
લુઈ પેશ્ચર: હડકવા
૧૮૨૩માં વતનમાં એડવર્ડનું નિધન થયું, તેના આગલા વર્ષે એકાદ હજાર કિલોમીટર દૂર દક્ષિણે ફ્રાન્સમાં લુઈ પેશ્ચરનો જન્મ થઈ ચૂક્યો હતો. રસીકરણનું સંશોધન આગળ ધપાવવાનું મહત્ત્વપૂર્ણ કામ લુઈએ કર્યું. મૂળ તો લુઈ કળાના ચાહક હતા અને તેમાં જ આગળ વધવા માંગતા હતા, પરંતુ સંજોગોએ તેમને વિજ્ઞાાન તરફ વાળી દીધા.
લુઈએ વિજ્ઞાાન જગતમાં ઘણા વાવટા ખોડયા છે, જેમાં બે સૌથી નોંધપાત્ર છે. એક દુધને લાંબો સમય સાચવી શકાય એ માટે પેશ્ચરાઈઝેશન એટલે કે આથો આવવાની પદ્ધતિ શોધી. આખી દુનિયા તેના કારણે જ ડેરીમાં અમુક દિવસ પહેલા બનેલું દૂધ પણ પોતાના ઘરે ફ્રીજમાં રાખીને વાપરી શકે છે.
વળી આથો આવવાની પ્રક્રિયામાં જીવાણુનો રોલ મહત્ત્વનો છે એ પણ લુઈએ જગત સમક્ષ રજૂ કર્યું. એ જમાનામાં ફ્રાન્સના સિલ્ક ઉદ્યોગ પર આફત આવી હતી. કેમ કે જેમાંથી સિલ્ક બનતું હતું એ કિડામાં કોઈક રોગ પ્રવેશ્યો હતો. લુઈએ તેનો અભ્યાસ કર્યો, એ દરમિયાન જ જંતુશાસ્ત્રમાં તેમને રસ પડવાનો શરૂ થયો.
બીજું કામ લુઈએ કર્યું રસી શોધવાનું, હડકવાની રસી. બુલેટ આકરનો હડકવા (રેબીઝ) વાઈરસ શરીરમાં થઈ કૂતરાના મજગમાં ઘૂસે અને મગજ ફેરવી નાખે. એ પછી કૂતરું અત્યંત આક્રમક સ્વભાવ ધારણ કરે અને જે સામે મળે તેને કરડે. કૂતરાનું મોત થાય, જેને કરડે એનું પણ મોત થાય. એ જમાનામાં (અને હજુ હમણાં સુધી) કોઈને હડકાયું કૂતરું કરડે ત્યારે મોટે ભાગે તો મૃત્યુ સિવાય કોઈ રસ્તો ખુલ્લો રહેતો નહીં. જે સારવાર કરવામાં આવતી એ પણ વળી ક્રૂર હતી.
કેમ કે જ્યાં હડકાયું કૂતરું કરડયું હોય તેની આસપાસના વિસ્તારમાં ડામ દેવામાં આવતો. એટલે કે લોખંડનો સળીયો ધગધગતો કરી ચામડીમાં ખોસી દેવાતો હતો. 'સારવાર' લેનારને તો પીડા થાય પરંતુ જોનારને પણ થાય. લુઈએ પોતે આ સ્થિતિ જોઈ હતી એટલે જ જ્યારે વિજ્ઞાાન સંશોધનમાં આગળ વધ્યા ત્યારે તેમણે હડકવાની રસી તૈયાર કરી. શરૂઆતમાં લુઈએ રસી માત્ર કૂતરાં માટે જ તૈયાર કરી હતી અને ૧૮૮૪ સુધીમાં કૂતરાં પર પ્રયોગો કરી સફળતા મેળવી લીધી હતી. પરંતુ મનુષ્ય પર રસીનો પ્રયોગ કરતાં તેમને ડર લાગતો હતો.
