
બડો બાદશાહી ખજાનો મળ્યો છે,
મને એક કાગળ મજાનો મળ્યો છે !
ખૂલા દ્વાર છે રૂપની દોલતોના,
લૂટારોય મોટા ગજાનો મળ્યો છે !
હવેલીમાં એની વિના રોકટોકે,
ઈજારો મને આવ-જાનો મળ્યો છે !
હતી બે ઘડી પ્યારની આશ મારી,
અને એક આખો જમાનો મળ્યો છે !
- પારસ પટેલ
સારા શગુફ્તા જ્યાંથી પસાર થાય છે એ રસ્તે હવાની છાતીમાં એક સન્નાટો ઉતરી આવે છે. આ સન્નાટો એટલે સારાની શાયરી. સારાની કવિતામાં એ તાકાત હતી જે સમાજના પિતૃસત્તાક ઢાંચાને ઉથલાવી શકે. એની કવિતાની રચનાત્મકતા દિશાઓ અને કાળની જંજીરોને તોડવાનો પ્રયાસ કરે છે.
એ સમયમાં રૂઢીવાદી સમાજના પુરુષો માનતા કે જ્ઞાાન પર માત્ર પુરુષોનો જ માલિકી હોય શકે. કોઈ સ્ત્રી કૌવતતી જ્ઞાાનના ક્ષેત્રે પોતાની હાજરી નોંધાવે તો પુરુષ સમાજ સૌપ્રથમ એને બહિષ્કૃત કરવાની કોશિશ કરતો. આ જ સમાજ જ્યારે સારાના વિદ્રોહી તેવર, તર્ક, વિચારો અને ચિંતન પાસે વાણા સાબિત થયા ત્યારે તેઓએ સારાને પાગલ ઠરાવી. સ્ત્રીને માત્ર ઉપભોગનું સાધન માનતા પુરુષ સામે સારા તીવ્રતાથી અવાજ ઉઠાવે છે.
એનો આક્રોશ એટલો બેધડક અને વેધક હતો કે એ સૌના દ્વેષ અને નિંદાનું કારણ બની. તસ્લીમા નસરીનને પણ એના તેજાબી લખાણોનાં કારણે બાંગ્લાદેશમાંથી તડીપાર કરવામાં આવ્યા હતા.
સંવેદનાઓને સરનામું આપવાની ઝંખનામાં સારા ચાર વખત લગ્ન કરે છે, ચાર વખત પાગલખાને જાય છે ને ચાર વખત આપઘાતના પ્રયત્ન પણ કરે છે. એ કહે છે કે 'કભી મૈ દીવારોં મેં ચિની ગયી, કભી બિસ્તર પર ચિની જાતી હૂં.' શરીર તો ચૂંથાઈ ગયેલું. બસ, એક આત્મા હતો જેને સારાએ મસ્જિદની ઇંટની માફક બચાવીને રાખ્યો હતો.
પાગલખાનામાં એને દિવસના ૨૧-૨૧ ઇલેક્ટ્રિક શોક આપવામાં આવતા. એની તબિયત પણ સારી ન રહેતી. પાગલખાના બેસીને પણ એણે સ્ત્રીઓની ડાયરી લખી.
૧૯૮૦મા જ્યારે સારા ભારત આવી ત્યારે દિલ્હીના અમુક સભ્ય વિસ્તારમાં એના આગમનથી હલચલ મચી ગઈ. દિલ્હીના કોફીહાઉસમાં એ પુરુષો વચ્ચે બેસી વિવિધ વિષયો પર ચર્ચા કરતી. વાત વાતમાં ખડખડાટ હસતી. પુરુષોનાં બંધનો સામે લાલ આંખ કરે છે. મર્દોની મહેફિલમાં બેસી પોતાની નઝ્મ વડે સમાજના જડ વિચારો, અંધશ્રદ્ધા તેમજ જોહુકમી સામે પડકાર ફેંકે છે.
લોકો એના પતિને કહેતા કે 'તારી પત્ની શાયરા તો સારી છે પણ દુપટ્ટાની સુઝબુઝ નથી'. ત્યારે સારાએ અમૃતાને પત્રમાં પૂછેલું.. ' અમૃતા, મુઝે કોઈ નઝર આયે તો મૈ સઝદા કરતી હું. ફિર ભલા સિર કે પટ્ટે કા સઝદે સે ક્યા તાલ્લુક હૈ?' બુરખો કે ઘૂંઘટ પહેરવા સામે એનું હૃદય બંડ પોકારતું અને એ પછી બેસતી..' અપની આંખ કે પાસ રહને સે ક્યા ઔરત આવારા કહલાતી હૈ?' સારાએ લખ્યું કે 'જખ્મોને સીવવાની વાત તો સાંભળી હતી પણ અહીં તો મારી ખુલ્લી આંખોને સીવવાની કોશિશ થઈ રહી છે.'
મસ્જિદની ઇંટોમાં એ તાદત્મ્ય અનુભવતી. એને લાગતું કે મસ્જિદની ઇંટોમાં ઈશ્વરની આંખ છે. સારાની કવિતા ઈશ્વરની આંખ બનીને બધું જોતી રહી. ધરતી પર જેટલા દુભાયેલા, સતાવાયેલા લોકો છે એમની ચીસોએ સારામાં આશ્રય શોધી લીધો હતો. તેઓની ચીસોને સારાએ ગોદમાં લીધી હતી. એણે કહેતી.. મેરે કબિલે કી કોખ સે જબ ચીંખે પૈદા હુઈ, તો મૈને કોદ સે બચ્ચા ફેંક દિયા, ઔર ચીખ કો ગોદ મેં લે લિયા..'
