કોઇ અજવાળું હવે આંજે નહીં બળતા ઘરની રોશની જોઇ છે મેં


 
સંવેદનાના સૂર - નસીર ઈસમાઈલી

પરવેઝ! તમારી અને શિખાની આ વાત શાયદ એવી વાત છે કે એ, મને કહેતાં નહીં ફાવે, યા તો એ અમુક રીતે જ કહેવી પડશે, જેથી તમને બંનેને એકી સાથે કોમ્યુનિકેટ કરી શકાય. કેમકે આ વાત સિર્ફ તમારા બંનેની જ નથી...

..... આસમાન ધૂઆં ધૂઆં હતું. સુરજ ડુબી ચુક્યો હતો, પણ સંધ્યાની લાલિમા હજી રાતની કાલિમામાં ફેરવાઇ નહોતી. મોસમમાં એક બફારાભરી ગરમાશ હતી, ને બ્રિજની ફુટપાથ પર પૂરા થઇ ચૂકેલા વર્કીગ ડેનો 'રશ' હવે ઓછો થતો જતો હતો. નદીનો ક્ષીણ પ્રવાહ અને વિશાળ સૂક્કો રેતપટ, ઊતરી રહેલા અંધારાની કાળાશમાં એકબીજામાં ઓગળી રહ્યા હતાં. બ્રીજની પથ્થરી દિવાલ પર પગ ટેકવી તમે સિગરેટ જલાવી પરવેઝ, ને ચુમ્માલીસના ચૌરાહે ઊભેલા તમારા દમામદાર ચહેરાએ નદીની કાળી રેત સામે જોઇને થોડું હસી લીધું. જ્યારે જ્યારે તમે આ નહેરૂબ્રિજ પરથી પસાર થતાં પરવેઝ, ત્યારે ત્યારે તમે આ જમણી બાજુની ફૂટપાથ પર જ ચાલવું પસંદ કરતા. બ્રિજ પર ચાલતાં જતાં ચોથી બત્તીના થાંભલા પાસે આવતાં ઘણીવાર ત્યાં રોકાઇ જઇને એક સિગરેટ પી લેવાની તલપ તમારામાં તીવ્રતાથી જામી જતી ને સિગરેટના દરેક કશ સાથે જિંદગી વીસ-બાવીસ વર્ષ પાછળ સરકી જતી.. આજે પણ એમ જ થયું છે....

... તમે અને શિખા ત્યારે સાંજે ટેનિસ રમીને થાક્યા પછી, હાંફતા હાંફતા, ગરદન પરથી પસીનો લૂંછતા આ જ થાંભલા પાસે આવીને ઊભા રહી જતાં શિખા. ને એ તમારા ઊંચા છરહરા ચુસ્ત શરીરને અને જવાન લાલઘુમ ચહેરાની ચૌડી પેશાની પર ઊતરી આવીને હવામાં ફરકતી સૂક્કી ભૂરી જાૂલ્ફ- લટને આંખમાં અમીભરી જોયા કરતી. અને શિખાનો હાંફતા ગૌરાંગી બદનના આરોહ- અવરોહને અને અંગૂરી આંખો મઢ્યા ખુબસુરત ગૌર ચહેરાને તરસી આંખો વડે પીતાં રહેતાં.

તમને યાદ છે પરવેઝ કે, પેલી ભીની સાંજે મેહૂલો મન મૂકીને વરસ્યો હતો, અને તમે તથા શિખા કોલેજથી છુટીને વરસતા વરસાદમાં પલળતાં, પૂર જોવા બ્રિજ પરના આ ચોથા થાંભલે આવી ઊભેલાં. અભિસારે જઇ રહેલી મત્ત યૌવનાની જેમ નદી બેઉ કાંઠે અલ્લડતાથી વહેતી હતી ને એ જોઇ મોસમની મસ્તી છલકતાં નશાદાર સ્વરે તમે ભિંજાયેલી શિખાને કહેલું પરવેઝ,

''આપણી મહોબ્બતની જેમ આ નદી પણ બેઉ કાંઠે ઘુઘવી ને વહી રહી છે નહીં શિખા?'' અને શિખાએ કહેલું,

''હા પરવેઝ! પણ ઊનાળામાં જ્યારે આ જ નદી સુક્કા રેતપટમાં ફેરવાઇ જાય છે ત્યારે, એ જોઇને કોઇ ન કહી શકે કે આ નદી ક્યારેક આમ બેઉ કાંઠે છલકતી વહેતી હતી.''

