કંટાળો આવે એવો એક વ્યાધિ :ખંજવાળ


'વ લૂર' એટલે ખંજવાળ, ખણજ, ખણ અથવા ચળ. આયુર્વેદમાં એને કંડૂ અને અંગ્રેજીમાં 'ઈચિંગ' કહે છે. ચામડીના મોટાભાગના રોગોમાં ખંજવાળ એ મુખ્ય લક્ષણ હોય છે. સફેદ દાગ કે સોરાયસીસ જેવા વ્યાધિમાં ખંજવાળ જવલ્લે જ જોવા મળે છે.

આયુર્વેદની દ્રષ્ટિએ ખંજવાળ એ કફદોષની વિકૃતિનું પરિણામ છે. અત્રે એ, વાતને સમર્થન આપતું સૂત્ર યાદ રાખવા જેવું છે न कफेन विना कंडू' કફ વિના ખંજવાળ નહીં. (न वातेन विना शूलं'  વેદના, દુ:ખાવો કે શૂળ હોય ત્યાં વાયુ હોવાનો જ અને न पितेन विना दांह' જ્યાં ક્યાંય બળતરા થાય ત્યાં પિત્તની દ્રષ્ટિ સમજી લેવી.) આવા નાનકડા સૂત્ર દ્વારા નિદાન અને ચિકિત્સાની આખી એક દિશા જ ખૂલી જતી હોય છે.

કફ સ્વભાવથી ચીકણો, ઢીલો અને ધીમો છે. આ દ્રષ્ટિએ જ કફથી થનારા રોગો લાંબા ગાળે મટે તો આશ્ચર્ય નથી.

ખંજવાળનો વ્યાધિ જેટલો કંટાળાજનક એટલો જ લપળો પણ હોય છે. દરદી દવાઓ લઇ લઇને કંટાળી જાય છે. બીજા રોગો કરતાં - ચામડીના રોગોમાં પરેજી પણ ચુસ્ત હોય છે. આથી લાંબા ગાળા સુધી ચિકિત્સા ચાલે તો દરદીને માનસિક રીતે અણગમાનો અનુભવ થતો હોય છે.

ખૂજલી આખા શરીરમાં કે શરીરના કોઇ એક ચોક્કસ ભાગમાં થતી હોય છે. સ્થાનનું નામ જોડી એને જુદા જુદા નામ આપવામાં આવે છે. જેમ કે માથામાં આવતી ખંજવાળને 'શિર:કંડૂ', આંખમમાં થતી ખૂજલીને 'નેત્રકંડૂ' અને કાનમાં આવે તો 'કર્ણકંર'. નાના બાળકોને કે મોટાઓને કૃમિ થાય ત્યારે ગુદાના ભાગમાં જે ખંજવાળ આવે તેને 'ગુંદકંડૂ' કહે છે. વૃષણના (ગુપ્ત) ભાગમાં આવતી ખંજવાળને 'વૃષ્ણ કંડૂ' કહે છે. એ જ રીતે બહેનોને યોનિના ભાગમાં જે ખંજવાળ આવે તેને 'યોનિકંડૂ' કે 'ભગકંડૂ' કહે છે.

વલૂરના કારણો

ચામડીના રોગોના જે સામાન્ય કારણો છે તે બધા વલૂરના પણ કારણો કહી શકાય. વધુ પડતું મીઠું, રોજેરોજ અને રાત્રે કરવામાં આવતું દહીનું સેવન, દહીં નાખીને અથવા તો એમ જ આથો આવીને તૈયાર થતા ખાદ્ય પદાર્થો જેવાં કે હાંડવો, ઢોકળા, ઈડલી, ઢોસા વગેરે. પાઉંનો વધુ પડતો ઉપયોગ પણ ખૂજલી અને ચામડીના રોગો કરવામાં નિમિત્ત બની શકે. વધુ પડતો ગોળ, ખાંડ કે મીઠાઇ, શિખંડ, ફ્રૂટસલાડ, મિલ્કશેઇક, દૂધ અને ફળોના મિશ્રણથી તૈયાર થતો આઇસક્રીમ, કેળાં, મગફળી, તલ, અડદ, દિવસની ઊંઘ, ઉજાગરા, સવારે મોડે સુધી ઊંઘી રહેવાની આદત, અસ્વચ્છતા, (ખંજવાળવાળા) ચામડીના રોગો થયા હોય તેવા દરદીનો સતત કે ગાઢ સંપર્ક, આગળનું ખાધેલું બરાબર પચ્યું ન હોય તો પણ ઉપરાઉપરી કંઇ ને કંઇ ખાધા કરવાની કુટેવ, જૂની કબજિયાત, એલર્જી અને વિરુદ્ધ આહાર એ ખૂજલી જેવા ચર્મરોગોના મુખ્ય કારણ છે.