યોગાનુયોગે બીજા વર્ષે ૧૮૮૫માં તેમને તક મળી. જોસેફ નામના નવ વર્ષના બાળકને હડકાયું કૂતરું કરડયું. એ કૂતરાંએ વળી બે-પાંચ નહીં ૧૪ બચકાં ભર્યા હતા. એ જાણ લુઈને મળી એટલે એમણે ડૉ.ગ્રાનચેર સાથે મળીને બાળકની સારવાર કરી. દસ દિવસમાં કુલ ૧૩ ઇન્જેક્શન અપાયા, જેમાં લુઈએ શોધેલી દવા હતી. થોડા દિવસ પછી પરિણામ આવ્યું અને લુઈની શોધ સફળ રહી. જોસેફ સાજો થયો અને તેને ફરી ક્યારેય હડકવાની અસર જોવા મળી નહીં.
એ સાથે જગતમાં એ પ્રથમ કિસ્સો બન્યો, કે જ્યારે હડકવાની સારવાર ડામ કે અન્ય ઉપાયને બદલે દવાથી સફળતાપૂર્વક કરવામાં આવી હતી. એ જ વર્ષે કૂતરું કરડયો હોય એવો ૧૫ વર્ષનો એક ટીનેજર પણ લુઈ પાસે આવ્યો અને તેને પણ લુઈએ સાજો કરી દેખાડયો. એ વાતને વ્યાપક પ્રસિદ્ધિ મળી કેમ કે રસી તૈયાર કરવાના નિષ્ણાત તરીકે તો લુઈ પહેલેથી જ પ્રસિદ્ધ હતા. હડકવાની રસીની વાત છેક અમેરિકા સુધી પહોંચી અને કેટલાક લોકો તો રસી લેવા છેક ત્યાંથી એટલાન્ટિક ઓળંગીને ફ્રાન્સ સુધી લાંબા પણ થયા.
વધુ સંશોધન થઈ શકે એ માટે ૧૮૮૮માં લુઈએ લેબોરેટરી જ ખોલી નાખી જે આજે 'પેશ્ચર ઈન્સ્ટીટયૂટ' તરીકે જગવિખ્યાત છે.
અમેરિકામાં ૨૦૦૧માં થયેલા આતંકી હુમલા પછી એક રોગચાળો ચર્ચામાં આવ્યો હતો, એન્થ્રેક્સ. કોઈને ત્યાં પરબિડિયું આવે અને ખોલે ત્યાં એમાંથી પાઉડર નીકળે. એ પાઉડર એન્થ્રેક્સનો હોવાની અને આતંકીઓ પાઉડર દ્વારા એન્થ્રેક્સ ફેલાવતા હોવાની ચર્ચાએ જોર પકડયું હતું. એવા ઘણા પરબિડિયાંમાં ખરેખર એન્થ્રેક્સના વિષાણુ હતા પણ ખરા. પરંતુ આભાર લુઈનો કે એ હડકવા સાથે એ વખતે જ એન્થ્રેક્સની રસી પણ શોધી ચૂક્યા હતા. પણ એન્થ્રેક્સ હડકવા જેટલો વ્યાપક રોગચાળો ન હતો, એટલે તેને જોઈએ એટલી પ્રસિદ્ધિ મળી નહીં. વળી એન્થ્રેક્સ, મરઘીમાં થતો કોલેરા.. વગેરે દવા તો લુઈ પહેલા શોધી ચૂક્યા હતા. એ પછી છેવટે હડકવાની દવા શોધી.
અંગત રીતે લુઈ બહુ દુઃખી રહ્યા હતા. તેમના ત્રણ સંતાનો તો બીમારીમાં મૃત્યુ પામ્યા હતા. તો એક દીકરો ૧૮૭૧માં જર્મન-ફ્રાન્સ વચ્ચેના જંગમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. એવા સમયે પણ જર્મન સરકારે કોઈ મદદ ન કરી એટલે લુઈને સરકાર પ્રત્યે નફરત થઈ. નફરતના કારણે જ વર્ષો પછી જર્મન સરકારે મેડલ આપી સન્માન કર્યું ત્યારે લુઈએ તેનો અસ્વીકાર કર્યો હતો.
રસીને કારણે હડકવાના રોગ સાવ મામુલી સંખ્યાબળે પહોંચી ગયો છેે. સુધરેલા દેશો તો વળી પોતાના કૂતરાંઓને પણ હડકવા વિરોધી રસી આપી દે છે. તો પણ જગતભરમાં હડકવાથી મોત તો થતાં રહે છે. જાગૃત્તિના અભાવે કે પછી બીજા કારણોસર અમુક દેશોમાં હજુય કેટલોક વર્ગ આ રસી લેતો નથી કે લઈ શકતો નથી.
