
પો તાની સિદ્ધિઓને બદલે બીજાની સફળતાને મહત્વ આપવાની વિશેષતાં જૂજ જોવા મળે છે. આ એવો ગુણ છે કે, જે સહિયારા પ્રયાસથી થતી લક્ષ્ય પ્રાપ્તિમાટે અત્યંત જરુરી છે. જ્યાં સુધી આ પ્રકારના મૂકસેવકોનો પુરુષાર્થ પ્રાપ્ત થતો નથી, ત્યાં સુધી નિર્ધારિત ધ્યેય સુધી પહોંચી શકાતું નથી.
પોતાની પરવા કર્યા વિના બહુજન હિતાય અને બહુજન સુખાય ની ચિંતા કદાચ તેમના બલિદાન પ્રમાણેના માન-અકરામ ન મળે પણ સામુહિક આગેકૂચના પાયામાં તો તેમના બલિદાન સિવાય કશું હોતું નથી. ભારતીય ક્રિકેટ જગત આજે દુનિયામાં ટોચના સ્થાને પહોંચી ગયું છે. ભારતીય ટીમ અને ખેલાડીઓએ દુનિયાભરની ટીમો પર પોતાનો આગવો ખૌફ પેદા કર્યો છે.
સફળતાના સાતમા આસમાને પહોંચેલી ભારતીય ટીમની આ વિકાસયાત્રાના પાયામાં વર્ષોવર્ષની મહેનત અને અનેક જાણીતા અને અજાણ્યા ક્રિકેટરોનુ યોગદાન રહેલું છે, જેને ક્યારેય નકારી શકાય તેમ નથી. ભારતીય ક્રિકેટને છેલ્લા દાયકાઓમાં મળેલા ધુરંધર ઓપનરોની નિર્ભિક અને સાહસિક બેટીંગના પાયામાં પણ તેમના પૂરોગામીઓએ ઘુંટેલા આત્મવિશ્વાસનો પ્રભાવ સ્પષ્ટ જોઈ શકાય છે અને આ વિકાસયાત્રાની એક મહત્વની કડી સમાન ઓપનિંગ બેટ્સમેન ચેતન ચૌહાનને કેમ ભૂલી શકાય ?
વિશ્વભર પર ભરડો લેનારી મહામારી સામે ઝઝૂમ્યા બાદ આખરે ચેતન ચૌહાણની જિંદગીની ઈનિંગની સમાપ્તિ થઈ પણ તેમનો લડાયક જુસ્સો અને નિર્ભિક અંદાજ ભારતીય ક્રિકેટમાં કાયમ માટે અકબંધ રહેશે તે નક્કી છે. ચેતન ચૌહાને ૧૨ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ૪૦ ટેસ્ટ અને ૭ વન ડેમાં ભાગ લીધો હતો.
વિશિષ્ટ ડિફેન્સિંગ કૌશલ્ય અને પીચ પર ટકી રહેવા માટે જાણીતા ભારતીય ઓપનરને ક્યારેય ત્રણ આંકડાના સ્કોર સુધી પહોંચી શક્યા નહતા. જોકે, આંકડાકિય સફળતા જ ક્રિકેટ જેવી સાંઘિક રમતમાં ખેલાડીની પ્રતિભાના મૂલ્યાંકનનો એક માત્ર માપદંડ હોતો નથી અને સાથી ખેલાડીની સિદ્ધિ તેમજ ટીમની સર્વોેપરિતાને વરેલા ખેલાડીઓની યાદીમાં ચેતન ચૌહાનનું નામ મોખરાની હરોળમાં છે.
ઉત્તર પ્રદેશના મેરઠના રાજપૂત પરિવારમાં આઝાદીના ગણતરીના દિવસો પૂર્વે ચેતન પ્રતાપ સિંહ ચૌહાનનો જન્મ થયો હતો. તેમના પિતા સૈન્યમાં અધિકારી હતા અને તેમની બદલી થતાં ૧૩ વર્ષના ચેતન પણ પરિવારની સાથે પૂણે સ્થાયી થયા. અહી જ તેમની ક્રિકેટર તરીકેની કારકિર્દીનો પર પ્રારંભ થયો. તે સમયે મુંબઈ ભારતીય ક્રિકેટનું હબ હતુ. પૂણેના જાણીતા કોચ સ્વ. કમલ ભંડારકરની અનુભવી નજરો હેઠળ તેમની કારકિર્દીનું ઘડતર થયું.
