- ક્રોધ કોઈપણ સંબંધનો કચ્ચરધાણ કાઢવામાં સૌથી મોટો ભાગ ભજવે છે. તમને ક્યારેક ગુસ્સો આવે તેને સામાન્ય ગણી શકાય. પરંતુ તમને દિવસમાં દસ વાર ક્રોઢ ચડે તે સ્થિતિ લાલબત્તી ધરનારી ગણાય. જો તમે તમારા ક્રોધાવેશને કાબૂમાં ન રાખી શકો તો જીવનસાથી સાથે ઘર્ષણ પેદા થવાનું જ

ચી નમાં કોરોના વાઈરસને પગલે લાગૂ કરવામાં આવેલા લોકડાઉન પછી દંપતિઓમાં છૂટાછેડાનું પ્રમાણ મોટાપાયે વધ્યું હતું. જ્યારે યુકેમાં સેલ્ફ- આઈસોલેશનમાં રહેલા પરિવારોમાં ઘરેલૂ શોષણમાં વૃધ્ધિ જોવા મળી હતી. અહીં ઘરેલૂ હેરાનગતિના કિસ્સા બમણાં થઈ ગયા હતા. અલબત્ત, ભારત પણ લોકડાઉનની આ આડઅસરથી બચી નથી શક્યું. આ વાત ધ્યાનમાં લઈને દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને ઘરેલૂ હિંસા પર ચાંપતી નજર રાખવાના પગલાં લેવાનો આદેશ આપ્યો હતો. જોકે લાંબા દિવસો સુધી એક છત હેઠળ અવિરત એકસાથે રહેવાથી પતિ- પત્ની વચ્ચે કંકાસ જ શા માટે થાય તેના મૂળ શોધવા પણ જરૂરી છે. શક્ય છે કે દંપતિ વચ્ચે નાના મોટા મતબધે- મનભેદ હોય પણ ઘર- નોકરી- વ્યવસાયની વ્યસ્તતા વચ્ચે તે સપાટી પર ન આવ્યા હોય અને લોકડાઉન દરમિયાન મનમાં ધરબાયેલી ચીનગારી આગ બનીને ભભૂકી ઉઠી હોય. પણ અહીં પ્રશ્ન એ છે કે આ ચીનગારી પર બાઝેલી રાખને ફૂંક મારીને જવાળા પ્રગટાવવાને બદલે તેના ઉપર ટાઢું પાણી રેડીને તેને ઠારી નાખી ન શકાય? જો દંપતીઓ થોડી સમજદારીથી કામ લે તો લોકડાઉનનો સમય તેમની સમસ્યાઓને જડમૂળથી ખતમ કરવામાં પણ ખપ લાગી શકે.
મનોચિકિત્સકો કહે છે કે મતભેદો દૂર કરવામાં કે વકરાવવામાં તમે ક્યા શબ્દો પ્રયોજો અને કઈ રીતે, કેવી ઢબથી વાત કરો છો તે બહુ અગત્યનું બની જાય છે. જો તમે તમારા જીવનસાથીની વાત સાથે સંમત ન થાઓ, તેની દરેક વાતની ટીકા કરો તો તે તેના પર કરાયેલા હુમલા સમાન ગણાય. પછી તે હુમલો પતિ દ્વારા થયો હોય કે પત્ની દ્વારા. આવી સ્થિતિમાં જેના ઉપર શબ્દબાણ છોડવામાં આવ્યાં હોય તે ઘાયલ થવા સાથે પોતાના બચાવના પગલાં પણ લે તે સ્વાભાવિક છે. પરંતુ જો કોઈપણ વાત શાંતિથી અને સારા શબ્દોમાં, વિનવણીની રીતે કરવામાં આવે તો તેનું ધાર્યું પરિણામ મળી શકે.
તેઓ આ બાબતે એક સાવ સાદું અને અવારનવાર જોવા મળતું ઉદાહરણ આપતાં કહે છે કે પત્ની જ્યારે પતિના માતાપિતાની યોગ્ય રીતે કાળજી ન લે કે સંજોગવશાત્ ન લઈ શકે ત્યારે જો પતિ એમ કહે કે તું મારા માબાપને સરખી રીતે સારવતી નથી તો પત્નીને ચોક્કસ માઠું લાગશે. તે તરત જ તેના પતિને પોતે કરેલી સાસુ- સસરાની કાળજીની યાદી ગણાવવા બેસી જશે. પરંતુ જો પતિ એમ કહે કે તું મારા માતાપિતાને દિવસમાં બે-ચાર વખત પૂછતી રહે કે તેમને કાંઈ જોઈએ છે કે કેમ. જો તું તેમને માનરુપ્રવક આટલું પૂછીશ તો તેમને કાંઈ ખપતું હશે તોય તને હેરાનગતિ ન થાય એટલા ખાતર ના પાડશે અને તેમાં તારું માન પણ વધશે. બાકી ઘરના વડિલો તરીકે તેમની સઘળી જરૂરિયાતો પૂરી કરવી આપણી ફરજ છે. આપણા સંતાનોમાં પણ એ સંસ્કારોનું સિંચન આપોઆપ થશે જ તેઓ પોતાની નજરે નિહાળતા હશે.
