ભક્તિરૂપે થતી હતી. ગામનું પાદર નાનું પડતું. એક નારી ગવડાવે, અન્ય ગાનારી ઝીલે ઢોલનો તાલ ભળતો. અન્ય કોઈ ઘોંઘાટ ન્હોતો. ગોળાકારે ગરબા ગવાતા. તાલીઓના તાલે ગરબા ગવાતા. પગની ઠેક અને લયનો સંવાદ રચાતો. ઢોલી અને ગાનારીઓ સ્પર્ધામાં આવી જતાં. એકેય થાકે નહિ. આવાં પવિત્ર દ્રશ્યો હવે ઓછાં દેખાય છે. હવે ગરબો ઘોંઘાટિયો થઇ ગયો છે.
દર્શનની જગ્યાએ પ્રદર્શનને સ્થાન મળવા માંડયું છે. પરંપરિત ભાવના વિસરાતી દેખાય છે.. ઘીના દીવાને સ્થાને વિદ્યુતનો ઝાકઝમાળ આવી ગયો છે. પ્રદર્શન અને ફેસનની સ્પર્ધાઓ થવા માંડી છે - ડીજેના ઘોંઘાટે આપણો અસલ ગરબો અભડાઈ ગયો છે. આર્યસંસ્કારિતાને લાંછન લાગે એવા વાતાવરણમાં શક્તિપર્વ સપડાતું જાય છે. આપણી આર્યભાવનાને ઠેસ પહોંચે ત્યાં સુધી એનો દેખાડો દુષિત કરી રહ્યો છે. ગુજરાતમાં પણ એવી પ્રવૃત્તિમાં ગરબો કેદ થયો છે શ્રોતાઓના કાનમાં શબ્દો ઠરતા નથી. ગરબો કાન શોધે છે. ગરબાને આંખો જ દેખાય છે.
ભાષણોથી ગરબો કૂડો દેખાય છે. પ્રવેશ ફોર્મ ભરવાથી ગરબાનો શ્વાસ રુંધાય છે. પ્રવેશદ્વારો શણગારવાથી ગરબાને મોટાઈ મળી જતી નથી. ગરબો અશાંતિમાં અટવાયો છે. સમૂહનો આનંદ લેતાં લેતાં નગરજનો જે અશાંતિ ઉભી કરે છે એમાં પેલો આનંદ મુરઝાય છે. શુધ્ધ સંસ્કારી આનંદ ખોવાઈ જાય છે. સંસ્કાર પોષક નવરાત્રિ ન રહેતાં સંસ્કાર શોષક નવરાત્રિ બની રહે છે.
ઉપવાસનું તપ ક્યાં છે ? શ્રધ્ધાં ક્યાં છે ? જૂની ધર્મભાવના ક્યાં ગઈ ? કલાને બહાને આપણે ધર્મભાવનાને ખોઈ નાખી છે. દેખાડો, દંભ, ચળકાટ આપણને પ્રિય છે એનું પ્રતિબિંબ આવા ઉત્સવો ઝીલે છે. લોકપ્રિયતા ભલે પ્રાપ્ત થાય પણ તેનાથી તેનામાં અસલ સત્ત્વ તત્ત્વનો પ્રાણ લોપાઈ જાય છે.
નગરજીવનનો ગરબો ગોળ નથી. નિરાકાર છે એમ કહેવા કરતાં આકારહીન છે એમ કહેવું વધુ સાચું છે. એમાં દંભ-દેખાડો પ્રવેશી ગયાં છે. છેલબટાઉ પણું અને ભપકાએ મૂળ સત્ત્વની સપાટી ઝાંખી કરી છે સિનેમાના અનુકરણમાં ગરબાની ગરિમા ઓછી થતી જાય છે... બહેનો નગરનો ગરબો ઝીલતી નથી, કેવળ ઘુમે છે... વાતો કરતી જાય છે - નૃત્ય-સંગીત અને અભિનયનો વિસંવાદ સર્જાય છે.
આવા ઉત્સવોમાં બદીઓ પણ પ્રવેશ કરે છે. મૂળ ધર્મભાવનાના અભાવને કારણે બદીઓને વિકસવાની મોકળાશ મળે છે અને વિકૃતિઓ જન્મે છે... ધાર્મિકવૃત્તિને બદલે અનેક વિકૃતિઓ જન્માવતું પર્વ બની રહે છે. રાધાકૃષ્ણના શૃંગારના ગરબાથી મઢેલી નવરાત્રિમાં એવી વિકૃતિઓ પણ વલયો રચે છે. આકર્ષણો અને વાસનાઓનાં દ્વાર આવા પ્રસંગોમાં ઉઘડે છે. પેલી ધાર્મિકવૃત્તિને વધારે બળવત્તર કરવામાં આવે અને યુવકોને એમાં શક્તિપર્વનો સાચો મહિમા સમજાવાય તો આ પર્વ સાચા અર્થમાં નવરાત્રિનું પર્વ શક્તિનો મહિમા કરતું બને...
આવા ઉત્સવોને મૂળ ધર્મભાવના સાચવી રાખી નૂતન સ્વરૂપ આપવાનો સમય પાકી ગયો છે, આર્યસંસ્કારોની ચિંતા કરતા હિંદુ સમાજે આ અંગે અવશ્ય વિચારવું જોઇશે. કોરોના કાળમાં ગરબો અંતર્મુખી થવાના સંકેતો આપે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Tr5FkE
ConversionConversion EmoticonEmoticon