આણંદ પાલિકાની સભા ગણતરીની મિનિટોમાં આટોપાઈ : વિપક્ષે પ્રશ્નોનો મારો ચલાવ્યો


આણંદ, તા.15 જૂન 2020, સોમવાર

કોરોના વાયરસની મહામારી વચ્ચે આણંદ નગરપાલિકાની સામાન્ય સભા આજે સૌપ્રથમવાર ટાઉનહોલ ખાતે મળી હતી. જેમાં દર વખતની જેમ ગણતરીની મિનિટોમાં જ એજન્ડાના તમામ કામો શાસક પક્ષ દ્વારા મંજુર કરી સભા આટોપી લેવાઈ હતી. સામાન્ય સભા બાદ આણંદ જિલ્લામાં કોરોના વાયરસની મહામારીમાં અમૂલ્ય યોગદાન આપનાર નગરપાલિકાના કોરોના વોરીયર્સનું પાલિકા કાઉન્સીલરો દ્વારા પુષ્પવર્ષા કરી સન્માન કરવામાં આવ્યું હતું.

આણંદના ટાઉનહોલ ખાતે મળેલ નગરપાલિકાની સામાન્ય સભામાં એજન્ડાના કુલ ૯૪ કામો બહુમતીના જોરે મંજુર કરાયા હતા. જેમાં મ્યુનીસીપાલીટીના સભ્યોને પોતાના વોર્ડમાં વિકાસના કામો કરવા માટે પ્રત્યેક સભ્યદીઠ રૃા.૧ લાખની ગ્રાન્ટની ફાળવણી મુજબ કુલ્લે રૃા.૫૨ લાખની ફાળવણી કરવામાં આવી છે. આણંદ નગરપાલિકા વિસ્તારમાં તથા બાકરોલમાં આવેલ ટી.પી. રોડના જુદા-જુદા વિસ્તારમાં રોડના મરામત માટે વાર્ષિક ધોરણે પેચવર્ક કરવા માટે સરકારની ગ્રાન્ટમાંથી રૃા.૫૦ લાખ મંજુર કરવામાં આવ્યા છે. ઉપરાંત ટી.પી. સ્કીમના રસ્તાઓને ડેવલપ કરવા તથા રીસરફેસીંગ કરવાના કુલ ૧૬ કામો પૈકી ટી.પી. ૨માં રોડની સાઈડમાં જુદી-જુદી બે જગ્યાએ રબ્બર મોલ્ડ પેવીંગ બ્લોક કરવાના કામને મંજુરી અપાઈ છે. પુરસોત્તમ નગર પ્રાથમિક શાળામાં અંદાજિત રૃા.૨,૯૪,૨૦૦ના ખર્ચે રબ્બર મોલ્ડ પેવીંગ  બ્લોક કરવાના કામને મંજુરી અપાઈ છે. આ ઉપરાંત આણંદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રબ્બર મોલ્ડ પેવીંગ બ્લોક કરવાના કામો મંજુર કરાયા છે. નગરપાલિકા કમ્પાઉન્ડની પાછળના ભાગે આવેલ દુકાનોવાળી મિલ્કતો જર્જરીત હોવાથી આ બિલ્ડીંગને તોડી નવેસરથી બિલ્ડીંગ બનાવવાની કામગીરી માટે રૃા.૮૦ લાખ મંજુર કરાયા છે. આણંદ શહેરમાં આવેલ ટી.પી. ૨ ફાઈનલ પ્લોટ નં.૫૪૩ના વિસ્તારમાં પાણીનું પ્રેશર ધીમું આવતુ હોવાથી આ વિસ્તારમાં અંદાજિત રૃા.૧૭,૦૨,૭૮૧ના ખર્ચે નવીન બોર બનાવવાનું કામ તેમજ શહેરના જુદા જુદા વિસ્તારમાં રૃા.૨૦ લાખના ખર્ચે નવીન બોર બનાવવાની કામગીરી મંજુર કરાઈ છે. સરદારબાગ ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનમાં સબમર્શીબલ પમ્પ જુના થઈ ગયેલ હોઈ નવા ખરીદી અર્થે રૃા.૧૫ લાખ મંજુર કરાય છે. આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં રબ્બર પેવીંગ બ્લોક તથા આરસીસી રોડ તેમજ કમ્પાઉન્ડ વોલ બનાવવા સહિતના વિકાસના કામો બહુમતીના જોરે મંજુર કરવામાં આવ્યા હતા. શહેરમાં આવેલ નહેરુ બાગ, શાસ્ત્રી બાગ, સરદાર બાગ સહિતના વિવિધ બાગની નિભાવણી અંગેની કામગીરીની મુદ્દત પૂર્ણ થતા ચાલુ વર્ષે વાર્ષિક કોન્ટ્રાક્ટથી નિભામણી કરવાના કામને મંજુરી અપાઈ છે. ચોમાસા દરમ્યાન શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા હોઈ વરસાદી પાણીના નિકાલના કામોની પણ મંજુરી અપાઈ છે. જો કે વિરોધ પક્ષ દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં ગટર યોજના અંતર્ગત કરાયેલ ખોદકામથી આ વિસ્તારના માર્ગો ઉબડખાબડ થઈ ગયા હોઈ આ વિસ્તારના માર્ગોનું સમારકામ કરવા લેખિત રજૂઆત કરાઈ છે. સાથે સાથે કોરોના વાયરસની મહામારીને લઈ લોકડાઉન જાહેર થતા વેપાર-ધંધા અને રોજગાર ઉપર પડેલ વિપરીત અસરોને ખાળવા માટે વિવિધ આર્થિક રાહતો આપવા ભલામણ કરતુ આવેદનપત્ર પણ પાલિકાના ચીફ ઓફિસરને અપાયું હતું.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fuKRlg
Previous
Next Post »