.... અને એવું જ બન્યું હતું. સામાજિક પરિસ્થિતિઓ અને કટ્ટરતાઓનો અગનઝાળ સૂર્ય તમારા બેઉની જિંદગીના નદીના પ્રેમ-વારિને શોષી ગયો હતો. તમે અને શિખા હિંમતવાન કરતાં સમજદાર અને જવાબદારીઓના ભાનવાળા વિશેષ હતા. અને એકબીજાના પ્યારની અસીમ મીઠાશને હૈયામાં ભરી રાખી તમે બંને આ જ ચોથા લેમ્પ-પોસ્ટ પાસેથી હંમેશ માટે છુટાં પડયા હતા. શિખા યતીન સાથે પરણીને દૂરના એક શહેરમાં ચાલી ગઇ હતી ને અસમા સાથેનો તમારો સંસાર આજે લગ્નની રજત-જયંતીની દિશામાં જઇ રહ્યો છે પરવેઝ.

....બ્રિજના થાંભલાઓ પરની સોડિયમ લાઇટો જલી ઊઠીને બ્રિજની ફુટપાથની ચોકડીદાર ફર્શ પર બુટ વડે સિગરેટ બુઝાવી, તમે ઘરની દિશા તરફ ચાલવા ચહેરો ઘુમાવ્યો પરવેઝ. પણ આ શુ? જે નજરને દેખાઇ રહ્યું હતું, એ માનવા તમારી આંખો તૈયાર ન હતી પરવેઝ. સામેથી સોડિયમ લાઇટોના પીળા પ્રકાશમાં નહાતી આવી રહેલી આકૃતિ શિખાની લાગતી હતી. ના! એ શિખા જ હતી. સ્લીમમાંથી બકસમ થઇ ચુકેલી. માથા પર સફેદી આવવાની શરૂઆત થઇ ચુકેલી, છતાં એવી જ તાજગીભરી ને પ્રફૂલ્લ - વદના શિખાની આકૃતિ નજીક આવતાં આંખો હસી ઊઠીને હોઠ મહોરી ઊઠયાં.

''અરે શિખા તું? ક્યારે આવી તું આ શહેરમાં પાછી? આપણે છુટાં પડયા પછી આજે તેવીસ વર્ષે તારા દર્શન થયાં.''

''બે દિવસ થયાં આવ્યે. ખાનપુર એક મેરેજમાં આવી છું. તારા ઘેર આવવાની હિંમત ન ચાલી, એટલે ફૂરસદ મળતાં સાંજે અહીં લટાર મારવા નીકળી આવી. કદાચ તારો ભેટો અહીં થઇ જાય એ આશા પણ હતી ઊંડે ઊંડે, જે ફળી. કેટલો જાડો થઇ ગયો છે તું? ખૂબ સુખી થઇ ગયો લાગે છે મારાથી છુટા પડયા પછી?''

''અને તું જાડી અને બુઢ્ઢી બંને થઇ ગઇ છે શિખા! પણ તારા ચહેરા પર ઝગારા મારતું આ તેજ અને તારા આ ઝાકઝમાળ કિંમતી વસ્ત્રો ચાડી ખાય છે કે તું પણ દુઃખી તો 

નથી જ.''

ચાર ચરણોએ સાથે ચાલતાં બ્રિજનું પુરું થવું. બ્રિજ- ઢલાનના કોર્નર પર આવેલા ઓપન ગાર્ડન રેસ્ટોરાંની, ઝાંખો ઉજાસ નીતરતી લોનમાં ટેબલની સામ સામી ઘાટે ગોઠવાયેલી નેતરની ચેર્સમાંથી કોફી સીપ કરવા ઝુકતાં ચાર પ્રૌઢ સમજદાર હોઠોનો સંવાદ...