ખંજવાળની સારવાર

ઉપર જે લોહીવિકારના કારણો ગણાવ્યા તેનો ત્યાગ અને લીલીહળદર, તાંદળજો, પરવળ, મીઠા વિનાના મોળા, બાફેલા મગ, રોટલી, ભાખરી, ખાખરા જેવા પથ્ય પદાર્થોનું માપસર સેવન એ સારવારની પૂર્વભૂમિકા છે. ખૂજલીના દર્દીએ કાયમ કરંજ, લીમડાના પાન કે ખેરછાલનો ભૂકો નાખી ઉકાળેલા પાણીથી નહાવું જોઇએ.

કબજિયાત રહેતી હોય તો ત્રિફળા, હરડે અથવા તો સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ આમાંથી આવે તેવું પાંચ ગ્રામ જેટલું ચૂર્ણ રોજ રાત્રે ફાકી જવું. સખત કબજિયાત હોય તો અશ્વકંચૂકી અથવા તો ઈચ્છાભેદી રસ અનુકૂળ માત્રામાં (એકથી બે ગોળી) લઇ શકાય. ચામડીના રોગોમાં મહામંજિષ્ઠાદિકવાથ પરિણામપ્રદ ઔષધ છે. વીસ ગ્રામ જેટલો ભૂકો ચાર કપ પાણીમાં પલાળી ધીમા તાપે ઊકાળવો. પોણો કપ પાણી બાકી રહે એટલે ગાળીને પીવું. સવારસાંજ આ ક્રમ ચાલુ રાખવો. આજકાલ મહામંજિષ્ઠાકાદિકવાથ તૈયાર પણ મળે છે. સવાર સાંજ ચાર ચમચી કવાથ એટલું જ પાણી મેળવીને નિયમિત પીવાથી ખૂજલી અને ચામડીના રોગોમાં પણ ધાર્યું પરિણામ મળે છે.

આરોગ્યવર્ધિની, કિશોરગૂગળ અને ગંધકરસાયન આ ત્રણેની બે બે ગોળી સવાર સાંજ ચાવી જઇ ઉપર પાણી પીવાથી ગમે તેવી વલૂર હોય તો પણ કાબૂમાં આવી જાય છે.

આંતરિક ચિકિત્સાની જેમ વલૂરમાં બાહ્ય સારવાર પણ અત્યંત જરૂરી છે. જે ભાગમાં ખંજવાળ આવતી હોય ત્યાં ચર્મરોગહર તેલ, મહામરિચ્યાદિ તેલ અથવા અર્ક તેલની માલિશ કરવી. રોજ રાત્રે તેલ લગાવીને સૂઇ જવું. સવારે લીમડાના પાણીથી સ્નાન કરવું. ખંજવાળ માટે બીજું એ કે 'કચ્છુ રાક્ષસ તેલ' પણ આવે છે. 'કચ્છુ' એટલે ખંજવાળ અને ખંજવાળનો નાશ કરે છે તે 'કચ્છુ રાક્ષસ તેલ'.

ચિકિત્સાનો જેમનો બહોળો અનુભવ છે તેમને આવી આયુર્વેદીય સારવારથી જે પરિણામ મળે છે તેના પર પૂરો વિશ્વાસ હશે.

સ્થાન પ્રમાણે ખંજવાળની સ્વતંત્ર ચિકિત્સા ખંજવાળ જો માથામાં આવતી હોય તો આગળ લખેલી આંતરિક ચિકિત્સા સાથે માથામાં કરંજ કે લીંબોળીનું તેલ નાખવું. ગુદાના ભાગમાં ખંજવાળ હોય તો કૃમિનું નિદાન કરી વિડંગારિષ્ટ, કૃમિવિકાર, હરકવાથ, કૃમિકુઠારરસ, કૃમિઘ્ન ચૂર્ણ, કપિલ્લકનું વિરેચન ખૂબ જ ફાયદો કરે છે. આંખમાં ખંજવાળ આવતી હોય તો ત્રિફળાનું પાણી છાંટવું અને યોનિના બાહ્ય કે આંતરિક ભાગમાં ખંજવાળ આવતી હોય તો આગળ કહેલી આંતરિક ચિકિત્સા ઉપરાંત પંચવલ્કલ કવાથ, ત્રિફળા કવાથ, ખેરના કવાથથી જે તે ભાગને બરાબર સાફ કરવો. ચંદનબલાલાક્ષાદિ તેલનું પોતું મૂકવું. જે તે ભાગની સ્વચ્છતા રાખવી. ચંદ્રપ્રભાવટી, ગળોઘનવટી, મંજિષ્ઠાદિઘનવટી, ગંધકરસાયન, પંચનિમ્ખાદિઘનવટી અને ચોપચિન્યાદિ ચૂર્ણ પણ ખૂબ સારું પરિણામ આપી શકે છે.

આરોગ્યમંત્ર

રોગ નાનો એવો હોય તો પણ એના તરફ બેદરકાર રહેવું બરાબર નથી. આથી સમયસર સારવાર કરી એને ઊગતા જ ડામી દેવો એ ડહાપણ છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35HXxSz
Previous
Next Post »