હડકાયું કૂતરું કરડે એ પછી સારવાર માટે ડૂંટીની આસપાસ ચૌદ ઈન્જેક્શન લેવા પડતા હતા અને હવે તો પાંચ જ લેવા પડે છે. પરંતુ એ હડકવા થયા પછીનો ઉપાય છે. થાય જ નહીં એ માટે તો રસી લેવી એ જ એકમાત્ર રસ્તો છે.
એ વખતે વેક્સિનેશન શબ્દ એટલો પ્રખ્યાત થયો ન હતો, સંશોધકો તો આ રીતને પેશ્ચર ટ્રીટમેન્ટ તરીકે ઓળખતા હતા. પરંતુ પેશ્ચરે કહ્યું કે જે કંઈ થયું એ પેલા મહા સંશોધક એડવર્ડ જેનરના પ્રતાપે થયું છે. એમણે પહેલી રસી ન શોધી હોત તો હું પણ આ રસી વિજ્ઞાાનમાં આગળ વધી ન શક્યો હોત. માટે આવી સારવારને વેક્સિનેશન નામે વ્યાપકપણે ઓળખવાની શરૂઆત થઈ.
જોનાસ સોક: પોલીયો
૧૯૫૦ના સમયગાળામાં અમેરિકામાં પોલીયો (રોગનું આખું નામ: પોલીયોમીલિટિસ)નો હાહાકાર હતો. ૧૯૫૨ના વર્ષે અમેરિકામાં ૫૩ હજાર કેસ નોંધાયા હતા અને ૩ હજારના મોત થયા હતા. પોલીયોમાં શું થાય એ આપણે સૌ જાણીએ છીએ. અમેરિકાના પ્રમુખ ફ્રેન્કલિન રૂઝવેલ્ટ પણ નાનપણમાં પોલીયોનો ભોગ બન્યા હતા અને શરીરનો કેટલોક ભાગ શીથીલ થઈ ગયો હતો. પણ વીસમી સદીના શરૂઆતી દાયકામાં અમેરિકા જેવો દેશ પણ પોલીયોનો ત્રાસ ભોગવી રહ્યો હતો. ૧૯૧૪માં જન્મેલા જોનાસે અમેરિકાની એ દયનિય સ્થિતિ જોઈ. ૧૯૩૦માં ભણતી વખતે જ જોનાસે રસીકરણ વિજ્ઞાાનમાં રસ લેવાની શરૂઆત કરી દીધી. બીજા વિશ્વયુદ્ધ વખતે ફ્લુની રસી બની રહી હતી એમાં પણ જોનાસે ભાગ લીધો હતો.
૧૯૪૭માં જોનાસ પિટ્સબર્ગ યુનિવર્સિટીની લેબોરેટરીના વડા બન્યા અને તેમને પોલીયોની રસી શોધવા માટે સરકારે મોટુ ફંડ પણ આપ્યું. સોકનું કામ એડવર્ડ જેનર કે લુઈ જેટલું અઘરું ન હતુ. રસી શોધવાના પ્રાથમિક સિદ્ધાંતો તો અગાઉથી શોધાયેલા જ હતા. માટે હવે માત્ર વાઈરસને ઓળખી, તેના ભાગ કરી, નબળા ભાગ પર પ્રહાર કરી શકે એવી દવા તૈયાર કરવાની હતી.
એ કામ જોનાસે કરી દેખાડયું, પોલીયોના દરદી પર પ્રયોગ કર્યો, પોતાની જાત પર પ્રયોગ કર્યો અને પોતાના પરિવારને પણ રસી આપી. બધાના પરિણામો હકારાત્મક આવ્યા એટલે ૧૯૫૩ની ૨૫મી માર્ચે રેડિયો પર જોનાસે જાહેરાત કરી કે પોલીયોની રસી તૈયાર થઈ ચૂકી છે. જનહિતાર્થે જોનાસે તેની પેટન્ટ લીધી નહીં. એટલે જ્યારે જોનાસને ૧૯૫૫માં પૂછવામાં આવ્યું કે આ દવાની પેટન્ટ કોની પાસે છે, ત્યારે જોનાસે જવાબ આપ્યો હતો, જનતા પાસે!