''.... સાચી વાત છે પરવેઝ. સુખી થવાનું નથી. સુખને ફાંફા મારીને આપણી રીતે ખોળી લેવું પડે છે. શરૂમાં હું યતીન સાથે એડજસ્ટ નહોતી થઇ શકતી ને તું તીવ્રતાથી યાદ આવી જતો. પણ એવે વખતે યતીન સાથેની નિકટતાની ઉત્કટ ક્ષણોમાં હું આંખો મીંચી દેતી, ને મનોમન અહેસાસ કરતી કે હું યતીન સાથે નહીં પણ તારી સાથે જ છું. અને તારી તીવ્ર યાદની એ વિષાદી ક્ષણો તારા સાનિધ્ય- સુખથી છલકાઇ જતી પરવેઝ. જેમ એ રિયાઝ વધતો ગયો તેમ તેમ સમયની દરેક દરેક લકીર સાથે તારો ચહેરો યતીનના ચહેરામાં ઓગળતો ચાલ્યો પરવેઝ, ને સાચું કહું પરવેઝ હવે તો તું ભાગ્યે જ યાદ આવે છે મને. હા એકલતાની કોઇ ક્ષણોમાં યા હાથમાં ટેનિસ રમવા જતા મારા યુવાન પુત્રને જોઉં છું ત્યારે તું ક્યારેક એક અસીમ શૂન્યાવકાશ બની તીવ્રતાથી મને વીંટળાઇ વળે છે ને એ ખાલિપાથી હું છળી ઊઠું છું પરવેઝ.

''તારી ઓનેસ્ટી મને ગમી શિખા. પણ એમ નાસી છુટવાથી એ ખાલિપો પુરાય છે ખરો? તારી જેમ હું પણ તારા ચહેરાને તારા શરીરને આંખો મીંચીને અસમામાં ઓગાળતાં ઓગાળતાં તને લગભગ ભુલી જ ગયો છું. અસમાથી હું દુઃખી નથી. પણ દુઃખના અભાવને જ સુખ કહેવાય ખરું શિખા?''

બસ પરવેઝ! તમારા અને શિખાના આગળના સંવાદને મારે અહીં નથી આલેખવો. મારે માત્ર એટલું જકહેવું છે કે સિર્ફ તમે જ એવાં નથી, જેને નિયતીની આ અદ્રશ્ય સાંકળમાં માત્ર સંકળાવું પડયું હોય. જેમ અસમા તમારા શિખા સાથેના પ્યારથી અનજાન છે, તેમ તમે પણ નથી જાણતા પરવેઝ, કે અસમા તમારી સાથેની શાદી પહેલાં શૈલ નામના એક પંજાબી યુવાનના પ્યારમાં ગળાડુબ હતી ને એ જીવનભર શૈલના ચહેરાને તમારામાં ઓગાળતી રહી છે. વાસ્તવમાં તમે અને અસમા ક્યારેય શારીરિક યા માનસિક ભુમિકાએ મળ્યા જ નથી. એકબીજાથી તદ્દન અનજાન એવા શૈલ અને શિખા જ એ નિકટતાની ભુમિકાએ મળતાં રહ્યાં છે. એવું જ યતીનનું પણ છે. શિખા સાથેના લગ્નપૂર્વે એ સલમા નામની યુવતીને ચાહતો હતો, અને શિખામાં એ હંમેશાં સલમાને ઓગાળતો રહ્યો છે.

એટલે મુળગત રીતે સવાલ માત્ર એ છે પરવેઝ- શિખા કે સમાજના જડ ચોકઠાને મજબુતાઇથી બાંધી રાખતી નિયતિની આ અદ્રશ્ય જંજીરના અંકોડાઓનો કોઇ છેડો હશે ખરો? કે પછી જેનો કોઇ છેડો જ નથી, એવા સંબંધોના આડા અવળાં અંકોડાઓની રૂઢિ- સાંકળને તોડવાની આપણી અશક્તિ અને બેબસીને જ નિયતિ નામ આપી, આપણે સમાજની રણરેતમાં આપણાં શાહમૃગી શિરને ઝુકાવીને છુપાવી લીધાં છે...?

(શીર્ષક સંવેદના - બાલુભાઇ પટેલઃ વડોદરા)



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dUQmsH
Previous
Next Post »