પતિ પત્ની એકબીજાને આદર આપવાને બદલે વારંવાર એકમેકનો અનાદર કરે ત્યારે સમજી જવું કે આ સંઘ કાશીએ પહોંચશે જ નહીં, અથવા ડચકાં ખાઈને પહોંચશે. મનોચિકિત્સકો કહે છે કે સામાન્ય રીતે જોવામાં આવ્યું છે કે સ્ત્રીઓ તેમની સહેલીઓ, અડોશપડોશની મહિલાઓ કે પરિવારની અન્ય સ્ત્રીઓના પતિઓની તુલના પોતાના પતિ સાથે કરે છે અથવા ઘણાં કિસ્સામાં પત્ની પતિ કરતાં વધુ કમાવતી હોય, રૂપાળી કે સ્માર્ટ હોય ત્યારે તે પતિને વારંવાર ઉતારી પાડતી હોય છે. જેમકે તેને વારંવાર ઉતારી પાડતી હોય છે. જેમકે તેને વારંવાર એમ કહેવામાં આવે કે તમે સાવ નકામા છો, તમને કાંઈ ગતાગમ નથી, તમને કાંઈ આવડતું નથી ઈત્યાદિ. જો પત્ની પતિની નબળાઓને અવગણીને તેની આવડત પર ધ્યાન આપે, તેણે તેના માટે જે સારું કર્યું હોય તેની પ્રશંસા કરે તો તેમનો સંબંધ ચોક્કસ ટકી જાય. બાકી દરેક વ્યક્તિમાં કોઈક અવગુણ કે નબળાઈ સાથે કોઈક ગુણ અને ક્ષમતા હોવાના જ. કોઈપણ બે વ્યક્તિ એકસમાન ન હોય. તેથી પોતાના પતિની તુલના અન્ય પુરુષો સાથે કરીને હાથે કરીને પોતાના સંસારમાં પલિતો ન ચાંપવો.
દરેક પતિ-પત્ની વચ્ચે ચોક્કસ બાબતોએ દ્રષ્ટિભેદ હોવો સ્વાભાવિક છે. તમે ચોક્કસ પરિસ્થિતિનો કેવા દ્રષ્ટિકોણથી જૂઓ છો તે મહત્ત્વનું છે. પતિ- પત્નીના દ્રષ્ટિકોણ સદંતર વિરોધી હોય ત્યારે તેના ઉપર શાંતિ- સમજદારીપૂર્વક ચર્ચાવિચારણા કરવી રહી. અલબત્ત, તેના વિશે વાતચીત કરતી વખતે વાત વણસી ન પડે એ બાબતે અત્યંત સાવધાન રહેવું પડે. સચેત રહીને ચોક્કસ બાબતો પર કરેલી ચર્ચાવિચારણા સાચા દ્રષ્ટિકોણને જન્મ આપે છે. જો તમે ન ગમતી વાત મનમાં ધરબી રાખો તો તમારી વચ્ચે અંતર પેદા થાય અને ધીમે ધીમે તે ખાઈમાં પરિવર્તિત થઈ જાય. તેથી 'રોગ અને શત્રુને ઉગતાં જ ડામી દેવા સારા' ઉક્તિને અનુસરીને જ્યારે તિરાડ પડવાનો આરંભ થાય ત્યારે જ તેને પૂરી દો નહીં તો લોકડાઉન જેવા સમયમાં આ તિરાડ ઝપાટાબંધ ખાઈમાં પરિવર્તિત થઈ જશે.
ક્રોધ કોઈપણ સંબંધનો કચ્ચરધાણ કાઢવામાં સૌથી મોટો ભાગ ભજવે છે. તમને ક્યારેક ગુસ્સો આવે તેને સામાન્ય ગણી શકાય. પરંતુ તમને દિવસમાં દસ વાર ક્રોઢ ચડે તે સ્થિતિ લાલબત્તી ધરનારી ગણાય. જો તમે તમારા ક્રોધાવેશને કાબૂમાં ન રાખી શકો તો જીવનસાથી સાથે ઘર્ષણ પેદા થવાનું જ. બહેતર છે કે ગુસ્સાને અંકુશમાં રાખવાનો પ્રયાસ કરો. રોષે ભરાઓ ત્યારે સ્વયં અલગ ઓરડામાં ચાલ્યા જાઓ જેથી ટકરાવની સ્થિતિ ટળી જાય. આ સિવાય તમારા મનમગજને અન્ય દિશામાં વાળવા આનંદ મળે એવી પ્રવૃત્તિ- કામ કરવા લાગી જાઓ. ઊંડા ઊંડા શ્વાસ લો. એક ગ્લાસ ટાઢું પાણી પી લો. કોઈક કોમેડી પ્રોગ્રામ જૂઓ. ચોકલેટ ખાઓ. મિત્રો સાથે વાત કરી લો. તમારો ક્રોધાવેશ શાંત કરવાનો માર્ગ તમે જાતે જ શોધી કાઢો.
એક વર્ષમાં તમારો રોષ શમી જાય પછી શાંતિથી વિચારો કે જે વાત તમે ગુસ્સે થઈને કહી અથવા કહેવા જતા હતા તે સામી વ્યક્તિને ગમે એવા અંદાઝમાં શી રીતે કહી શકાય. ત્યારબાદ એવી જ રીતે વાત કરવાની ટેવ પાડો.
ધીમે ધીમે બધું થાળે પડી જશે. બાકી ઉશ્કેરાટ માત્ર તમારા સંબંધોને જ નહીં બહગાડે, બલ્કે તમારા સ્વાસ્થ્ય પર પણ અસર કરશે. તેની અસર તમારા સંતાનો પર પણ પડશે. એક વાત ગાંઠ બાંધી રાખો કે જ્યારે પતિ- પત્ની છૂટાં પડે છે ત્યારે તેમના સંતાનો વગર વાંકે સજા ભોગવે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fuXjl0
ConversionConversion EmoticonEmoticon