વિવિધ પરીક્ષણો પછી રસી સલામત જણાઇ એટલે આખા અમેરિકામાં સ્કૂલના બાળકોને રસી આપવાનો આરંભ થયો. એ વચ્ચે એક કિસ્સો એવો પણ બન્યો કે ખામી ભરી રસી આપવાથી બસ્સોએક બાળકો પેરેલાઈઝ્ડ બન્યા અને ૧૦નાં તો મોત થયા. ત્યારે જરાવાર પુરતું રસી ઉત્પાદન અટક્યું, પણ અમેરિકામાં પોલીયોના વાર્ષિક કેસ ઘટીને ૬ હજારે પહોંચી ગયા હતા.
જોનાસે શોધી એ રસી ઈન્જેક્શન દ્વારા આપવાની હતી. સીધી વાત છે કે બાળકોને ઈન્જેક્શન લેવું ગમે નહીં. એટલે પોલેન્ડના અમેરિકા સ્થિર થયેલા સંશોધક આલ્બર્ટ સેબિને પોલીયોના ટીપાં શોધ્યાં, જે મોઢામાં પાણીની માફક પાડવાના જ રહેતા હતા. એ પછી તો પોલીયો રસી આપવાનું કામ અત્યંત સરળ બન્યું અને જગતભરમાં તેનો વ્યાપ થયો.
દુનિયા આજે સાવ પોલીયો મુક્ત નથી, છૂટા-છવાયા કેસ નોંધાતા રહે છે કેમ કે અમુક દેશો રસી આપતા નથી. જ્યાં આતંકી સંગઠનોનુ રાજ છે, એવા પાકિસ્તાન-અફઘાનિસ્તાનના કેટલાક પ્રાંતમાં પણ પોલીયોની રસી આપવાનું કામ મુશ્કેલ થાય છે. પરંતુ એ બધી સ્થિતિ છતાં આજે મોટા ભાગની ધરતી પોલીયો-ફ્રી છે. ભારત હજુ ૨૦૧૪માં પોલીયો-મુક્ત જાહેર થયું છે. એટલે હવે નવા કેસ નોંધાવાની શક્યતા નહિવત્ છે.
પૃથ્વી પર અનેક રોગચાળા આવ્યા અને પછી તો એ પ્રમાણે રસી શોધાતી ગઈ. કોરોનાવાઈરસની માફક અમુક રોગચાળા એવા માથાભારે પણ આવ્યા, જેની રસી શોધવામાં વિજ્ઞાાનીઓને પરસેવો વળ્યો. પરંતુ આજે ઓરી, અછબડા, ક્ષય, ઈન્ફ્લુએન્ઝા, રોટાવાઈરસ, હેપેટાઈટિસ.. વગેરે ડઝનબંધ રોગોની રસી-દવા તૈયાર થઈ છે અને જગતભરમાં વપરાય છે. રસીકરણને કારણે છેલ્લી અડધી-પોણી સદીમાં અનેક રોગચાળાએ ઊચાળા ભરી લીધા છે.
લુઈ પેશ્ચર (૧૮૨૨-૧૮૯૫)
જોનાસ સોક (૧૯૧૪-૧૯૯૫)
રસી રસીમાં શું હોય?
તેમાં સમાયેલા નિષ્ક્રિય વાઈરસ-બેક્ટેરિયા
જવાબ છે વાઈરસ કે પછી બેક્ટેરિયા! વાઈરસ કે બેક્ટેરિયાથી સુરક્ષિત રહેવા જે રસી અપાય એ વાઈરસ કે બેક્ટેરિયાની જ બનેલી દવા છે. પરંતુ એ વાઈરસ-બેક્ટેરિયાને નિષ્ક્રિય કરી દેવાયા હોય છે. શરીરમાં ઘૂસીને તોડફોડ નથી કરી શકતા, લડવૈયા બની રહે છે. જાણે કે વાઈરસ-બેક્ટેરિયાનું હૃદય પરિવર્તન કરી દીધું હોય! એ સિવાય રોગની જરૂર પ્રમાણે વિવિધ તત્વો રસીમાં ભેળવેલાં હોય છે.