ચંદુ બોરડે થી લઈને સુનિલ ગાવસ્કર સહિતના ઘણા દિગ્ગજ બેટ્સમેનોની કારકિર્દી અને બેટીંગ ટેક્નિકમાં કમલ ભંડારકરના કોચિંગનો સિંહફાળો રહેલો છે. મુંબઈના ક્રિકેટમાં અત્યંત તીવ્ર હરિફાઈની વચ્ચે પોતાની આગવી ઓળખ ઉભી કરનારા ચેતન ચૌહાન કોલેજ લેવલની ટુર્નામેન્ટમાં પણ સુનિલ ગાવસ્કરની સાથે ઓપનિંગમાં ઉતર્યા હતા.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સપ્ટેમ્બર, ૧૯૬૯માં પદાર્પણ કરનારા ચેતનની શરુઆત અત્યંત ધીમી રહી હતી. તેમની બેટીંગમાં નિર્ભિકતા હતી અને ઓપનિંગ બેટ્સમેન તરીકે પીચ પર ટકીને હરિફ ખેલાડીઓના હોંસલાને પસ્ત કરવામાં તેઓ માહેર હતા. જોકે કારકિર્દીના શરૂઆતના પાંચ વર્ષમાં તેઓ ખાસ પ્રભાવ પાડી ન શક્યા અને તેમને ટીમમાંથી પડતા મૂકવામાં આવ્યા. આ દરમિયાન બિશન સિંઘ બેદી તેમને ઈ.સ. ૧૯૭૬માં દિલ્હી લઈ આવ્યા. જ્યાં તેમણે તેમની કારકિર્દીને નવેસરથી નિખાર આપ્યો.
દિલ્હી આગમનના બીજા વર્ષે એક પ્રી સિઝન પ્રેક્ટિસ મેચમાં બોલના ઉછાળને માપવામાં ચેતને થાપ ખાધી અને બોલ તેમના ચહેરા સાથે ટકરાયો. તેમના કેટલાક દાંત પડી ગયા અને લોહી નિંગળતી હાલતમાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને જડબાનું ફ્રેક્ચર થયું હોવાનું નિદાન થયું.
ડોક્ટરોએ તો ચેતનને ત્રણ મહિના સુધી ક્રિકેટથી દૂર રહેવાની સલાહ આપી હતી, પણ થોડા જ સપ્તાહ બાદ ચેતને ફરી પ્રેક્ટિસ શરુ કરી અને પુનરાગમન કર્યું. જડબામાં ફ્રેક્ચર હોવાથી તેઓ માત્ર પ્રવાહી જ લઈ શકતાં અને આમ છતાં તેમણે ઘરઆંગણાની ટુર્નામેન્ટમાં ફાઈનલ સહિત લગલગાટ ત્રણ મેચોમાં સદી ફટકારીને સનસનાટી મચાવી દીધી. જેના કારણે ભારતીય ટીમમાં પાંચ વર્ષના વિરામ બાદ તેમનું પુનરાગમન થયું અને આ વખતે તેઓનો આત્મવિશ્વાસની ઝલક તેમની બેટીંગમાં સ્પષ્ટ જોવા મળતી હતી.
પુનરાગમન બાદ વિદેશની ધરતી પર કારકિર્દીની સૌપ્રથમ ઈનિંગ રમતાં તેમને જેફ થોમ્પસન જેવા ખૂંખાર ફાસ્ટ બોલરનો સામનો કરતાં ૮૮ રન ફટકાર્યા હતા. આ સાથે તેમની અને ગાવસ્કરની જોડીએ ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં ઓપનિંગ ભાગીદારીના એક યાદગાર અધ્યાયનો પ્રારંભ કર્યો.
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ બાદ પાકિસ્તાન પ્રવાસ દરમિયાન લાહોર ટેસ્ટમાં અત્યંત તંગદિલી અને ચાલીસ હજારથી વધુ પાકિસ્તાની સમર્થકોની સામેના માનસિક સંઘર્ષમાં ચેતન ચૌહાન અને સુનિલ ગાવસ્કરે ભારતના પ્રભુત્વને જાળવી રાખ્યું હતુ. જોકે પાકિસ્તાને અમ્પાયરોને પોતાની તરફેણમાં કરી લેતાં ભારતને હારનો સામનો કરવો પડયો હતો.