'મેરા કબીલા'નો અર્થ અહીં સ્ત્રીઓ સાતે છે જે પુરુષોના હાથે જિંદગીભર દારુણ પીડા ભોગવતી હોય છે. એ કહેતી કે ઔરત અપને આંસુઓ સે વુજૂ કર લેતી હૈ. મેરે લબ્ઝોને કભી વુજૂ નહીં કિયા. ઔર રાત ખુદાને મુઝે સલામ કિયા.' એનો પતિ એને એટલું મારતો કે એના શરીર પર લીલા સોળ પડી જતા. ઝખ્મોની મોત ક્યા થાય છે! ંર્કદી ન રુઝાતા આ વ્રણની અસહ્ય પીડાએ એને હમેશની બેચેની આપી. બેગુનાહીની સજા અપરાધ કરતા મોટી હતી.
સારાનો પરિવાર હિંદની ભૂમિના ભાગલા પડયા એ દર્દ દિલમાં સમાવીને પંજાબથી પાકિસ્તાન જતો રહ્યો. જ્યારે સારાના પિતાએ એની માને બીજી સ્ત્રી માટે તરછોડી ત્યારે એણે કહ્યું..'મેરી માને હમ બચ્ચો કો અપની ભૂખ મેં શામિલ કર લિયા' એ કહેતી કે 'ખુદા તો ચાંદ કી સ્યાહી સે રાત લિખતા હૈ, લેકિન ખુદા કે બંદો ને રાત કી સ્યાહી સે મેરે દિન લિખ દિયે થે'. આસમાનમાંથી એક તારો તૂટયો હતો જેનું નામ સારા શગુફ્તા હતું. તૂટતા તારાથી આકાશમાં જે તેજતર્રાર સળગતી રેખા બની એ સારાની કવિતા હતી. જમીન પર પડતા એના કંઈ કેટલાયે ટુકડાં થયા. એ બધા જાણે સળગતા અક્ષરો હતા.
એ અક્ષરો કાગળ પર મૂકવાથી કાગળ નહોતો સળગતો, વાચકનું રોમ રોમ સળગતું હતું અને દિલ પર ફરફોલા ઉઠા હતા. સારાના ત્રણ બાળકો એની પાસેથી છીનવી લેવામાં આવ્યા ત્યારે એ તડપી ઉઠી.. 'મેરે તીનો ફૂલ પ્યાસે હૈ, મૈ ઠંડી યખ કબ્ર કા સવાલ કર રહી હૂં, યા તો મી રોઉંગી, યા મેરી કબ્ર રોએગી.'
પરવીન શાકીર કે ફહમિદા રિયાઝ જેવી શાયરા સારા શગુફ્તાની સમકાલીન હતી. પણ સારાનો અવાજ સૌથી અલગ અને બળુકો હતો. પરવીનની કવિતાનો ઢંગ ગાલીબની યાદ આપતો. જ્યારે સારાની કવિતામાં જિંદગીની અધૂરપનું વર્ણન અને નિ:શબ્દ સંવેદનાઓની અભિવ્યક્તિ જોવા મળે છે. પરવીન શાકિરે સારાને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે 'સારાને જે દર્દ મળ્યું તેનો બોજો તેણે જાતે જ ઉઠાવ્યો છે. તેણે જાતને નશામાં ડૂબાડી નથી. એસ્કેપીઝમ નથી અપનાવ્યું.' સારાની તુલના અમેરિકી કવયિત્રી લ્લ્વીયા પ્લાથ સાથે કરવામાં આવે છે. આ બંનેના દિલ અને દર્દ એકસરખા છે.
અભિવ્યક્તિમાં માત્ર ભાષાનું માધ્યમ અલગ છે. બંનેની કવિતામાં નારી સંવેદના, દર્દ અને અવસાદ ખૂબ ઉગ્રતાથી અભિવ્યક્ત થયા છે. અમૃતા પ્રીતમ એના પુસ્તક 'એક થી સારા'ને 'નામુરાદ કિતાબ' એટલે કહે છે એ સારાના મૃત્યુ પછી લખાયું હતું. સારા શગુફ્તા સાથે અમૃતાની મુલાકાત થઈ એ પછી એક એવો દોસ્તીનો દસ્તાવેજ લખાયો જેણે એ પુસ્તકને જન્મ આપ્યો. અમૃતા જે હવ્વાના (વિશ્વની પ્રથમ સ્ત્રી) નામે પત્રો લખ્યા હતા એ હવ્વા જાણે સારા હતી.
સારાની કવિતા એક એવા સમયના મરશિયા છે જ્યો લોકોનો વિવેક ઊંડા, અંધ કૂવાના તળિયે સંતાઈને બેઠો હતો. એની કવિતા એવી રૂદાલી છે જે મૃત્યુ પર નહીં પણ સંવેદનના મૃત્યુનો શોક મનાવે છે. સારાની કવિતા મૌન પડેલા ઈતિહાસની દીવાલો પર ટકોરા માર્યા કરશે અને સ્ત્રીનો શાશ્વત સવાલ પૂછ્યા કરશે.. 'બોલો, મેરા ઘર કહાં હૈ?' 'બદન મેં બહુત દિન તક કૈદ રહતી હૈ તો રૂહ મેં જંગ લગ જાતા હૈ.' કહેતી સારાએ ૪ જૂન, ૧૯૮૪માં રેલવે લાઈન પર આત્મહત્યા કરે છે અને વિના ટિકિટે જોજનો દૂરનો પ્રવાસ આદરે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hMz83k
ConversionConversion EmoticonEmoticon