સામ્રાજ્ય ખળભળાવતો રોગચાળો
રોમન સામ્રાજ્યનુ પતન થવાનું એક કારણ ત્યારે ફેલાયેલો પ્લેગ હતો. શીતળાને કારણે ઈન્કા અને આજતેક સંસ્કૃતિ નાશ પામી હતી. પ્લેગ કે શીતળા કે ગમે તે નામ આપો.. ઇતિહાસના પાંના ઉથલાવતા એક વાત તો સાબિત થાય છે કે ભલભલા ચમરબંધી સમ્રાટો અને ભલભલી સંસ્કૃતિઓનું પતન નોતરવામાં રોગચાળા કારણભૂત બન્યાં જ છે.
આખી સંસ્કૃતિ નષ્ટ ન કરી હોય અને મોટી સંખ્યામાં જાનહાની કરી હોય એવા રોગચાળા તો અનેક નોંધાયા છે. છેલ્લો ઘાતક રોગચાળો ૧૯૧૮-૨૦ દરમિયાન જોવા મળેલો સ્પેનિશ ફ્લૂ (જે પણ ચીનથી જ ફેલાયો હતો) હતો, જેણે દસેક કરોડ લોકોના જીવ લીધા હતાં.
રસી કઈ રીતે કામ કરે છે?
ઈટાલી, અમેરિકા સહિત ઘણા દેશો છે, જ્યાં નાનપણમાં રસીકરણની પ્રથા નથી. છે તો અમુક રસી પૂરતી મર્યાદિત છે. આપણે ત્યાં બાળક મોટું થાય ત્યાં ડઝનેક પ્રકારની રસી તેણે લઈ લીધી હોય છે. પાણીનાં ટીપાં જેવા દેખાતાં ટીપાનું મુલ્ય ત્યારે કદાચ ન સમજાય પરંતુ હવે કોરોના વખતે જગતને સમજાઈ રહ્યું છે.
કેમ કે એવા દેશોમાં જ મૃત્યુઆંક બેકાબૂ બન્યો છે, જ્યાં રસીકરણની પ્રથા નથી. અમેરિકાના સંશોધકોએ જ કોરોના દરમિયાન એવુ સંશોધન રજૂ કર્યું કે જ્યાં જ્યાં બીસીજીની રસી નથી અપાતી એ દેશોમાં કોરોના ફાટીને ધૂમાડે ગયો છે. બીજી તરફ કેટલાક એવા પણ દેશો છે, જ્યાં બાળકને સ્કૂલે પ્રવેશ આપતા પહેલા રસીકરણ થયું છે, એવુ પ્રમાણપત્ર રજૂ કરવું પડે છે.
રસી એ ચિંથરે ઢાક્યું રતન છે. શરીરમાં પ્રવેશેલી રસીએ રોજ રોજ ડયુટી બજાવાની હોતી નથી, ઈન ફેક્ટ અમુક રસીનો તો આખા જન્મારામાં એકેય વખત ઉપયોગ નથી. પરંતુ મોટે ભાગે રસી શરીરમાં શુષુપ્તાવસ્થામાં પડી રહે છે. શરીર પર જ્યારે કોઈ વાઈરસ કે બેક્ટેરિયા આધારીત રોગનો પ્રહાર થાય ત્યારે તેને લાગુ પડતી હોય એ રસી સક્રીય થાય છે. આ રસીનું કામ શરીરમાં પહેલેથી રહેલા એન્ટિબૉડી નામના લડવૈયાને જગાડવાનું છે.
રસી એ લડવૈયાઓને જગાડી તેમને બહારના હુમલાખોર વાઈરસ-બેક્ટેરિયા સામે લડવા મોકલી આપે છે. એ પછી શરીરની રોગપ્રતિકારક શક્તિ (એન્ટીબૉડી) અને વાઈરસ કે બેક્ટેરિયા વચ્ચે લડાઈ ચાલ્યા કરે. રસીનું કામ આ રીતે સાવ સાદું છે, અતી મહત્ત્વનું છે.
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશને પોતાની સાઈટ પર લખ્યું છે કે, 'જો રસીકરણ બંધ કરીશું તો પૃથ્વી પરથી લુપ્ત થયેલા રોગો ફરીથી માથુ ઊંચકશે.'
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32DXNR3
ConversionConversion EmoticonEmoticon