ચેતન ચૌહાન ઓપનર તરીકે પોતાની ભૂમિકાને ખુબ જ સારી રીતે સમજતાં હતા. તેઓ એક છેડો સાચવી રાખવાની સાથે બોલરોના જોશને ઠંડુ પાડતાં અને સામેના છેડેથી ગાવસ્કર રન ગતિને વધારતાં. ચેતન ચૌહાન પણ અચ્છા સ્ટ્રોક ફટકારી શકતાં પણ તેઓ ટીમની જરુરિયાતને સમજીને પોતાની ભૂમિકાને અસરકારક રીતે ભજવતા. ગાવસ્કર અને ચૌહાનની જોડીએ દસ વખત શતકીય ભાગીદારી કરવાની સાથે ભારતીય ક્રિકેટમાં તત્કાલીન રેકોર્ડ નોંધાવ્યો હતો. તમામ ભાગીદારીઓમાં સર્વશ્રે ભાગીદારી ૧૯૭૯ના ઈંગ્લેન્ડ પ્રવાસમાં રમાયેલી શ્રેણીની ચોથી ઓવલ ટેસ્ટમાં જોવા મળી હતી.
જેમાં જીતવા માટેના ૪૩૮ રનના વિરાટ સ્કોરનો પીછો કરતાં ગાવસ્કર અને ચૌહાનની જોડીએ બેવડી શતકીય ભાગીદારી નોંધાવી હતી. બોબ વિલિસ-ઈયાન બોથમ જેવા બોલરોનો સામનો કરતાં આ જોડીએ ઐતિહાસિક જીતની આશા જન્માવી હતી, પણ અફસોસ તે ટેસ્ટ ડ્રોમાં પરિણમી હતી પણ આ અનુભવે ભારતીય ક્રિકેટને નવા પડકારો માટે તૈયાર કર્યું.
આ જ સિરીઝમાં ચેતને તેમના વતન ઉત્તર પ્રદેશમાં રમાયેલી કાનપુર ટેસ્ટની બંને ઈનિંગમાં ૫૦થી વધુનો સ્કોર કર્યો હતો. આ પછી ડિસેમ્બર-૧૯૭૯માં પાકિસ્તાન સામે કાનપુરમાં રમાયેલી ટેસ્ટમાં તેમણે આશરે સાડા પાંચ કલાક ક્રિઝ પર ટકી રહીને અડધી સદી ફટકારી હતી.
ઈ.સ. ૧૯૮૧ના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પણ ચેતને પાંચ કલાકથી વધુ સંઘર્ષ કર્યો હતો પણ તે માત્ર ત્રણ રન માટે સદીથી દૂર રહ્યા હતા. કારકિર્દીમાં એક પણ વખત ત્રણ આંકડાના સ્કોર સુધી ન પહોંચી શકવાના અનોખા રેકોર્ડને ક્યારેય તેમણે પોતાની અફસોસજનક સિદ્ધિ માની નહતી. તેઓ ક્રિઝ પર તેમની ભૂમિકા નિભાવીને એક પ્રકારનો સંતોષ અનુભવતા હોય તેમ બધાને લાગતુ. આ પછી ૧૯૮૧નો ન્યૂઝીલેન્ડ પ્રવાસ તેમની કારકિર્દીનો અંતિમ પડાવ બની રહ્યો.
એક ખેલાડી તરીકે નિવૃત્ત થયા બાદ પણ તેઓના જીવનમાં ક્રિકેટ સર્વોચ્ચ સ્થાન પર જ રહ્યું. દિલ્હીના ક્રિકેટથી માંડીને મેદાનને તૈયાર કરવામાં તેમણે અંગત રસ લીધો અને જુદા-જુદા હોદ્દા પર સુદીર્ઘ સેવાઓ આપી. રાજકીય કારકિર્દીમાં પણ તેમણે સફળતા મેળવી અને રાજકીય સફરની સાથે સાથે તેમણે ક્રિકેટ સાથેનો સ્નેહનો સેતુ ક્યારેય તુટવા દીધો નહતો.
ભારતીય ક્રિકેટના અનેક દિગ્ગજોની કારકિર્દીને નિખારવામાં અને પ્રતિભાઓને ઘડવામાં ચેતન ચૌહાનને અમૂલ્ય પ્રદાન આપ્યું. કોરોના મહામારી સામેના સંઘર્ષમાં પણ તેઓએ તેમની બેટીંગ શૈલીની જેમ જ જબરજસ્ત સંઘર્ષ કર્યો અને આખરે તેઓ વિજયની રેખા સુધી પહોંચી શક્યા નહતા.
ભારતીય ઓપનિંગમાં દિલ્હીના દબદબાનો શ્રેય પણ ચેતન ચૌહાનને જાય છે. તેમના જેવા ટીમ-મેન અને સદાય ક્રિકેટ માટે કામ કરવા માટે તત્પર રહેતા કર્મઠ અને નિભક ક્રિકેટરની વિદાયથી ભારતીય ક્રિકેટમાં એક પ્રકારનો ખાલીપો સર્જાયો છે, જેને પૂરવો મુશ્કેલ છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3b6nAFB
ConversionConversion EmoticonEmoticon